You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : ગાઝીપુર, સિંઘુ અને ટિકરી બૉર્ડર પર બૅરિકેડિંગ, શું કહે છે ખેડૂતો?
દિલ્હી પાસેની ત્રણેય બૉર્ડર ગાઝીપુર, સિંઘુ અને ટિકરી પર સોમવાર સવારથી પોલીસ વહીવટી તંત્રે ભારે સુરક્ષા વ્યવસ્થા કરી છે અને રસ્તો બંધ કરીને રાખ્યો છે.
આના કારણે ત્રણ રસ્તાઓ પર ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી. આ સિવાય આ ત્રણ જગ્યાઓ પર દિલ્હીની સરહદની ઘણી નજીક બૅરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે.
આ ત્રણ એ જગ્યાઓ છે જ્યાં કેન્દ્ર સરકારના લાવવામાં આવેલા ત્રણ કૃષિકાયદાઓના વિરોધમાં ખેડૂતો વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
ત્રણેય બૉર્ડર પર બૅરિકેડિંગની શું સ્થિતિ છે અને આને લઈને ખેડૂતો શું કહી રહ્યા છે.
ગાઝીપુર બૉર્ડરથી સમીરાત્મજ મિશ્ર
ગાઝીપુર બૉર્ડર પર ચાલી રહેલા ખેડૂતો ધરણાંસ્થળે રવિવારે સાંજથી જ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
યુપી તરફથી દિલ્હી જનારા તમામ રસ્તાઓ પર અનેક સ્તરની વાડ લગાવીને બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યાં સુધી કે ચાલતા જવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે.
ગત બે મહિનાથી દિલ્હીની સરહદ પર ચાલી રહેલાં ખેડૂત આંદોલનને કવર કરી રહેલા વરિષ્ઠ પત્રકાર પ્રભાકર મિશ્ર કહે છે, "હું આજે સવારે બે કલાક રસ્તો શોધતો રહ્યો, વિસ્તારના ડીસીપી પાસેથી પણ મદદ માગી, તેમણે મદદ કરવાના પ્રયત્ન પણ કર્યા પરંતુ હું લાંબા સમય સુધી જામમાં ફસાયેલો રહ્યો અને આગળ જવા માટે ભટકતો રહ્યો. તમામ લોકોની સાથે રસ્તો શોધતો રહ્યો."
દિલ્હીથી ઉત્તર પ્રદેશ આવનારો માત્ર એક રસ્તો ખોલવામાં આવ્યો છે જે આનંદ વિહારથી થઈને ગાઝિયાબાદ આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ અહીં માત્ર એક તરફનો રસ્તો જ ખોલવામાં આવે છે અને તેના લીધે અનેક કિલોમીટર સુધી લાંબો જામ છે.
આ પ્રકારની ઘેરાબંધી કેમ કરવામાં આવી છે તેનો દિલ્હી પોલીસના અધિકારી કોઈ જવાબ આપી રહ્યા નથી. ત્યાં હાજર પોલીસકર્મી માત્ર આ જવાબ આપી રહ્યા છે કે ઉપરથી આદેશ છે.
ગાઝીપુરમાં હાજર કેટલાક યુવાનોનું કહેવું હતું કે અમને લોકોને કહેવામાં આવ્યું હતું કે આનાથી આગળ કોઈ ના જાય. અમને લોકોને આનું ધ્યાન રાખવા બેસાડવામાં આવ્યા છે.
ગાઝીપુર બૉર્ડર પર ખેડૂતો ફરીથી એકઠા થતા ત્યાં ભીડ વધી રહી છે. ત્યાં હાજર ખેડૂતોનું કહેવું છે કે આગળ પણ ટેન્ટ ન વધે એટલે પોલીસે આટલી સુરક્ષા કરી રાખી છે.
આ વિસ્તારના મોટા ભાગના લોકો દિલ્હીમાં કામ કરે છે અને વસુંધરા, વૈશાલી, ઇન્દિરાપુરમ, કૌશાંબીમાં રહે છે. રસ્તો બંધ કરવાના કારણે લોકોને બહુ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
નોઇડા સેક્ટર 62થી રેલવેની પરીક્ષા આપીને પરત ફરેલા મનીષ યાદવે બીબીસીને કહ્યું, "હું તો અહીંનો જ રહેવાસી છું, મને તો ચાલીને આવવાનો રસ્તો ખબર છે પરંતુ અનેક લોકો ઘણા સમયથી ભટકી રહ્યા છે."
બીબીસી સંવાદદાતા, દિલનવાઝ પાશા, ટિકરી બૉર્ડરથી
ટિકરી બૉર્ડર પર પોલીસે કૉન્ક્રિંટના સ્લેબ લાગવ્યા છે. સાથે જ રસ્તા પર અણીદાર સળિયા પણ જડ્યા છે, જેથી વાહન પાર ન થઈ શકે.
આ સિવાય ઇન્ટરનેટ પ્રતિબંધ પણ સરકારે બે ફેબ્રુઆરી સુધી વધારી દીધો છે.
બૉર્ડર પર હાજર ખેડૂત આને એક કાવતરા તરીકે જોઈ રહ્યા છે.
ખેડૂત સોશિયલ આર્મી સાથે જોડાયેલા અનૂપ ચનૌત કહે છે, "જે સરકાર એમ કહી રહી છે કે અમે બસ એક ફોન કૉલ દૂર છીએ, તે આ પ્રકારના બેરિકેડ લગાવી રહી છે જે સરહદ પર લગાવવામાં આવે છે."
ચનૌત કહે છે, "અમે શાંતિથી પોતાના મોરચા પર બેઠા છીએ અને અમે અહીં જ રહીશું, પરંતુ જો અમે સંસદને ઘેરવા માટે આગળ વધીશું તો આ બૅરિકેડ અમને રોકી નહીં શકે. સરકાર કાતવરું રચી રહી છે."
તેઓ કહે છે, "ઇન્ટરનેટ પણ બંધ થઈ ગયું છે. અમે જરૂરી માહિતી પણ લોકો સુધી પહોંચાડી શકતા નથી. હવે ટ્વિટરથી ખેડૂત આંદોલનનાં એકાઉન્ટ પણ બંધ કરવામાં આવ્યાં છે. લોકશાહીમાં અમારો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. આ એક રીતે લોકશાહીની હત્યા જ છે. આ તમામ દબાણો છતાં, અમે ઊભા રહીશું અને અમારો વિરોધ ચાલુ રહેશે."
બીબીસી સાથે વાત કરતાં દિલ્હી પોલીસના સંયુક્ત કમિશનર (ઉત્તર રેન્જ) એસ.એસ. યાદવે સિંઘુ બૉર્ડર પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાની પુષ્ટિ કરી છે.
જોકે, સંવેદનશીલ હોવાનું જણાવી તેમણે તહેનાત કરવામાં આવેલા સુરક્ષાકર્મીઓની સંખ્યા જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.
તેમણે કહ્યું કે સુરક્ષા માટે જે કંઈ પણ જરૂરી હોય એ વ્યવસ્થા કરાઈ રહી છે.
બીબીસી સંવાદદાતા ખુશહાલ લાલી, સિંઘુ બૉર્ડરથી
સિંઘુ બૉર્ડર પર પોલીસ પ્રશાસન દ્વારા બૅરિકેડિંગ કરવામાં આવ્યું છે. દિલ્હીથી સિંઘુ બૉર્ડર તરફ જતા સિંઘુ બૉર્ડરથી બે કિલોમીટર દૂર બૅરિકેડિંગ કરવામાં આવ્યું છે.
સરહદ નજીકના રસ્તાને સંપૂર્ણ રીતે ખોદી નાખવામાં આવ્યો છે.
માત્ર નક્કી થયેલાં વાહનોને બૅરિકેડિંગથી આગળ જવાની મંજૂરી આપવામાં આવી રહી છે, પરંતુ મીડિયાનાં વાહનોને જવાની પરવાનગી નથી.
સંયુક્ત કિસાન મોરચાના મંચ પહેલાં કિસાન સંઘર્ષ સમિતિનો મંચ છે. બે દિવસ પહેલાં આ મંચ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ મંચ સામે સિમેન્ટ અને સળિયાનો ઉપયોગ કરીને સંપૂર્ણ રીતે બૅરિકેડિંગ કરવામાં આવ્યું છે.
સિંઘુ બૉર્ડર જવાના બધા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. નરેલાથી ધરણામાં સામેલ થવા માટે આવી રહેલા 46 ખેડૂતોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી છે.
સિંઘુ સરહદ પર હાજર ખેડૂત નેતા સુરજિતસિંઘ ઢેર કહે છે કે, મોદી સરકારે દિલ્હી અને હરિયાણાની સરહદે એવી દીવાલ ઊભી કરી નાખી છે, જેવી ટ્રમ્પે અમેરિકા અને મેક્સિકો સરહદે ઊભી કરવાની વાત કરી હતી.
કિસાન મજૂર સંઘર્ષ સમિતિના પ્રમુખ સતનામસિંહ પન્નુ કહે છે કે, સરકારે ઇન્ટરનેટ બંધ કરીને અને બૅરિકેડિંગ કરીને ખેડૂત આંદોલનના સમાચારોને બહાર આવતા અટકાવી દીધા છે.
"આ ઉપરાંત પોતાના પ્રચાર સાધનો દ્વારા મોદી સરકાર એ દર્શાવવાનો પ્રયાસ કરી રહી છે કે પ્રદર્શન નબળું પડી ગયું છે, પરંતુ ખરેખર એવું નથી. હરિયાણા અને પંજાબના ખેડૂતો સતત અહીં આવી રહ્યા છે."
સંયુક્ત કિસાન મોરચાના નેતા સતનામસિંહ અજનારા જણાવે છે કે, "સરકાર દરેક અમાનવીય પગલાં લઈ રહી છે. તેમાં વીજજોડાણ કાપવું, પાણી બંધ કરી નાખવું અને ઇન્ટરનેટ બંધ કરવું સામેલ છે. હવે સરકાર બૅરિકેડિંગ કરી રહી છે.
"સરકારે આ બધું તાત્કાલિક બંધ કરવું જોઈએ. જો સરકાર વાતચીત કરવા માગે છે તો પહેલાં વાતચીત માટેનું વાતાવરણ ઊભું કરવું જોઈએ."
સતનામસિંહ પન્નુએ બીબીસીને કહ્યું, "આ પ્રકારની બૅરિકેડિંગ ટિકરી, સિંઘુ અને ગાઝીપુર તમામ સરહદે થઈ રહ્યું છે. સરકાર આ રીતે ખેડૂતોનાં મનોબળને તોડવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ ખેડૂત પૂરજોશમાં છે અને ત્રણેય કાયદાઓને રદ કરાવીને પરત જશે."
સિંઘુ બૉર્ડર પર એક સ્થાનિક યુવા સાગરે કહ્યું કે બે મહિનાથી ખેડૂતોના પ્રદર્શનથી સ્થાનિક લોકોને કોઈ તકલીફ નથી થઈ રહી, પરંતુ 26 જાન્યુઆરી પછી સરકારના બૅરિકેડિંગ અને સખ્તાઈને કારણે લોકોની તકલીફ વધી ગઈ છે.
સિંઘુ બૉર્ડર પર સોનીપતથી સો મહિલાઓનું એક જૂથ ટ્રૅક્ટર ટ્રૉલીમાં પહોંચ્યું છે.
આ મહિલાઓએ બીબીસીને કહ્યું કે મોદી સરકાર ખેડૂતોને ડગાવી નહીં શકે અને કોઈ પણ સંજોગમાં ખેડૂતવિરોધી કાયદાઓને પરત લેવડાવીને જઈશું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો