કોરોના વૅક્સિન : રશિયામાં ઑક્ટોબરમાં સામૂહિક રસીકરણની વિચારણા, નિષ્ણાતોની ચેતવણી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો છે કે તેમના વૈજ્ઞાનિકોએ કોરોના વાઇરસની એવી વૅક્સિન તૈયાર કરી લીધી છે જે કોરોના વાઇરસની સામે અસરકારક છે.

તેમણે સરકારના મંત્રીઓને મંગળવારે સંબોધતા કહ્યું, "આજે સવારે કોરોના વાઇરસની સામેની પહેલી વૅક્સિનનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે."

પુતિને કહ્યું કે આ વૅક્સિનનું માણસો પર બે મહિના સુધી પરીક્ષણ કરવામાં આવ્યું અને તે તમામ સુરક્ષાના માપદંડો પર ખરું ઉતર્યું છે.

આ વૅક્સિનને રશિયાના આરોગ્ય મંત્રાલયે પણ મંજૂરી આપી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે હવે મોટા પ્રમાણમાં લોકોને આ વૅક્સિન આપવાની શરૂઆત થશે.

રશિયાન સત્તાધિકારીઓનું કહેવું છે કે તેઓ ઑક્ટોબર મહિનામાં સામૂહિક રસીકરણ શરૂ કરશે. જોકે, નિષ્ણાતો આની પર ચિંતા વ્યક્ત કરે છે અને કહે છે કે સંશોધકોની વાત માનવામાં નથી આવી રહી.

જોકે રશિયાએ જે ઝડપથી કોરોના વૅક્સિન શોધવાનો દાવો કર્યો છે તેને જોતા વૈજ્ઞાનિક જગતમાં આને લઈને અનેક ચિંતાઓ પણ જોવા મળી રહી છે.

પરંતુ રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિને સરકારી ટેલિવિઝન પર જાહેરાત કરી છે કે માકોની ગેમાલેયા ઇન્સ્ટિટ્યૂટમાં વિકસેલી આ વૅક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે અને વૅક્સિન તેમની દીકરીને પણ આપવામાં આવી છે.

પુતિને કહ્યું, "હું પણ જાણું છું કે આ વૅક્સિન ઘણી અસરકારક છે, આ ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે અને હું આ ફરીથી કહું છું કે આ સુરક્ષાના તમામ માપદંડમાથી પસાર થયેલી છે."

તેમણે આશા દર્શાવી છે કે જલદી જ આ વૅક્સિનનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવશે.

ચીનમાં પણ છેલ્લાં તબક્કાની ટ્રાયલ

બીજી તરફ ચીનની સિનોવૅક બાયૉટેક લિમિટેડે મંગળવારે કોરોના વાઇરસની વૅક્સિનના માનવીય પરીક્ષણના છેલ્લાં તબક્કાની ટ્રાયલની શરૂઆત કરી છે. આ વૅક્સિનની ટ્રાયલ ઇન્ડોનેશિયામાં 1620 દરદીઓ પર કરવામાં આવે છે.

આ વૅક્સિન ઇન્ડોનેશિયાની સરકારી કંપની બાયો ફાર્માની સાથે મળીને બનાવવામાં આવી રહી છે.

આ પહેલા સોમવારે સિનોવૅકે જાણકારી આપતા કહ્યું કે ટ્રાયલના બીજા તબક્કામાં વૅક્સિન સુરક્ષિત જોવા મળી છે અને દરદીઓમાં ઍન્ટિબૉડી આધારિત ઇમ્યૂન રિસ્પૉન્સ જોવા મળ્યો છે.

કોરોનાવૅક નામની આ વૅક્સિન કેટલીક અસરકારક વૅક્સિનમાંથી એક છે જે પરીક્ષણના આ તબક્કા સુધી પહોંચી છે. આનું સંશોધન કરીને આની અસરને લઈને પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે.

દુનિયા આખીમાં એ વાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે કે કોરોના વાઇરસની વૅક્સિન તૈયાર કરવાની ઉતાવળમાં સુરક્ષાના માપદંડોમાં કોઈ પ્રકારની છૂટછાટ લેવામાં ન આવે. પરંતુ હાલમાં જોવામાં આવી રહ્યું છે કે સરકારો પર વૅક્સિન તૈયાર કરવા માટે લોકોનું દબાણ વધી રહ્યું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુજબ દુનિયામાં આ સમયે કોરોના વાઇરસની યોગ્ય વૅક્સિન તૈયાર કરવા માટે 100થી વધારે જગ્યા પર પ્રયત્નો ચાલી રહ્યા છે. જેમાં ચાર જગ્યાએ વૅક્સિનનું મનુષ્ય પરનું છેલ્લા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો