મ્યાનમાર : તખતાપલટો એટલે શું?

મ્યાનમારની સેનાએ દેશનાં સર્વોચ્ચ નેતા આંગ સાન સૂચી સહિત અનેક નેતાઓની ધરપકડ કરી છે અને સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે.

મ્યાનમારમાં સોમવારે નેતાઓની ધરપકડ બાદ સેનાએ ટીવી ચેનલ પરસ કહ્યું કે દેશમાં એક વર્ષ સુધી કટોકટી રહેશે.

પાછલા કેટલાક સમયથી સરકાર અને સેના વચ્ચે ચાલી રહેલા તણાવ અને તખ્તાપલટની આશંકાઓ વચ્ચે સૂ ચીની ધરપકડ કરી લેવાઈ છે.

નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટીએ નવેમ્બર માસમાં થયેલી ચૂંટણીમાં ભારે અંતરથી જીત હાંસલ કરી હતી પરંતુ સેનાનો દાવો છે કે ચૂંટણીપ્રક્રિયામાં ગરબડ થઈ છે. સેનાએ સોમવારે સંસદની બેઠકને સ્થગિત કરવાનું આહ્વાન કર્યું છે.

નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટીના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સી રૉયટર્સને કહ્યું, "સૂ ચી, રાષ્ટ્રપતિ વિન મ્યિંટ અને બીજા નેતાઓની ધરપકડ કરી લેવાઈ છે."

તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે આવનારા સમયમાં તેમની પણ ધરપકડ થઈ શકે છે.

પોતાના સમર્થકો અને સામાન્ય લોકોના આક્રોશને ધ્યાનમાં રાખીને તેમણે કહ્યું કે, "હું અમારા લોકોને કહેવા માગીશ કે ઉતાવળમાં કોઈ પગલું ન ભરે અને કાયદા પ્રમાણે ચાલે."

હવે જ્યારે મ્યાનમારમાં સેના દ્વારા સત્તાપલટાની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે એ આખરે ‘મિલિટર કૂ’ અથવા સૈન્ય દ્વારા તખતાપલટ એ ખરેખર શું હોય છે એ અંગે જાણવામાં રસ જાગૃત થાય એ સ્વાભાવિક બાબત છે.

તખતાપલટો કે ‘કૂ’ એટલે શું?

અંગ્રેજીમાં જેને ‘કૂ’ (Coup) કહેવાય છે, તે ખરેખર ફ્રેન્ચ શબ્દ છે. જેનો અર્થ થાય છે ફટકો.

મોટા ભાગના લોકો ત્યારે જ આ શબ્દનો ઉપયોગ કરે છે જ્યારે તેમના મનમાં કૂ ડી’એટાટ (Coup d’état) શબ્દ હોય છે. જે એક ફ્રેન્ચ શબ્દ છે અને જેનો અર્થ થાય છે રાજ્યને ફટકો.

જ્યારે લોકો ગેરકાયદેસર રીતે સરકાર વિરુદ્ધ કાર્યવાહી કરે છે, આ કૃત્યમાં મોટા ભાગે હિંસા અને ધમકીનો ઉપયોગ કરવામાં છે ત્યારે તેને ‘કૂ’ કહે છે.

આવું લોકો મોટા ભાગે એટલા માટે કરે છે કારણ કે તેઓ સરકારથી ખુશ હોતા નથી અને પોતાના હાથમાં તેઓ જાતે સત્તા લેવા માગે છે.

‘કૂ’માં ભાગ લેનારા લોકો કયા પ્રકારનાં કૃત્યો કરે છે?

એક ‘કૂ’માં ભાગ લેનાર લોકો નિયંત્રણ હાંસલ કરવા માટે અલગ અલગ વ્યૂહરચનાઓ અપનાવે છે.

એક તખતાપલટાની કાર્યવાહીમાં ભાગ લેનાર લોકો સરકારી બિલ્ડિંગો પર કબજો કરી લેતા હોય છે તેમજ સત્તામાં રહેલા લોકોને કેદ કરી લેતા હોય છે.

આ સિવાય તેઓ સરકારી ટી. વી. અને મીડિયાનું નિયંત્રણ પણ પોતાના હાથમાં લઈ લે છે. જેથી તેઓ દેશના લોકો સુધી સંદેશો પહોંચાડી શકે.

સૈન્ય દ્વારા તખતાપલટો એટલે શું?

મોટા ભાગે તખતાપલટો કરનાર લોકો સેનાના લોકો હોય છે – તેથી તેને સૈન્ય દ્વારા તખતાપલટો કે ‘મિલિટરી કૂ’ કહે છે.

સૈન્ય પાસે તખતાપલટો કરવા માટે હથિયારો હોય છે. તેથી તેઓ સરળતાથી આવું કરી શકે છે.

ઘણા દેશોમાં સૈન્ય ઘણું તાકાતવર હોય છે.

શું ‘કૂ’ એટલે કે તખતાપલટો એ સારો વિચાર છે?

તખતાપલટો ત્યારે થાય છે જ્યારે એક અલોકપ્રિય સરકાર સત્તા પર હોય છે – તેથી આવા પ્રયાસને લોકોનું ભારે સમર્થન હાંસલ હોય છે.

જોકે, તેનાં પરિણામો હંમેશાં હકારાત્મક હોય એ જરૂરી નથી. ઊલટાનું તખતાપલટાના પ્રયાસથી દેશની સ્થિરતા હચમચી શકે છે.

ઝડપી સત્તાપલટાથી લોકોને સરકાર પ્રત્યે આદરભાવ ખતમ થઈ જાય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો