You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં 'કોરોનાની બીજી લહેર' માટે આરોગ્ય તંત્ર કેટલું સજ્જ?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
‘મને કોરોના નહીં થાય.’ ‘મને છેલ્લા એક વર્ષથી કોરોના નથી થયો, તો હવે પણ નહીં થાય.’ ‘મને તો કદાચ કોરોના થઈને જતો રહ્યોં છે, અને મારા શરીરમાં એન્ટિબૉડી વિકસીત થઈ ચૂકી છે.’ એક તરફ અગાઉની લહેર કરતા વધુ ઝડપથી પ્રસરતો કોરોના અને બીજી તરફ આવી માનસિકતા ધરાવતા અનેક લોકોને કારણે હાલમાં રાજ્યમાં કોરોનાની સમસ્યા વધારે વિકટ થઈ રહી છે.
ગુજરાતનાં અનેક ડૉક્ટર્સ અને સરકારી અધિકારીઓ માને છે કે, કોરોનાની આ બીજી લહેરમાં સૌથી મોટો પડકાર ઝડપથી ફેલાતા કોરોના વાઇરસના કેસોને રોકવાનો અને ઝડપથી વધતા સંક્રમિત લોકો માટે યોગ્ય સારવારનું આયોજન કરવાનો છે.
સરકારી દવાખાનાઓ તેમજ પ્રાઇવેટ હૉસ્પિટલ્સ વગેરે આ બીજી લહેરના પડકાર માટે તૈયાર તો થઈ રહી છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે હજી સરકારી તંત્રએ વધુ વધારે ઝડપથી કામ કરવું પડશે.
ગુજરાતમાં મે 2020માં બહુ જ વધારે કેસો જોવા મળ્યાં હતા, ત્યારબાદ એક ટૂંકા વિરામ બાદ દિવાળીના સમયે એટલે કે નવેમ્બર 2020માં ફરીથી કેસોમાં બહુ વધારે ઉછાળો આવ્યો હતો, જે ડિસેમ્બરનાં અંત સુધી વધ્યો હતો. પરંતુ ત્યારબાદ કેસની સંખ્યા ઘટી હતી, અને હાલમાં લગભગ માર્ચ મહિનાની શરુઆતથી જ કેસમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો હતો, જેની સંખ્યા માર્ચના અંત સુધી ખૂબ વધારે થઈ ગઈ હતી.
જો આંકડાની વાત કરીએ તો ડિસેમ્બર 2020થી ફેબ્રુઆરીનાં વચગાળા સુધી જ્યાં કેસોની સંખ્યા ઘટી રહી હતી અને લગભગ 1700 પહોંચી ચૂકી હતી, ત્યાં માર્ચ મહિનામાં તેની સંખ્યા વધીને લગભગ 13000 સુધી પહોંચી ચૂકી છે.
હાલમાં અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, અને નિષ્ણાંતો માને છે કે હજી આવાનારો સમય ગુજરાત માટે અને ખાસ તો આ મહાનગરો માટે સારો નથી, અને ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે.
એક તરફ સરકારી દવાખાનાઓમાં ફરીથી સ્ટાફને કોવિડ કૅરમાં નિયુક્તિ થઈ રહી છે, ત્યાં બીજી બાજુ પ્રાઇવેટ હૉસ્પિટલ્સ ફરીથી કોવિડ કૅર માટે તૈયાર થઈ રહ્યાં છે.
જોકે, આ તૈયારી વધી રહેલા કેસો માટે કેટલી કારગર થશે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે જે રીતે સંક્રમણ વધી રહ્યું છે, તે રીતે આ તૈયારી કદાચ આવનારા દિવસોમાં ઓછી પડી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોરોનાની આ બીજી લહેરમાં કેવી તૈયારી છે સરકારી અને પ્રાઇવેટ હૉસ્પિટલ્સની?
કોરોનાની આ બીજી લહેરમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે.
હાલમાં સુરતમાં સૌથી વધુ ઍક્ટિવ કેસ છે, તેના પછી અમદાવાદનો ક્રમ આવે છે.
અમદાવાદમાં કોવીડની 1200 બેડની હૉસ્પિટલમાં ડિસેમ્બર મહિનાથી ખાટલાની સંખ્યા ઓછી કરી દીધી હતી.
જોકે, હવે આ બીજી લહેરને જોઈને આ હૉસ્પિટલમાં 920 ખાટલા કોવિડ માટે રિઝર્વ કરી દીધા છે.
ગુરુવાર સુધી તેમાંથી લગભગ 600 જેટલા ખટલા ભરાઈ ચૂક્યા હતા.
અધિકારીઓનો દાવો છે કે વૅન્ટિલેટર અને ઑક્સિજનની કોઈ કમી નહીં પડે.
જો સ્ટાફની વાત કરવામાં આવે તો જે લોકોને કોવિડ ડ્યૂટીથી મુક્તી આપવામાં આવી હતી, તેવા તમામ લોકોને ફરીથી બોલાવવામાં આવી રહ્યાં છે.
આ વિશે વાત કરતા, ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ, ડૉ.જે.વી.મોદીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, “અમે સરકાર પાસેથી 200 જેટલા નર્સિંગ સ્ટાફની માંગણી કરી છે, અને 50૦ જેટલા કાઉન્સિલરોની પણ માંગણી કરી છે, અને આશા છે કે આ સ્ટાફ અમને તુરંત મળી જશે.”
જો કે અમદાવાદમાં હાલમાં 3300ની આસપાસ પ્રાઇવેટ હૉસ્પિટલ્સમાં ખાટલા ઉપલબ્ધ છે, જેમાં 77 ખાટલા વૅન્ટિલેટર સાથેના છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડૉ.ઓમ પ્રકાશ કહે છે કે, ''એસવીપી હૉસ્પિટલમાં હાલમાં 500 ખાટલા ઉપલબ્ધ છે, પરંતુ જરૂર પડતા હજી તેમાં 100 ખાટલાનો ઉમેરી કરી શકાશે. જો કે આ હૉસ્પિટલની 600થી વધારે ક્ષમતા નહીં વધારી શકાય કારણ કે આવું કરવાથી બીજી ગંભીર બીમારીનાં દર્દીઓની સારવારમાં અસર પડી શકે છે.''
જો સુરતની વાત કરીએ તો સુરતની સરકારી હૉસ્પિટલોમાં હાલમાં 1800 ખાટલા ઉપલબ્ધ છે, અને હજી તેમાં આશરે 1000 જેટલા નવા ખાટલા આવનારા સમયમાં ઉમેરવામાં આવશે.
જો સુરતની પ્રાઇવેટ હૉસ્પિટલ્સની વાત કરીએ તો ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના સુરત ચૅપ્ટરના પ્રમુખ ડૉ.હીરલ શાહે બીબીસી ગુજરાતીને જણાવ્યું, ''હાલમાં સુરતમાં 2800 જેટલા ખાટલા વિવિધ પ્રાઇવેટ હૉસ્પિટલ્સમાં છે. જો કે તે ખુબ જ ઝડપથી ભરાઈ રહ્યાં છે અને આવનારા સમયમાં હજી તેનાથી ડબલ ખાટલાની જરૂર પડી શકે છે.''
જો કે સુરત મ્યુનિસિપલ કમિશનર બંધાનિધિ પાનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, ''હાલમાં તેમની પાસે પૂરતા પ્રમાણમાં વૅન્ટિલેટર ઉપલબ્ધ છે, પરંતુ વધતા કેસોને ધ્યાનમાં લઈ વધારાના 500 વૅન્ટિલેટરની માંગણી સરકાર પાસેથી કરી છે.''
આવી જ રીતે વડોદરા શહેરમાં પણ કેસની સંખ્યા સતત વધી રહી છે.
વડોદરા શહેરમાં કોવિડનાં સંક્રમણને રોકવા માટે સરકારના ખાસ અધિકારી વીનોદ રાવએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે હાલમાં શહેરમાં 8500 ખાટલા ઉપલબ્ધ છે, જેમાં 2000 સરકારી અને બાકીના ખાનગી છે.
તેમણે કહ્યું કે જે ગતીથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેનાથી હજી વધારે ખાટલાની જરુર પડે તો નવાઈ નહીં, અને તે માટે તેઓ તૈયાર થઇ રહ્યાં છે.
જોકે વડોદરામાં હોમ-બેસ્ડ કોવિડ કેર માટે રાવએ 250ની ટીમ બાનાવી છે, જે લોકોની તેમના ઘરે જ સારવાર કરી શકે છે.
શું છે મુખ્ય પડકારો?
બીબીસી ગુજરાતીએ ગુજરાતમાં કોવીડની આ બીજી લહેર વિશે વિવિધ અધિકારીઓ અને નિષ્ણાંતો સાથે પડકારો વિશે વાત કરી. તેમાંથી લગભગ દરેક વ્યક્તિએ કહ્યું કે સૌથી મોટો પડકાર ઝડપથી વધતા કેસ છે.
પડકાર 1 - ઝડપથી વધતા કેસ
જો ગુજરાતાં કેસની વાત કરવામાં આવે તો ફેબ્રુઆરીનાં અંતથી જ દૈનિક કેસો 3 આંકડામાં આવતા થઈ ગયા હતા.
માર્ચ મહિનાના મધ્ય સુધી આ કેસોની સંખ્યા દરરોજના 600થી 700 થઇ ગઈ હતી.
આ વિશે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની કહે છે કે, ''અગાઉના કેસોમાં કોઈ એક ઘરમાં એક જણને કોવિડ થયો હોય તો બીજાને થયું હોય તેવા કેસ ઓછા હતાં, પરંતુ હવે તો આખે આખા પરિવાર જ સંક્રમિત થતા જોવા મળી રહ્યાં છે. તેવામાં કેસોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. ઝડપથી વધતા કેસોની સામે વધુ ખાટલાની પણ જરૂરિયાત ઊભી થઇ રહી છે.''
પડકાર 2- વૅન્ટિલેટરની જરૂરિયાત
એક તરફ સરકારનો દાવો છે કે હાલમાં પૂરતી સંખ્યામાં વૅન્ટિલેટર ઉપલબ્ધ છે. પરંતુ બીજી બાજુ અમુક અધિકારીઓ એ પણ કહી રહ્યાં છે કે સંક્રમણના વેગ પરથી કહી શકાય કે આવનારા સમયમાં હજી વધારે વૅન્ટિલેટરની જરૂરિયાત ઊભી થશે.
પડકાર 3 - એક સાથે થતું રસીકરણ અને ટ્રીટમેન્ટ
પહેલી લહેરમાં મેડિકલ સ્ટાફને માત્ર કોવિડના દર્દીઓનું ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ કરવાની હતી.
હવે બીજી લહેરમાં મેડીકલ સ્ટાફને આ તમામ કામોની સાથે સાથે રસીકરણનું પણ કામ કરવાનું છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ડૉ. ઓમ પ્રકાશે બીબીસી ગુજરાતીને કહ્યું કે, ''હવે મોટો પડકાર ટીમ્સને મૅનેજ કરવાનો છે. એક તરફ ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ એક મહત્વનું કામ છે, ત્યાં બીજી બાજું રસીકરણ પણ એટલું જ મહત્વનું છે, માટે અમારે અમારા સ્ટાફને યોગ્ય રીતે કામે લગાડવા પડે તે જરુરી છે.''
પડકાર 4 - લોકોનો કોવિડ મામલે અભિગમ
ડૉ. ઓમ પ્રકાશ વધુમાં કહે છે કે, ''ડિસેમ્બર મહિના પછી જ્યારે કોવિડના કેસોની સંખ્યામાં ઘટાડો આવ્યો ત્યારબાદ ઘણા લોકોએ માસ્ક પહેરવાનું કે પછી સામાજિક અંતર રાખવાનું બંધ કરી દીધુ હતું.''
''હજી પણ એવા ઘણા લોકો છે કે જેમને લાગે છે કે તેમને કોવિડ નહીં થાય, તેમને માસ્ક વેગેરની જરુર નથી, જ્યારે આ પૂર્વે લોકોમાં આવો વ્યવહાર નહોતો. તેઓ કહે છે કે આ અભિગમને ફરીથી બદલવો એ પણ એક મોટો પડકાર છે.''
પડકાર 5 - બહારથી આવતાં દરદીઓ
સુરત જેવા શહેરમાં બીજા રાજ્યોથી આવતા લોકોની સંખ્યા વધી રહી છે. હાલમાં ગુજરાતમાં સૌથી વધુ કોવિડનાં દર્દીઓ સુરતમાં છે.
મ્યુનિસિપલ કમિશનરર બંછાનિધિ પાની પ્રમાણે હાલમાં આશરે 200 જેટલા દર્દીઓ મહારાષ્ટ્રના ધૂલે અને જલગાંવ જેવા વિસ્તારોથી આવીને અહીં સારવાર લઈ રહ્યાં છે.
તેમણ કહ્યું કે આ માટે તંત્રએ અલગથી વધારાની તૈયારીઓ કરવી પડી રહી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો