You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અનિલ દેશમુખ : મહારાષ્ટ્રના ગૃહમંત્રીનું આખરે રાજીનામું, બૉમ્બે હાઈકોર્ટનો CBI તપાસનો આદેશ
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજીનામું આપી દીધું છે.
મુંબઈમાં મુકેશ અંબાણીના નિવાસસ્થાન એંટિલિયાની બહાર જિલેટિન સ્ટિક ધરાવતી ગાડી મળ્યા બાદના ઘટનાક્રમમાં તેમની વિરુદ્ધ અનેક આરોપ લગાવવામાં આવ્યા હતા.
એમણે રાજીનામું આપ્યું એ અગાઉ જ બૉમ્બે હાઈકોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો.
એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યું કે બૉમ્બે હાઈકોર્ટના આદેશ બાદ અનિલ દેશમુખ એનસીપી અધ્યક્ષ શરદ પવાર અને પાર્ટીના અન્ય નેતાઓને મળ્યા હતા. પાર્ટીએ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને રાજીનામું સ્વીકાર કરવાની વિનંતી કરી છે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિકે જણાવ્યું કે તેમણે પોતાનું રાજીનામું મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને સોંપી દીધું છે અને મુખ્ય મંત્રીએ હજુ રાજીનામું સ્વીકાર કર્યું નથી.
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ બૉમ્બે હાઈકોર્ટે ડૉ જયશ્રી પાટીલની અરજી પર સુનાવણી કરતા સીબીઆઈને મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ સામે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપની પ્રારંભિક તપાસ 15 દિવસમાં શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
પોતાના રાજીનામામાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે બૉમ્બે હાઈકોર્ટેના નિરેદશ પછી તેમને ગૃહ મંત્રી પદ પર રહેવું નૈતિક રૂપે યોગ્ય નથી લાગતું.
તેમના પર મુંબઈ પોલીસના પૂર્વ કમિશ્નર પરમવીર સિંહે ગંભીર આરોપ લગાવ્યા હતા જેના પર હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એન્ટિલિયા મામલાને પગલે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયેલું છે. મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સતત ગૃહમંત્રી પદ પરથી અનિલ દેશમુખના રાજીનામાંની માગ કરી રહ્યા હતા.
અનિલ દેશમુખ પર 'દર મહિને 100 કરોડ રૂપિયા એકઠા કરવાનું લક્ષ્ય આપવાનો' આરોપ
મુંબઈ પાલીસના પૂર્વ કમિશનર પરમવીર સિંહે પત્ર લખીને અનિલ દેશમુખ પર અનેક ગંભીર આરોપ મૂક્યા હતા.
એન્ટિલિયા મામલે મુંબઈ પોલીસના અધિકારી સચીન વાઝેની ધરપકડ બાદ પરમવીર સિંહ પર સવાલ ઉઠાવાઈ રહ્યા હતા.
એન્ટિલિયા કેસમાં મુંબઈ પોલીના પૂર્વ અધિકારી સચીન વાઝેનું નામ આવ્યા પછી મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહની તેમના પદ પરથી બદલી કરી નાખવામાં આવી હતી, પછી તેમણે પત્ર લખીને અનિલ દેશમુખ પર ગંભીર આરોપ મૂક્યા હતા.
પરમબીર સિંહે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો હતો કે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે મહારાષ્ટ્ર પોલીસના અધિકારીને દર મહિને 100 કરોડ રૂપિયા એકઠા કરવાનું લક્ષ્ય આપ્યું હતું. ભાજપે આ મામલે સીબીઆઈ તપાસની માગ કરી હતી.
રાજ્યના વિપક્ષ ભાજપ તરફથી મહારાષ્ટ્ર વિધાનસભામાં આરોપ લગાવવામાં આવી રહ્યા હતા કે પરમબીર સિંહના પત્ર અનુસાર મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીએ સસ્પેન્ડેડ આસિસ્ટન્ટ પોલીસ ઇન્સપેક્ટર સચીન વાઝેને દર મહિને મુંબઈના 1,742 બાર અને રેસ્ટોરાં પાસેથી 100 કરોડ રૂપિયા વસૂલ કરવાનું કહ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
પરમવીર સિંહની હોમગાર્ડ વિભાગમાં બદલી કરી દેવાઈ હતી. જેને તેમણે સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો પરંતુ કોર્ટે મામલો હાઈકોર્ટ સમક્ષ લઈ જવાના નિર્દેશ આપ્યો હતો. તેમણે અનિલ દેશમુખ પર લાગેલા આરોપની સીબીઆઈ તપાસની માગ પણ કરી હતી.
આ મામલે લોકસભામાં પણ હંગામો થયો હતો.
એન્ટિલિયા કેસમાં અત્યાર સુધી શું-શું થયું?
25 ફેબ્રુઆરી, 2021ના દિવસે જેલેટિન સ્ટિક્સથી ભરેલી એક સ્કૉર્પિયો કાર ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈસ્થિત ઘરની બહારથી મળી હતી.
કેટલાક દિવસો બાદ આ કારના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ થાણે પાસેથી મળ્યો હતો.
તેમના મૃત્યુ બાદ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો મળવા પરનું રહસ્ય વધુ ઘેરું બન્યું હતું.
આ મામલે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી અને હાલમાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગંભીર આરોપ લગાવ્યા હતા.
તેઓએ કહ્યું કે આ મામલે મુંબઈ પોલીસના સચીન વાઝેનું જોડાણ શું માત્ર એક સંયોગ છે? બાદમાં આ મામલાની તપાસ એનઆઈએને સોંપાઈ હતી.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ શનિવારે સાંજે મુંબઈ પોલીસના અધિકારી સચીન વાઝેની 12 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરાઈ હતી.
સચીન વાઝે સામે આઈપીસીની ધારા 285, 465, 473, 506(2), 120 B હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. તેમની જામીનની અરજી ફગાવી દેવામાં આવી છે અને હાલ તેઓ જેલમાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો