You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સિંહોની ગુજરાતમાં વધી રહેલી સંખ્યા સાથે જોખમ પણ વધ્યું છે?
- લેેખક, પાર્થ પંડ્યા
- પદ, બીબીસી ગુજરાતી
'ગુજરાતમાં ગીરના જંગલમાં સિંહો ભયના ઓથાર હેઠળ છે' એવી બૂમો સમયાંતરે ભલે સંભળાતી હોય, હકીકતમાં સિંહોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે.
2020માં સિંહોની વસતીગણતરી હાથ ધરાશે, વસતીગણતરી બાદ સિંહોની ચોક્કસ સંખ્યા જાહેર થશે.
તાજેતરના ઑબ્ઝર્વેશનમાં સિંહોની સંખ્યામાં વધારો થયો હોવાનું નોંધાયું છે. ગીરના 1600 ચોરસ કિલોમિટર વિસ્તારમાં એશિયાઈ સિંહો વસવાટ કરે છે.
મીડિયા અહેવાલો પ્રમાણે ઑબ્ઝર્વેશનમાં સિંહોની સંખ્યા 700 નોંધાઈ છે, જેમાંથી 240 જેટલાં સિંહબાળ છે. જેમની ઉંમર એકથી 2 વર્ષની છે.
વર્ષ 2015માં છેલ્લી વખત હાથ ધરાયેલી વસતીગણતરી વખતે સિંહોની સંખ્યા 523 હતી.
ગુજરાત સરકારના પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ અને ચીફ વાઇલ્ડલાઇફ વૉર્ડન અક્ષય સક્સેના કહે છે કે આ વસતીગણતરીના આંકડા નથી, વસતીગણતરીના આંકડા 2020માં જાહેર થશે પણ સિંહોની સંખ્યા ઘટી નથી રહી એવું ઑબ્ઝર્વેશનના આધારે કહી શકાય.
સિંહોની સંખ્યા વધી રહી છે એ સામે પડકારો પણ છે.
માનવ-સિંહ સંઘર્ષ
સિંહોની વધી રહેલી સંખ્યાની સાથે આ વન્યપ્રાણી સામે જોખમ પણ વધી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વધતી જતી સિંહોની સંખ્યા સામે સિંહો માટેનો સંરક્ષિત વિસ્તાર નાનો પડી રહ્યો છે. સિંહો પાંચ જિલ્લાઓ ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં જોવા મળે છે.
સરવાળે સ્થિતિ એવી સર્જાઈ છે કે સિંહો સંરક્ષિત વિસ્તારમાંથી બહાર નીકળે છે અને માનવવસાહતો ધરાવતા વિસ્તારોમાં આવી ચઢે છે.
ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત રાજ્યના જંગલ ખાતાએ દાખલ કરેલું સોગંદનામું જણાવે છે કે 523 સિંહોમાંથી 200 સિંહો હાલમાં ખુલ્લા વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે.
વનવિસ્તારમાંથી સિંહો રહેણાક વિસ્તારોમાં વિચરણ કરતા જોવા મળ્યા હોય એવી ઘટનાઓ છેલ્લાં થોડાં વર્ષોમાં અનેક વખત નોંધાઈ છે.
છેલ્લા એક વર્ષમાં માનવવસાહતમાં આવી ચઢેલા સિંહોના એક ડઝન જેટલા વીડિયો વાઇરલ થયા છે. જેમાંથી કેટલાક વીડિયોમાં ગ્રામજનો સિંહોને પરેશાન કરતા પણ જોવા મળ્યા હતા.
માણસ અને પશુઓ પર સિંહોના હુમલાની ઘટનાઓ નોંધાતી રહી છે.
ગુજરાતમાં મે 2016માં સિંહોના હુમલામાં એક કિશોર સહિત ત્રણ લોકોનાં મૃત્યુની ઘટના નોંધાયા બાદ અભયારણ્યના પૂર્વ ભાગમાંથી 13 સિંહોને પકડીને પાંજરાંમાં બંધ કરી દેવામાં આવ્યા હતા.
2014-15માં સિંહોએ 125 લોકો પર હુમલો કર્યો હોવાની અને 1000થી વધારે પશુઓનું મારણ કર્યાની ઘટનાઓ નોંધાઈ હતી.
સિંહો-માનવ સંઘર્ષના એટલા કિસ્સા નથી નોંધાતા જેટલા વાઘ અને દીપડા સાથે સંઘર્ષના નોંધાય છે. ગુજરાતાના પરિપ્રેક્ષ્યમાં માનવામાં આવે છે સિંહ અને માનવજીવનનું સહઅસ્તિત્વ શક્ય છે પણ દીપડા અને વાઘ સાથે શક્ય નથી.
'જંગલ બહાર સિંહોને જોખમ'
ખેતરની ફરતે લગાવાયેલા હાઈ-વોલ્ટેજ તારના કારણે પણ સિંહોનાં મૃત્યુના કિસ્સા નોંધાતા આવ્યા છે.
ઑક્ટોબર 2013માં ગીર જિલ્લાથી થોડે દૂર વીસાવદર તાલુકાના મૌંપારી ગામમાં વાયરના કરંટથી એક સિંહનું મૃત્યુ થયું હતું અને ઘટના છુપાવવા ખેડૂતે મૃતદેહને નાળામાં છુપાવી દીધો હતો. આ ઘટનામાં ખેડૂતની ધરપકડ કરાતા વિવાદ સર્જાયો હતો.
પર્યાવરણવિદ્ તખુભાઈ સાંસુરે બીબીસી સાથેની વાતમાં જણાવ્યું હતું, "40 ટકા જેટલા સિંહો જંગલ વિસ્તારની બહાર રહે છે. જે સિંહો માટે જોખમી છે."
જંગલ વિસ્તાર બહાર અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધારે જોવા મળી હતી. વર્ષ 2015ની ગણતરી પ્રમાણે અમરેલીના સાવરકુંડલા, લીલિયા, રાજુલા સહિતના વિસ્તારોમાં અને ભાવનગર જિલ્લામાં સિંહો જોવા મળ્યા હતા.
2015ની વસતીગણતરી બાદ એશિયાટિક લાયન લૅન્ડસ્કેપ વિસ્તાર 20 હજાર ચોરસ કિલોમિટર નોંધાયો છે, જેની સામે સંરક્ષિત વિસ્તાર 1883 ચોરસ કિલોમિટર છે.
184 સિંહોનાં મૃત્યુ
2017ના કેગ (કમ્પ્ટ્રોલર ઍન્ટ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયા)ના અહેવાલ પ્રમાણે વર્ષ 2011માં 108 સિંહ નિર્ધારિત વિસ્તારની બહાર વિચરતા નોંધાયા હતા. વર્ષ 2015માં 167 સિંહ નિર્ધારિત વિસ્તાર બહાર નોંધાયા હતા, જે 2011ની તુલનામાં 54.6 ટકાનો વધારો હતો.
કેગના રિપોર્ટમાં માર્ચ 2016માં ડ્રાફ્ટ ઈએસઝેડ (ઇકૉ સૅન્સિટિવ ઝોન) માટેના પ્રસ્તાવને ટાંકીને નોંધવામાં આવ્યું હતું કે 32 ટકા સિંહો ગીર સંરક્ષિત વિસ્તારની બહાર વીચરે છે અને એથી ચેતવણીના ભાગરૂપે તાત્કાલિક વસતીગણતરી હાથ ધરવામાં આવે.
કેટલાક વિસ્તારોને સંરક્ષિત વિસ્તારમાં સમાવવામાં આવ્યા છે. 2008માં ગીર વન્યજીવ અભયારણ્ય વિસ્તારને 178.87 ચોરસ કિલોમિટર જેટલો વધારવામાં આવ્યો હતો.
માણસની ભૂલોને કારણે એશિયાઈ સિંહના આકસ્મિક મૃત્યુ થઈ રહ્યાં છે. માણસ અને સિંહો વચ્ચેના સંઘર્ષમાં સિંહો મોતને ભેટી રહ્યા છે.
ફેબ્રુઆરી 2017માં વિધાનસભામાં ગુજરાતના વનખાતાના મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે વર્ષ 2016 અને 2017માં કુલ 184 સિંહોના મોત થયાં છે.
આ 184 પૈકી 32 સિંહો આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા છે. સિંહોનાં આકસ્મિક મૃત્યુ માટે ખુલ્લા કૂવા, ખેતરોની ફરતે હાઈ વોલ્ટેજ વીજકરંટ, રેલવે તેમજ રોડ અકસ્માત મુખ્ય કારણો છે.
'વધતી સંખ્યા સામે વધતું જોખમ'
વન્યજીવ વૈજ્ઞાનિક રવિ ચેલ્લમ છેલ્લા ત્રણ દાયકાથી સિંહો પર સંશોધનકામ કરી રહ્યા છે. તેઓ માને છે કે ભારતીય સિંહોની પ્રજાતિ પર જોખમ છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ચેલ્લમે જણાવ્યું હતું, "જો એક સિંહના શરીરમાંથી પણ કેનિન ડિસ્ટેમ્પર જેવો વાઇરસ મળી આવે તો એ ખતરનાક સાબિત થઈ શકે છે."
"વર્ષ 1993-94માં આફ્રિકાના તાન્ઝાનિયામાં આવેલા સેરેન્ગેટી નેશનલ પાર્કમાં કેનિન ડિસ્ટેમ્પર વાઇરસને કારણે ટૂંકા ગાળામાં એક હજાર સિંહોનાં મૃત્યુ થયાં હતાં."
તાજેતરમાં ગુજરાતમાં પણ કેટલાક સિંહોના શરીરમાંથી સીડીવી વાઇરસ મળી આવ્યો હતો અને તેમને રેસ્ક્યૂ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.
વાઇરલ થતાં વીડિયો અને તસવીરો
ગત અઠવાડિયે પરિવાર સાથે પાણી પીવા નીકળેલા સિંહના પરિવારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં એક ડઝન જેટલાં સિંહનાં બચ્ચાં નજરે પડે છે.
માર્ચ મહિનામાં કેસૂડાના ઝાડ પર ચડેલા સિંહની તસવીર પણ સોશયલ મીડિયા પર વાઇરલ થઈ હતી, આ તસવીર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી હતી.
ગિરનાર વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુરીની આ તસવીર બીટ ગાર્ડ દીપક વાઢેરે પેટ્રોલિંગ દરમિયાન લીધી હતી.
આ તસવીર જ્યાં લેવામાં આવી છે તે ગિરનાર વાઇલ્ડ લાઇફ સૅન્કચ્યુરી છે જે કુલ 100 કિલોમિટરથી પણ વધારે વિસ્તારમાં ફેલાયેલી છે.
અનેક વખત સિંહો માનવવસાહત તરફ આવી ચઢ્યા હોય એવા વીડિયો અને તસવીરો વાઇરલ થયાં છે. કેટલીક જગ્યાઓએ માનવી અને સિંહ વચ્ચેનો સંઘર્ષ પણ જોવા મળે છે.
નોંધનીય છે કે ગીરના જંગલમાં નેસમાં રહેતા માલધારીઓ સિંહોથી એ હદે પરિચિત થઈ ગયા છે કે તેમના વચ્ચે સંઘર્ષ નહિવત્ છે.
ઑબ્ઝર્વેશન અને વસતીગણતરીમાં શું અંતર?
ગુજરાત સરકારના પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ અને ચીફ વાઇલ્ડલાઇફ વૉર્ડન અક્ષય સક્સેનાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે વસતીગણતરી પદ્ધતિસર અને વૈજ્ઞાનિક ઢબે થાય છે.
તેઓ કહે છે, "જ્યારે પાણી ન હોય ત્યારે ચોક્કસ સમયે વસતીગણતરી કરવામાં આવે છે, જેથી ચોક્કસ પાણીનાં કેન્દ્રો જ બચે છે અને ત્યાં સિંહો પીવાના પાણી માટે આવે છે."
"ત્રણ દિવસમાં આખી ટીમને કામે લગાવવામાં આવે છે અને ગણતરી દરમિયાન એક જ સિંહનું પુનરાવર્તન ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે."
સક્સેના કહે છે, "ઑબ્ઝર્વેશન એવી પ્રક્રિયા છે જેમાં ફિલ્ડ સ્ટાફ નિરીક્ષણ કરે છે, ડ્યૂટી દરમિયાન ધ્યાને આવતા સિંહોની સંખ્યા ઑબ્ઝર્વેશન છે. ઑબ્ઝર્વેશનની સંખ્યાને અમે અંતિમ માનતા નથી."
"ઑબ્ઝર્વેશનના આધારે અમે માત્ર એટલું જ કહી શકીએ છીએ કે સિંહોનાં મૃત્યુની ઘટનાઓ છતાં સંખ્યા ઘટી રહી નથી."
સિંહોની વસતી
પીસીસીએફ (પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ)ની વેબસાઇટ પર પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્ષ 1913માં સિંહોની સૌથી ઓછી સંખ્યા 20 નોંધાઈ હતી.
સિંહોના સંરક્ષણ પાછળ જૂનાગઢના નવાબની પણ ભૂમિકા છે.
'ગીર ફૉરેસ્ટ ઍન્ડ સાગા ઑફ ધ એશિયાટિક લાયન' નામના પુસ્તકમાં સુદિપ્તા મિત્રા લખે છે:
"ગીરનું જંગલ એશિયાઈ સિંહોનું અંતિમ આશ્રયસ્થાન બની રહ્યું છે અને તેને સુરક્ષિત રાખવાનો શ્રેય તે વખતના જૂનાગઢના નવાબ સાહેબ સર મહોમ્મદ મહાબતખાનજી ત્રીજાને જાય છે."
સિંહોને રાજ્યાશ્રય આપવામાં અને સિંહોના શિકાર રોકવામાં નવાબની વિશેષ ભૂમિકા રહી હતી.
પીસીસીએફની વેબસાઇટ પ્રમાણે વર્ષ 1936માં થયેલી વસતીગણતરીમાં સિંહોની સંખ્યા 287 નોંધાઈ હતી.
વર્ષ 1965માં 18 સપ્ટેમ્બરે ગીરને અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું, ત્યારબાદ સિંહોની સંખ્યા ક્રમશઃ વધતી જોવા મળે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો