ક્યાંથી આવ્યો હતો કોરોના વાઇરસ? વિશ્વ આરોગ્ય સંગઠને નવા રિપોર્ટમાં આપ્યો જવાબ

વિશ્વ આરોગ્ય સંગઠન જેને ડબ્લ્યૂએચઓ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો એક રિપોર્ટ ચર્ચામાં આવ્યો છે. કોરોના વાઇરસની ઉત્પત્તિ મામલે તેનો નવો રિપોર્ટ પ્રકાશમાં આવ્યો છે.

ડબ્લ્યૂએચઓની એક ટીમ વાઇરસની ઉત્પત્તિની તપાસ માટે ચીન ગઈ હતી. આ તપાસ ટીમના રિપોર્ટમાં કોરોના મહામારી મામલે કેટલીક મહત્ત્વપૂર્ણ જાણકારીઓ આપવામાં આવી છે.

સંસ્થાના ડિરેક્ટર ડૉ. ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસુસને કહ્યું, "આ રિપોર્ટ એક ઘણી સારી શરૂઆત છે પરંતુ આ અંત નથી. અમને હજુ સુધી વાઇરસના સ્રોતની નક્કર જાણકારી નથી મળી."

ચીનનાં 17 નિષ્ણાતો અને 17 આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનાં સમૂહની તપાસ બાદ આ દસ્તાવેજ (રિપોર્ટ) તૈયાર કરાયો છે.

આ તપાસ ટીમ જાન્યુઆરીના અંતમાં ચીન પહોંચી હતી જ્યાં 14 દિવસ સુધી તેમણે હૉસ્પિટલો, બજારો અને પ્રયોગશાળાઓની મુલાકાત લીધી હતી.

તેમણે સત્તાવાર ડેટા એકત્ર કર્યો, અન્ય દેશોના અભ્યાસોની સમીક્ષા કરી અને દક્ષિણ ચીનના બજારોમાં પુરવઠો પૂરો પાડતા ખેતરોમાંથી લેવાલેયાં નમૂનાઓનું વિશ્લેષણ પણ કર્યું.

જોકે આ તપાસ સ્થાનિક વહીવટીતંત્રની કડક નિગરાનીમાં કરવામાં આવી હતી અને શરૂઆતમાં તેનો વિરોધ પણ કરાયો હતો.

વાઇરસની ઉત્પત્તિને લઈને ચાર નિષ્કર્ષ

120 પાનાંના રિપોર્ટમાં વાઇરસની ઉત્પત્તિ અને તેના મનુષ્યોમાં ફેલાવવાના સંબંધમાં ચાર સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

પુરાવાઓને આધારે નિષ્ણાતોએ ચાર નિષ્કર્ષ કાઢ્યા છે.

1.વાઇરસ પશુમાંથી મનુષ્યમાં પહોંચ્યો હોવાની સંભાવના

રિપોર્ટ અનુસાર એ વાતના નક્કર પુરાવા છે કે મનુષ્યો સુધી પહોંચેલા કેટલાંક કોરોના વાઇરસોની ઉત્પત્તિ જીવ-જંતુઓમાંથી થઈ છે.

દસ્તાવેજ અનુસાર મનુષ્યોમાં આ વાઇરસ જીવ-જંતુઓથી પહોંચ્યો છે જે ચામાચીડીયું હોઈ શકે છે. તે એવા જીવ-જંતુમાં સામેલ છે જેમાં કેટલાય વાઇરસ હોઈ શકે છે જે મનુષ્યોમાં ફેલાઈ શકે છે.

રિપોર્ટમાં એ વાતની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે કે પૅંગોલિન અથવા મિંક પણ એ જીવ-જંતુ હોઈ શકે છે, જેણે માણસોને સંક્રમિત કર્યાં હોય.

2.જાનવરોથી મનુષ્યોમાં સંક્રમણ ફેલાયું એની વચ્ચે એક અન્ય જીવ-જંતુ હોવાની શક્યતા

આ સંભાવના કહે છે કે જે જીવજંતુને પહેલીવાર કોરોના થયો હોય, તેણે મનુષ્ય પહેલાં કોઈ અન્ય જાનવરને સંક્રમિત કર્યું હશે. પછી એ સંક્રમિત જાનવરમાંથી મનુષ્યમાં વાઇરસ આવ્યો.

આ એ તથ્ય પર આધારિત છે કે ચામાચીડિયામાં મળેલા સાર્સ-કોવિડ-2 સંબંધિત કેટલાક વાઇરસોમાં તફાવત છે, જે દર્શાવે છે કે આ વચ્ચેની કોઈ કડી ગાયબ છે.

આ ગાયબ કડી એક જાનવર હોઈ શકે છે, જે પહેલી વખત સંક્રમિત થયેલા જાનવર અને મનુષ્ય બંનેના સંપર્કમાં આવ્યું હોય.

દસ્તાવેજમાં ઉલ્લેખ કર્યો છે કે સાર્સ-કોવિડ-2 માટે અતિ-સંવેદનશીલ જાનવરોની વધતી સંખ્યામાં જંગલી જાનવરો પણ સામેલ છે જેનો ખેતી માટે પાલતૂ તરીકે ઉપયોગ થાય છે.

શોધકર્તાઓ અનુસાર, "આ સંભાવનાઓ એવી ગુત્થી તરફ લઈ જાય છે જેને ઉકેલવી મુશ્કેલ છે."

3.ખાદ્યચીજમાંથી મનુષ્ય સુધી પહોંચવાની સંભાવના

આ ધારણા કહે છે કોવિડ-19 વાઇરસ ખાદ્યચીજ મારફતે અથવા તેને રાખવામાં આવતા કન્ટૅનર્સ મારફતે મનુષ્ય સુધી પહોંચ્યો છે.

તેમાં ફ્રૉઝન ફૂડ સામેલ છે જે સામાન્યરીતે વુહાનના બજારોમાં મળે છે.

આ ધારણા માટે પ્રમાણ એ છે કે સાર્સ-કોવિડ-2 સંક્રમિત ફ્રૉઝન ઉત્પાદોમાં રહેલો હોઈ શકે છે. હાલના સમયમાં ચીનના સરકારી મીડિયામાં પણ વારંવાર આ વાત પર ભાર મૂકવામાં આવે છે. તેમનો ઇશારો વિદેશથી આવનારા સામાન તરફે હોય છે.

જોકે વિશ્વ આરોગ્ય સંગઠનના દસ્તાવેજ કહે છે કે સાર્સ કોવિડ-2 વાઇરસ મામલે ખાદ્યચીજથી સંક્રમણ ફેલાયું હોવાના કોઈ નિર્ણાયક પુરાવા નથી અને વાઇરસ કૉલ્ડચેઇનથી ફેલાવાની સંભાવના પણ ઘણી ઓછી છે.

4.વાઇરસ પ્રયોગશાળામાંથી મનુષ્યોમાં ફેલાવાની સંભાવના

આ મામલે સંભાવના દર્શાવવામાં આવી રહી છે કે પ્રયોગશાળામાં થયેલી એક દુર્ઘટનાના કારણે આ વાઇરસ અહીંના કર્મીઓમાં ફેલાયો.

દસ્તાવેજ સ્પષ્ટ જણાવે છે કે તેમણે આ સંભાવનાનું વિશ્લેષણ નથી કર્યું કે શું કોઈએ જાણીજોઈને વાઇરસ ફેલાવ્યો હતો?

તેમણે આ વિશે પૂછપરછ પણ નથી કરી કે શું વાઇરસ પ્રયોગશાળામાં નિર્મિત કરાયો હતો કે કેમ? કેમ કે વાઇરસ જીનોમના વિશ્લેષણના આધારે આ સંભાવનાને પહેલાં જ અન્ય વૈજ્ઞાનિકો ખારિજ કરી ચૂક્યા છે.

રિપોર્ટ સ્વીકાર કરે છે કે પ્રયોગશાળામાં આવી દુર્ઘટના દુર્લભ હોય છે પરંતુ એ બની શકે છે.

દસ્તાવેજ કહે છે કે વાઇરસની વૃદ્ધિ, જાનવરોમાં વૅક્સિનેશન અથવા ક્લિનિકલ સૅમ્પલની સાથે કામ કરતી વખતે માર્યાદિત સુરક્ષા અથવા લાપરવાહીના કારણે મનુષ્ય સંક્રમિત થઈ શકે છે.

જોકે રિપોર્ટમાં કહેવાયું છે કે ડિસેમ્બર-2019 પહેલાં કોઈ પણ પ્રયોગશાળામાં સાર્સ-કોવિડ-2 સંબંધિત વાઇરસ અથવા સંયોજનથી સાર્સ-કોવિડ-2 જીનોમ બનાવતા જીનોમ્સના રૅકર્ડ નથી મળ્યા.

વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર કોરોના વાઇરસ પર કામ કરતી વુહાનની ત્રણ પ્રયોગશાળાઓમાં ઉચ્ચ-ગુણવત્તાવાળા જૈવિક સુરક્ષા સ્તર છે. અહીં એક પણ કર્મચારીઓમાં ડિસેમ્બર-2019થી કેટલાંક મહિનાઓ પૂર્વે અથવા સપ્તાહ પહેલાં કોવિડ-19 સંબંધિત બીમારી જોવા નથી મળી.

જોકે ડૉ. ટેડ્રોસ એડહાનોમ કહે છે કે વાઇરસ પ્રયોગશાળામાંથઈ ફેલાયો એ મામલે નક્કર નિષ્કર્ષ પર પહોંચવા માટે વધુ ડેટા અને અભ્યાસની જરૂર છે.

તેમણે કહ્યું, "જોકે, ટીમે નિષ્કર્ષ કાઢ્યો છે કે પ્રયોગશાળાથી વાઇરસ લીક થવાની સંભાવના ઓછી છે. આ સંબંધમાં હજુ વધુ તપાસની જરૂર છે."

દેશમાં કોરોનાની કેવી સ્થિતિ છે?

દરમિયાન, કેન્દ્ર સરકારે બુધવારે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છે કે જ્યાં ઓછા પ્રમાણમાં રસીકરણ થયું હોય એવા વિસ્તારો શોધીને જ્યાં કોરોનાના કેસ વધી રહ્યા હોય એવા જિલ્લાઓમાં કાર્યવાહી કરે.

ભારતમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ ગંભીર બનેલી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 53,480 નવા કેસ નોંધાયા અને હાલ ભારતમાં 1,21,49,335 કેસ છે. એક દિવસમાં કોરોના સંક્રમણના 354 મૃત્યુ નોંધાયા છે.

ઍક્ટિવ કેસનું પ્રમાણ વધીને 5,52,566 થઈ ગયું છે અને કુલ સંક્રમણનો દર 4.55 ટકા છે.

સૌથી વધારે ચિંતાની પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 39,544 નવા કોરોના કેસ સામે આવ્યા અને 227 મૃત્યુ નોંધાયા છે.

ઉપરાંત છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના સંક્રમણના 2360 કેસ આવ્યા છે અને કુલ નવ મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોના સંક્રમણના કુલ 3,07,698 કેસ છે જેમાંથી 12 હજાર 610 સક્રિય કેસ છે.

અમદાવાદ અને સુરતમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ આવી રહ્યા છે. છેલ્લા એક દિવસમાં અમદાવાદ કૉરપોરેશનમાં 611 અને અમદાવાદ જિલ્લામાં નવ કેસ સામે આવ્યા હતા.

સુરત કૉરપોરેશમાં 602 નવા કેસ સામે આવ્યા હતા અને વડોદરા કૉરપોરેશનમાં 290 કેસ સામે આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં પણ કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. બુધવારે 24 કલાકમાં 172 કેસ રાજકોટ કૉરપોરેશમાં સામે આવ્યા હતા.

સુરત ગુજરાતમાં કોરોના હૉટસ્પૉટ બન્યું છે. સુરત જિલ્લામાં 142 નવા કેસ નોંધાયા છે. એક એપ્રિલથી દેશમાં 45 વર્ષના બધા લોકોને કોરોનની રસી આપવાનું શરૂ કરાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો