જૂનાગઢને 'રાજકીય નકશા'માં સામેલ કરીને પાકિસ્તાનને શું મળશે?

    • લેેખક, ઉમર દરાઝ નંગિયાના
    • પદ, બીબીસી ઉર્દૂ સંવાદદાતા, લાહોર

પાકિસ્તાનની સરકારે ગત દિવસોમાં પાકિસ્તાનનો નવો 'રાજકીય નકશો' જાહેર કર્યો છે, જેનું અનાવરણ ખુદ વડા પ્રધાન ઇમરાન ખાને કર્યું છે.

રાજકીય નકશા પર ભારતીય પ્રશાસિત કાશ્મીરને પાકિસ્તાનનો વિસ્તાર ગણાવ્યો છે અને તેના પર એ લખ્યું કે "આ (સમસ્યા)નો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રની સિક્યૉરિટી કાઉન્સિલની ભલામણની રોશનીમાં થશે."

આ નકશામાં ગિલલિત બલ્ટિસ્તાનને પણ સ્પષ્ટ રીતે પાકિસ્તાનો ભાગ ગણાવ્યો છે.

વધુ એક ક્ષેત્ર છે, જેની વહેંચણી પર ઘણા દશકોથી વિવાદ ચાલી રહ્યો છે અને એ છે સિરક્રીક. પાકિસ્તાનના સિંધ પ્રાંત અને ભારતના ગુજરાત રાજ્ય વચ્ચે વહેતી આ એક એવી ખાડી છે, જે અરબ સાગરમાં પડે છે.

વિભાજન પછી વિવાદ ચાલી રહ્યો છે કે આ ખાડીની કેટલી સીમાઓ કયા દેશમાં છે.

પાકિસ્તાનનું કહેવું છે કે સિરક્રીકની આખી ખાડી તેની સીમાની અંદર છે. જોકે ભારત આ દાવાને માનતું નથી અને એ કારણે બંને દેશ એકબીજાના માછીમારોની હોડી પકડતા રહે છે.

પાકિસ્તાનના નવા રાજકીય નકશામાં આ વિવાદિત વિસ્તાર એટલે કે સિરક્રીકને પાકિસ્તાનનો હિસ્સો ગણાવ્યો છે.

પાકિસ્તાને નવા નકશામાં પૂર્વ રજવાડાં જૂનાગઢ અને માણાવદરને પણ પોતાનો હિસ્સો ગણાવ્યો છે. આ ક્ષેત્ર ભારતના ગુજરાત રાજ્યનો હિસ્સો છે અને તેની સીમાઓ પાકિસ્તાન સાથે મળતી નથી.

શું જૂનાગઢ પાકિસ્તાનનું નવું ક્ષેત્ર છે?

ઇ.સ. 1948 બાદ આ ક્ષેત્ર ભારત પાસે અને અહીં હિન્દુ ધર્મનું પવિત્ર સ્થાન 'સોમનાથ મંદિર' પણ આવેલું છે.

પાકિસ્તાનનું કહેવું છે કે 'જૂનાગઢ અને માણાવદર હંમેશાંથી તેનો ભાગ રહ્યાં છે, કેમ કે જૂનાગઢના રાજાએ ભારતના ભાગલા સમયે પાકિસ્તાન સાથે વિલય કર્યું હતું, પરંતુ ભારતે તાકાતના જોરે આ રજવાડા પર પોતાનો કબજો જમાવ્યો હતો.'

બીબીસી સાથે વાત કરતાં પાકિસ્તાનના વડા પ્રધાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મુઇદ યુસૂફનું કહેવું હતું કે "જૂનાગઢ હંમેશાંથી પાકિસ્તાનનો ભાગ હતું અને નવા નકશામાં પાકિસ્તાને તેને પોતાનો ભાગ ગણાવ્યું છે, જેનો ઉદ્દેશ પોતાની પૉઝિશન સ્પષ્ટ કરવાનો છે."

તેમનું કહેવું હતું કે નવા નકશામાં "પાકિસ્તાને કોઈ નવું ક્ષેત્ર પોતાના ક્ષેત્રમાં સામેલ કર્યું નથી. આ ક્ષેત્ર પર ભારતે ગેરકાયદે રીતે કબજો જમાવ્યો હતો અને તેના પર કોઈ વિવાદ ન થવો જોઈએ. કેમ કે એ હંમેશાંથી પાકિસ્તાનનો ભાગ છે."

તેમનું કહેવું હતું કે પાકિસ્તાન પહેલાં પણ જૂનાગઢને નકશામાં દર્શાવતું રહ્યું છે. જોકે બાદમાં કોઈ કારણસર તેને પાકિસ્તાનના નકશામાંથી કાઢી નાખ્યું હતું.

તેઓ કહે છે, "અમે તેને બીજી વાર નકશામાં લાવ્યા છીએ અને તેનો ઉદ્દેશ પોતાના ક્ષેત્રોને લઈને પાકિસ્તાનની પૉઝિશન સ્પષ્ટ કરવાનો છે."

માત્ર નકશો આંતરરાષ્ટ્રીયસ્તરે દાવા માટે પૂરતો છે?

નવા રાજકીય નકશાએ ઘણા લોકોનાં મનમાં સવાલ પેદા કર્યા છે.

શું માત્ર એક નકશા પર જૂનાગઢને પોતાનો હિસ્સો દર્શાવવાથી આંતરરાષ્ટ્રીયસ્તરે એ પાકિસ્તાનનો હિસ્સો ગણાશે? પાકિસ્તાનના આંતરિક ક્ષેત્રોને પાકિસ્તાનની બંધારણનો આર્ટિકલ એક નિર્ધારિત કરે છે.

જો આ એક બંધારણીય મુદ્દો છે તો શું નવા નકશા પર મોજૂદ ક્ષેત્રોની સીમાઓમાં બદલાવ સંસદ તરફથી થવો જોઈએ, જેથી તે પાકિસ્તાનનો સરકારી પક્ષ ગણી શકાય?

આંતરરાષ્ટ્રીય કાયદાના વિશેષજ્ઞ અહમર બિલાલ સૂફી અનુસાર એવા જરૂરી નથી.

બંધારણનો આર્ટિકલ એક પાકિસ્તાનના સ્થાનિક કાયદાનો હિસ્સો છે, પરંતુ જ્યારે કોઈ દેશ કોઈ ક્ષેત્ર પર પોતાનો અધિકાર દર્શાવે કે દાવો કરે તો તે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ આવે છે.

તેઓ કહે છે, "આ દાવો તમે સંસદમાં કાયદો બનાવીને કે કાયદામાં સંશોધન કરીને પણ કરી શકો છો. કોઈ કોર્ટના નિર્ણયને આધારે પણ કરી શકો છો અને ઍક્ઝિક્યુટિવ ઍક્શનના માધ્યમથી પણ કરી શકો છો."

કાયદો બનાવીને કે કાયદામાં સંશોધનથી કોઈ વિસ્તાર પર પોતાનો અધિકાર સાબિત કરવાનું ઉદાહરણ તેઓ ભારત તરફના એ આદેશનું આપે છે, જેના માધ્યમથી ગત વર્ષે કાશ્મીરની આંશિક સ્વાયત્તતાને ખતમ કરીને તેને ભારતમાં સામેલ કર્યું હતું.

કબજા વિના નકશાનું શું મહત્ત્વ છે?

અહમર બિલાલ કહે છે કે નકશો જાહેર કરવો એ ઍક્ઝિક્યુટિવ ઍક્શન કે પ્રશાસનિક કાર્યવાહી હેઠળ આવે છે અને કાયદાકીય રીતે તેનું મહત્ત્વ હોય છે.

તેમણે કહ્યું કે 'એ બતાવ્યું છે કે દેશે પોતાની પ્રશાસનિક કાર્યવાહીના માધ્યમથી કોઈ ક્ષેત્ર પર પોતાનો અધિકાર દર્શાવ્યો છે.'

અહમર બિલાલ અનુસાર, "આ નકશો પાકિસ્તાનના સર્વિયર જનરલના પ્રમાણ અને મહોર સાથે જારી કરવામાં આવે છે, આથી તેની કાયદાકીય માન્યતા હોય છે."

જૂનાગઢ પરના દાવાનો કાયદાકીય આધાર શું છે?

અહમર બિલાલ સૂફી અનુસાર, પાકિસ્તાન પાસે વિલયની સાબિતી આપતો એ કાનૂની દસ્તાવેજ છે, જેના પર જૂનાગઢના નવાબે પાકિસ્તાનના નિર્માતા મોહમ્મદ અલી ઝીણા સાથે હસ્તાક્ષર કર્યા હતા.

તેમનું કહેવું હતું કે ભારત તરફથી જૂનાગઢ પર ગેરકાયદે કબજો કર્યા બાદ જૂનાગઢના નવાબ પોતાના પરિવાર સાથે કરાચીમાં શિફ્ટ થયા હતા.

અહમર બિલાલ સૂફી અનુસાર નવાબસાહેબના દોહિત્ર હજુ પણ જૂનાગઢના નવાબનું પદ રાખે છે અને સાથે જ તેઓને જૂનાગઢના વડા પ્રધાન કે વરિષ્ઠ મંત્રી પણ બનાવેલા છે.

"નવાબના પરિવારને પાકિસ્તાન સરકાર તરફથી શાહી ભથ્થું હજુ પણ મળે છે અને તેની ગરિમા પાકિસ્તાનમાં મોજૂદ જૂનાગઢના નિર્વાસિત શાસકની જેમ છે."

અહમર બિલાલ સૂફી અનુસાર જૂનાગઢને બીજી વાર નકશા પર પાકિસ્તાનનો ભાગ દેખાડવાનો મતલબ એ ક્ષેત્ર પર પોતાનો દાવો સ્પષ્ટ કરવો છે.

આંતરરાષ્ટ્રીય કાયદાની નજરમાં જૂનાગઢ હજુ પણ વિવાદાસ્પદ છે?

અહમર બિલાલ સૂફીનું કહેવું હતું કે જૂનાગઢ હજુ પણ એક વિવાદિત ક્ષેત્ર છે. થોડા સમય પહેલાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષાપરિષદમાં આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ ચર્ચા પછી પણ તેનો ઉકેલ ન લાવી શકાયો.

"બીજા શબ્દોમાં કહીએ તો જૂનાગઢ પર ભારતનો કબજો આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધમાં છે. ત્યાં સુધી કે જૂનાગઢના નવાબ તરફથી પાકિસ્તાનમાં વિલયના દસ્તાવેજોમાં સંશોધન ન કરાય."

અહમર બિલાલ સૂફીના કહેવા અનુસાર, વિલયના દસ્તાવેજ એક આંતરરાષ્ટ્રીય સંધિ છે, જેને ભારત ફગાવે છે. જૂનાગઢના કબજાને તેણે (ભારતે) જે કાયદા હેઠળ પોતાના કેન્દ્રશાસિત પ્રદેશમાં સામેલ કર્યું છે, એ તેનો આંતરિક કે સ્થાનિક કાયદો છે.

ભારતનો પક્ષ શું છે?

પાકિસ્તાન તરફથી નવો રાજકીય નકશો સામે આવ્યા બાદ ભારતના વિદેશ મંત્રાલય તરફથી એક નિવેદન જાહેર કરાયું છે.

તેમાં કહેવાયું છે કે "પાકિસ્તાન તરફથી ભારતના રાજ્ય ગુજરાત અને તેના કેન્દ્રશાસિત પ્રદેશ કાશ્મીર અને લદ્દાખ પર પોતાનો દાવો કરવો રાજકીય રીતે નિરર્થક પ્રયાસ છે."

તેમનું કહેવું હતું કે "આ પ્રકારના હાસ્યાસ્પદ દાવાનું ન તો કોઈ કાયદાકીય મહત્ત્વ છે અને ન તો કોઈ આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા છે."

પાકિસ્તાનને નવા નકશાથી આંતરરાષ્ટ્રીયસ્તરે શું ફાયદો થઈ શકે છે?

આંતરરાષ્ટ્રીય કાયદાના વિશેષજ્ઞ અહમર બિલાલ સૂફી અનુસાર, નકશાને દેશની સત્તાવાર પૉઝિશનના રૂપમાં જોવામાં આવે છે. આંતરરાષ્ટ્રીયસ્તરે નકશો તેના દાવાની સત્યતાને સુનિશ્ચિત કરે છે.

પાકિસ્તાનના વડા પ્રધાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મુઈદ યુસૂફ અનુસાર, "નવો રાજકીય નકશો પાકિસ્તાનના પક્ષને સ્પષ્ટ કરવાનું પહેલું પગલું છે. આંતરરાષ્ટ્રીયસ્તરે તેના પર સમર્થન પ્રાપ્ત કરવું એ બીજું પગલું હશે, જેના માટે અમે કામ કરી રહ્યા છીએ."

જોકે તેઓ શું પગલાં ભરી રહ્યા છે એના અંગે તેમનું કહેવું હતું કે તેઓ હાલ એ જણાવી નહીં શકે.

અહમર બિલાલ અનુસાર, આંતરરાષ્ટ્રીયસ્તરે પાકિસ્તાનના સર્વેયર જનરલ તરફથી જારી કરેલો નકશો એક કાયદાકીય મહત્ત્વ ધરાવે છે.

"કોઈ અન્ય તેનાથી સહમત છે કે નહીં, તમે તમારો દાવો તો સ્પષ્ટ કરો છો. જ્યાં સુધી તમે કોઈ ક્ષેત્ર પર પોતાની સ્થિતિ સ્પષ્ટ નહીં કરો ત્યાં સુધી વાત કેવી રીતે આગળ વધશે."

તેમનું કહેવું હતું કે દેશો વચ્ચે ક્ષેત્રીય વિવાદો પરની ચર્ચા દરમિયાન નકશાઓનું જ મહત્ત્વ હોય છે.

'ભારત પાસે ત્યારે પણ તાકાત હતી, આજે પણ છે'

લેખક અને ઇતિહાસકાર ડૉક્ટર મુબારક અલીનું કહેવું છે કે જો દસ્તાવેજોને આધારે જોવામાં આવે તો એ સાચું છે કે જૂનાગઢ પર ભારતે બળપૂર્વક કબજો કર્યો હતો, જે ગેરકાયદે છે.

તેમનું કહેવું હતું કે ઉપનિવેશી શાસકોનું એ કર્તવ્ય હતું કે તેઓ જૂનાગઢ જેવા રજવાડાના મુદ્દાનો ઉકેલ લાવીને નીકળે.

"સિદ્ધાંત પણ એ હતો કે નવાબ જ્યાં જશે, રજવાડું પણ ત્યાં જશે, પરંતુ ભારતે તેનું ઉલ્લંઘન જૂનાગઢ, કાશ્મીર અને હૈદરાબાદ જેવાં રજવાડાં પર કબજો કરીને કર્યું.

જોકે તેમનું કહેવું હતું કે વ્યાવહારિક રીતે જોઈએ તો "સમસ્યા એ છે કે ભારત પાસે ત્યારે પણ તાકાત હતી અને આજે પણ તાકાત છે અને જેની પાસે તાકાત હોય એ વિજેતા હોય છે, અને તેને જ સાચું માની લેવામાં આવે છે."

તેમના અનુસાર, વર્તમાન સંદર્ભમાં નકશામાં જૂનાગઢને સામેલ કરી લેવું એ પાકિસ્તાન તરફથી "દિલને ખુશ રાખવા જેવું છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો