You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રામન્ના : એ માઓવાદી જેના પર સવા કરોડ રૂપિયાનું ઇનામ હતું
- લેેખક, આલોક પ્રકાશ પુતુલ
- પદ, રાયપુરથી બીબીસી હિંદી માટે
સીપીઆઈ માઓવાદીએ સ્વીકાર કર્યો છે કે તેમની કેન્દ્રીય કમિટીના સભ્ય અને દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટીના સચિવ રામન્ના ઉર્ફે રાવલા શ્રીનિવાસનું મોત થયું છે.
માઓવાદી પ્રવક્તા વિકલ્પે બીબીસીને મોકલેલા એક રેકર્ડેડ નિવેદનમાં કહ્યું કે શનિવારે ગંભીર બીમારી બાદ તેલંગણા અને છત્તીસગઢની સીમા પર તેમના આ નેતાનું મોત થઈ ગયું છે.
માઓવાદી પ્રવક્તાએ પોતાના નિવેદનમાં રામન્નાના નિધનને મોટું નુકસાન ગણાવ્યું છે. રામન્ના પર સવા કરોડ રૂપિયાથી વધુનું ઇનામ હતું.
પોલીસના જણાવ્યા અનુસાર રામન્ના પર મહારાષ્ટ્ર સરકારે 60 લાખ રૂપિયા, છત્તીસગઢ સરકારે 40 લાખ રૂપિયા, તેલંગણાએ 25 લાખ રૂપિયા અને ઝારખંડ સરકારે 12 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.
આ અગાઉ બસ્તરના આઈજી સુંદરરાજ પી.એ કહ્યું હતું કે અલગઅલગ સ્રોતોથી રામન્નાના મોતના સમાચાર આવી રહ્યા છે, પરંતુ તેની પુષ્ટિ કરી શકાતી નથી.
પહેલી 'મિલિટરી દલમ'નું સુકાન
તેલંગણાના વારંગલ જિલ્લાના બેકાલ ગામના રામન્નાએ 1983માં માઓવાદી સંગઠનમાં પ્રવેશ કર્યો હતો અને ગામના સંગઠનમાંથી લઈને સેન્ટ્રલ કમિટી સુધી કામ કર્યું.
સૈન્ય કાર્યવાહીના યોજનાકાર તરીકે રામન્નાની સંગઠનમાં ખાસ ઓળખ હતી.
36 વર્ષ સુધી સંગઠનમાં અલગઅલગ પદો પર કામ કરનારા આ નનાં ચશ્માં પહેરનારા માઓવાદી નેતાને માઓવાદીઓની પહેલી 'મિલિટરી દલમ'નું સુકાન સોંપ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાદમાં 2013માં રામન્નાને દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટીના સચિવ બનાવાયા હતા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "માઓવાદી સંગઠનમાં સામેલ થયાના બે વર્ષમાં જ રામન્નાને ભદ્રાચલમ દલમના ડેપ્યુટી કમાન્ડર બનાવી દીધા અને 1998માં રામન્નાને દક્ષિણ બસ્તર ડિવિઝનલ કમિટીના સચિવ બનાવ્યા હતા. "
"એપ્રિલ 2013માં દંડકારણ્ય ઝોનલ સચિવ બનાવાયા અને એ સમયે માઓવાદીઓની સેન્ટ્રલ કમિટીમાં પણ રામન્નાનો પ્રવેશ થયો."
1994માં રામન્નાએ સંગઠનનાં જ સભ્ય સોઢી હિડમે ઉર્ફે સાવિત્રી સાથે લગ્ન કર્યાં. રામન્નાના પુત્ર રંજિત પણ માઓવાદી સંગઠનમાં સક્રિય હોવાના સમાચાર છે.
શું હતા આરોપ?
છેલ્લાં 30 વર્ષમાં ભારતમાં માઓવાદીઓએ જેટલા પણ મોટા હુમલા કર્યા, એમાં મોટા ભાગના હુમલા પાછળ રામન્નાનો હાથ હોવાનું માનવામાં આવે છે.
રામન્ના સામે અલગઅલગ રાજ્યોમાં 50થી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે. માત્ર બસ્તરમાં પણ રામન્ના પર લગભગ ત્રણ ડઝન કેસ નોંધાયેલા છે.
નાની હિંસક કાર્યવાહીઓમાં રામન્નાનું 1983થી સામે આવતું રહે છે, પરંતુ સુકમા જિલ્લાના લિગનપલ્લીમાં 4 જૂન, 1992માં થયેલા હુમલામાં રણનીતિકાર તરીકે પહેલી વાર રામન્નાના નામની રાજ્યભરમાં ચર્ચા થઈ હતી.
આ હુમલામાં 18 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા.
બાદમાં 9 જુલાઈ, 2007માં એર્રાબોરમાં થયેલા માઓવાદી હુમલામાં પણ રામન્નાને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. આ હુમલામાં 23 જવાનોનાં મૃત્યુ થયાં હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ વર્ષ બાદ 6 એપ્રિલ, 2010માં સુકમા જિલ્લાના તાડમેટલામાં સવારેસવારે માઓવાદીઓએ રામન્નાના નેતૃત્વમાં પોલીસ કૅમ્પ પર હુમલો કર્યો, જેમાં સુરક્ષાબળોનાં 76 જવાનોનાં મૃત્યુ થયાં હતાં.
સુકમા જિલ્લાના જ કેરલાપાલથી 21 એપ્રિલ, 2012માં જિલ્લા કલેક્ટર ઍલેક્સ પૉલ મેનનના અપહરણમાં પણ રામન્નાનું નામ સામે આવ્યું હતું.
પોલીસનો દાવો છે કે આ વર્ષે પહેલી ડિસેમ્બરે કસાલપાડમાં રામન્નાના નેતૃત્વમાં સુરક્ષાબળો પર હુમલો થયો, જેમાં 14 જવાનોનાં મૃત્યુ થયાં હતાં.
25 મે, 2013માં ઝીરમઘાટીમાં કૉંગ્રેસના ટોચના નેતાઓ સહિત 28 લોકોનાં મૃત્યુની ઘટનામાં પણ રામન્નાના મિલિટરી દલમને મુખ્ય રીતે જવાબદાર ગણવામાં આવ્યું હતું.
જોકે આ ઘટનાના પાંચ મહિના પછી રામન્નાએ બીબીસીને મોકલેલા એક નિવેદનમાં કહ્યું હતું કે આ હુમલામાં તત્કાલીન કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ નંદકુમાર પટેલ અને તેમના પુત્ર દિનેશ પટેલની હત્યા ઉતાવળે લેવાયેલો ભૂલભરેલો નિર્ણય હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો