You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પર્યાવરણીય લોકસુનાવણી : ગુજરાત સરકાર કોરોનાને નામે ઉદ્યોગપતિઓને ફાયદો કરાવી રહી છે?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
કોરોના વાઇરસના કેરના કારણે ગુજરાતમાં સરકાર લોકોને બહાર ન નીકળવાનો અને ઘરમાં રહેવાનો આગ્રહ કરે છે. ધાર્મિક અને સામાજિક તમામ કાર્યક્રમો પર સરકાર પ્રતિબંધ મૂકી રહી છે.
આ બધાની વચ્ચે સરકાર લોકો માટે જોખમી અને પર્યાવરણ માટે હાનિકારક હોય તેવા ઉદ્યોગોને પાછલા બારણેથી મંજૂરી આપી રહી હોવાનો આરોપ પર્યાવરણવાદીઓ મૂકી રહ્યા છે.
બીજી તરફ સરકારનો દાવો છે કે અમે લોકોની ફરિયાદ અને તકલીફો પર ધ્યાન આપીને નવા ઉદ્યોગોને મંજૂરી આપી રહ્યા છીએ.
ઉદ્યોગો માટે ગામની પરવાનગી જરૂરી
ગુજરાતમાં નવા ઉદ્યોગો સ્થપાય એટલે જે વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવવાનો હોય તે ગ્રામીણ વિસ્તારના લોકોની તકલીફોને કે એમની જમીનને નવા ઉદ્યોગ આવવાને કારણે કોઈ નુકશાન તો થતું નથી તે ઍન્વાયરમૅન્ટ પ્રૉટેક્શન ઍક્ટ જોવાની જોગવાઈ છે. નિયમ મુજબ લોકોની સમસ્યાઓ સાંભળવા માટે ઉદ્યોગ માટે સંપાદિત થયેલી જમીન સામે કોઈને વાંધો છે કે એના માટે, ફરજિયાત લોકસુનાવણી થાય છે.
ઍન્વાયરમૅન્ટ ઇમ્પૅકટ ઍસેસમૅન્ટ ઍક્ટ 2006ના નિયમ મુજબ આવી સુનાવણી માટે અખબારમાં જાહેરાત આપવામાં આવે છે અને ગામના લોકોને જાણ કરવામાં આવે છે ત્યારબાદ લોકસુનાવણી થયા પછી જે તે વિસ્તારમાં ઉદ્યોગને ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવે છે .
કોરોનાકાળમાં લોકોનું એકત્રિત થવાનું બંધ હોવા છતાં સરકાર દ્વારા આવી લોકસુનાવણીઓ હાથ ધરવામાં આવી રહી છે. પર્યાવરણવાદીઓ આને લોકોને નુકસાન કરતા ઉદ્યોગોને ચૂપચાપ મંજૂરી આપવાની સરકારની પેરવી ગણાવે છે.
"નિયમો નેવે મૂકી અપાય છે પરવાનગી"
પર્યાવરણ મિત્રના અધ્યક્ષ મહેશ પંડ્યાએ કહ્યું કે, "ગુજરાતમાં ખેડા, મોરબી, દ્વારકા, સાબરકાંઠા સહિતના આઠ જિલ્લામાં નવા ઉદ્યોગો આવી રહ્યા છે, આ ઉદ્યોગો પર્યાવરણ માટે નુકસાનકારક છે, અહીંના ગામનાં લોકોનો પણ વિરોધ છે, ત્યારે ગુજરાત સરકાર આ ઉદ્યોગોને કોરોના દરમિયાન યોગ્ય રીતે લોકસુનાવણી કર્યા વગર મંજૂરી આપવાના પ્રયાસ કરી રહી છે."
"કોરોનામાં લોકો એકત્રિત ન થઈ શકે એવી સરકારની ગાઇડલાઇન હોવા છતાં સરકાર લોકસુનાવણી ગોઠવી રહી છે, જેથી લોકો એકત્રિત ન થાય અને એમની સમસ્યાઓની રજૂઆત વગર જ ઉદ્યોગોને તમામ નિયમો નેવે મૂકી મંજૂરી આપી શકાય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહેશ પંડ્યા કહે છે કે "અમે આ અંગે સરકારને જાણ કરી છે. લોકો કોરોનાથી સંક્રમિત થવાના ડરથી લોકસુનાવણીમાં આવી પોતાનો વાંધા રજૂ કરી શકે એ સ્થિતિમાં નથી."
"હવે જો લોકો એમની તકલીફોની રજૂઆત ન કરી શકે તો સરકાર કોરોનાના ભય નીચે લોકોની સમસ્યા સમજ્યા વગર જ ઉદ્યોગપતિઓને ફાયદો થાય એ રીતે મંજૂરી આપી દે અને પર્યાવરણના નિયમો નેવે મુકાય. જો આવી રીતે ઉદ્યોગો આવે તો આવનારા દિવસોમાં પર્યાવરણની ઘણી સમસ્યા ઊભી થઈ શકે છે.
"નિયમો નેવે મૂકવાથી ગુજરાતનું ભૂગર્ભ જળ અને જમીન ખરાબ થઈ"
મહેશ પંડયા ગુજરાત સરકારે ભૂતકાળમાં આપેલી મંજૂરીઓની અસરો જણાવતા કહે છે, "આમેય ભૂતકાળમાં રાજ્યમાં પર્યાવરણના નિયમો નેવે મૂકીને સરકારે સ્થાપેલા ઉદ્યોગોને કારણે ગુજરાતના ઘણા ભૂગર્ભના પાણી ખરાબ થયા છે. ખેતીની જમીન ખરાબ થઈ છે, એટલું જ નહીં ઘણા ગામમાં પ્રદુષિત પાણી ને કારણે લોકોનું જીવતર જોખમમાં મુકાયું છે."
"અમદાવાદ પાસેના ઘણા ગામો એવા છે કે જેમાં આજે પ્રદુષિત પાણી આવવાને કારણે લોકો શહેર તરફ વળી રહ્યા છે. આવા સંજોગોમાં કોરોનાના કારણે ડરેલા લોકો લોક સુનાવણીમાં આવશે નહીં અને સરકાર તમામ નિયમોને નેવે મૂકી ઉદ્યોગપતિઓને ફાયદો કરાવશે, જેના કારણે આવનારા દિવસો માં નવી મુશ્કેલીઓ સર્જાશે."
મહેશ પંડ્યાનું કહેવું છે કે એમની રજૂઆતથી આવી બે લોકસુનાવણી બંધ રહી છે પણ સરકાર હવે ફરી ગામડાઓમાં આવી રીતે લોકસુનાવણી રાખી રહી છે. આવી લોકસુનાવણી પાછળ લોકો હાજર ન રહે અને તમામ નિયમોને નેવે મૂકી સરકાર ઉદ્યોગપતિઓને ફાયદો કરાવી શકાય એવી સરકારની દાનત છે મહેશ પંડ્યાનો આરોપ છે.
"નિયમમાં સરકાર કોઈ બાંધછોડ નથી કરી રહી"
જોકે, ઉદ્યોગોને મંજૂરી આપવાના નિયમમાં સરકાર કોઈ બાંધછોડ નહીં કરી રહી હોવાનો દાવો કરતા પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારે કહ્યું, "અમે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે જ કામગીરી કરી રહ્યા છીએ. કોરોનાના કેર વચ્ચે લોકસુનાવણી રાખતા પહેલા અખબારમાં જાહેરાત આપીએ છીએ અને નિયમ મુજબ કલેક્ટરને જાણ કરવામાં આવે છે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને લોકસુનાવણી કરવામાં આવે છે."
"જ્યાં જરૂર લાગે ત્યાં અમે કોરોનાને કારણે લોકસુનાવણી બંધ પણ રાખી છે, કોરોનાના ડર વચ્ચે ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવાનો કોઈ આશય નથી, આ લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે."
આ અંગે અમે ગુજરાત પ્રદૂષણ બોર્ડના સચિવ એ. વી. શાહનો સંપર્ક સાધતા એમણે કહ્યું કે ગુજરાત પ્રદૂષણ બોર્ડે ઉદ્યોગો અંગે લોકોની ફરિયાદ અને તકલીફોની લોકસુનાવણી 45 દિવસમાં કરવાની રહે છે અને એનો અહેવાલ સરકારને મોકલવાનો હોય છે.
"કોરોનાકાળમાં આ પ્રકારે સુનાવણી હતી અને કલેક્ટરે મંજૂરી ન આપી તો અમે એને મુલતવી રાખી છે. આના બધા અધિકાર ગુજરાત પ્રદૂષણ બોર્ડ પાસે નથી હોતા, અમે કેન્દ્ર સરકારની 2 જૂન 2020 ની ગાઇડલાઇન પ્રમાણે કાર્યવાહી કરીએ છીએ. "
એમનું કહેવું છે કે લોકસુનાવણી યથાવત રાખવી કે નહીં એની સત્તા કલેક્ટર પાસે હોય છે અને લોકસુનાવણીમાં અમે સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ છીએ એટલે પાછલા બારણેથી ઉદ્યોગપતિઓને પર્યાવરણના નિયમો નેવે મૂકી મંજૂરી આપવાની વાત ખોટી છે.
28 અને 29 ઑગસ્ટની લોકસુનાવણી પણ કલેક્ટરના આદેશ પ્રમાણે રાખી છે અને પરિસ્થિતિ પ્રમાણે નિર્ણયો લેવાય છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો