મુંબઈ : પરમવીર સિંહને હઠાવી હેમંત નાગરાલેને બનાવવામાં આવ્યા નવા પોલીસ કમિશનર

મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહની બદલી કરી દેવાઈ છે તેમને સ્થાને હેમંત નાગરાલે મુંબઈ મુંબઈના નવા પોલીસ કમિશનરપદે નિયુક્તી કરાઈ છે. પરમવીર સિંહનીને હોમગાર્ડની જવાબદારી સોંપાઈ છે.

એન્ટિલિયા મામલે મુંબઈ પોલીસના અધિકારી સચીન વાઝેની ધરપકડ બાદ પરમવીર સિંહ પર સવાલ ઉઠાવાઈ રહ્યા હતા.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે હેમંત નાગરાલે મુંબઈ મુંબઈના નવા પોલીસ કમિશનર હશે.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી એક કારનો મામલો દિવસેદિવસે નવો વળાંક લઈ રહ્યો છે.

પોલીસ અધિકારી સચીન વાઝેની એનઆઈએએ ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરાઈ રહી છે.

હાલમાં જ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવારે કહ્યું હતું કે દોષીઓ સામે કાર્યવાહી કરાશે, કોઈને પણ નજરઅંદાજ નહીં કરાય. મીડિયાએ સચીન વાઝે મામલે કરેલા સવાલ પર તેઓએ આ જવાબ આપ્યો હતો.

અજિત પવારે કહ્યું, "સચીન વાઝેને સસ્પેન્ડ કરી દેવાયા છે. જો કોઈ અધિકારીએ ખોટું કર્યું હોય, જો તે દોષી સાબિત થાય તો સરકારે કોઈનું સમર્થન કર્યું નથી."

પરમવીર સિંહ કોણ છે?

પોલીસ કમિશનર પરમવીર સિંહ 1988ની બેચના આઈપીએસ અધિકારી છે.

મૂળ હરિયાણાના રહેવાસી પરમવીર સિંહે દિલ્હીમાં શિક્ષણ મેળવ્યું છે.

યુપીએસસીની પરીક્ષા પાસ કરીને તેમની પહેલી વાર આઈઆરએસ કૅડરમાં પસંદગી થઈ હતી, પણ તેઓએ ફરીથી પરીક્ષા આપી અને આઈપીએસ બન્યા હતા.

મુંબઈના નવા પોલીસ કમિશનર હેમંત નાગરાલ હશે. તેઓએ પહેલો કાર્યભાર વર્ષ 1989-92માં નક્સલ પ્રભાવિત ચંદ્રપુર જિલ્લામાં એએસપી રાજુરાના તરીકે સંભાળ્યો હતો.

વર્ષ 1992માં સોલાપુર શહેરમાં બાબરી મસ્જિદ મામલા બાદ થયેલી સાંપ્રદાયિક હિંસાને સફળતાપૂર્વક નિયંત્રિત કરવા માટે તેમને ઓખળવામાં આવે છે.

સચીન વાઝે સાથે જોડાયેલો વિવાદ શું છે?

25 ફેબ્રુઆરી, 2021ના દિવસે જેલેટિન સ્ટિક્સથી ભરેલી એક સ્કૉર્પિયો કાર ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈસ્થિત ઘરની બહારથી મળી હતી.

કેટલાક દિવસો બાદ આ કારના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ થાણે પાસેથી મળ્યો હતો.

તેમના મૃત્યુ બાદ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો મળવા પરનું રહસ્ય વધુ ઘેરું બન્યું હતું.

આ મામલે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી અને હાલમાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગંભીર આરોપ લગાવ્યા હતા.

તેઓએ કહ્યું કે આ મામલે મુંબઈ પોલીસના સચીન વાઝેનું જોડાણ શું માત્ર એક સંયોગ છે? બાદમાં આ મામલાની તપાસ એનઆઈએને સોંપાઈ હતી.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ શનિવારે સાંજે મુંબઈ પોલીસના અધિકારી સચીન વાઝેની 12 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરી છે.

સચીન વાઝે સામે આઈપીસીની ધારા 285, 465, 473, 506(2), 120 B હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

એનઆઈએની દક્ષિણ મુંબઈસ્થિત ઑફિસમાં જતા પહેલાં તેઓએ સોશિયલ મીડિયા પર સંદેશ પ્રસારિત કર્યો, જેમાં તેઓએ દાવો કર્યો હતો કે તેમના સાથી પોલીસ અધિકારી તેમને ફસાવવાની કોશિશ કરી રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો