કોરોના વાઇરસ : સુરતમાં 13 વર્ષના બાળકનું કોરોનાને લીધે મૃત્યુ વાઇરસમાં આવેલા ફેરફારથી થયું?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા દિવસેદિવસે વધી રહી છે. ગુજરાતના સુરતમાં એક બાળકનું ઓછા સમયમાં કોરોનાને લીધે મૃત્યુ થયું છે.

રવિવારે રાત્રે સુરતમાં 13 વર્ષના ધ્રુવ કોરાટનું કોવિડ-19ને કારણે મૃત્યુ થયાની ઘટનાએ અનેક લોકોને ભયમાં નાખી દીધા છે, કારણ કે નિષ્ણાતો પ્રમાણે કોવિડ-19નું આ નવું સ્વરૂપ બાળકોમાં વધુ અસર કરે છે.

ઘણા નિષ્ણાતો માને છે કે કોવિડ-19 હવે સીધો ફેફસાં સુધી પહોંચી જાય છે અને તે વ્યક્તિમાં ખાસી, શરદી જેવાં કોઈ પણ લક્ષણો દેખાતાં નથી.

સુરતમાં ટેક્સટાઇલનું કામ કરતા ભાવેશભાઈ કોરાટના દીકરાનો કેસ આવો જ છે. બીબીસીએ આ કેસ વિશે વધારે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ધ્રુવ કોરાટનો કેસ શું છે?

ધ્રુવ કોરાટનો ઈલાજ કરનારા ડૉ. હિમાંશુ તડવીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી.

તેમની ટીમ સાથે તેમણે લગભગ પાંચ કલાક સુધી સતત પ્રયાસો કર્યા હતા જેથી ધ્રુવને બચાવી શકાય.

ડૉ. હિમાંશુ તડવી માને છે કે "આ વખતનું કોવિડનું સ્વરૂપ બાળકો માટે, ખાસ કરીને 10થી 18 વર્ષના બાળકો માટે વધારે ઘાતકી છે."

ડૉ. તડવી હાલમાં ત્રણ અન્ય બાળકોની સારવાર કરી રહ્યા છે, જેમને કોવિડને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

તેઓ કહે છે કે, "આ પ્રકારના કેસ વધે તો તે ગુજરાત માટે સારા સમાચાર ન કહેવાય."

ધ્રુવના કેસ વિશે વાત કરતા તેમણે કહ્યું કે "ધ્રુવને ન્યુરો મસ્કુલર ડીસઓર્ડર હતો, તે પથારીવશ જ હતો. જોકે આપણે સૌ માનીએ છીએ, તેવાં કોઈ પણ લક્ષણ તેને ન હતાં. તેને શરદી, ખાંસી કે ગળામાં બળતરા વગેરે જેવી કોઈ તકલીફ ન હતી."

"તે પથારીવશ હોવાથી કમજોરીની ફરિયાદ હતી. રવિવારે બપોરે જ્યારે તે બાથરૂમમાં પડી ગયો ત્યારે તેને માથામાં ઈજા થઈ અને તે જ્યારે તેનો CT Scan કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે કદાચ તેમને કોવિડ હોઈ શકે છે."

"દરમિયાન તેને શ્વાસ લેવામાં તકલીફ પડી અને પછી લગભગ આઠ વાગે ધ્રુવને સુરતની સાચી હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો."

ડૉ. તડવીના કહેવા અનુસાર, "હૉસ્પિટલ લાવ્યા બાદ ધ્રુવને ઓક્સિજનની જરૂરિયાત 15 લીટર જેટલી હતી, જે કોઈ પણ કોવિડના દર્દી માટે ખૂબ જ વધારે હતી અને તેનું ઓક્સિજન સેચુરેશન 60થી 70 વચ્ચે રહેતું હતું જે સામાન્ય કરતા ખૂબ ઓછું હતું. માટે તેને થોડી વારમાં જ વૅન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો."

વાઇરસનું બદલાયેલું સ્વરૂપ ચિંતાનો વિષય

સુરતના જાણીતા બાળરોગનિષ્ણાત ડૉ. નિર્મલ ચોરારિયા કહે છે "હાલમાં કોરોના વાઇરસનું થોડું સ્વરૂપ પણ બદલાયું છે અને બાળકોને અસર કરી રહ્યું છે."

બીબીસીના સંવાદદાતા સુરેશ ગવાણિયા સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી એ બાળક (જેનું કોરોનાને લીધે મૃત્યુ થયું)ને જન્મજાત સ્નાયુઓ નબળા હોવાની બીમારી હતી."

"આવા બાળકને જ્યારે કોરોના થાય ત્યારે સ્નાયુઓ બરાબર ખૂલે નહીં અને ફેફસામાં તકલીફ થતી હોય છે."

તેઓ કહે છે, "પહેલી વાર જ્યારે કોરોનાની લહેર આવી ત્યારે બાળકોમાં બહુ ઓછી અસર જોવા મળી હતી. પણ આ વખતે બાળકોમાં પણ પહેલી વાર ઘણા કેસ જોવા મળી રહ્યા છે."

'ધ્રુવ સૌથી નાની ઉંમરનો કોરોનાનો દર્દી'

ડૉ. તડવી અને તેમની ટીમે લગભગ 12.30 વાગ્યા સુધી સતત પ્રયાસ કર્યા કે ધ્રુવનું ઓક્સિજન સેચુરેશન વધે પણ તેની તબિયતમાં કોઈ સુધારો ન આવ્યો અને આખરે તેનું મૃત્યુ થયું.

ડૉ. તડવી કહે છે કે તેમની જાણ પ્રમાણે ધ્રુવ સૌથી નાની ઉંમરનો કોવિડનો દર્દી છે, જે ડિટેક્શન પછી આટલા ઓછા સમયમાં મૃત્યુ પામ્યો હોય.

ડૉ. તડવીના જણાવ્યા અનુસાર, હાલમાં તેઓ એક 10 વર્ષના દર્દી અને તે જ વયજૂથનાં બીજાં બે બાળકો (જેઓ નંદુરબાર અને સુરતનાં આસપાસનાં ગામડાંઓથી આવે છે) એમ કુલ ત્રણ દર્દીઓને આવી જ દશામાં ટ્રીટમેન્ટ કરી રહ્યા છે.

તેમનું કહેવું છે કે બાળકોમાં કોવિડને કારણે આ પ્રકારની ભયંકર સ્થિતિની તમામ વાલીઓ અને સરકારે નોંધ લેવી જરૂરી છે.

ડૉ. નિર્મલ ચોરારિયા પણ માને છે કે હાલમાં કોરોના વાઇરસનું થોડું સ્વરૂપ પણ બદલાયું છે અને બાળકોને અસર કરી રહ્યું છે.

તેઓ કહે છે કે જોકે વાલીઓએ ખાસ ચિંતા કરવાની જરૂર નથી, પણ સાવધાની રાખવી જોઈએ.

બાળકોમાં કોરોના કેમ વકરી રહ્યો છે?

બાળરોગનિષ્ણાત ડૉ. નિર્મલ ચોરારિયા કહે છે કે "આ વખતે વૃદ્ધો, યુવાનો અને બાળકોમાં પણ કોરોનાની અસર જોવા મળી રહી છે."

"બાળકોને પણ કોરોના થવાનું એક કારણ એ હોઈ શકે કે હવે બાળકો પણ ફ્રી થઈ ગયાં છે. શરૂઆતમાં લૉકડાઉન હોવાને કારણે લોકો બહુ ઓછાં બહાર નીકળતાં હતાં."

"કોરોના કાબૂમાં આવ્યો હોવાનું માનીને ઘણા પરિવારો બહાર નીકળી રહ્યા છે અને તેમની સાથે બાળકો પણ હોય છે. આથી કોરોનાનું સંક્રમણ બાળકોમાં પણ વધ્યું છે."

તેઓ કહે છે કે કોરોના વાઇરસનું સ્વરૂપ પણ થોડું બદલાયું છે અને જુદાજુદા વેરિયન્ટ જોવા મળી રહ્યા છે. એના કારણે બાળકોમાં વાઇરસની પ્રવેશવાની ક્ષમતા કદાચ વધુ હોઈ શકે તેના કારણે આવું થઈ રહ્યું છે."

તો વડોદરામાં પણ બાળકોમાં કોરોના વાઇરસના કેસમાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું.

બીબીસી સંવાદદાતા ઋષિ બેનરજી સાથેની વાતચીતમાં અગાઉ સયાજી હૉસ્પિટલનાં પીડિયાટ્રિક વિભાગનાં વડાં ડૉ. શીલા ઐય્યરે જણાવ્યું હતું કે, "બાળકોમાં કોરોના વાઇરસના કેસનું પ્રમાણ વધી રહ્યું છે અને છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ 5-6 કેસ સામે આવી રહ્યા છે."

લક્ષણો વિનાનાં કેસમાં વધારો થયો

ડૉ. તડવીએ કહ્યું કે "ગયા વર્ષ સુધી કોવિડ થયો હોય તેવાં બાળકો બિલકુલ એસિમ્ટોમેટિક રહેતાં હતાં. તેમને કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળતી ન હતી."

"ઘણા કેસમાં તો દર્દીને ખબર પણ ન હોય અને કોવિડ થયો હોય અને મટી ગયો હોય એવું પણ બન્યું હતું, પરંતુ આ વખતે કોવિડનાં કોઈ પણ ચિહ્નો ન દેખાતાં હોવા છતાં વાઇરસ સીધો ફેફસાં સુધી પહોંચી જાય છે."

"ધ્રુવના કેસમાં તેના જમણા ભાગના ફેફસામાં સંક્રમણ ખૂબ વધારે હતું અને ડાબી બાજુના ફેફસામાં સંક્રમણ ફેલાઈ રહ્યું હતું."

ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 96,982 કેસ સામે આવ્યા છે.

તો ગુજરાતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા વધી છે.

ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના કુલ 3160 નવા કેસ નોંધાયા છે.

તેમજ રાજ્યમાં કોરોનાને લીધે 15 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

છેલ્લા 24 કલાકમાં કુલ 2028 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.52 ટકા છે.

રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4581 પર પહોંચ્યો છે અને હાલમાં કેસ 16252 સક્રિય છે.

13 વર્ષના ધ્રુવનું કોરોનાને લીધે મૃત્યુ થવાથી પરિવારમાં શોકનો માહોલ હતો.

બીબીસી ગુજરાતીએ ધ્રુવના પિતા ભાવેશભાઈ કોરાટ સાથે જ્યારે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેઓ વાત કરવાની હાલતમાં ન હોવાથી વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો