દસ રૂપિયામાં ગુજરાતી થાળીના નામે સોશિયલ મીડિયામાં કરોડો રૂપિયાનું કૌભાંડ

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"લૉકડાઉનમાં અમે સોશિયલ મીડિયાનો બહુ ઉપયોગ કરતા હતા. એ વખતે ધ્યાનમાં આવ્યું કે એક જાણીતી ગુજરાતી રેસ્ટેરાં એકદમ સસ્તામાં ગુજરાતી થાળી આપતી હતી. બુકિંગના નજીવા પૈસા લઈને બાકીના પૈસા હોમ ડિલિવરી વખતે આપવાના હતા. અમે ઑનલાઇન પૈસા આપ્યા અને થોડી વારમાં મારા ખાતામાંથી હજારો રૂપિયા ઊપડી ગયા."

સસ્તું ગુજરાતી ખાવાની લહાયમાં લુટાયેલા કલ્પેશ પંડ્યાએ ઉપરોક્ત શબ્દોમાં પોતાની આપવીતી કહી.

કલ્પેશ પંડ્યાએ કોરોનાના સમયમાં લાગુ કરાયેલા લૉકડાઉનમાં ઑનલાઇન ઑર્ડર કર્યો હતો અને છેતરપિંડીનો ભોગ બન્યા હતા.

તેમણે કહ્યું કે લૉકડાઉન દરમિયાન તેઓ ઘરે પૂરાયેલા રહેતા હતા. શાકભાજીથી માંડીને તમામ વસ્તુનું રૅશનિંગ હતું અને મોટા ભાગનો સમય તેઓ સોશિયલ મીડિયા પર કાઢતા હતા.

તેઓ કહે છે, "એવામાં મારી નજર એક દિવસ સોશિયલ મીડિયામાં આવેલી એક જાહેરાત પર પડી."

"જાણીતી ગુજરાતી રેસ્ટોરાંની બે થાળી 100 રૂપિયામાં આપવાની ઑફર હતી. એમાં આપેલા નંબર પર મેં ફોન કર્યો તો મને કહ્યું કે લોકડાઉન છે એટલે 100 રૂપિયામાં બે થાળી આપીશું."

ઓટીપી આપ્યો ને ખાતામાંથી પૈસા ગાયબ

કલ્પેશ પંડ્યા કેવી રીતે ઑનલાઇન ચીટિંગનો ભોગ બન્યા એની વિસ્તારથી વાત કરે છે.

તેઓ કહે છે, "ઑફર અનુસાર બુકિંગના માત્ર 10 રૂપિયા આપવાના અને ઘરે ફૂડની ડિલિવરી થાય એટલે બાકીના પૈસા આપવાના રહેશે."

"મને થયું કે ઑફર વાજબી છે એટલે મેં ઑનલાઇન 10 રૂપિયાનું પૅમેન્ટ કર્યું. એની સાથે જ એક ઓ.ટી.પી. આવ્યો અને સામેથી ફોન આવ્યો કે સાંજે 6.30 વાગ્યે ફૂડ ડિલિવરી મળશે. ઍડ્રેસ લખવો અને બુકિંગ ઓટીપી આપો."

"મેં ઓટીપી નંબર આપ્યો અને કલાકમાં મારા ખાતામાંથી 18,000 રૂપિયા ઊપડી ગયા. સાંજે ફૂડ તો આવ્યું જ નહીં."

"આમ સસ્તું ખાવાનું મેળવવાની લહાયમાં મેં 18000 ગુમાવી દીધા."

કલ્પેશ પંડ્યાનું કહેવા અનુસાર, તેઓએ હોટલના મલિકનો નંબર શોધીને એમને ફોન કર્યો તો એમણે કહ્યું કે આવી કોઈ સ્કીમ જ નથી અને હોટલ લૉકડાઉનને કારણે બંધ છે.

બીબીસીએ મોરબીમાં રહેતા અને જાણીતી ગુજરાતી હોટલના માલિક ગોપાલ ઠાકરનો સંપર્ક કર્યો.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે "લૉકડાઉનમાં કોઈએ અમારી હોટલના નામનું એક સોશિયલ મીડિયા પર પેજ બનાવ્યું હતું. અમારી મોરબી, રાજકોટ, અમદાવાદ સહિત ગુજરાતમાં ઘણી શાખાઓ છે."

"અમે એક ગુજરાતી થાળી 280 રૂપિયામાં વેચીએ છીએ અને આ પેજ પર 100 રૂપિયામાં બે થાળી આપવાની વાત હતી."

"એમાં બુકિંગ પેટે માત્ર 10 રૂપિયા આપવાના અને બાકીના પૈસા હોમ ડિલિવરી વખતે આપવાના હતા. એટલે ઘણા લોકો એમાં લલચાઈ ગયા."

ગોપાલ ઠાકર કહે છે કે તેમની હોટલનું નામ મોટું એટલે લોકો પૈસા આપતા હતા.

આરોપીઓ આવા લોકો પાસેથી ઓટીપી મેળવીને એમના ખાતામાંથી પૈસા પડાવી લેતા હતા.

આ કૌભાંડમાં કોઈના ખાતામાંથી પાંચ હજાર ગયા તો કોઈના ખાતામાંથી 25 હજાર જેટલા રૂપિયા પણ ગયા.

'કરોડોનું ફુલેકું ફેરવી નાખ્યું'

ગોપાલ ઠાકર કહે છે કે તેમના ગ્રાહકોના ફોન આવ્યા એટલે તેઓએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી અને સાયબર ક્રાઇમે એ સોશિયલ મીડિયાની સાઈટ પરથી જાહેરાત બંધ કરાવી દીધી છે.

તેઓ વધુમાં કહે છે, "અમને એમ કે હવે મામલો પતી ગયો છે. જોકે વાત આટલેથી પતી નથી. થોડા સમયમાં એમણે અમારી હોટલ ઠાકરશીના નામે વેબસાઇટ બનાવીને ફરી લોકોને છેતરવાનું શરૂ કર્યું છે."

"અમારા ગ્રાહકોના અમારી પર ફોન આવે છે કે જમવાનું તો ના મળ્યું પણ અમારાં ખાતાંમાંથી પૈસા ઊપડી ગયા. અમે મૂંઝાયા છીએ. અમે રાજકોટ સાયબર ક્રાઇમમાં ફરી ફરિયાદ કરી છે અને આ વેબસાઈટ બંધ કરવા કહ્યું છે."

તેઓ છેતરપિંડી થયેલા આંકડાની વાત કરતાં કહે છે, "ગુજરાતની અલગઅલગ બ્રાન્ચના નામે આદરાયેલા આ કૌભાંડનો આંકડો જ અંદાજે બેથી અઢી કરોડનો થતો હશે."

"કારણ કે સંખ્યાબંધ ગ્રાહકોના 5થી 25 હજાર સુધીના પૈસા ગણીએ તો અમારી પાસે 9 હજાર જેટલા ગ્રાહકોની અલગઅલગ શહેરમાંથી ફરિયાદ આવી છે અને જેણે ફરિયાદ નથી કરી એ લોકો જુદા. એટલે અમારી હોટલના નામે કરોડોનું ફુલેકું ફેરવાઈ ગયું છે."

રાજકોટ સાયબર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી. કટારિયા કહે છે :

"આ મામલે હોટલના નામનું ડોમિન રજિસ્ટર કરાવી એક વેબસાઇટ બનાવાઈ હતી અને ફરીથી છેતરપિંડી ચાલુ કરાઈ."

"વેબસાઇટમાં હોટલની દરેક બ્રાન્ચનાં સરનામાં હતાં. હોટલની અંદરની તસવીરો હતી. થાળીની તસવીરો મુખ્ય હતી. ફરી છેતરપિંડી શરૂ કરાઈ એવી બીજી ફરિયાદો અમને મળી એટલે અમે એની તપાસ કરી રહ્યા છીએ."

ઝારખંડના જામતાડા સુધી પગેરું?

પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી. કટારિયા જણાવે છે કે તેમને આ મામલે ફરિયાદ મળી હતી એટલે તેમણે સોશિયલ મીડિયાની સાઇટ પરથી હોટલના નામનું પેજ દૂર કરાવી દીધું હતું.

તેઓ કહે છે "એનો રિપોર્ટ કરી આઈ.પી. એડ્રેસથી તપાસ કરી તો ઝારખંડના જામતાડા વિસ્તારની આસપાસનું દેખાયું હતું. પણ સોશિયલ મીડિયાની સાઇટ પરથી એ પેજ બ્લૉક થયા પછી હોટલના માલિકોને શાંતિ હતી કે છેતરપિંડી બંધ થઈ છે. "

"અમે પણ આગળ તપાસ કરતા હતા ત્યાં આ સાયબર ચાંચિયાઓએ નવો કીમિયો અપનાવ્યો."

પોલીસ કહે છે કે આ વખતે એ લોકો કોઈના વી.પી.એન. એડ્રેસમાં જઈ સર્વર જમ્પ કરી મલેશિયાના સર્વર પરથી વેબસાઇટ ચલાવી રહ્યા છે.

જે. બી. કટારિયા કહે છે, "અમે તપાસમાં 50% સુધી પગેરું શોધવામાં સફળ રહ્યા છીએ. અત્યારે તપાસ ચાલુ હોવાથી હું વધુ માહિતી નહીં આપી શકું, પણ જેના નામે આ હોટલનું ડોમિન નેમ રજિસ્ટર થયું છે ત્યાં સુધી અમે પહોંચી ગયા છીએ એટલે ટૂંક સમયમાં સાયબર ક્રાઇમના આ ભેજાબાજ ચાંચિયો સુધી પહોંચી જઈશું."

તેઓ કહે છે કે "અમને જે ગ્રાહકોની ઑડિયો ક્લિપ મળી છે એના પરથી લોકોને છેતરવાનો આબાદ કીમિયો ગોઠવાયો હતો."

"ગુજરાતી લોકોના ખાવાના શોખને જાણીને તેમણે આ કીમિયો અજમાવ્યો અને ગુજરાતી થાળીમાં કેટલી વાનગીઓ કેવી રીતે મળશે એની બખૂબી વાત કરીને લોકોને છેતર્યા. અમે તપાસમાં અડધે રસ્તે પહોંચી ગયા છીએ. ટૂંક સમયમાં આરોપીને પકડી પાડીશું."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો