કોરોના વાઇરસ : અમદાવાદમાં આવનારા દિવસોમાં કેસો ઘટી જશે?

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં કોરોના મહામારીની શરૂઆતમાં હૉટસ્પૉટ રહેલા અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યામાં આવનારા ટૂંક સમયમાં ધરખમ ઘટાડો થશે એવું તારણ ગાંધીનગરસ્થિત 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ' (આઈઆઈપીએચજી)ની એક ટીમે કાઢ્યું છે.

આઈઆઈપીએચજીના નિદેશક ડૉ. દિલીપ માવળંકરના નેતૃત્વ હેઠળ ટીમે આ તારણ અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ, તેમની સારવાર અને ચેપગ્રસ્તોના આંકડા ઉપરથી કાઢ્યું છે.

આ વિશે ટીમનું એક લિટરરી પેપર યુકેની ઑક્સફૉર્ડ યુનિવર્સિટીના ત્રિમાસિક 'જર્નલ ઑફ મેડિસિન'માં પ્રકાશિત થયું છે.

આમાં કહેવામાં આવ્યું છે કે કદાચ આવનારા દિવસોમાં અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસ નહિવત્ થઈ જાય.

જ્યારે કોઈ પેપર આ પ્રકારે ઑક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત કરવામાં આવે તો તેની વિશ્વસનીયતા વધી જતી હોય છે.

ડૉ. દિલીપ માવળંકરે જણાવ્યું કે આ તારણ મૂળભૂત રીતે આંકડાકીય માહિતી પર આધારિત છે, પરંતુ જમીની સ્તર પર કરાયેલા અધ્યયને પણ તેમા ભાગ ભજવ્યો છે.

તેમનું કહેવું છે કે આ અધ્યયનના આધારે કહી શકાય કે આવનારા દિવસોમાં અમદાવાદમાં કોરોના ચેપગ્રસ્તોના કેસ ઘટતા રહેશે કારણ કે અમદાવાદમાં હર્ડ ઇમ્યુનિટી આવતી જશે.

હર્ડ ઇમ્યુનિટી શું છે?

એક સાથે ઘણા લોકોના શરીરમાં કોઈ વાઇરસ સામે પ્રતિરક્ષણ આપતા ઍન્ટી-બૉડી વિકસિત થઈ જાય અને વાઇરસ જે-તે વ્યક્તિ કે વ્યક્તિઓ પર કોઈ અસર ન કરી શકે, એટલે કે માનવશરીર તે વાઇરસની સામે લડવાની શક્તિ એની મેળે જ પેદા કરી લે.

જો વાઇરસ સામે લડવાની આ પ્રકારની શક્તિ કુલ વસતીમાંથી 70 ટકા જેટલા લોકોમાં વિકસીત થઈ જાય તો તેને હર્ડ ઇમ્યુનિટી કહી શકાય.

એટલે કે કુલ વસતીમાંથી 70 ટકા લોકોને કોરોનાનો વાઇરસ અસર ન કરતો હોય તો તે શહેર, ગામ કે વિસ્તારમાં હર્ડ ઇમ્યુનિટી જન્મી રહી છે તેવું કહી શકાય.

આ પ્રકારની શરીરની રોગપ્રતિકારક શક્તિ વિશે જાણવા માટે સિરોસર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ સર્વેમાં લોકોના લોહીનાં સૅમ્પલ અલગઅલગ વિસ્તારોમાંથી લેવામાં આવે છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ પ્રમાણે દિલ્હી શહેરમાં સિરોસર્વેલન્સ માટે 15 હજાર લોકોના લોહીના નમૂનાઓ અલગઅલગ 11 જિલ્લાઓમાંથી લેવામાં આવ્યાં હતા અને તેનો રિપોર્ટ આ અઠવાડિયામાં આવી શકે છે.

આ રિપોર્ટમાં કહેવાયું છે કે આ સર્વે દ્વારા કુલ વસતીમાં કેટલા ટકા લોકોમાં Sars-Cov-2, જે કોવિડ-19 ફેલાવે છે તે વાઇરસ સામે ઍન્ટી-બૉડી વિકસિત થયા એ જાણવામાં આવશે.

આગાઉ આ પ્રકારના એક સર્વેમાં દિલ્હી શહેરમાં 22.6 ટકા લોકોમાં ઍન્ટી-બૉડી વિકસિત થયા હોવાનું જાણવા મળ્યું હતું.

ડૉ. દિલીપ માવળંકર પ્રમાણે અમદાવાદના સૅન્ટ્રલ ઝોનમાં કરાયેલા આ પ્રકારના એક સિરોસર્વેલન્સમાં સરકારને જાણવા મળ્યું હતું કે લગભગ 27 ટકા લોકોમાં ઍન્ટીબૉડી વિકસિત થયા છે.

જોકે આખા શહેરમાં આ આંકડો 17 ટકાનો હતો. આવી જ રીતે મુંબઈના ધારાવીના સિરોસર્વેલન્સમાં આ આંકડો 57 ટકા જેટલો હતો.

કોરોનાના સંદર્ભમાં હર્ડ ઇમ્યુનિટી ક્યારે કામ કરશે?

લંડનની યુનિવર્સિટી કૉલેજનાં પ્રોફેસર કાર્લ ફ્રિસ્ટન અને સ્વીડનના પ્રોફેસર બ્રિટન તેમજ બીજા નિષ્ણાતોનું માનવું છે કે કોઈ વસતીના 70 ટકા લોકોમાં ઇમ્યુનિટી વિકસિત થઈ ગઈ હોય તો હર્ડ ઇમ્યુનિટી કામ કરવા માંડે છે.

ડૉ. માવળંકર બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "એક અનુમાન એવું છે કે કુલ વસતીના લગભગ 50 ટકા લોકો ઘરમાં રહીને સંક્રમણથી દૂર રહેતા હશે, જ્યારે બાકીના 25 ટકા લોકો એવા હોય છે કે જેમના શરીરમાં એક કે બીજી રીતે સંક્રમણ સામે લડવાની શક્તિ હોય છે. તે ભલે કોઈ બીજા વાઇરસ સામે લડવાની શક્તિ હોય પરંતુ તે કોવિડની સામે પણ કામ કરે છે."

"ઉદાહરણ તરીકે એક પરિવારમાં, એક સાથે રહેતાં પતિ, પત્ની અને બાળકોમાં પતિ સંક્રમિત થાય પરંતુ પત્ની કે સંતાનો ચેપગ્રસ્ત નથી થતાં તેનું કારણ એ છે કે તેવા લોકોના શરીરમાં પહેલાંથી જ સંક્રમણ સામે લડવાની શક્તિ પેદા થઈ ચૂકેલી હોય છે, જેને નૉન-સસેપ્ટિબલ કહેવાય."

પોતાના અભ્યાસમાં ડૉ.માવળંકરે તેવાં ઉદાહરણો આપ્યાં છે જેમાં અમદાવાદના કોઈ એક ઘરમાં એક સભ્યને કોવિડ-19નો ચેપ લાગ્યો પણ બીજા કોઈને ન લાગ્યો.

ડૉ. માવળંકર અને તેમની ટીમનું એક તારણ એવું પણ છે કે લગભગ એક જ પરિવારના 80-90 ટકા લોકો એવા જોવા મળ્યા છે, જેમના પરિવારમાં એક સભ્યને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવા છતાં તેમને કોરોનાનો ચેપ નહોતો લાગ્યો.

તો કેવી રીતે કહી શકાય કે, અમદાવાદમાંથીકોરોના સંક્રમણ જતું રહેશે?

આ સમજવા માટે સૌથી પહેલાં યુનિવર્સિટી કૉલજના પ્રોફેસર કાર્લ ફ્રિસ્ટનની ડાર્ક મૅટરની થિયરીને સમજવી પડે.

આ થિયરી પ્રમાણે કોવિડ-19 જેવા સહેલાઈથી સંક્રમિત કરી શકનારા રોગોમાં ડાર્ક મૅટર હોય છે. આ ડાર્ક મૅટરને માપી નથી શકાતું પરંતુ આંકડાકીય માહિતીના આધારે તેનું તારણ કાઢી શકાય છે.

આ થિયરી પ્રમાણે 20-40 ટકા લોકો જો સંક્રમણનો ભોગ બને તો હર્ડ ઇમ્યુનિટીની અસર થઈ રહી હશે તેવું કહી શકાય.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ડૉ. માવળંકરે કહ્યું હતું કે અમદાવાદની વસતી આશરે 60 લાખની છે.

તેમણે પોતાનું પેપર તૈયાર કર્યું હતું, ત્યારે (22મી જુલાઈના રોજ) અમદાવાદ શહેરમાં આશરે 22 હજાર જેટલા કેસ હતા. (હાલમાં શહેરમાં 2,64,77 કેસ છે.)

"આવતા એક મહિના દરમિયાન એવી શક્યતા છે કે અમદાવાદ શહેરમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 30 હજાર સુધી પહોંચી જાય. અને હાલમાં કેસ વધી નથી રહ્યા પરંતુ ઘટી રહ્યા છે.""એક તરફ 50 ટકા વસતી ઘરમાં છે, બીજી બાજુ 25 ટકા લોકો નૉન-સસપ્ટિબલ છે અને બાકીના 25 ટકા સસપ્ટિબલ છે (એટલે કે જેઓ સંક્રમિત થઈ શકે છે)."

અમદાવાદમાં જ્યારે 22 હજાર કેસ હતા ત્યારે તેની ટકાવારી કુલ વસતીનાં માત્ર 0.5 ટકા હતી, એટલે માત્ર 0.5 ટકા વસતીને કોવિડ-19નો ચેપ લાગ્યો તેવું કહેવાય.

ડૉ માવળંકરે કહ્યું, "દુનિયાભરમાં એવા અનેક અભ્યાસ થયા છે, જેમાં એ તારણ નીકળ્યું છે કે જે-તે વિસ્તારમાં નોંધાયેલા કેસોની સરખામણીએ વાસ્તવિક કેસો 20-50 ગણા હોય છે, માટે અમદાવાદની કુલ વસતીના આશરે 10-25 ટકા લોકોને કોવિડ-19નો ચેપ લાગ્યો હશે તેવું માની શકાય, પરંતુ તેમાથી ઘણા કેસ નોંધાયા નહીં હોય."

તેમણે વધુમાં જણાવ્યું કે કાર્લ ફ્રિસ્ટરની ડાર્ક થિયરી પ્રમાણે જો વસતીના 10-25 ટકા લોકો ચેપગ્રસ્ત થઈ ચૂક્યા હોય તો સમજવું કે હવે હર્ડ ઇમ્યુનિટીની અસર દેખાવા માંડશે, જે હવે અમદાવાદમાં આવનારા થોડા સમય બાદ જોવા મળશે.

ખોટા આત્મવિશ્વાસનો ખતરો?

જોકે ડૉ માવળંકરે એ પણ કહ્યું, "એવું ન સમજી લેવું જોઈએ કે અમારો રિપોર્ટ એકદમ સચોટ છે અને લોકો એવું સમજવા માંડે કે હવે કોરોના જતો રહ્યો છે, માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું ટાળે તો ખોટો આત્મવિશ્વાસ જન્મશે. એવું થશે તો આ રોગ ફરીથી પોતાની અસર દેખાડી શકે છે."

તેમણે કહ્યું, "આવાનરા સમયમાં આ મામલે હજી વધારે સંશોધન અને અભ્યાસની જરૂર છે."

ચેપી રોગોના નિષ્ણાત શું માને છે?

આ વિશે બીબીસી ગુજરાતીએ જ્યારે ચેપી રોગોના નિષ્ણાત અને કોવિડ-19 સામે લડવા માટે ગુજરાત સરકારના સલાહકાર ડૉ.અતુલ પટેલ સાથે વાત કરી તો તેમણે કહ્યું :

"મને ચોક્કસપણે ખાતરી નથી કે અમદાવાદમાં હર્ડ ઇમ્યનિટીનું નિર્માણ થઈ રહ્યું છે કે નહીં, પરંતુ એ ચોક્કસ છે કે હવે આ શહેરમાં કેસની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે."

"અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કરવામાં આવેલા એક સિરોસર્વેલન્સમાં જાણાવા મળ્યું હતું કે શહેરમાં 17 ટકા લોકોમાં ઇન્યુનોગ્લોબ્યુલાઈ જી ( Immunoglobuli G (LgG) હાજર છે."

આ એક પ્રકારના ઍન્ટી-બૉડી છે જે કોરોના સંક્રમણ સામે રક્ષણ આપે છે. ટેકનિકલી 50 ટકાથી વધારે લોકોમાં જ્યારે LgG જોવા મળે ત્યારે જ હર્ડ ઇમ્યુનિટીની અસર થઈ રહી છે તેવું કહી શકાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો