અદાણીને લઈને વિવાદમાં આવેલી મ્યાનમારની યંગૂન પૉર્ટ પરિયોજના શું છે અને કેમ મહત્ત્વપૂર્ણ છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

મ્યાનમારમાં પહેલી ફેબ્રુઆરીના સૈન્ય તખતાપલટા બાદ આંતરરાષ્ટ્રીય કંપનીઓ ઉપર દબાણ વધી રહ્યું છે કે તેઓ સેના સાથે સંબંધ ધરાવતી કંપનીઓ સાથે વેપારીસંબંધ ન રાખે.

આ કંપનીઓની યાદીમાં ગુજરાતમાં સ્થિત અદાણી પૉર્ટ ઍન્ડ સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોનનો પણ સમાવેશ થાય છે, જે બર્માની યંગૂન નદી ઉપર ટર્મિનલ પૉર્ટ વિકસાવી રહી છે.

માનવાધિકાર કાર્યકર્તાઓનો અદાણી જૂથ ઉપર આરોપ છે કે તેમણે યંગૂન પૉર્ટની 'લૅન્ડ લિઝ ફી' પેટે મ્યાનમાર ઇકૉનૉમિક કૉર્પોરેશનને ત્રણ કરોડ ડૉલર ચૂકવ્યા હતા.

આ કંપની ઉપર ત્યાંના સૈન્ય અધિકારીઓની સીધી પકડ છે અને તેમાંથી થતી આવકની મદદથી સેના દ્વારા માનવાધિકાર હનનને અંજામ આપવામાં આવતો હોવાના આરોપ લાગતા રહે છે.

અદાણી જૂથે આ આરોપોને નકાર્યા છે, કંપનીનું કહેવું છે કે મંજૂરી પહેલાં અને પછી કંપનીએ કોઈપણ રીતે સૈન્ય અધિકારીઓ સાથે સંબંધ નથી રાખ્યા.

અદાણી જૂથે પોતાના આધિકારિક નિવેદનમાં કહ્યું છે કે કંપની લોકોનાં મૂળભૂત અધિકારોના હનનની ટીકા કરે છે અને કંપની પાર્ટનર્સ, વેપારી આગેવાનો અને સરકારી તથા બિનસરકારી સંસ્થાઓ સાથે વેપાર માટે માનવાધિકારોનું સન્માન કરતું વાતાવરણ સર્જવાનો પ્રયાસ કરશે.

માનવાધિકાર કાર્યકર્તાઓ મુંદ્રા બંદર ખાતે જનરલ મિન આંગ લાઇંગની મુલાકાતની ઉપર પણ સવાલ ઉઠાવે છે.

જેના જવાબમાં કંપનીનું કહેવું છે કે જનરલ મિન આંગ લાઇંગની આ મુલાકાત ભારતમાં 'અનેક સ્થળોએ મુલાકાતમાંથી એક' હતી અને તેમને જે સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું હતું તે 'સાંસ્કૃતિક શિષ્ટાચાર'ના ભાગરૂપ હતું.

મ્યાનમારની સેના અને અધિકારીઓ ઉપર માનવાધિકાર ભંગના આરોપ લાગતા રહે છે. તાજેતરના તખતાપલટા બાદ સૈન્ય કાર્યવાહીમાં 500થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

મે-2019માં આ પ્રોજેક્ટને લીલીઝંડી મળી હતી, કંપનીનું કહેવું છે કે એપ્રિલ મહિનામાં પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો કાર્યરત થઈ જશે. આ બંદર કંપની માટે વ્યૂહાત્મક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

યંગૂન પૉર્ટ પરિયોજના

મે-2019માં અદાણી જૂથની પેટા કંપની અદાણી પૉર્ટે મ્યાનમાર ખાતે યંગૂન નદી ઉપર પહેલું ટર્મિનલ વિકસાવવાના કરાર કર્યા હતા.

યંગૂન પૉર્ટ વિસ્તારમાં BOT (બિલ્ડ, ઑપરેટ ઍન્ડ ટ્રાન્સફર) માટે 50 વર્ષના કરાર કરવામાં આવ્યા હતા, જે 10-10 વર્ષ માટે બે વખત લંબાવી શકાય તેમ છે.

પ્રથમ તબક્કામાં વાર્ષિક પાંચ લાખ TEU (ટ્વેન્ટી-ફૂટ ઇક્વિવલન્ટ યુનિટ શિપિંગ કન્ટેઇનર)નું ટર્મિનલ કાર્યરત થશે. બીજા તબક્કામાં ત્રણ લાખ TEUની ક્ષમતા વધશે.

પહેલા તબક્કે 23 કરોડ ડૉલર સુધીનો અને બીજા તબક્કાના અંતે પરિયોજના પાછળ કુલ મહત્તમ ખર્ચ 29 કરોડ ડૉલર થશે, તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે.

635 મીટરના ટર્મિનલમાં એકસાથે ત્રણ જહાજ લાંગરી શકાશે અને તેની ઉપર માલ ચડાવવાની અને ઉતારવાની કામગીરી થઈ શકશે. આ યોજનામાં 1100 સ્થાનિકોને રોજગાર મળશે, તેવો પણ દાવો કરવામાં આવ્યો હતો.

મ્યાનમાર લગભગ 1950 કિલોમિટરનો દરિયાકિનારો ધરાવે છે, જેના ઉપર નવ જેટલા બંદર કાર્યરત છે. નિકાસવૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ત્યાંની સરકારે વિદેશી કંપનીઓ સાથે મળીને બંદરોને વિકસાવવાની કામગીરી હાથ ધરી છે.

કેરળમાં ટ્રાન્સશિપમેન્ટ હબ વિકસાવી રહ્યું છે અદાણી જૂથ

અદાણી જૂથ હઝીરા, કંડલા, દહેજ અને મુંદ્રા (ગુજરાત), ધર્મા (ઓડિશા) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) સહિત 10 પૉર્ટ અને ટર્મિનલ ધરાવે છે. તે કેરળના ત્રિવેન્દ્રમ પાસેના વિઝિનજામ ટ્રાન્સશિપમૅન્ટ હબ વિકસાવી રહ્યું છે.

કંપની યંગૂન ખાતેના ટર્મિનલને વિકસાવી રહી છે, જેને વિઝિનજામ સાથે જોડવા માગે છે, જેથી કરીને આ વિસ્તારમાં આવતાં જહાજોને 'સંકલિતસેવા' પૂરી પાડી શકાય.

વર્ષ 2020માં કોરોનાના કેરની વચ્ચે પણ બંદરનું પહેલા તબક્કાનું કામકાજ નિર્ધારિત સમય પહેલાં જ પૂર્ણ થઈ જશે તેવો અંદાજ છે.

અગાઉ એવો અંદાજ હતો કે પ્રથમ તબક્કો જૂન-2021માં પૂર્ણ થઈ જશે, પરંતુ તા. નવમી ફેબ્રુઆરી (તખતાપલટના લગભગ એક અઠવાડિયા બાદ) ઍનાલિસ્ટો સાથેના કૉન્ફરન્સ કૉલમાં અદાણી પૉર્ટના સી.ઈ.ઓ કરણ અદાણીએ જણાવ્યું હતું કે, 'એપ્રિલ સુધીમાં પ્રથમ તબક્કો કાર્યરત થઈ જશે.'

'ત્યાંની રાજકીય અસ્થિરતાની પ્રોજેક્ટ ઉપર કોઈ અસર નહીં પડે તેવા નક્કર કરાર કરવામાં આવ્યા છે.'

કરણ અદાણી કંપનીના સ્થાપક ગૌતમ અદાણીના પુત્ર છે અને અદાણી પૉર્ટમાં ફૂલટાઇમ ડાયરેક્ટર પણ છે.

યંગૂન પૉર્ટ એ ચીનને ભારતનો જવાબ?

'ધ હિંદુ બિઝનેસલાઇન'ના એક રિપોર્ટ મુજબ, અદાણી પૉર્ટ્સે યંગૂન ખાતેના પ્રોજેક્ટ માટે 'અદાણી યંગૂન ઇન્ટરનેશનલ ટર્મિલ કૉર્પોરેશન લિમિટેડ' નામની પેટા કંપનીની સ્થાપના કરી.

ચીને તેના 'બૅલ્ટ ઍન્ડ રૉડ ઇનિશિયેટિવ' માટે શ્રીલંકાના કોલંબો તથા હંબનટોટા અને પાકિસ્તાનના ગ્વાદર બંદરમાં રોકાણ કર્યું છે. આથી મ્યાનમારમાં અદાણીના રોકાણને વ્યૂહાત્મક રીતે ભારતનો જવાબ હોવાનું અખબાર નોંધે છે.

ડીલના ભાગરૂપે અદાણી દ્વારા સ્થાનિક લોકોના કૌશલ્યવર્ધન માટે ત્યાં મૅરીટાઇમ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે તથા આ વિસ્તારમાં આર્થિક વિકાસને વેગ મળે તે માટે અલગ-અલગ માળખાકીય વિકાસના કામો હાથ ધરશે.

મ્યાનમારની 90 ટકા આયાતનિકાસ યંગૂન પૉર્ટ સમૂહો ઉપરથી થાય છે.

અદાણી જૂથે શું કહ્યું?

અદાણી જૂથે આરોપોને નકાર્યા છે, કંપનીનું કહેવું છે કે મંજૂરી પહેલાં અને પછી કંપનીએ કોઈપણ રીતે સૈન્ય અધિકારીઓ સાથે સંબંધ નથી રાખવામાં આવ્યાં.

કંપની મુજબ એપીએસઇઝેડને 2020માં યંગૂન ઇન્ટરનેશનલ ટર્મિનલ પ્રોજેક્ટ એક વૈશ્વિક કૉમ્પિટેટિવ બિડ મારફતે મળ્યો હતો. કંપની સ્વતંત્રરૂપે આ પ્રોજેક્ટને વિકસાવી રહી છે અને તેમાં તેના કોઈ જૉઇન્ટ વેન્ચર પાર્ટનર્સ નથી. આંગ સાન સૂ કીની નેશનલ લીગ ફૉર ડેમોક્રેસી પાર્ટીની સરકારમાં રોકાણ અને વિદેશો સાથે આર્થિક સંબંધ મામલાના મંત્રી અને મ્યાનમાર ઇનવેસ્ટમેન્ટ કમિશનના અધ્યક્ષ યુ થુઆંગ તુનના નેતૃત્વમાં પ્રોજેક્ટ માટે જમીન અધીગ્રહણ કરવામાં આવ્યું હતું.

અદાણી જૂથે કહ્યું છે કે અન્ય વૈશ્વિક વેપારી જૂથોની જેમ તેમની કંપની પણ મ્યાનમારની પરિસ્થિતિને કાળજીપૂર્વક નજર રાખી રહી છે. કંપની આગળની રણનીતિ માટે સંબંધિત અધિકારિક સંસ્થાઓ અને સ્ટૅકહોલ્ડર્સની સલાહ લેશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો