You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બેંગલુરુ : 300 વાહનો ખાખ, 3 લોકોનાં મૃત્યુ અને 150ની અટકાયત, મંત્રીએ કહ્યું સુઆયોજિત હુમલો
પૂર્વ બેંગલુરુમાં પોલીસના ગોળીબારમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.
ઉગ્ર ટોળાંએ અહીં બે પોલીસ સ્ટેશનો અને કૉંગ્રેસના એક ધારાસભ્યના ઘર પર હુમલો કરી દીધો હતો અને એ બાદ પોલીસને ગોળીબાર કરવો પડ્યો હતો.
ગુસ્સે ભરાયેલું એક ટોળું સોશિયલ મીડિયા પર એક વાંધાજનક પોસ્ટ વિરુદ્ધ પ્રદર્શન કરતાંકરતાં પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું.
બેંગલુરુના પોલીસ કમિશનર કમલ પંત અનુસાર ડીગે હલ્લી અને કેજી હલ્લી વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવાયો છે અને સમગ્ર શહેરમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે.
પુલીકેશીનગરના કૉંગ્રેસના ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના એક સંબંધીએ કથિત રીતે સોશિયલ મીડિયા પર એક વાંધાજન પોસ્ટ કરી હતી.
જેના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો મંગળવારની સાંજે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને તેમણે પોસ્ટ કરનારી વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી.
બેંગલુરુના પોલીસ કમિશનર કમલ પંતે જણાવ્યું છે કે પોલીસના ગોળીબારમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે અતિરિક્ત પોલીસ કમિશનર સહિત 60 પોલીસકર્મીઓ આ ઘટનામાં ઘાયલ થયા છે. એક ઘાયલ કર્મીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે આ મામલે અત્યાર સુધી 150 લોકોની અટકાયત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દરમિયાન અન્ય એક ટોળું કૉંગ્રેસી ધારાસભ્યના ઘરે પહોંચી ગયું.
પોલીસ અનુસાર આ મામલે એફઆઈઆર નોંધવા અને ધારાસભ્યના સંબંધીની તત્કાલ ધરપકડ કરવા આ ટોળાએ માગ કરી હતી. ટોળુ પોસ્ટ કરનારી વ્યક્તિ પર ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લગાવી રહ્યું હતું.
જોતજોતામાં બન્ને ટોળાં ઉગ્ર બની ગયાં હતાં. પોલીસ સ્ટેશન બહાર હાજર ટોળાએ ત્યાં પડેલાં વાહનો અને ધારાસભ્યના ઘરની બહાર હાજર ટોળાએ ત્યાં પડેલાં વાહનો પર આગ લગાવી દીધી હતી.
પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારી વ્યક્તિને કસ્ટડીમાં લઈ લેવાઈ છે.
આરોપી ધારાસભ્યના ભત્રીજા છે અને તેમનું નામ નામ નવીન છે.
પોલીસ કમિશનરે કહ્યું, "પોલીસકર્મીઓ પર મોટા પથ્થરોથી હુમલો કરાયો. અચાનક વીજળી જતી રહી અને ટાળાને પહોંચી વળવામાં અમને થોડો સમય લાગ્યો. પોલીસ સ્ટેશન પર ચોરતફો હુમલો કરાઈ રહ્યો હતો એટલે અમારી પાસે ગોળી ચલાવવા સિવાય કોઈ રસ્તો નહોતો બચ્યો. "
કર્ણાટકના ગૃહમંત્રી બસવરાજ બોમ્મઈએ પણ પોલીસે કરેલા ગોળીબારમાં ત્રણ લોકોનાં માર્યા જવાની પુષ્ટિ કરી છે.
આ દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિએ એક વીડિયા જાહેર કરીને મુસલમાનોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે.
તેમણે આ મામલે તેઓ તેમના સાથે હોવાનું અને કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ આપ્યું છે.
આ મામલે ધારાસભ્યે એક વીડિયા જાહેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું, "મામલો ગમે તે હોય, આપણે સૌ ભાઈ-ભાઈ છીએ. જે પણ આ માટે જવાબદાર છે, આપણે લોકો સુનિશ્ચિત કરીશું કે તેને યોગ્ય સજા મળે. હું આપ લોકો સાથે છું અને શાંતિ જાળવવાની અપીલ કરું છુ. "
કર્ણાટકના ગૃહમંત્રીએ પણ એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું :
"આગજની અને હિંસા કાયદા વિરુદ્ધ છે. મામલો ગમે તે હોય, કાયદાની મર્યાદામાં રહીને તેનો ઉકેલ લાવવાનો છે. મેં પોલીસને શાંતિ સ્થાપવા માટે આદેશ આપી દીધા છે. કોઈ ગમે તેટલી મોટી વ્યક્તિ કેમ ન હોય, આપણે લોકો સુનિશ્ચિત કરીશું કે આકરી કાર્યવાહી કરવામાં આવે. જે પણ જવાબદાર હશે, તેને આકરી સજા આપવામાં આવશે. હું આપને ભરોસો અપાવું છું કે કોઈને પણ છોડવામાં નહીં આવે."
કર્ણાટકના અમીર-એ-શરિયત હઝરત મૌલાના સગીર અહમદે પણ મુસલમાનોને અપીલ કરી છે કે તેઓ શાંતિ જાળવી રાખે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો