You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કમલા હૅરિસ : અમેરિકામાં ભારતીય મૂળનાં મહિલા જૉ બાઇડન સાથે ઉપ-રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર
અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર જૉ બાઇડને સાંસદ કમલા હૅરિસને ઉપ-રાષ્ટ્રપતિપદ માટે પોતાનાં ઉમેદવાર જાહેર કર્યાં છે.
તેમનાં મૂળ ભારતમાં પણ છે. તેઓ ભારતીય-જમૈકન મૂળનાં છે.
આ પહેલાં બે વાર કોઈ મહિલાને ઉપ-રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવાર બનાવાયાં હતાં.
વર્ષ 2008માં રિપ્લિકન પાર્ટીએ સારા પૅલિનને પોતાનાં ઉમેદવાર બનાવ્યાં હતાં અને વર્ષ 1984માં ડેમૉક્રેટિક પક્ષે ગિરાલડિન ફેરારોને પોતાનાં ઉમેદવાર બનાવ્યાં હતાં. જોકે, બન્ને ચૂંટણી હારી ગયાં હતાં.
અમેરિકામાં બન્ને મુખ્ય પાર્ટીએ અત્યાર સુધી કોઈ અશ્વેત મહિલાને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર નથી બનાવ્યાં અને આજ સુધી કોઈ અમેરિકન મહિલાએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી નથી.
કૅલિફોર્નિયાનાં સાંસદ કમલા હૅરિસ એક સમયે જૉ બાઇડનને રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર તરીકે પડકાર આપી રહ્યાં હતાં.
જોકે, રાષ્ટ્રપતિની રેસમાંથી બહાર નીકળ્યાં બાદ પણ એવી ચર્ચા હંમેશાં રહી હતી કે બાઇડન તેમને ઉપરાષ્ટ્રપતિના પદ માટે પોતાનાં સાથી ઉમેદવાર ચૂંટશે.
જૉ બાઇડને ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. તેમણે લખ્યું કે આ જણાવતાં તેમને ભારે ગર્વ થાય છે કે તેમણે કમલા હૅરિસને ઉપ-રાષ્ટ્રપતિપદના પદ માટે ઉમેદવાર ચૂંટ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાઇડને તેમને 'બહાદુર યૌદ્ધા ને અમેરિકાનાં સૌથી શ્રેષ્ટ બ્યુરૉક્રેટ્સમાંથી એક' ગણાવ્યાં.
બાઇડને એવું પણ લખ્યું તેમણે જોયું છે કે કમલાએ કઈ રીતે તેમના દિવંગત પુત્ર સાથે કામ કર્યું હતું, જ્યારે તેઓ કૅલિફોર્નિયના ઍટર્ની જનરલ હતાં.
"મેં જાતે જોયું છે કે કઈ રીતે તેમણે મોટીમોટી બૅન્કોને પડકારી હતી, કર્મચારીઓની મદદ કરી હતી અને મહિલાઓ અને બાળકોને શોષણથી અટકાવ્યાં હતાં."
"હું એ વખતે પણ ગર્વ અનુભવતો હતો અને આજે પણ ગર્વ અનુભવું છું, જ્યારે આ અભિયાનમાં તેઓ મારા સહયોગી હશે.
કમલાએ ટ્વીટ કરીને આ મામલે બાઇડનનો આભાર વ્યક્ત કર્યો.
તેમણે લખ્યું, "બાઇડન અમેરિકન લોકોને એક કરી શકે છે. કેમ કે તેમણે આપણા લોકો માટે લડવામાં પોતાનું જીવન ખર્ચી નાખ્યું. રાષ્ટ્રપતિ તરીકે તેઓ એક એવું અમેરિકા બનાવશે, જે આપણા આદર્શો પર ખરું ઊતરશે. "
બાઇડનના ચૂંટણીઅભિયાન તરફથી જણાવાયું છે કે બાઇડન અને કમલા બુધવારે ડૅલવેયરમાં લોકોને સંબોધશે.
ટ્રમ્પે શું કહ્યું?
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જૉ બાઇડન અને કમલા હૅરિસના એક સાથે આવવા પર નિરાશા વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે 'બન્ને અમેરિકા માટે ખોટાં છે'
ટ્રમ્પે પત્રકારોને કહ્યું, "કમલા હૅરિસ એ વ્યક્તિ છે, જેમણે એવી કેટલીય કહાણીઓ સંભળાવી છે, જે સાચી નહોતી. આપ સૌ જાણો છો કે તેમણે પ્રાઇમરી ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું. એટલે મને થોડું આશ્ચર્ય થયું કે બાઇડને તેમને કેમ ચૂંટ્યાં? "
ટ્રમ્પે કહ્યું કે ડેમૉક્રેટિક પક્ષની પ્રાઇમરી ચર્ચા દરમિયાન કમલા 'બહુ ખરાબ' અને 'ડરામણાં' હતાં. તેમણે કહ્યું, "તેઓ બાઇડન પ્રત્યે અપમાનજનક વલણ ધરાવતાં હતાં અને આવાં લોકોને ચૂંટવાં મુશ્કેલ હોય છે."
ટ્રમ્પે એવું પણ કહ્યું કે બાઇડન દ્વારા હૅરિસને ચૂંટવા એ દર્શાવે છે કે કઈ રીકે ખોખલી યોજનાને 'અતિવાદી ડાબેરી ઍજન્ડા'થી ભરી રહ્યાં છે.
ટ્રમ્પે ટ્વિટર પર એક વીડિયો પણ શૅર કર્યો, જેમાં કમલા હૅરિસની એ ટિપ્પણીઓ સામેલ છે, જે તેમણે બાઇડન વિરુદ્ધ કરી હતી.
આ વીડિયમાં જણાવાયું છે કે 'બનાવટી કમલા' અને 'ગરીબડા બાઇડન' એકબીજાં સાથે પરફેક્ટ છે પણ અમેરિકા માટે ખોટાં છે.
કોણ છે કમલા હૅરિસ
55 વર્ષનાં કમલા હૅરિસ ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવારની રેસમાંથી બહાર થઈ ગયાં હતાં.
તેમનો જન્મ કૅલિફોર્નિયાના ઑકલૅન્ડમાં થયો હતો. તેમનાં માતાપિતા પ્રવાસી હતાં.
તેમનાં માતાનો જન્મ ભારતમાં થયો હતો, જ્યારે તેમના પિતાનો જન્મ જમાઇકામાં થયો હતો.
તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો, જે અશ્વેત કૉલેજ અને યુનિવર્સિટી તરીકે ઓળખાય છે.
કમલા કહે છે કે તેઓ પોતાની ઓળખને લઈને હંમેશાંથી સંતુષ્ટ હતાં અને પોતાને માત્ર એક અમેરિકન તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે.
2019માં તેમણે 'વૉશિંગટન પોસ્ટ'ને કહ્યું હતું કે નેતાઓને માત્ર તેમના રંગ અને પૃષ્ઠભૂમિને કારણે કોઈ ખાસ ખાંચામાં ન ફિટ કરવા જોઈએ.
તેમણે કહ્યું હતું, "હું જે છું એ છું. હું તેનાથી ખુશ છું. તમારે જોવાનું છે કે તમારે શું કરવું છે પરંતુ હું આનાથી બહુ ખુશ છું. "
હાવર્ડ પછી કમલાએ કૅલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી લીધી અને પછી વકીલાત શરૂ કરી હતી.
ત્યાર પછી અમેરિકાના સૌથી મોટા રાજ્ય કૅલિફોર્નિયાનાં અટૉર્ની જનરલ બન્યાં. આ પદ પર પહોંચનારાં તેઓ પ્રથમ મહિલા અને પ્રથમ આફ્રિકન-અમેરિકન પણ હતાં.
કમલા હૅરિસ બે વખત અટૉર્ની જનરલ રહ્યાં અને પછી 2017માં તેઓ સાંસદ બન્યાં. આ પદ સુધી પહોંચનારાં તેઓ બીજાં અશ્વેત મહિલા હતાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો