મ્યાનમાર : આંગ સાન સૂ ચીની માનવઅધિકાર અને લોકશાહીનાં મશાલચીથી નરસંહારના આરોપી સુધી સફર

મ્યાનમારની સેનાએ દેશનાં સર્વોચ્ચ નેતા આંગ સાન સૂચી સહિત અનેક નેતાઓની ધરપકડ કરી છે અને સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે.

આંગ સાન સૂ ચી એક સમયે માનવાધિકારનાં મશાલચી તરીકે ઓળખાતાં હતાં. તેમને એક સિદ્ધાંતવાદી આંદોલનકારી તરીકે જોવામાં આવતાં હતાં,

તેમણે મ્યાનમારમાં દાયકાઓ સુધી શાસન કરનારા સૈન્યવડાઓને પડકારવા માટે પોતાની સ્વતંત્રતાનો ભોગ આપ્યો હતો.

1991માં આંગ સાન સૂ ચી નજરકેદ હતાં ત્યારે તેમને શાંતિ માટેના નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમને નબળા લોકોને શક્તિ આપવા માટે ઝૂઝનારી વ્યક્તિ તરીકે બિરદાવવામાં આવ્યાં હતાં.

બૌદ્ધ લોકોની બહુમતી ધરાવતા દેશ મ્યાનમારમાં અત્યારે અસલમાં આંગ સાન સૂ કી જ નેતા છે અને ભારે લોકપ્રિયતા ધરાવે છે.

પરંતુ રોહિંગ્યા કટોકટી વખતે તેમણે જે પ્રતિભાવ આપ્યો, તેના કારણે આંતરરાષ્ટ્રીયસ્તરે તેમની પ્રતિષ્ઠા ધૂળમાં મળી ગઈ. સૂ ચી માટે આવી સ્થિતિ આવશે તેવી ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હતી.

સત્તાનો માર્ગ

સૂ કીએ 1989થી 2020 સુધી લગભગ 10 વર્ષ અટકાયતમાં ગાળ્યાં હતાં.

તેમણે સૈન્યશાસિત મ્યાનમાર (ભૂતકાળનું બર્મા)માં લોકશાહી સ્થાપવા માટે જે વ્યક્તિગત સંઘર્ષ કર્યો હતો, તેના કારણે તેઓ અત્યાચાર વિરુદ્ધ શાંતિપૂર્ણ લડતના આંતરરાષ્ટ્રીય પ્રતીક બની ગયાં હતાં.

નવેમ્બર 2015માં મ્યાનમારમાં 25 વર્ષમાં પહેલી વખત મુક્ત ચૂંટણી યોજવામાં આવી ત્યારે સૂ ચીએ તેમના પક્ષ નેશનલ લીગ ફૉર ડેમૉક્રેસી (એનએલડી)ને મોટો વિજય અપાવ્યો હતો.

મ્યાનમારના બંધારણ પ્રમાણે તેઓ રાષ્ટ્રપતિ બની શકતા નથી, કારણ કે તેમનાં બાળકો વિદેશી નાગરિકો છે. પરંતુ 75 વર્ષીય સૂ ચીને વાસ્તવમાં અસલી નેતા તરીકે ગણવામાં આવે છે.

સત્તાવાર રીતે તેઓ સ્ટેટ કાઉન્સિલરનો હોદ્દો ધરાવે છે. રાષ્ટ્રપતિ વિન માયિન્ત તેમના વિશ્વાસુ છે.

રાજકીય પૃષ્ઠભૂમિ

આંગ સાન સૂ ચીએ મ્યાનમારની સ્વતંત્રતાના નાયક જનરલ આંગ સાનના પુત્રી છે.

સૂ કી માત્ર બે વર્ષનાં હતા ત્યારે તેમના પિતાની હત્યા થઈ હતી. 1948માં મ્યાનમાર અંગ્રેજોના શાસનમાંથી સ્વતંત્ર થયું તેનાથી થોડા જ સમય પહેલા સૂ ચીએ પિતાને ગુમાવ્યાં હતાં.

1960માં તેઓ તેમનાં માતા ડો ખિન ચી સાથે ભારત આવી ગયાં હતાં. તેમનાં માતાને ભારત ખાતે મ્યાનમારના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.

ચાર વર્ષ પછી તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા યુકે ગયાં, જ્યાં તેમણે ફિલોસોફી, રાજકારણ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.

ત્યાં તેમની મુલાકાત શિક્ષણવિદ્ માઇકલ એરિસ સાથે થઈ, જેમની સાથે તેમણે લગ્ન કર્યાં. સૂ ચી જાપાન અને ભુતાનમાં રહ્યાં અને ત્યાં કામ કર્યું.

ત્યારપછી પોતાનાં બે બાળકો ઍલેક્ઝાન્ડર અને કિમને ઉછેરવા માટે તેઓ યુકેમાં જ સ્થાયી થયાં. પરંતુ તેમના મનમાંથી મ્યાનમાર ક્યારેય દૂર થયું ન હતું.

1988માં તેઓ ગંભીર રીતે બીમાર માતાની સારસંભાળ રાખવા રંગૂન (આજનું યાંગોન) પરત આવ્યાં, ત્યારે મ્યાનમાર ભારે રાજકીય ઊથલપાથલમાંથી પસાર થઈ રહ્યું હતું.

હજારો વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને બૌદ્ધ સાધુઓ લોકતાંત્રિક સુધારાની માગણી સાથે રસ્તા પર ઊતરી આવ્યા હતા.

26 ઑગસ્ટ 1988ના રોજ રંગૂનમાં આપેલા એક ભાષણમાં સૂ ચીએ કહ્યું કે, "મારા પિતાની પુત્રી તરીકે હું આ બધી બાબતોથી પોતાની જાતને અલગ કરી શકું તેમ ન હતી."

તેમણે તે સમયે બર્માના સરમુખત્યાર જનરલ ની વિન સામે આંદોલનની આગેવાની સંભાળી.

નજરકેદમાં રખાયાં

અમેરિકન નાગરિક અધિકાર ચળવળકર્તા માર્ટિન લ્યુથર કિંગ અને ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અહિંસક આંદોલનથી પ્રેરિત થઈને સૂ ચીએ અનેક રેલીઓ યોજી તથા દેશભરનો પ્રવાસ કર્યો.

તેમણે શાંતિપૂર્વક લોકતાંત્રિક સુધારા અને મુક્ત ચૂંટણીની માગણી કરી.

પરંતુ સેનાએ આ વિરોધપ્રદર્શનોને સખત હાથે કચડી નાખ્યા હતા. 18 સપ્ટેમ્બર, 1988ના રોજ સૈન્ય બળવો કરીને સેનાએ સત્તા કબજે કરી હતી. બીજા જ વર્ષે સૂ ચીને નજરકેદ રાખવામાં આવ્યાં.

મે 1990માં મિલિટરી સરકારે રાષ્ટ્રીય ચૂંટણી યોજવાની જાહેરાત કરી જેમાં સૂ ચીનાં પક્ષ એનએલડીનો જ્વલંત વિજય થયો હતો, પરંતુ સેનાએ તેમને સત્તા સોંપવાનો ઇનકાર કરી દીધો.

ત્યારપછી સૂ ચીને છ વર્ષ સુધી રંગૂનમાં નજરકેદમાં રાખવામાં આવ્યાં હતાં. છેક જુલાઈ 1995માં તેમનો છુટકારો થયો હતો.

સપ્ટેમ્બર 2020માં તેમણે નિયંત્રણોની અવગણના કરીને મેન્ડાલે શહેરની મુલાકાત લેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની ફરી ધરપકડ કરીને નજરકેદમાં રાખવામાં આવ્યાં.

મે 2020માં તેમનો બિનશરતી છુટકારો થયો, પરંતુ માત્ર એક વર્ષ પછી તેમના સમર્થકો અને સરકારનો ટેકો ધરાવતા ટોળાં વચ્ચેની અથડામણ બાદ તેમને જેલમાં પૂરવામાં આવ્યાં હતાં.

ત્યારપછી તેમને ઘરે પરત જવા દેવાયાં હતાં પરંતુ અસલમાં તેઓ ફરી નજરકેદ હતાં.

કેટલીક વખત તેમને પોતાના પક્ષ એનએલડીના પદાધિકારીઓ તથા અમુક ડિપ્લોમેટને મળવાની છૂટ અપાતી હતી, પરંતુ શરૂઆતનાં વર્ષોમાં તેમણે કેદમાં એકલાં જ રાખવામાં આવ્યાં હતાં અને કોઈ તેમને મળી શકતું ન હતું.

તેમને પોતાના બે પુત્રો અને પતિને મળવાની પણ છૂટ ન હતી, તેમનાં પતિનું માર્ચ 1999માં કૅન્સરથી અવસાન થયું હતું.

તેમના પતિ યુકેમાં ગંભીર રીતે બીમાર હતા ત્યારે લશ્કરી સત્તાળાઓએ સૂ ચીને યુકે જવાની મંજૂરી આપી હતી, પરંતુ તેમને લાગ્યું કે એક વખત તેઓ મ્યાનમારની બહાર જશે ત્યારપછી તેમને પરત આવવા નહીં દેવાય.

રાજકારણમાં પુનઃપ્રવેશ

7 નવેમ્બર, 2010ના રોજ મ્યાનમારમાં બે દાયકા પછી પહેલી વખત ચૂંટણી યોજાઈ ત્યારે સૂ ચીને સાઇડલાઇન કરી દેવાયાં હતાં.

પરંતુ છ વર્ષ પછી નજરકેદમાંથી તેમને છુટકારો થયો હતો. તેમના પુત્ર કિમને એક દાયકામાં પહેલી વખત તેમનાં માતાને મળવાની છૂટ મળી હતી.

નવી સરકારે સુધારાની પ્રક્રિયા શરૂ કરતા સૂ ચી અને તેમના પક્ષે ફરી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

એપ્રિલ 2012માં યોજાયેલી પેટાચૂંટણીમાં તેમને 45માંથી 43 બેઠકો મળી હતી જે તેમને મળેલા ભવ્ય સમર્થનનો પુરાવો હતો.

સૂ ચીએ સાંસદ અને વિરોધપક્ષનાં નેતા તરીકે શપથ લીધાં. ત્યારપછીના મહિને તેમણે 24 વર્ષમાં પહેલી વખત મ્યાનમાર છોડ્યું અને વિદેશપ્રવાસ કર્યો.

તેમને વિશ્વાસ હતો કે નવા નેતાઓ તેમને પરત આવવા દેશે.

રોહિંગ્યા કટોકટી

સૂ ચી મ્યાનમારનાં સ્ટેટ કાઉન્સિલર બન્યાં ત્યારપછી રોહિંગ્યા મુસ્લિમો પર જે અમાનવીય અત્યાચારો થયાં તેમાં તેમના નેતૃત્વની કસોટી થઈ છે.

2017માં મ્યાનમારના રાખિને રાજ્યમાં પોલીસ સ્ટેશનો પર હુમલા પછી રોહિંગ્યા મુસ્લિમો પર ભારે અત્યાચાર થયા હતા, જેના કારણે લાખો રોહિંગ્યાએ ભાગીને પડોશી દેશ બાંગ્લાદેશમાં શરણ લીધી હતી.

ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ ખાતે મ્યાનમાર સામે અત્યારે નરસંહારનો કેસ ચાલે છે.

મ્યાનમારમાં થયેલા માનવતાવિરોધી અપરાધોની ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

સૂ ચીના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય સમર્થકોનો આરોપ છે કે તેમણે દેશમાં બળાત્કારો, હત્યાઓ અને કથિત નરસંહારને રોકવા માટે કંઈ કર્યું ન હતું. તેમણે હજુ પણ શક્તિશાળી સેનાની ટીકા કરવાનો કે અત્યાચાર થયા હોવાનું સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

કેટલાકે શરૂઆતમાં દલીલ કરી હતી કે તેઓ સમજદાર રાજકારણીની જેમ વર્તી રહ્યાં છે, જેઓ જટિલ ઇતિહાસ અને અનેક જાતિના લોકો ધરાવતા દેશને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

પરંતુ ગયા વર્ષે તેમણે ધ હેગ ખાતે ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (આઈસીજે)માં આર્મીની કાર્યવાહીનો જે રીતે વ્યક્તિગત બચાવ કર્યો તે એક ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો. તેને કારણે તેમની બચેલી આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પણ ધોવાઈ ગઈ.

જોકે ઘરઆંગણે 'ધ લેડી' તરીકે ઓળખાતા આંગ સાન સૂ ચી બૌદ્ધ બહુમતીમાં ભારે લોકપ્રિયતા ધરાવે છે.

રોહિંગ્યા પ્રત્યે બહુમતી લોકોને બહુ ઓછી સહાનુભૂતિ છે.

સુધારાની કામગીરી અટકી

સત્તા સંભાળ્યા બાદ સૂ ચી અને તેમની એનએલડી સરકારે અંગ્રેજોના સમયના કાયદાનો ઉપયોગ કરીને પત્રકારોને તથા આંદોલનકારીઓને દબાવ્યા હોવાના આરોપ મુકાયા છે.

કેટલાંક ક્ષેત્રોમાં પ્રગતિ જોવા મળે છે, પરંતુ હજુ પણ લગભગ એક ચતુર્થાંશ સંસદીય બેઠકો પર સૈન્યનો કબજો છે અને સંરક્ષણ, ગૃહ તથા સરહદ જેવાં મહત્ત્વનાં મંત્રાલયો પણ સેનાના હાથમાં છે.

ઑગસ્ટ 2018માં સૂ ચીએ તેમની કૅબિનેટમાં રહેલા જનરલોનાં વખાણ કર્યાં હતાં.

વિશ્લેષકોના કહેવા પ્રમાણે મ્યાનમારમાં લોકતાંત્રિક પરિવર્તનની પ્રક્રિયા અટકી ગઈ હોય તેમ લાગે છે.

મ્યાનમારમાં અત્યારે કોવિડ-19ની સ્થિતિ દક્ષિણ પૂર્વ એશિયામાં સૌથી ગંભીરની શ્રેણીમાં આવે છે.

અહીં પહેલેથી નબળી આરોગ્ય વ્યવસ્થા પર દબાણ વધ્યું છે અને લૉકડાઉનના કારણે લોકોએ રોજગારી ગુમાવી છે.

આમ છતાં સૂ ચીની લોકપ્રિયતા જળવાઈ રહી છે. 2020માં પીપલ્સ ઍલાયન્સ ફૉર ક્રૅડિબલ ઇલેક્શન્સ નામના વૉચડોગે કરેલા સરવે પ્રમાણે 79 ટકા લોકોને સૂ કીનાં નેતૃત્વ પર ભરોસો છે. એક વર્ષ અગાઉ 70 ટકા લોકો સૂ ચીની તરફેણ કરતા હતા.

મ્યાનમાર ખાતે અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત ડેરેક મિશેલે બીબીસીને જણાવ્યું હતું કે, "આંગ સાન સૂ ચીની કહાણી જેટલી તેમની છે એટલી જ આપણને લગતી પણ છે. તેઓ કદાચ બદલાયાં ન હોય."

"તેઓ કદાચ એવાં ને એવાં જ હોય. કદાચ આપણે જ તેમની જટિલતાને બરાબર સમજી શક્યા ન હોઈએ. આપણે યાદ રાખવું જોઈએ કે આઇકોનિક છબિ ધરાવતા લોકો પણ આખરે માનવી હોય છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો