You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બેલારુસ ચૂંટણી: 26 વર્ષ જૂની સત્તાને 37 વર્ષનાં સ્વેતલાનાએ 'હચમચાવી' દીધી
બેલારુસની રાજધાની મિંસ્ક સહિત દેશના અનેક રાજ્યોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઝડપના સમાચાર છે.
બેલારુસના સરકારી ટીવી ચૅનલે રવિવારે થયેલી ચૂંટણીના 'એગ્ઝિટ પોલ' જાહેર કર્યો હતો. આમાં લાંબા સમયથી સત્તા પર રહેલા ઍલેક્ઝાન્ડર લુકાશેન્કોને મોટી જીત તરફ વધતા બતાવવામાં આવ્યા હતા જ્યાર પછી લુકાશેન્કોને નાપસંદ કરતા નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
મિંસ્કમાં, પોલીસે સિટી સેન્ટર પાસે ભેગી થયેલી ભીડને હઠાવવા માટે નિષ્ક્રિય કરી દેનાર હાથગોળાનો ઉપયોગ કર્યો જેને કારણે અમુક લોકોના ઇજાગ્રસ્ત થવાના સમાચાર છે.
સરકારી ટીવી ચૅનલ પર પ્રસારિત ચૂંટણી ઍગ્ઝિટ પોલમાં દેખાડવામાં આવ્યું કે ઍલેક્ઝાન્ડર લુકાશેન્કોને લગભગ 80 ટકા વોટ મળ્યા છે અને તેઓ દેશના બધા જિલ્લાઓમાં વિજય મેળવી રહ્યા છે.
જ્યારે વિપક્ષી ઉમેદવાર સ્વેતલાના તિખાનોવ્સનાને માત્ર સાત ટકા વોટ મળ્યા છે.
ઍલેક્ઝાન્ડર લુકાશેન્કોને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું સમર્થન મળતું આવ્યું છે.
રવિવાર સાંજે એક પ્રેસ કૉન્ફરન્સમાં સ્વેતલાનાએ કહ્યું કે 'તેમને આંકડા પર બિલ્કુલ વિશ્વાસ નથી થઈ રહ્યો. મને મારી આંખો પર ભરોસો છે અને હું જોઈ શકું છું કે બેલારુસમાં બહુમતી અમારી સાથે છે. '
37 વર્ષનાં સ્વેતલાના જેલમાં બંધ પોતાનાં પતિના સ્થાન પર ચૂંટણી લડી રહ્યાં છે અને તેમણે વિપક્ષની મોટી રૅલીઓનું નેતૃત્વ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિપક્ષે પહેલાં જ કહ્યું હતું કે તેમને વોટમાં ગરબડ થવાની આશંકા છે એટલે તે વોટની વૈકલ્પિક ગણતરીની વ્યવસ્થા કરશે.
1994થી સત્તા પર ઍલેક્ઝાન્ડર લુકાશેન્કોએ સોગંદ લીધા હતા કે 'દેશમાં પરિસ્થિતિ નિયંત્રણમાં રહેશે.'
કહેવામાં આવી રહ્યું છે રવિવારના ઍગ્ઝિટ પોલ પછી બેલારુસામાં વિપક્ષની જે રૅલી થઈ, એ છેલ્લાં કેટલાય વર્ષોમાં સૌથી મોટી રૅલીઓ હતી. આ રૅલી પછી બેલારુસ પ્રશાસન ચયનિત સામાજિક કાર્યકરો અને પત્રકારોને નિશાન બનાવી રહ્યું છે.
ત્યાં શું ચાલી રહ્યું છે?
મિંસ્ક શહેરમાં રવિવાર મોડી રાત્રે 'મિંસ્ક-હીરો સિટી' સ્મારક પાસે હિંસક ઝડપ થઈ હતી.
પ્રત્યક્ષદર્શીઓ અને સંવાદદાતાઓનું કહેવું છે કે પોલીસે પ્રદર્શનકારીઓને હઠાવવા માટે રબરની બુલેટ્સનો ઉપયોગ કર્યો અને લોકો પર વૉટર કૅનનથી હુમલો પણ કર્યો હતો.
કેટલીક ઍમ્બ્યુલન્સને ઘટનાસ્થળ પર જતા જોવામાં આવી હતી.
સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો ફરતા થયા છે જેમાં પ્રદર્શનકારીઓને પોલીસ સામે લડતા જોઈ શકાય છે અને સ્થાનિક મીડિયાના રિપોર્ટોમાં કહેવામાં આવ્યું છે કે 'કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે'.
મિંસ્ક શહેરની સડકો પર જે ભીડ જમા છે તેઓ લુકાશેન્કોની વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા છે, કેટલીક જગ્યાએ 'લુકાશેન્કો ગો અવે!' જેવા નારા પણ લગાવવામાં આવ્યા હતા.
આ પ્રકારના મોટા પ્રદર્શન બ્રેસ્ટ અને ઝોડિના શહેરમાં પણ રાતભર થતા રહ્યા હતા.
આ દરમિયાન, ઇન્ટરનેટનું મૉનિટરિંગ કરનાર સમૂહ 'નેટબ્લૉક'એ જણાવ્યું છે કે આખા બેલારુસમાં કનેક્ટિવિટી 'ઘણખરી બાધિત' થઈ છે જેને કારણે લોકો હાલની પરિસ્થિતિ વિશે સારી રીતે માહિતી મેળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.
આખો મામલો શું છે?
65 વર્ષના રાષ્ટ્રપતિ લુકાશેન્કોને યુરોપના 'અંતિમ તાનાશાહ' પણ કહેવામાં આવે છે. તેઓ પહેલી વખત 1994માં ચૂંટણી જીત્યા હતા.
2015ની ચૂંટણીમાં પણ તેમણે મોટી જીતની જાહેરાત કરી હતી. તે વર્ષે લુકાશેન્કોને 83.5 ટકા વોટ સાથે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
જોકે તે સમયે તેમને પડકાર આપવા માટે કોઈ ગંભીર ઉમેદવાર મેદાનમાં નહોતો અને ચૂંટણીના પર્યવેક્ષકોએ મતગણતરી અને વેરિફિકેશમાં કમીઓ ઉજાગર કરી હતી.
આ વર્ષની ચૂંટણી એવા સમયમાં થઈ રહી છે જ્યારે દેશમાં તેમના 'નેતૃત્વમાં હતાશાના સંકેત' મળી રહ્યા છે. અને સ્વેતલાનાએ પણ સારી રીતે ચૂંટણીમાં ટક્કર આપી છે, ચૂંટણી અભિયાન દરમિયાન લોકોને લાગ્યું કે તેઓ સારું નેતૃત્વ પૂરું પાડી શકે તેમ છે અને તેઓ ચૂંટણી દરમિયાન સતત ચર્ચામાં રહ્યાં હતાં.
સ્વેતલાના એક શિક્ષિકા હતાં અને સક્રિય રાજકારણમાં આવતાં પહેલાં તેઓ એક સામાન્ય ગૃહિણી હતાં જે પોતાનાં બાળકની સંભાળ લઈ રહ્યાં હતાં.
પરંતુ તેમના પતિની ધરપકડ થઈ અને વોટ માટે નોંધણી પર રોક લાગી ત્યાર પછી સ્વેતલાનાએ પોતાનાં પતિની જગ્યાએ રાજકારણમાં પગ મૂક્યો.
ચૂંટણીની શરૂઆતમાં તેમણે બીબીસીને કહ્યું હતું કે 'અમારા દેશમાં નિષ્પક્ષ ચૂંટણી થવી સંભવ છે એ વાતનો બેલારુસની જનતાને વિશ્વાસ નથી.'
તેમણે કહ્યું હતું, ''પરંતુ મને હજી પણ વિશ્વાસ છે કે અમારા રાષ્ટ્રપતિ એ વાત સમજશે કે તેમનો સમય પૂરો થઈ ગયો છે. લોકો હવે તેમને નથી ચાહતા.''
ત્યારે રાષ્ટ્રપતિ લુકાશેન્કો સ્વેતલાનાને એક 'નાની બાળકી' કહે છે, અને તેમની વાતોને ફગાવી દે છે.
લુકાશેન્કો કહે છે કે સ્વેતલાનાને 'વિદેશથી તાકાત' મળી રહી છે અને તેઓ 'વિદેશની કઠપૂતળી'ની જેમ કામ કરે છે.
વિપક્ષ પર કાર્યવાહી
લુકાશેન્કો સ્વેતલાનાના સમર્થકો પ્રત્યે વિશેષ રૂપથી કઠોર છે. ગયા મહિને જ્યારે હજારો લોકો મિંસ્કમાં યોજાયેલ સભામાં સામેલ થયા, જેને એક દાયકામાં વિપક્ષના સૌથી મોટા પ્રદર્શન તરીકે જોવામાં આવી, તો બેલારુસ પ્રશાસને કેટલાક લોકો પર કાર્યવાહી કરી હતી.
વિએનાના હ્યૂમન રાઇટ્સ સેન્ટર પ્રમાણે મે મહિનામાં ચૂંટણી અભિયાન શરૂ થયા પછી બે હજારથી વધારે લોકોની અટકાયત કરવામાં આવી હતી.
મતદાનના એક દિવસ પહેલાં સ્વેતલાનાની ટીમે આ માહિતી આપી હતી કે તેમના કૅમ્પેન મૅનેજરની ધરપકડ કરવામાં આવી છે અને તેમને સોમવાર પહેલાં મુક્ત કરવામાં નહીં આવે.
મતદાનના દિવસે પણ બેલારુસમાં ઇન્ટરનેટ સેવાઓ બાધિત રાખવામાં આવી હતી. વિપક્ષના સમર્થકોનું કહેવું છે કે ઇન્ટરનેટ વગર ચૂંટણીમાં ગરબડની વિરુદ્ધ પુરાવા ભેગા કરવા મુશ્કેલ છે એટલે સરકારે આવું કર્યું.
નિષ્પક્ષ ચૂંટણીને લઈને બેલારુસમાં પહેલાંથી ચિંતા હતી કારણકે ચૂંટણી પર્યવેક્ષકોને ચૂંટણીના નિરીક્ષણ માટે આમંત્રિત પણ નહોતા કરવામાં આવ્યા અને મતદાનની આધિકારિક તિથિના એક દિવસ પહેલાં 40 ટકાથી વધારે મતદાન થયું હતું.
અસંતોષના અનેક કારણો સિવાય કોરોના વાઇરસ મહામારીની વિરુદ્ધ લુકાશેન્કો પ્રશાસનનું જે વલણ રહ્યું છે, તેના કારણે પણ લોકો ભડકેલા છે.
રાષ્ટ્રપતિ લુકાશેન્કો મહામારીના પ્રકોપને 'બહુ હળવાશ'થી લઈ રહ્યા હતા. તેમણે કોરોના સંક્રમણથી બચવા માટે લોકોને વોડકા અને સૉના બાથ લેવાની સલાહ આપી હતી.
બેલારુસની વસતી 95 લાખ છે. અહીં અત્યાર સુધી 70 હજાર કેસ દાખલ કરવામાં આવ્યા છે અને 600થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો