પાકિસ્તાન હવે સાઉદી અરેબિયા સાથે દુશ્મની કરી રહ્યું છે?

    • લેેખક, તારેન્દ્ર કિશોર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગત દિવસોમાં પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઇસ્લામિક દેશોના સંગઠન 'ઑર્ગેનાઈઝેશન ઑફ ઇસ્લામિક ઑપરેશન' (ઓઆઈસી)માં પોતાની સાથે ઉભા નહીં રહેવા બદલ સાઉદી અરેબિયાની સાર્વજનિક રીતે ટીકા કરી હતી

એક ટીવી શો દરમિયાન મહમૂદ કુરેશીએ કહ્યું હતું, "હું એકવાર ફરી વિનમ્રતાપૂર્વક ઓઆઈસીના વિદેશમંત્રીઓની કાઉન્સિલની બેઠક બોલાવવાની વિનંતિ કરું છું. જો તમે તેને યોજતા નથી તો હું વડા પ્રધાન ઈમરાન ખાનને એવા ઇસ્લામિક દેશોની બેઠક બોલાવવાનું કહેવા માટે વિવશ થઈ જઈશ, જે કાશ્મીરના મુદ્દે અમારી સાથે છે અને ઉત્પીડનનો ભોગ બની રહેલા કાશ્મીરીઓનું સમર્થન કરે છે."

નોંધનીય છે કે સાઉદી અરેબિયાએ કાશ્મીરમાંથી ધારા 370 હઠાવવાને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો છે.

જોકે, જૂન મહિનામાં ઓ.આઈ.સીના કૉન્ટેક્ટ ગ્રૂપના વિદેશમંત્રીઓની કટોકટી સમયની બેઠકમાં 5 ઑગસ્ટ 2019 પછી ભારતના વહીવટ હેઠળના જમ્મુ-કાશ્મીરમાં માનવઅધિકારની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરાઈ હતી.

બેઠકમાં એમ પણ કહેવાયું હતું કે ભારત સરકાર તરફથી 5 ઑગસ્ટ 2019ના દિવસે જમ્મુ-કાશ્મીર મામલે જે નિર્ણય કરવામાં આવ્યો અને નવા ડૉમિસાઇલ નિયમ લાગુ કરાયા તે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષાપરિષદના પ્રસ્તાવ અને આંતરરાષ્ટ્રીય કાયદો (જેમાં ચોથું જીનીવા કન્વૅન્શન પણ શામેલ છે) તેનું ઉલ્લંઘન છે. સાથે જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષાપરિષદના પ્રસ્તાવને માનવાની ભારતની પ્રતિબદ્ધતાનું પણ ઉલ્લંઘન છે.

ઓઆઈસીમાં મુખ્ય રીતે સાઉદી અરેબિયાનો જ પ્રભાવ છે.

પાકિસ્તાનની ટીકાત્મક ટિપ્પણી પછી સાઉદી અરેબિયાએ એને 1 બિલિયન ડૉલરનું દેવું ચૂકવી દેવા કહ્યું છે.

વર્ષ 2018માં સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ૩.૨ બિલિયન ડૉલરનું ધિરાણ આપ્યું હતું. દેવું ન ચૂકવી શકવાને કારણે સાઉદી અરેબિયાએ મે મહિનાથી જ પાકિસ્તાનને ક્રૂડઑઇલ આપવાનું બંધ કરી દીધું છે.

પાકિસ્તાનના મીડિયામાં પણ મહમૂદ કુરેશીના નિવેદનની ટીકા થઈ રહી છે કારણ કે એનાથી પાકિસ્તાન ઉપર દેવું ચૂકવવાનું દબાણ વધી ગયું છે.

નિષ્ણાતો આને પાકિસ્તાનને લઈને સાઉદી અરેબિયાના વલણમાં આવેલા મોટા પરિવર્તનની તરીકે જોઈ રહ્યા છે.

બદલાતાં સમીકરણો

પાકિસ્તાનને લઈને સાઉદી અરેબિયાના વલણમાં આવેલા આ પરિવર્તન વિશે જેએનયુમાં 'દક્ષિણ એશિયા અધ્યયન કેન્દ્ર'ના પ્રોફેસર સંજય ભારદ્વાજ કહે છે, "આને વૈશ્વિક સ્તર પર થઈ રહેલા પરિવર્તનની દ્રષ્ટિએ જોવું પડશે. આ એશિયાઈ દેશો વચ્ચે બદલાઈ રહેલા સમીકરણોને કારણે છે. અમેરિકા અને ચીન એશિયાઈ દેશોમાં પોતાનાં અલગ-અલગ સમીકરણો બનાવી રહ્યાં છે."

"સાઉદી અરેબિયા પરંપરાગતરૂપથી અમેરિકાનું સહયોગી રહ્યું છે અને સાઉદી અરેબિયાનો ઇસ્લામી દુનિયામાં એક પ્રકારે દબદબો છે. હવે આ સમયે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે એક નવા શીતયુદ્ધની સ્થિતિ બની છે ત્યારે ચીન પોતાનો પગપેસારો એશિયાઈ દેશોમાં કરવાના પ્રયત્નોમાં લાગ્યું છે અને તેને માટે નવાં સમીકરણો બનાવી રહ્યું છે."

તેઓ આગળ જણાવે છે, "ચીન ઈરાન સાથે એક મોટી ડીલ કરવા જઈ રહ્યું છે. પાકિસ્તાનમાં પણ ચીનનું મોટું રોકાણ ગ્વાદર બંદર અને ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉર (CPEC)ના રૂપમાં થઈ રહ્યું છે. આ રીતે પાકિસ્તાન અને ઈરાન બંને ચીનની નિકટ થઈ રહ્યાં છે, પછી ભલેને એ બાબત રોકાણ કે ભૂ-રાજનૈતિક સંબંધોની જ કેમ ન હોય."

"હકીકતમાં ચીન ઇસ્લામી દુનિયામાં સાઉદી અરેબિયાનો વિકલ્પ ઊભો કરવા માગે છે અને એટલા માટે તે ઈરાન, મલેશિયા અને પાકિસ્તાન જેવા દેશો તરફ જોઈ રહ્યું છે. મલેશિયામાં એક મોટું ઇસ્લામી શિખર સંમેલન પણ યોજાયું છે. જેમાં પાકિસ્તાન અને ઈરાને આગળ વધીને ભાગ લીધો હતો અને એમાં સાઉદી અરેબિયા હાજર નહોતું."

આ ઉપરાંત પાકિસ્તાન સરકારે 2018માં ચીન સાથે વર્ષ 2013માં થયેલી લગભગ 50 અબજ ડૉલરની આર્થિક સમજૂતી (CPEC)માં સાઉદી અરેબિયાને સામેલ કરવાની ઘોષણા કરી હતી. આ મુદ્દા ઉપર ઈમરાન સરકારે વિપક્ષી દળોની ટીકાનો સામનો પણ કરવો પડ્યો હતો.

પરંતુ પછી પાકિસ્તાનની સરકારે પોતાના નિર્ણયમાં યુ-ટર્ન લેતા સ્પષ્ટીકરણ આપ્યું હતું કે CPEC દ્વિપક્ષીય સમજૂતી જ રહેશે.

ગત અનેક વર્ષોમાં ખાડી દેશો વિશેષ કરીને સાઉદી અરેબિયા સાથે ભારતની નિકટતા વધી છે. ભારત, સંયુક્ત અરબ અમીરાત અને સાઉદી અરેબિયા વચ્ચે આર્થિક સંબંધો ઉપરાંત હવે સુરક્ષાનીતિને લઈને પણ સંબંધો ગાઠ થઈ રહ્યા છે.

ઈરાન પણ એક મુદ્દો

પ્રોફેસર સંજય ભારદ્વાજ જણાવે છે, "આ બદલાતાં સમીકરણોમાં ભારત, અમેરિકા અને સંયુક્ત આરબ અમીરાત સ્વભાવિક ભાગીદાર બની રહ્યા છે. સાઉદી અરેબિયા અને ઈરાન ક્યારેય સાથે આવી ન શકે અને સાઉદી અરેબિયાની અમેરિકાથી નિકટતા હોવાને કારણે તે ભારતની પણ નજીક આવી રહ્યું છે. હકીકતમાં બદલાતાં સમીકરણો વૈશ્વિક સ્તર પર થઈ રહેલાં પરિવર્તનનું પરિણામ છે.'

પરંતુ ચીન પાકિસ્તાન અને ઈરાન સાથે વધતી નિકટતાને કારણે અખાતના દેશોનાં બજારમાં પોતાનાં હિતો સાથે સમજુતી કરવા તૈયાર છે?

પ્રોફેસર સંજય ભારદ્વાજ જણાવે છે કે ચીન નિશ્ચિતપણે અખાતના દેશોનાં બજારમાં પોતાની સંભાવનાઓ તપાસવામાં લાગ્યું છે. પરંતુ જ્યાં સુધી ભૂ-રણનૈતિક સવાલ છે તો ઈરાન અને પાકિસ્તાન એને માટે સાઉદી અરેબિયાથી વધુ મહત્વપૂર્ણ છે.

ચીન સાઉદી અરેબિયાને અમેરિકાના પ્રભાવમાંથી થોડું બહાર લાવવા માગે છે પરંતુ તે એ પાકિસ્તાન અને ઈરાનની કિંમત પર ક્યારેય કરવા માગતું નથી. આ ઉપરાંત ચીન પાકિસ્તાન અને બાંગ્લાદેશને સાથે લાવવાના પ્રયત્નમાં જોતરાયું છે.

બીબીસી ઉર્દૂના વરિષ્ઠ પત્રકાર સકલૈન ઇમામ આ મુદ્દાને ફક્ત એશિયામાં અમેરિકા અને ચીનના બદલાતાં સમીકરણોના સંદર્ભમાં જ નથી જોતા અને ન તો એમ માને છે કે સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે કોઈ દુશ્મનાવટ વાળા સંબંધોની શરૂઆત થઈ ગઈ છે.

જોકે, તેઓ હાલ બંને દેશો વચ્ચે તણાવ હોવાની વાત ચોક્કસ માને છે.

વર્તમાન સમીકરણોમાં જે પરિવર્તન થઈ રહ્યાં છે તેમાં તેઓ ઇઝરાયલ અને ઈરાનની ભૂમિકા પણ જોવાઈ રહી છે.

તેઓ કહે છે, "પહેલીવાર સાઉદી અરેબિયામાં એક એવા કિંગ બનનારા છે જેવો લાંબા સમય સુધી રહેવાના છે."

અમેરિકા આ સંદર્ભે આ બદલાવને જોતાં ભવિષ્યના હિસાબે પોતાની રણનીતિ નક્કી કરી રહ્યું છે. બીજી તરફ કિંગને સ્થાનિક સમર્થનની સાથોસાથ વિદેશી સમર્થનની પણ હંમેશાં જરૂર પડે છે. કારણ કે કબાયલી સમાજમાં સ્થાનિક સ્તરે વિદ્રોહનો ખતરો બનેલો રહે છે અને એટલા માટે વિદેશી શક્તિના સમર્થનની જરૂરિયાત રહે છે.

અમેરિકા અત્યારે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું સમર્થન કરી રહ્યું છે તેમ છતાં એનામાં ભવિષ્ય માટે અસુરક્ષાની ભાવના બનેલી છે. તે મુખ્ય રીતે ઈઝરાયલ અને ઈરાનને કારણે છે.

ચીન અને ઈઝરાયલની ભૂમિકા

તેઓ આગળ જણાવે છે, "આ જેટલા પણ દેશોના પારસ્પરિક સંબંધના સમીકરણમાં પરિવર્તન થઈ રહ્યાં છે એના પાછળ ઇઝરાયલ અને ઈરાન છે. અમેરિકા અને ચીન એની પાછળ છે. આ બધામાં જે સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક ભૂમિકા નિભાવી રહયું છે તો એ ઇઝરાયલ છે."

"આ જ કારણ છે કે મોહમ્મદ બિન સલમાનના આવ્યા પછી સાઉદી અરેબિયાના સંબંધો ઇઝરાયલ સાથે ઇતિહાસના સૌથી શ્રેષ્ઠ કાળમાં છે. આ પહેલાં ક્યારેય આટલા સારા સંબંધો નથી રહ્યા. આજે ઈરાન વિરુદ્ધ આ બંને દેશો એકસાથે છે. આ સાથે જ ઇઝરાયલને એક સૌથી પ્રભાવી મુસ્લિમ દેશ તરીકે સાઉદી અરેબિયાનો સાથ મળી રહ્યો છે."

ઓ કહે છે, "પહેલા સાઉદી અરેબિયાની ઓળખ એક વહાબી દેશ તરીકે હતી ના કે સુન્ની મુલ્ક તરીકે. પરંતુ હવે તેની ઓળખ સુન્ની દેશ તરીકે બનાવી દેવાઈ છે."

"એનાથી એ સંદેશ આપવાની કોશિશ કરવામાં આવી છે કે જે પણ ઈરાનના વિરુદ્ધ, તે સાઉદી અરેબિયાનું સાથીદાર છે. એટલા માટે હવે સાઉદી અરેબિયા, ભારત અને ઇઝરાયલ એક તરફ થઈ ગયા છે કારણ કે તેઓ અમેરિકાની સાથે છે. તો બીજી તરફ મુશર્રફના સમયથી જ પાકિસ્તાન ચીનની વધુ નિકટ થતું જઈ રહ્યું છે. ઇઝરાયલ આ સમીકરણને બનાવવામાં મોટી ભૂમિકા નિભાવી રહ્યું છે અને તે ઈરાનનાં સખત વિરોધમા છે."

સાઉદી અરેબિયા અને પાકિસ્તાનના બદલાતા સંબંધો પર તેઓ કહે છે કે હંમેશાં સાઉદી અરેબિયાના કિંગડમની સુરક્ષા માટે પાકિસ્તાની સેના છેક 60ના દાયકાથી જતી આવી છે.

સાઉદી અરેબિયા સાથે આ સૈન્ય સંબંધો હજી પણ યથાવત છે. ફક્ત તફાવત એ આવ્યો કે મોહમ્મદ બિન સલમાન પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે પશ્ચિમની વધુ નજીક થઈ ગયા છે પરંતુ એમણે આજે પણ પાકિસ્તાનની આર્મીને બેદખલ નથી કરી.

એટલા માટે આ દેશો વચ્ચે એક તણાવની સ્થિતિ તો ચોક્કસ બનેલી છે પરંતુ આ કોઈ દુશ્મની જેવી વાત નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો