મ્યાનમારમાંથી આવનારા શરણાર્થી માટે 'ભોજન-શરણાર્થી કૅમ્પની' મનાઈવાળો આદેશ મણિપુર સરકારે પરત લીધો

    • લેેખક, દિલીપ કુમાર શર્મા
    • પદ, બીબીસી ગુજરાતી માટે, ગુઆહાટીથી

મણિપુર સરકારે પોતાનો એ આદેશ પરત લઈ લીધો, જેમાં જિલ્લાતંત્રને મ્યાનમારથી આવનારા શરણાર્થીને ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

હકીકતમાં મણિપુર સરકારના ગૃહવિભાગમાં તહેનાત વિશેષ સચિવ એચ. જ્ઞાનપ્રકાશે 26 માર્ચે ચાંદેલ, ટેંગનૌપાલ, કામજોંગ, ઉખરૂલ અને ચુરાચાંદપુર જિલ્લાના જિલ્લાધિકારીઓને એક આદેશ જાહેર કર્યો હતો.

આ આદેશમાં મ્યાનમારના નાગરિકોનો ગેરકાયદે પ્રવેશ રોકવા માટે મુખ્ય રીતે પાંચ નિર્દેશ અપાયા હતા.

ગૃહવિભાગે આ નિર્દેશમાં જિલ્લાતંત્રને મ્યાનમારથી આવનારા શરણાર્થીઓને ભોજન અને આશ્રય પ્રદાન કરવા માટે કોઈ શરણાર્થી કૅમ્પ ન ખોલવાની વાત કરી હતી.

આ સાથે જ સિવિલ સોસાયટી સંગઠનોને પણ આશ્રમ અને ભોજન ઉપલબ્ધ કરાવવા માટે કોઈ પણ પ્રકારની શિબિર ખોલવાની પરવાનગી ન આપવાનો નિર્દેશ આપ્યો હતો.

સરકારે તંત્રને નિર્દેશ આપ્યો હતો કે જે લોકો આશ્રય લેવાનો કે પ્રવેશવાનો પ્રયાસ કરે એને નમ્રતાથી દૂર કરી દેવાય.

જોકે, આ નિર્દેશમાં મણિપુર સરકારે ગંભીર ઈજાના મામલે માનવીય અધિકારો પર ચિકિત્સા પ્રદાન કરવાની વાત ચોક્કસથી કરી હતી.

મણિપુર સરકારનો આ આદેશ એ સમયે આવ્યો હતો જ્યારે મ્યાનમારમાં સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે મોટા પ્રમાણમાં હિંસા થઈ હતી. આ હિંસામાં દેશભરમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા.

મણિપુરના ગૃહવિભાગ દ્વારા 26 માર્ચે જાહેર કરાયેલા સંબંધિત આદેશની કેટલાય લોકો ટીકા કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ મણિપુર સરકારને લોકોની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે.

'પત્રને ખોટી રીતે રજૂ કરાયો'

જોકે, 29 માર્ચે મણિપુર સરકારે ગૃહવિભાગને જાહેર કરેલા આદેશમાં પહેલો આદેશ પરત લેતાં કહ્યું, "એવું લાગે છે કે પત્રની સામગ્રીને ખોટી રીતે રજૂ કરવામાં કરવામાં આવી છે અને તેની ખોટી વ્યાખ્યા કરાઈ છે. રાજ્ય સરકાર તમામ માનવીય પગલાં ભરી રહી છે."

મણિપુર સરકારના ગૃહવિભાગના જણાવ્યા અનુસાર, "હાલમાં જ મ્યાનમારના ઘાયલ નાગરિકોને સારવાર માટે ઇમ્ફાલ લઈ જવાના કેટલાંય પગલાં લેવામાં આવ્યાં છે. રાજ્ય સરકાર સતત તમામ મદદ પ્રદાન કરી રહી છે. કોઈ પણ પ્રકારની ગેરસમજણથી બચવા માટે 26 માર્ચે જાહેર કરાયેલા પત્રને પરત લેવાનો નિર્ણય કરાયો છે."

29 માર્ચે જાહેર કરાયેલા આ આદેશની પુષ્ટિ માટે બીબીસીએ ગૃહવિભાગના વિશેષ સચિવ એચ. જ્ઞાનપ્રકાશના બન્ને મોબાઇલ નંબર કેટલીય વાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોઈ જવાબ નહોતો મળ્યો.

આ સાથે જ આ સંબંધે એક મૅસેજ પણ મોકલવામાં આવ્યો હતો.

નિર્દેશ જાહેર કરાયા બાદ શું થયું?

મ્યાનમારમાં સૈન્યના સત્તાપલટા બાદ ત્યાં ચાલી રહેલા 'ખૂની સંઘર્ષ'ના કારણે મોટી સંખ્યામાં મ્યાનમારના નાગરિકો ભારતનાં પૂર્વોત્તરના રાજ્યોમાં શરણ લઈ રહ્યા છે.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર મ્યાનમારમાંથી અત્યાર સુધી સૌથી વધુ શરણાર્થી મિઝોરમમાં ઘુસ્યા છે. મિઝોરમના રાજ્યસભાના સાંસદ કે. વાનલાવેલાના મતે, "અત્યાર સુધી મ્યાનમારના 1000થી વધારે નાગરિકોએ રાજ્યમાં આશ્રય લીધો છે. આમાં મ્યાનમારના પોલીસકર્મીઓ ઉપરાંત મહિલાઓ અને બાળકો પણ સામેલ છે."

આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રાલયે સરહદી રાજ્યો મિઝોરમ, નાગાલૅન્ડ, મણિપુર અને અરુણાચલ પ્રદેશ સાથે આસામ રાઇફલ્સને પણ પત્ર લખીને કહ્યું હતું કે મ્યાનમારના એ નાગરિકોની ઓળખ કરવામાં આવે કે જે સૈન્યબળવા બાદ ભાગીને ભારતમાં પ્રવેશ્યા છે અને તેમને દેશમાંથી કાઢવાની તૈયારી કરાય.

ગૃહમંત્રાલયે 12 માર્ચે લખેલા આ પત્રમાં ભારત-મ્યાનમાર સરહદમાંથી ભારતીય વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે લોકોના પ્રવેશવાની આશંકા વ્યક્ત કરી હતી. આ અંગે 25 ફેબ્રુઆરીએ એક સર્ક્યુલર પણ જાહેર કરવામાં આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો