કોરોના ટેસ્ટિંગ : નરેન્દ્ર મોદીના કહેવા પછી જ ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ કેમ વધ્યું?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં કોરોનાની શરૂઆત થઈ ત્યાંથી ટેસ્ટિંગની સંખ્યા ચર્ચાનો મુદ્દો રહી છે. જોકે, 11 ઑગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટેસ્ટિંગ વધારવા ટકોર કરી અને એ સાથે રાજ્યમાં પહેલીવાર વિક્રમજનક કોરોના ટેસ્ટિંગનો સંયોગ રચાયો.

11 ઑગસ્ટે રાજ્યો સાથેની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, તેલંગણા જેવા પ્રભાવિત રાજ્યોમાં વધારે ટેસ્ટ કરવાની વાત કરી હતી.

મોદીના સંબોધન બાદ રાજ્યનાં સ્વાસ્થ્ય મંત્રી અને ઉપમુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલે રાજ્યમાં બુધવારથી દરરોજ 50 હજાર સુધી કોરોના ટેસ્ટ કરવાની જાહેરાત કરી છે.

જોકે, અનેક નિષ્ણાતો અને વિપક્ષના રાજકીય લોકો એવું કહે છે કે જો રાજ્ય પાસે પ્રતિદિન 50 હજાર કોરોના ટેસ્ટ કરવાની ક્ષમતા હતી, તો નરેન્દ્ર મોદીનાં સંબોધનની રાહ જોવાની જગ્યાએ આ ટેસ્ટ ખુબ પહેલાંથી જ શરૂ કરી દેવાની જરૂર હતી. વિપક્ષનો આરોપ છે કે જો ટેસ્ટિંગ વધારવામાં આવ્યું હોત તો આજે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ જે રીતે ફેલાયું છે, તેનાથી રાજ્યને બચાવી શકાયું હોત.

બીબીસીએ અગાઉ અનેક વખત એવા લોકોની વાત કરી છે, જેમને ટેસ્ટ કરવા માટે તકલીફ પડી હોય. આ સ્ટોરી લખનાર રિપોર્ટરના ત્રણ પરિવારજનોનું કોરોના ટેસ્ટિંગ ખૂબ મહેનત પછી થઈ શક્યું હતું.

રાજ્યમાં એક સમયે પ્રાઇવેટ ટેસ્ટિંગ તમામ જગ્યાએ ટેસ્ટ બંધ પણ કરી દેવાયું હતુ, પરંતુ પછી ધીરે ધીરે ટેસ્ટિંગની સુવિધા વધારીને પ્રાઇવેટ લૅબ ઉપરાંત રૅપિડ ટેસ્ટ, તેમજ RT-PCR ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવી હતી.

જોકે, આ રીતે ટેસ્ટિંગની સંખ્યા વધારવા છતાં દેશના અન્ય મોટાં રાજ્યોની સરખામણીએ ગુજરાત રાજ્ય સરકારનું ટેસ્ટિંગ બાબતે ઉદાસીન વલણ જોવા મળ્યું હતું. આ વાત ગુજરાત હાઈકોર્ટની પિટિશનમાં થયેલી રજૂઆતમાં પણ સામે આવી હતી.

ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ

NCPના રિપોર્ટ પ્રમાણે 2019માં ગુજરાતની વસતિ આશરે 6.79 કરોડની છે અને આ વસતિની સંખ્યા સામે કોરોના ટેસ્ટિંગનો સરેરાશ રેશિયો કાઢવામાં આવે તો covid19india.org નામની એક વેબસાઇટ પ્રમાણે દર 10 લાખ લોકોએ આશરે 15,586 લોકોનું કોરોના ટેસ્ટિંગ થયું છે.

રાજ્ય સરકારનાં આંકડા પ્રમાણે આશરે 11 ઑગસ્ટ કુલ 10.58 લાખ લોકોનું કોરોના ટેસ્ટિંગ થયું છે.

મંગળવારે જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવાની વાત કરી હતી, તે દિવસે રાજ્યમાં 41,667 ટેસ્ટ થયા, જે અત્યાર સુધીનો રેકર્ડ છે.

આ અગાઉ સોમવારના રોજ કોરોના ટેસ્ટની સંખ્યા 29,600ની આસપાસ રહી હતી, જ્યારે રવિવારના રોજ 31,000 જેટલા ટેસ્ટ થયાં હતા.

જો ઑગસ્ટ મહિનાની વાત કરવામાં આવે તો તેના પ્રથમ સપ્તાહમાં માત્ર બે જ દિવસો એવા હતા, જ્યારે ટેસ્ટિંગની સંખ્યા 25 હજાર સુધી પહોંચી હોય. એટલે કે હાલ નીતિન પટેલે કરેલી 50 હજાર પ્રતિદિન ટેસ્ટની જાહેરાતથી તે સંખ્યા અર્ધી ગણી શકાય.

ગુજરાત અને અન્ય રાજ્યોની ટેસ્ટિંગની સરખામણી

બીજા રાજ્યોમાં થયેલા ટેસ્ટિંગની સંખ્યા પર નજર કરવામાં આવે તો જાણવા મળે છે કે ગુજરાત રાજ્યની વસતિના પ્રમાણમાં ખૂબ ઓછું કોરોના ટેસ્ટિંગ થઈ રહ્યું છે.

ગુજરાતમાં ટેસ્ટિંગની સરેરાશ દર 10 લાખની વસતિએ 15,586 છે. જે પડોશી રાજ્ય રાજસ્થાન કે પછી જ્યાં એક સમયે ખુબ ગુજરાતની જેમ જ ખુબ વધારે કેસ હતા તેવી દિલ્હી કરતા ઓછી છે.

મહારાષ્ટ્રમાં દર 10 લાખે ટેસ્ટિંગનો રેશિયો 23,259 છે, જ્યારે દિલ્હીમાં દર 10 લાખે 61,766નો રેશિયો છે.

ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનની વસતિ 7.72 કરોડ છે અને ત્યાં દર 10 લાખે 23,102 કોરોના ટેસ્ટ થયા છે. આ રીતે ગુજરાત પહેલાંથી જ આ રાજ્યો કરતાં ટેસ્ટિંગમાં પાછળ છે.

શું કહેવું છે રાજકીય લોકોનું?

આ વિશે બીબીસી ગુજરાતીએ જ્યારે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે ''ગુજરાત સરકારનો પહેલેથી જ એ પ્રયાસ રહ્યોં છે કે તે ગુજરાતમાં કોરોનાની વાસ્તવિક સ્થિતિને ન બતાવીને એક એવું દૃશ્ય બતાવે છે જેમાં કોરોનાની મહામારીના આ રાજ્યમાં અસર ઓછી છે અને એટલા માટે જ ટેસ્ટિંગ નહોતી કરતી.''

હાર્દિક પટેલ કહે છે કે, ''જો સરકારની એક દિવસમાં 50 હજાર ટેસ્ટિંગની ક્ષમતા હોય તો તેણે વડા પ્રધાનનાં સંબોધનની રાહ જોવાની જરૂર શું હતી? તે કેમ પહેલાંથી જ ટેસ્ટિંગની સંખ્યા વધારીને સંક્રમણને રોકી ન શકી?''

કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનું કહેવું છે કે, ''આ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાં મારવા જેવી વાત છે. હવે જે રીતે રાજ્ય આખામાં સંક્રમણ ફેલાઈ ચુક્યું છે તેમાં હવે આપણે બહુ કામ કરવું પડશે. આ સંક્રમણને પહેલાંથી જ વધુ ટેસ્ટિંગની મદદથી રોકી શકાયું હોત.''

અર્જુન મોઢવાડિયા કહે છે કે એમણે સરકારને અનેક વાર ટેસ્ટિંગ વધારવાની વાત કરી હતી. એમનો એવો પણ આરોપ છે કે સરકારને આંકડા ઓછા બતાવવામાં રસ હતો.

જોકે આરોગ્ય મંત્રી અને ઉપમુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ વિપક્ષના આરોપનો ઇન્કાર કરે છે અને કહે છે કે સરકાર સતત ટેસ્ટની સંખ્યા વધારતી આવી છે.

આ વિશે જ્યારે નીતિનભાઈ પટેલ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી તો તેમણે ક્હ્યું કે, પહેલાં એન્ટિજન ટેસ્ટ જેવી સુવિધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહોતી, પરંતુ હવે જ્યારે આ સુવિધા ઉપલબ્ધ છે, ત્યારે હવે ટેસ્ટિંગની સંખ્યા વધારી દીધી છે.

નીતિનભાઈએ કહ્યું કે હવે જ્યારે જ્યારે વડા પ્રધાને કહ્યું છે કે ત્યારે તેમના માર્ગદર્શનમાં આગળ વધીશું.

નીતિન પટેલે એવું પણ કહ્યું, ગુજરાત સરકાર ટેસ્ટની સંખ્યામાં સમયાંતરે વધારો કરતી જ આવી છે.

ટેસ્ટિંગની સંખ્યા પર શું કહે છે નિષ્ણાતો?

કોરોના વાઇરસની શરૂઆત થઈ ત્યારથી દુનિયાભરમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મહત્તમ ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને સર્વેલન્સ પર ભાર મૂકતી આવી છે.

ટેસ્ટિંગને લઈને બીબીસી ગુજરાતીએ ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થનાં ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકર સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું કે ''કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ટેસ્ટિંગ ખૂબ જ જરૂરી છે, પરંતુ તમામ ફોકસ માત્ર ટેસ્ટિંગ પર જ ન હોવું જોઈએ. જેમ કે ખાંસી-શરદીવાળા લોકોને આઇસોલેશનની જરૂર હોય તો તેમને ત્યાં રાખવા પર વધારે ભાર મુકવો જોઈએ નહીં કે તેમનાં ટેસ્ટિંગ પર.''

દિલીપ માવળંકરે એ પણ કહ્યું કે ''ટેસ્ટિંગ કરતી વખતે અલગ-અલગ કૅટેગરીનો પણ ખ્યાલ રાખવાની જરૂર છે. જેમ કે, સંદિગ્ધ દરદી, પ્રાથમિક રીતે સંપર્કમાં આવનાર દરદી, સિમ્ટોમૅટિક, ઍસિમ્ટોમૅટિક, ડૉક્ટર-નર્સ-પેરામેડીકલ સ્ટાફ, વૅન્ડર વગેરે.''

બીબીસીએ જ્યારે એડવોકેટ કે.આર.કોષ્ટિ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે ''ગુજરાતમાં હાલમાં ટેસ્ટિંગની સંખ્યામાં ભલે વધારો કરવાની વાત થઈ રહી હોય, પરંતુ હકીકત તો એ છે કે હજી સુધી સરકારની ટેસ્ટિંગ વધારવાની દાનત જ નહોતી.''

કોષ્ટિ કહે છે ''કોવિડ-19ના દરદીઓની સારવાર કરી શકાય એટલા સંસાધનો જ સરકાર પાસે ન હતા એ ટેસ્ટિંગની સંખ્યા ઓછી રહેવાનું એક કારણ હોઈ શકે છે.''

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો