સુરતમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ કેમ ઘટી રહ્યો છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

સુરતમાં પાછલા એક માસથી કોરોનાના દર્દીના રિકવરી રેટમાં ચાર ટકાથી વધુનો ઘટાડો નોધાયો છે જેને સ્થાનિક મીડિયા અહેવાલોમાં ચિંતાજનક વલણ ગણાવાઈ રહ્યું છે.

જો પાછલા એક માસની સુરત મહાનગરપાલિકની પ્રેસ રિલીઝ જોવામાં આવે તો પણ સુરતમાં કોરોનાના દર્દીઓ સાજા થવાની ઝડપમાં અમદાવાદ અને અન્ય શહેરો કરતાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

અત્રે નોંધવું રહ્યું કે લૉકડાઉન ખુલ્યા બાદ ઘણા દિવસો સુધી રાજ્યમાં કોરોનાના નવા કેસોની બાબતમાં સુરત આગળ રહ્યું હતું.

તે સમયે સુરત શહેરની પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે કોરોનાના નિયંત્રણ માટેની જવાબદારી જેમને સોંપાઈ હતી, તે કેન્દ્રીય ટીમોએ શહેરની નોંધપાત્ર સંખ્યામાં મુલાકાતો લીધી હતી. તેમજ મોટી સંખ્યામાં ટૅક્સટાઇલ અને હીરાઉદ્યોગ સાથે જોડાયેલાં એકમો બંધ રાખવામાં આવ્યાં હતાં.

શું છે સ્થિતિ?

શહેરમાં માર્ચ મહિનાની શરૂઆતથી કોરોનાની પરિસ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે.

એક માર્ચથી રાજ્યમાં સતત કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ પાછલા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં સુરત જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. માર્ચ મહિનામાં સુરતમાં બે કોરોના વાઇરસના યુકે વૅરિએન્ટ અને એક દક્ષિણ આફ્રિકા વૅરિએન્ટના દરદી મળી આવ્યાં હતા.

કોરોના વાઇરસના કેસો વધતાં સુરત મહાનગરપાલિકના કમિશનરે 12 માર્ચે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે શહેરમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. તેમણે કોવિડ-19થી બચવા માટે માસ્ક પહેરવાની અપીલ કરી હતી.

સુરત મહાનગર પાલિકાની પ્રેસ રિલીઝ પ્રમાણે 28 માર્ચના રોજ સુરત શહેરમાં કોરોના વાઇરસના 611 નવા કેસ નોંધાયા હતા અને બે વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં. આની સામે એક મહિના અગાઉ 28 ફેબ્રુઆરી 2021ના સુરત શહેરમાં કોરોના વાઇરસના 70 કેસ નોંધાયા હતા.

કેસ વધવાની સાથે-સાથે રિકવરી રેટમાં પણ ઘટાડો આવ્યો છે. 28 ફેબ્રુઆરીએ સુરત શહેરનો રિકવરી રેટ 96.98 ટકા હતો જે 28 માર્ચમાં ઘટીને 92.69 ટકા પર આવી ગયો છે. એટલે કે એક મહિનામાં રિકવરી રેટમાં 4.29 ટકાનો ઘટાડો આવ્યો છે.

એક મહિનામાં હોમ ક્વોરૅન્ટીનની સંખ્યામાં સાત ગણો વધારો થયો છે. 28 ફેબ્રુઆરીએ હોમ ક્વોરૅન્ટીન થનાર લોકોની સંખ્યા 4222 હતી જે માર્ચમાં વધીને 28863 થઈ ગઈ છે.

કોરોના વાઇરસના કેસમાં વધારો થતાં 17 માર્ચે સુરત મહાનગરપાલિકાએ જાહેરાત કરી હતી કે શહેરમાં આવેલ બધા બાગ બગીચા બીજો નિર્ણય ન આવે ત્યાં સુધી બંધ કરવામાં આવેલ છે. સાથે શહેરમાં બીઆરટીએસ અને સીટી બસ સેવા પણ બંધ કરવામાં આવી હતી.

બીબીસી સાથેની વાતચીતમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધિ પાની કહે છે કે, ''કેસમાં વધારો થયા બાદ હૉસ્પિટલમાં દરદીઓની સંખ્યામાં વધારો થયો છે જેના કારણે રિકવરી રેટ નીચે આવી ગયો છે. અમે કોરોનાના કેસ ન વધે તે માટે સંજીવની રથ અને ધનવંતરી રથ ચલાવી રહ્યા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અમે શહેરમાં બીજા 100 સંજીવની રથ શરૂ કરવાનું અયોજન કર્યું છે.''

''કોરોનાના કેસ ઘટાડવા માટે અમે પૂરતાં પગલાં લઈ રહ્યાં છીએ, જેમાં રસીકરણને ઝડપી બનાવવાનું કામ પણ સામેલ છે. ગુજરાત બહારથી સુરત આવતાી દરેક વ્યક્તિનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તેમને ફરજિયાત હોમ ક્વોરૅન્ટીન માટે કહેવામાં આવ્યું છે.''

રિકવરી રેટમાં ઘટાડો એટલે કેસ વધી રહ્યા છે?

સુરતમાં રિકવરી કેમ રેટ ઘટી રહ્યો છે? તેના જવાબમાં 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ'ના નિદેશક ડૉ. દિલીપ માવળંકર કહે છે, ''તેનો સીધો સબંધ કોરોનાના કેસ વધી રહ્યા છે તેનાથી છે. તે સૂચવે છે કે દરરોજ કેટલા નવા કેસ આવી રહ્યા છે."

"જો રિકવરી રેટ ઘટે તો અર્થ થયો કે રોગચાળો વધી રહ્યો છે. જો રિકવરી રેટ ઓછો હોય એટલે તેનો અર્થ એ થયો કે કોરોના વાઇરસના કારણે મૃત્યુમાં વધારો થયો છે."

તેઓ વધુમાં જણાવે છે કે, ''રિકવરી રેટને જોતાં લાગે છે કે પરિસ્થિતિ વણસી રહી છે. જે પ્રમાણે કેસ વધી રહ્યા છે આવનારા દિવસોમાં રિકવરી રેટ હજુ નીચે આવી શકે છે."

"એક મહિના પહેલાં સમગ્ર ભારતમાં કોરોના વાઇરસના દરરોજ 9000 કેસ સામે આવતા હતા, જે હવે 62000 સુધી પહોંચી ગયા છે. આ પરિસ્થિતિને ટાળવા માટે સરકારે વહેલી તકે લોકોને કોરોનાની રસી આપવી જોઈએ.''

માવળંકર કહે છે કે, ગુજરાતમાં કોરોના વાઇરસના જેટલા પણ કેસ નોધાયા છે તેમાંથી 60 ટકાથી વધારે કેસ ચાર મોટાં શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં છે."

"જો રાજ્ય સરકાર ગુજરાતના ચાર મોટાં શહેરોમાં રસીકરણ પર વધુ ધ્યાન આપે તો આ શહેરોમાં કોરોનાના કારણે જે પરિસ્થિતિ છે, તેની પર કાબૂ મેળવી શકાય છે."

રસીકરણ છતાં કોરોના વાઇરસના કેમ વધી રહ્યા છે?

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અનુસાર રવિવાર સુધી રાજ્યમાં 45,66,141 લોકોને કોરોના વાઇરસનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,92,222 લોકોએ કોરોનાનો બીજો ડોઝ લીધો છે.

ત્યારે પ્રશ્ન થાય છે કે રસીકરણ ચાલી રહ્યું છે તેમ છતાં કોરોના વાઇરસના કેસો કેમ વધી રહ્યા છે?

અમદાવાદ મેડિકલ ઍસોસિયેશન (એએમએ)ના પ્રવક્તા ડૉક્ટર મુકેશ મહેશ્વરીએ બીબીસીને જણાવ્યું કે, કોરોના વાઇરસ સામે વૅક્સિનની અસરકારકતા 70 અથવા 80 ટકા છે. એટલે જો 100 લોકોને વૅક્સિન આપવામાં આવે તો 70 અથવા 80 લોકોને કોરોના વાઇરસનો ચેપ નહીં લાગે પરતું બાકીના લોકોને ચેપ લાગી શકે છે.

તેઓ કહે છે કે, ''આ પરિસ્થિતિ ન સર્જાય તે માટે જરૂરી છે કે 70 ટકા લોકોને વૅક્સિન આપવામાં આવે. જ્યાં સુધી હર્ડ ઇમ્યુનિટી નહીં આવે ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેવાની છે.''

ડૉ. મુકેશ મહેશ્વરી કહે છે, ''વૅક્સિન લીધા પછી પણ કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે પરતું વ્યક્તિને એકદમ હળવાં લક્ષણો હશે. વ્યકિતને માત્ર ક્વોરૅટીન કરવાની જરૂર પડે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરુર હોતી નથી. ત્રીજો સૌથી મોટો લાભ એ છે કે કોરોના વાઇરસના સંક્રમણને આગળ વધતું અટકાવી શકાય છે.''

ઇન્ડિન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગરમાં ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. અનીશ સિન્હા કહે છે કે બીજો ડોઝ લીધાના 14 દિવસ બાદ ઍન્ટિબૉડી બને છે અને જો કોઈ કારણોસર શરીરમાં ઍન્ટિબૉડી ડેવલપ થયાં ન હોય તો વ્યક્તિને કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે. જોકે, આ જરાય પણ ચિંતા કરવા જેવી સ્થિતિ ન કહી શકાય.

તેઓ કહે છે કે, "કોઈ પણ વૅક્સિન 100 ટકા રક્ષણની ખાતરી આપી નથી અને કોઈ પણ વૅક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો