બીજાપુરમાં નક્સલવાદી હુમલો : છત્તીસગઢમાં માઓવાદની સમસ્યા અંગે નીતિ કેવી અને હિંસા કેમ નથી અટકી રહી?

    • લેેખક, આલોક પ્રકાશ પુતુલ
    • પદ, રાયપુરથી બીબીસી માટે

બીજાપુરમાં માઓવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષાદળોના 22 જવાનોનાં મૃત્યુ બાદ બીજાપુરથી લઈને રાયપુર સુધી જાતજાતના સવાલો પેદા થયા છે.

મુખ્ય સવાલ એ છે કે આખરે કઈ રીતે માઓવાદીઓની 'પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી'ની બટાલિયન નંબર 1ના કમાન્ડર હિડમાએ જાતે જ તર્રેમની આસપાસનાં જંગલોમાં હોવાની માહિતી ફેલાવી અને સુરક્ષાદળોના બે હજારથી વધુ જવાનો આ બટાલિયનને ઘેરવા માટે નીકળી પડ્યા અને માઓવાદીઓની જાળમાં ફસાતા ગયા.

સવાલ એવો પેદા થાય છે કે શું આ વ્યૂહાત્મક ભૂલ હતી કે પછી તેને જાસૂસીતંત્રની નિષ્ફળતા ગણવી જોઈએ? શું જવાનો વચ્ચે અંદરોઅંદર તાલમેલની ખામી હતી જેના કારણે આધુનિક હથિયારોથી સજ્જ બે હજાર જવાનો અમુક સંખ્યામાં આવેલા માઓવાદીઓનો મુકાબલો ન કરી શક્યા?

શું જવાનોમાં એકબીજા પર ક્રૉસ ફાયરિંગ થયું હતું? શું ખરેખર માઓવાદીઓ ત્રણ-ચાર ટ્રકમાં પોતાના માર્યા ગયેલા સાથીદારોને લઈને ભાગી ગયા છે? શું માઓવાદીઓએ આ હુમલો એટલા માટે કર્યો હતો કે સુરક્ષાદળોએ આ વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે અને માઓવાદીઓ માટે આ વિસ્તાર બચાવવો હવે મુશ્કેલ છે?

અલગઅલગ સ્તરે આ બધા સવાલોના જવાબ પણ જુદાંજુદાં છે. તેમાં સત્ય શું છે તે સમજવું સરળ નથી.

પરંતુ સરકાર દાવો કરી રહી હતી કે છેલ્લાં બે વર્ષમાં માઓવાદીઓ નબળા પડ્યા છે. શંકાસ્પદ માઓવાદીઓ સાથે સુરક્ષાદળોની અથડામણમાં 22 જવાનોનાં મૃત્યુથી સરકારનો આ દાવો ખોટો સાબિત થયો છે.

જોકે, રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેશ બધેલે ફરી દાવો કર્યો છે કે માઓવાદીઓ મર્યાદિત ક્ષેત્રમાં જ રહી ગયા છે અને તેઓ હવે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે.

માઓવાદીઓની સ્થિતિ વાસ્તવમાં કેવી છે?

ગયા મહિને બસ્તરમાં થયેલી કેટલીક ઘટનાઓ પર નજર નાખીએ.

26 માર્ચે બીજાપુરમાં માઓવાદીઓએ જિલ્લા પંચાયતના સભ્ય બુધરામ કશ્યપની હત્યા કરી દીધી. 25 માર્ચે માઓવાદીઓએ કોડાગાંવ જિલ્લામાં રોડનું નિર્માણ કરતી લગભગ એક ડઝનથી વધારે ગાડીઓને આગ ચાંપી દીધી હતી.

23 માર્ચે નારાયણપુર જિલ્લામાં માઓવાદીઓએ સુરક્ષાદળોની એક બસને વિસ્ફોટથી ઉડાવી દીધી જેમાં પાંચ જવાન માર્યા ગયા હતા.

તેવી જ રીતે 20 માર્ચે દંતેવાડામાં પોલીસે બે માઓવાદીઓને એક અથડામણમાં ઠાર મારવાનો દાવો કર્યો હતો. 20 માર્ચે બીજાપુર જિલ્લામાં માઓવાદીઓએ પોલીસના જવાન સન્નૂ પોનેમની હત્યા કરી હતી.

13 માર્ચે બીજાપુરમાં સુનીલ પદેમ નામના એક માઓવાદીનું આઈઈડી વિસ્ફોટમાં મૃત્યુ થયું. 5 માર્ચે નારાયણપુરમાં આઈટીબીપીના એક જવાન રામતેર મંગેશનું આઈઈડી વિસ્ફોટમાં મૃત્યુ નીપજ્યું.

4 માર્ચે સીએએફની 22મી બટાલિયનના મુખ્ય આરક્ષક લક્ષ્મીકાંત દ્વિવેદી દંતેવાડાના ફુરનારમાં કથિત માઓવાદીઓ દ્વારા ગોઠવવામાં આવેલા આઈઈડી વિસ્ફોટમાં માર્યા ગયા.

રાજ્યના ભૂતપૂર્વ ગૃહ સચિવ બીકેએસ રે કહે છે, "માઓવાદીઓ એક પછી એક ઘટનાને અંજામ આપી રહ્યા છે. તેઓ જરાય નબળા પડ્યા હોય તેમ લાગતું નથી. સરકાર પાસે માઓવાદ અંગે કોઈ નીતિ નથી. "

"સરકારની નીતિ એવી જ છે કે માઓવાદી હુમલાની દરેક મોટી ઘટના પછી નિવેદન બહાર પાડે છે કે જવાનોની શહાદત વ્યર્થ નહીં જાય."

"મને એ વાતની નવાઈ છે કે સરકાર આ દિશામાં કંઈ નથી કરી રહી. કોઈ નીતિ હશે ત્યારે જ તેનો અમલ કરી શકાશે."

નક્સલ સમસ્યાના ઉકેલ માટે નીતિનો અભાવ?

વાસ્તવમાં 2018માં રાજ્યમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી થવાની હતી ત્યારે કૉંગ્રેસ પાર્ટીએ એક 'જનઘોષણાપત્ર'ની જાહેરાત કરી હતી. તેને 2013માં ઝીરમ ખીણમાં માઓવાદી હુમલામાં માર્યા ગયેલા કૉંગ્રેસી નેતાઓને સમર્પિત કરવામાં આવ્યું હતું.

આ ઘોષણાપત્રના પાના નંબર 22 પર લખ્યું છે, "નક્સલવાદની સમસ્યાના ઉકેલ માટે નીતિ ઘડવામાં આવશે અને વાતચીત શરૂ કરવા માટે ગંભીરતાપૂર્વક પ્રયાસ કરવામાં આવશે."

"નક્સલવાદથી અસરગ્રસ્ત દરેક પંચાયતને સામુદાયિક વિકાસ કાર્ય માટે એક કરોડ રૂપિયા આપવામાં આવશે. જેના દ્વારા તેમને વિકાસના માધ્યમથી મુખ્યધારા સાથે જોડી શકાશે."

કૉંગ્રેસ પક્ષને રાજ્યમાં ભારે બહુમતી મળી અને 15 વર્ષ સુધી સત્તાથી બહાર રહ્યા પછી સત્તા પર આવેલી કૉંગ્રેસના નેતા ભૂપેશ બધેલે 17 ડિસેમ્બરે શપથગ્રહણ કર્યા. તેમણે તે જ રાતે જનઘોષણાપત્રની નકલ રાજ્યના મુખ્ય સચિવને સોંપી હતી.

શપથગ્રહણના દિવસે જ મંત્રીપરિષદની પહેલી બેઠક યોજવામાં આવી અને આ બેઠકમાં લેવાયેલા ત્રણ નિર્ણયોમાંથી એક નિર્ણય હતો ઝીરમ ખીણમાં થયેલી ઘટનાની એસઆઈટી દ્વારા તપાસ કરાવવી.

બસ્તરની ઝીરમ ખીણમાં 25 મે 2013ના રોજ ભારતના કોઈ પણ રાજકીય પક્ષ પર માઓવાદીઓના સૌથી મોટા હુમલામાં રાજ્યમાં કૉંગ્રેસના પ્રથમ હરોળના મોટા ભાગના નેતાઓ સહિત કુલ 29 લોકો માર્યા ગયા હતા.

આ ઘોષણાપત્ર અને સરકારના નિર્ણયને લગભગ અઢી વર્ષ થઈ ગયાં છે. ઝીરમ ખીણની તપાસ કોર્ટની કાર્યવાહીમાં અટવાયેલી છે અને નક્સલવાદની સમસ્યાની કોઈ જાહેર થયેલી નીતિ દેખાતી નથી.

મંત્રણા શરૂ કરવાના પ્રયાસની કોઈ બ્લૂપ્રિન્ટ પણ તૈયાર થઈ નથી.

તેનાથી વિપરીત મુખ્ય મંત્રી ભૂપેશ બધેલ અનેક પ્રસંગે કહી ચૂક્યા છે કે તેમણે માઓવાદીઓ સાથે વાતચીત કરવાની વાત ક્યારેય નથી કરી. તેમણે તો પીડિતો સાથે વાતચીત કરવાનું કહ્યું હતું.

કૉંગ્રેસ પાર્ટીના મીડિયા પ્રભારી શૈલેશ નીતિન ત્રિવેદી કહે છે, "છેલ્લાં 15 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ રાજ્યને વિકાસના મામલે પાછળ ધકેલી લીધું છે. આપણા જવાન તો માઓવાદીઓનો મુકાબલો કરી રહ્યા છે. પણ આપણી સરકાર બસ્તરમાં રોજગારી ઘટાડવાની દિશામાં કામ કરે છે."

"આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં સતત સુધારો થયો છે. ટીંબરાંનાં પાનની કિંમત વધારવામાં આવી છે. આખા દેશની લગભગ 75 ટકા વન્ય પેદાશ અમે ખરીદી છે."

"આદિવાસીઓના વિકાસ માટે અમારી સરકાર સતત પ્રયાસ કરી રહી છે. અમારા મત પ્રમાણે વિકાસના દરેક માપદંડમાં સારો દેખાવ કરીને જ માઓવાદીઓને ખતમ કરી શકાય છે. નક્સલવાદ અંગે અમારી આ જ નીતિ છે."

પરંતુ છત્તીસગઢ હાઈકોર્ટના અધિવક્તા રજની સોરેન વાતથી સહમત નથી.

આદિવાસીઓની મુક્તિ અટવાઈ

રજની સોરેનનું કહેવું છે કે નવી સરકાર પાસેથી લોકોને ઘણી અપેક્ષા હતી. પરંતુ નવી સરકારની પ્રાથમિકતામાં આદિવાસીઓ હજુ પણ સામેલ નથી. તેઓ આના માટે જેલોમાં બંધ આદિવાસીઓની મુક્તિ માટે રચાયેલી 'જસ્ટિસ પટનાયક સમિતિ'નું ઉદાહરણ આપે છે.

રાજ્ય સરકારે 2019માં રાજ્યની જેલોમાં લાંબા સમયથી બંધ નિર્દોષ આદિવાસીઓની મુક્તિ માટે સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ એ. કે. પટનાયકના અધ્યક્ષપદે એક સમિતિ રચી હતી.

શરૂઆતમાં 4007 આદિવાસીઓની મુક્તિ માટે પટનાયક સમિતિએ ત્રણ મુદ્દા આપ્યા હતા. પરંતુ આ સમિતિની પ્રથમ બેઠકમાં 313, બીજી બેઠકમાં 91 અને ત્રીજી બેઠકમાં 197 મામલે જ વાત થઈ શકી.

તેમાંથી મોટા ભાગના મામલા શરાબ સાથે સંકળાયેલા હતા. જ્યારે બીજા કેટલાક કેસ જુગાર રમવાના અને અપશબ્દો બોલવાને લગતા હતા.

રજની સોરેન કહે છે, એકાદ બેઠક બસ્તરમાં થઈ હતી. પરંતુ છેલ્લાં બે વર્ષમાં આદિવાસીઓને કોઈ મોટી રાહત મળી હોય તેમ લાગતું નથી.

તેમનું કહેવું છે કે બસ્તર વિસ્તારમાં પસા કાયદાની અવગણના કરીને કૅમ્પ બનાવવામાં આવી રહ્યા છે. આદિવાસીઓ આ મુદ્દે ઘણી જગ્યાએ પ્રદર્શન કરી ચુક્યા છે. પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવતો નથી.

દંતેવાડાના પોટાલી કૅમ્પ અંગે આદિવાસીઓએ હાઈકોર્ટની શરણે જવું પડ્યું છે.

રજની કહે છે, "દરેક વિરોધને તે માઓવાદીઓ પ્રેરિત વિરોધ છે તેમ કહીને ફગાવી ન શકાય. બસ્તરમાં આદિવાસીઓ સાથે સુરક્ષાદળો દ્વારા બનાવટી ઍન્કાઉન્ટર, બળાત્કાર, તેમનાં ઘર સળગાવી દેવા વગેરે અનેક મામલાની તપાસ થઈ છે અને અદાલતોથી લઈને માનવાધિકારપંચ, જનજાતિપંચ જેવા સંગઠનોએ ગંભીર ટિપ્પણીઓ કરી છે. "

"તેમણે વળતર આપવાની ભલામણ કરી છે. સુરક્ષાદળોથી નારાજગીના કારણને ચૂંટાયેલી સરકાર નહીં સમજે તો પછી કોણ સમજશે?"

શાંતિ અંગે સવાલ

સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે છેલ્લાં 40 વર્ષથી બસ્તરમાં સંઘર્ષ ચાલી રહ્યો છે.

રાજ્યની રચના થયા પછી છત્તીસગઢમાં 3200થી વધારે અથડામણો થઈ છે. ગૃહવિભાગના એક અહેવાલ પ્રમાણે જાન્યુઆરી 2001થી મે 2019 સુધીમાં માઓવાદી હિંસામાં 1002 માઓવાદી અને 1234 સુરક્ષાદળના જવાન માર્યા ગયા છે.

આ ઉપરાંત 1782 સામાન્ય નાગરિકો માઓવાદી હિંસાનો શિકાર બન્યા છે. આ દરમિયાન 3896 માઓવાદીઓ શરણે આવ્યા છે.

2020-21ના આંકડાં દર્શાવે છે કે 30 નવેમ્બર સુધીમાં રાજ્યમાં 31 માઓવાદીઓ પોલીસ અથડામણમાં માર્યા ગયા હતા, જ્યારે 270 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું.

માઓવાદીઓની અથડામણ અને આત્મસમર્પણના અહેવાલોની વચ્ચે શાંતિવાર્તાની દરખાસ્તની ચિઠ્ઠી તથા જાહેરાતો વારંવાર કરવામાં આવે છે પરંતુ વાત ક્યાંય આગળ વધતી નથી.

ગયા મહિને પણ માઓવાદીઓએ સુરક્ષાદળોને બસ્તરમાંથી હટાવવાની, કૅમ્પ બંધ કરવાની અને માઓવાદી નેતાઓને જેલમાં મુક્ત કરવાની માગ સાથે શાંતિમંત્રણા માટે દરખાસ્ત કરી હતી.

સરકારે આ વાતને ફગાવી દેતા કહ્યું કે માઓવાદીઓ સાથે કોઈ પણ શરતી વાતચીત નહીં થાય અને માઓવાદીઓ પોતાનાં હથિયાર હેઠાં મૂકે ત્યાર પછી જ મંત્રણા થશે.

બસ્તરમાં આદિવાસીઓના કાનૂની પાસા અંગે કામ કરનારાં પ્રિયંકા શુક્લાનું કહેવું છે કે કોઈ પક્ષ હથિયાર છોડવા માંગતો નથી.

તેઓ કહે છે, "આનાથી વધારે મોટી વિડંબણા બીજી કઈ હશે કે જે માઓવાદીઓ આત્મસમર્પણ કરે છે, તેમને પણ સરકાર સુરક્ષાદળોમાં ભરતી કરીને ફરી હથિયારોથી સજ્જ કરી મેદાનમાં ઉતારે છે."

"હવે તો ડીઆરજી અને બસ્તરિયા બટાલિયન છે. બસ્તરના આદિવાસીઓને રોજગારના નામે પોલીસમાં ભરતી કરવામાં આવે છે. હવે બસ્તરમાં જ એક આદિવાસી સામે બીજો આદિવાસી લોહીનો તરસ્યો બનીને લડી રહ્યો છે. આ યુદ્ધની સૌથી વધારે પીડા આદિવાસીઓએ સહન કરવી પડે છે. "

આ મુદ્દે અમે રાજ્યના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહૂ અને પોલીસ મહાનિદેશક ડી.એમ. અવસ્થી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ અમે તેમનો પક્ષ જાણી શક્યા ન હતા.

રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી રમણસિંહ માઓવાદીઓ પર આ હુમલાને પ્રત્યક્ષ રીતે સરકારની ઇચ્છાશક્તિ સાથે જોડે છે.

રમણસિંહે જણાવ્યું, "મુખ્ય મંત્રી આસામની ચૂંટણીમાં વ્યસ્ત છે. રોમ ભડકે બળે છે ત્યારે નીરો વાંસળી વગાડવામાં વ્યસ્ત છે."

"રેલીઓ કાઢે છે, સરઘસ કાઢે છે, ત્યાં ડાન્સ કરે છે... કોઈ બસ્તર જઈને લોકોને સાંત્વના આપવા માટે તૈયાર નથી.. સરકારમાં ઇચ્છાશક્તિનો અભાવ દેખાય છે."

જોકે, કૉંગ્રેસના મીડિયા પ્રભારી શૈલેશ નીતિન ત્રિવેદી માને છે કે 'રમણસિંહ જવાનોની શહીદી પર રાજકારણ રમવાનો પ્રયાસ કરે છે.'

શૈલેશ નીતિન ત્રિવેદી કહે છે, "છત્તીસગઢના લોકો 15 વર્ષની કહાણીને ભૂલ્યા નથી. દક્ષિણ બસ્તરના ત્રણ બ્લૉક સુધી સિમિત માઓવાદીઓએ કઈ રીતે રાજ્યના 14 જિલ્લાને પોતાના નિયંત્રણમાં લઈ લીધા? ડૉ. રમણસિંહ માત્ર એટલું જણાવી દે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે આસામમાં ચૂંટણી પ્રચાર કર્યો કે નહીં?"

રાજકારણમાં સવાલનો જવાબ ઘણી વખત સવાલના રૂપમાં આપવાની કોશિશ થાય છે. પરંતુ માઓવાદી હિંસા પ્રશ્નચિહ્ન બનીને સામે ઊભી છે અને તેને ખરો જવાબ અત્યારે તો ક્યાંય દેખાતો નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો