શ્રેય હૉસ્પિટલ : આગ જેવી ગંભીર ઘટનામાં પીપીઈ કિટ કેટલી જોખમી?

    • લેેખક, રિષી બેનર્જી
    • પદ, બીબીસી ગુજરાતી

અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં સ્થિત કોવિડ-19 વોર્ડમાં ગુરૂવારે સવારે 3 વાગે આગ લાગવાના કારણે 8 લોકો મૃત્યુ પામ્યા.

ફાયર અધિકારીના જણાવ્યા મુજબ શોર્ટ-સર્કિટનાં કારણે હૉસ્પિટલમાં હાજર સ્ટાફની પી.પી.ઈ. કિટમાં આગ લાગી ગઈ, જેણે મોટું સ્વરૂપ લઈ લીધું. અમદાવાદની ઘટનાથી સવાલ ઊભો થાય છે કે પી.પી.ઈ. કિટમાં કામ કરવું કેટલું સુરક્ષિત છે?

ધ સાઉથ ઇન્ડિયન ટેક્સ્ટાઇલ રિસર્ચ ઍસોસિયેશન (સીટ્રા)‌એ‌ સંસ્થા છે જે પી.પી.ઈ. કિટમાં વપરાતા કાપડનું પરીક્ષણ કરે છે.

પી.પી.ઈ. કિટમાં વપરાતા મટીરિયલ અને તેના જોખમ અંગે વાત કરતા (સીટ્રા)‌ના ડાયરેક્ટર પ્રકાશ વાસુદેવને બીબીસી ગુજરાતી‌ને જણાવ્યું કે, "પી.પી.ઈ. કિટમાં જે કાપડ વાપરવામાં આવે છે, તે પેટ્રોલિયમ આધારિત પ્રોડકટ હોય છે અને તરત આગ પકડી શકે છે. ખરેખર તો પી.પી.ઈ. કિટનું આગ પ્રતિરોધક કેમિકલથી કોટિંગ કરવું જોઈએ, જેથી આવી ઘટનાઓથી બચી શકાય."

અમદાવાદના બનાવ અંગે વાત કરતાં વાસુદેવને કહ્યું કે, "અમદાવાદમાં જે ઘટના બની છે, તેને ગંભીરતા લેવી જોઈએ અને પી.પી.ઈ. કિટ માટે જે કાપડ બનાવવામાં આવે છે, તેનો ફલૅઇમ રિટારડંટ ટેસ્ટ પણ કરવો જોઈએ. હાલમાં કેન્દ્ર સરકારની સૂચના મુજબ પી.પી.ઈ. કિટ માટેના કાપડનો માત્ર સિન્થેટીક બલ્ડ પેનિટ્રેશન ટેસ્ટ કરવામાં આવે છે.

આ રીતે બને છે પી.પી.ઈ. કિટ

પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમૅન્ટ્સ (પી.પી.ઈ.) કિટ સ્વાસ્થય કર્મચારીઓની સુરક્ષા માટેનું રક્ષણાત્મક કવચ છે. પી.પી.ઈ. કિટમાં સંપૂર્ણ શરીરને ઢાંકી શકે એવું સૂટ, હેલ્મેટ, ચશ્માં, જૂતા અને હાથ-મોજાનો સમાવેશ થાય છે.

કોવિડ-19નાં દર્દીઓની સારવાર કરતા સ્ટાફને ચેપ લાગવાનો ભય હોવાથી પી.પી.ઈ. કિટનો ઉપયોગ‌ મેડિકલ સ્ટાફ માટે ફરજિયાત છે. કિટ આખા શરીરને કવર કરતી હોવાથી તે ચેપ સામે રક્ષણ આપે છે.

પી.પી.ઈ. કિટ અને માસ્કનું ઉત્પાદન કરનાર સુરત સ્થિત લક્ષ્મીપતિ ગ્રુપના ચૅરમૅન સંજય સરાવગી કહે છે, "પી.પી.ઈ. કિટ વૉવન અને નૉન-વૉવન કાપડથી બને છે. વૉવન કાપડ પૉલિઍસ્ટર જેને ફિલામૅન્ટ યાર્ન પણ કહેવામાં આવે છે, તેમાંથી બને છે અને નૉન-વૉવન કાપડ સ્પનબાઉન્ડ ફાઇબરથી બને છે, જે કાગળ જેવું હોય છે."

પી.પી.ઈ. કિટ શું ખરેખર આગ પકડી શકે છે? તેના જવાબમાં સરાવગી કહે છે, જો આગનું કારણ પી.પી.ઈ. કિટ છે તો નક્કી એ નૉન-વૉવન કાપડ હોવું જોઈએ.

"આઈ.સી.એમ.આર.ની માર્ગદર્શિકા મુજબ આ કાપડ ઉપર પૉલિ-ઇથાયલનું કોટિંગ કરવામાં આવે છે. નૉન-વૉવન કાપડ અને કેમિકલ બેઉ વસ્તુઓ બહુ જ્વલનશીલ છે. એટલા માટે સહેલાઈથી આગ પકડી લે છે. જો પી.પી.ઈ. કિટ વૉવન કાપડથી બની હોય તો આવી સ્થિતિથી બચી શકાય છે." સરાવગીએ ઉમેર્યું.

બિલીમોરામાં પી.પી.ઈ. કિટનું ઉત્પાદન કરતા પ્રશાંત ટેલર કહે છે, "નૉન-વૉવન કાપડ વધારે ચલણમાં છે કારણકે તે ડિસપૉસેબલ હોય છે. આ કાપડથી બનેલી પી.પી.ઈ. કિટ 150થી 250 રૂપિયામાં વેચાય છે. એકવાર પહેર્યા બાદ મેડિકલ સ્ટાફ તેને ફેંકી દે છે. ડિસ્પોસેબલ અને સસ્તું હોવાના કારણે મેડિકલ સ્ટાફમાં તેનો વધારે ઉપયોગ થાય છે. વૉવન કાપડથી બનતી પી.પી.ઈ. કિટને ધોઈને 30 વાર સુધી વાપરી શકાય છે, પરતું એને કોઈ ખરીદવા માગતું નથી."

પી.પી.ઈ. કિટ બનાવવાની ગાઇડલાઇન શું છે?

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ મુજબ પી.પી.ઈ. કિટનું ઉત્પાદન આઈ.એસ.ઓ અને યુરોપિયન સ્ટાન્ડર્ડ, ભારત સરકાર અને આઈ.સી.એમ.આર.ની ગાઇડલાઇન મુજબ થાય છે.

ગાઇડલાઇન મુજબ કાપડને ડિસઇન્ફેકટ કરવામાં આવે છે અને બધી સુરક્ષા બાબતોને ધ્યાનમાં રાખીને કટિંગ અને સિલાઈ કરવામાં આવે છે.

પી.પી.ઈ. કિટનું ઉત્પાદન કરતા ભરત શાહ કહે છે, "પી.પી.ઈ. કિટ બનાવવા માટે ધ સાઉથ ઇન્ડિયન ટેક્સ્ટાઇલ રિસર્ચ ઍસોસિયેશન (સીટ્રા)ની પરવાનગી લેવી પડે છે.

સીટ્રા પાસે કાપડ મંજૂર કરાવ્યા બાદ કિટ બનાવી શકાય છે અને બજારમાં વેચી શકાય છે. સીટ્રા જેવી જ અન્ય લૅબ છે, પરતું સીટ્રા પાસે સૌથી વધારે સૅમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવે છે."

"એમ જોવા જઈએ તો ભારત સરકારે કોઈ ચોક્કસ ગાઇડલાઇન બહાર પાડી નથી. કાપડ જો સીટ્રાએ મંજૂર કર્યું હોય તો કોઈ પણ પી.પી.ઈ. કિટ સીવી શકે છે."

સીટ્રાના નિદેશક પ્રકાશ વાસુદેવન કહે છે, "સીટ્રા કાપડનું પરીક્ષણ કર્યા બાદ એનો રિપોર્ટ બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ(બી.આઈ.એસ.)ને સોંપી દે છે અને એ રિપોર્ટના આધારે બી.આઈ.એસ. સર્ટિફિકેટ આપે છે. અમારી પાસે દરરોજ ઘણાં સૅમ્પલ પરીક્ષણ માટે આવે છે અને અમે શક્ય એટલાં ઓછા સમયમાં પરીક્ષણ પૂર્ણ કરીએ છે."

ગુજરાતનાં ફુડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર એચ. જી. કોશિયા કહે છે, "કેન્દ્ર સરકાર અને બીજી સંસ્થાઓએ જે ગાઇડલાઇન બહાર પાડી છે, એ પ્રમાણે ગુજરાતમાં પી.પી.ઈ. કિટનું ઉત્પાદન કરવામાં આવે છે."

"ગાઇડલાઇનમાં મંજૂર થયેલા કાપડથી પી.પી.ઈ. કિટ બનાવવી, કિટ બનાવતી વખતે કોવિડ-19નાં પ્રોટોકોલનું પાલન કરવું અને કિટને સારી રીતે ડિસઇન્ફેક્ટ કરીને પૅક કરવી વગેરે બાબતો સામેલ છે. પી.પી.ઈ. કિટનું ઉત્પાદન જે કંપનીમાં થાય છે, એની પાસે બધી પરવાનગી હોવી જરૂરી છે."

તેઓ જણાવે છે કે રાજ્યમાં ગાઇડલાઇનનું પાલન ચુસ્ત રીતે કરાવવામાં માટે રાજ્ય સરકાર વિવિધ પગલાંઓ લઈ રહી છે.

શું ગુજરાતમાં પી.પી.ઈ. કિટ બનાવતા યુનિટો બધી ગાઇડલાઇન્સનું પાલન કરે છે? તેના જવાબમાં કોશિયા કહ્યું કે સમય-સમયે તે અંગે તપાસ કરવામાં આવે છે.

પી.પી.ઈ. કિટથી હૅલ્થ સ્ટાફના આરોગ્ય ઉપર અસર થઈ રહી છે?

વિશ્વ સ્વાસ્થય સંગઠન મુજબ પી. પી. ઈ. કિટ કોવિડ-19નાં સંક્રમણને રોકવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. માત્ર સારવાર કેન્દ્રોમાં જ નહીં, પરંતુ વિવિધ પ્રવૃત્તિઓ માટે, દાખલા તરીકે સફાઈ, કચરો વ્યવસ્થાપન અને સલામત દફનના કાર્ય માટે પણ જરૂરી છે.

જોકે, ડૉક્ટરો માટે પી.પી.ઈ. કિટ પહેરીને કામ કરવું મુશ્કેલ છે. આ‌ અંગે સુરતના કોવિડ કેર સેન્ટરમાં કામ કરતા ડૉક્ટર હિતેશ જરીવાળાનું કહેવું છે કે પી.પી.ઈ. કિટના કારણે શરીરનું તાપમાન વધી જાય છે, જેના કારણે ગરમી લાગે છે અને પરસેવો આવે છે.

જરીવાળાએ ઉમેર્યું કે, "આ ઉપરાંત ચામડીનું ઇન્ફેકશન અને ચકામાં (રેશીસ) પણ થાય છે. હવે અમે ડિસ્પોસેબલ કિટનો ઉપયોગ વધારે કરીએ છીએ, જેનાં કારણે પહેલાં કરતાં ઓછો થાક લાગે છે."

ડૉક્ટર જરીવાળા રોજના 8-9 કલાક કોવિડ-19 સેન્ટરમાં કામ કરે છે. તેઓ જણાવે છે કે પી.પી.ઈ. કિટના કારણે તેમને સ્કિન પ્રોબલમ થયો છે, જેની તેઓ સારવાર લઈ રહ્યા છે.

ક્વિંટ વેબસાઈટનાં એક અહેવાલ મુજબ પી.પી.ઈ. કિટનાં કારણે હેલ્થ સ્ટાફ ઉપર શું અસર થઈ રહી છે તે જાણવા માટે ચીનમાં એક સર્વે કરવામાં આવ્યો છે.

આ‌ સર્વે મુજબ આશરે 7.7 કલાક પી.પી.ઈ. કિટ પહેર્યા પછી 40 ટકા હેલ્થ સ્ટાફ ત્વચાની ઈજાથી પીડાતો જોવા મળ્યો હતો. કુલ સંખ્યાના ત્રીજા ભાગની વ્યક્તિઓને ભારે પરસેવો થવાના કારણે બળતરા, ફોલ્લીઓ, લાલાશ અને ખંજવાળની સમસ્યા થઈ.

સર્વે પ્રમાણે પી.પી.ઈ. કિટના કારણે થતી ઈજાના ત્રણ સૌથી સામાન્ય સ્વરૂપો હતા: ઉપકરણથી સંબંધિત દબાણથી થતી ઈજાઓ, ત્વચાને નુકસાન થવું અને શરીરના વિવિધ ભાગો જેમ કે નાક પુલ, ગાલ, કાન અને કપાળમાં ત્વચાનું સંકોચાઈ જવું.

કોવિડ-19 હૉસ્પિટલમાં કામ કરતા હિરેન મકવાણા કહે છે કે, પી.પી.ઈ. કિટમાં તમે જલ્દી હાંફી જાઓ છો. કામ કરવાની ઝડપ પણ ઓછી થઈ જાય છે. કિટ પહેરીને તમને કામ કરવામાં સૌથી મોટી સમસ્યા એ છે કે ખૂબ પરસેવો થાય છે.

પ્રકાશ વાસુદેવન કહે છે, "અમને ઘણા ડૉક્ટરો કહ્યું છે કે તેઓ પી.પી.ઈ. કિટ એક કલાકથી વધારે પહેરી શકતા નથી. આના પાછળનું કારણ છે કે કિટ માટેનું જે કાપડ છે તેમાથી હવા અંદર જતી નથી. વાઇરસને અટકાવવા માટે જરૂરી છે કે કાપડ એવું હોય જેમાંથી હવા પસાર ન થાય."

"ઘણું એવું મટીરિયલ્સ છે, જે પી.પી.ઈ. કિટને આરામદાયક બનાવી શકે છે. આના ઉપર કામ શરૂ થયું છે અને મને લાગે છે કે ટૂંક સમયમાં કદાચ નવું મટીરિયલ આવશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો