You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મ્યાનમાર : સેનાના ગોળીબારમાં મૃત્યુ પામેલા એ લોકો જેઓ હવે 'ફૉલન સ્ટાર્સ' તરીકે ઓળખાય છે
મ્યાનમારમાં શનિવારે સેનાની કાર્યવાહીમાં બાળકો સહિત 100થી વધારે લોકોનાં મૃત્યુ પછી આખા દેશમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો ગત બે દિવસમાં મૃતકોની યાદમાં શોકસભાઓ યોજી રહ્યા છે.
સુરક્ષાદળોએ અમુક લોકોને વિરોધપ્રદર્શનમાં માર્યા હતા જ્યારે કેટલાક લોકોની તેમના ઘરમાં જ હત્યા કરી દેવાઈ હતી.
મ્યાનમારના લોકો એક ફેબ્રુઆરીના થયેલા સૈન્ય તખ્તાપલટાના વિરોધ દરમિયાન આ કાર્યવાહીમાં માર્યા ગયેલા લોકોને ‘ફૉલેન સ્ટાર્સ’ (તૂટેલા તારા) કહી રહ્યા છે.
ચાર બાળકોના પિતાનું ગોળીબારમાં મૃત્યુ થયું, પરિવાર નિરાધાર થયો
સૈન્ય કાર્યવાહીમાં મૃત્યુ પામનાર લોકોમાં 40 વર્ષના અઈ પણ સામેલ હતા.
ચાર બાળકોના પિતા અઈ માંડલે શહેરના રહેવાસી હતા. તેમના પાડોશીએ જણાવ્યું કે 'તેઓ નારિયલના સ્નૅક્સ અને રાઇસ જેલી ડ્રિંક વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.'
કેટલાક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ''સૈનિકોએ આ વિસ્તારમાં દરોડા દરમિયાન તેમને ગોળી મારી હતી, જેમાં તેઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. પછી તેમને ઢસડીને કારનાં બળતાં ટાયરોના ઢલગા પર લઈ જવામાં આવ્યા. કારના ટાયરોનો આ ઢગલો પ્રદર્શનકારીઓએ બૅરિકેડના રૂપમાં બનાવ્યો હતો. ''
ત્યાંના એક નિવાસીએ એક સમાચાર વેબસાઇટ મ્યાનમાર નાઉને જણાવ્યું, “એ ચીસો પાડી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે મારી મદદ કરો.”
તેમના પ્રિયજનોએ રવિવારને તેમની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું. આ અવસર પર તેમના એક સંબંધીએ અઈના મૃત્યુને 'મોટું નુકસાન' ગણાવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર સંસ્થા એએફપીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે "તેઓ પોતાના પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા."
'મારો એકમાત્ર પુત્ર હતો'
બીજી તરફ માંડલેમાં જ બીજી જગ્યાએ લોકો 18 વર્ષના આંગ જિન પિયોના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
સમાચાર સંસ્થા રૉયટર્સ અનુસાર, 'ફિયો લિન લટ્ટ ફુટબૉલ' ક્લબના ગોલકીપર અને પરોપકારી સ્વભાવના માણસ હતા. કોરોના મહામારી દરમિયાન તેમણે પોતાની ઇચ્છાથી એક ઇન્ટેન્સિવ કૅર સેન્ટરમાં લોકોની મદદનું કામ કર્યું હતું.
તેમના પરિવારે સંવાદદાતાઓને જણાવ્યું કે શનિવારના વિરોધપ્રદર્શનમાં તેઓ સૌથી આગળ હતા અને ત્યારે જ તેઓ સેનાની ગોળીઓનો ભોગ બન્યા.
પોતાના પુત્રની તાબૂત પાસે રડતાં તેમનાં માતાએ કહ્યું, “એ મારો એકમાત્ર પુત્ર હતો. હવે મને પણ મરવા દો જેથી તેની સાથે હું પણ જઈ શકું.”
મૃતકોમાં કેટલાંક બાળકો પણ સામેલ છે
11 વર્ષનાં અઈ મિયાત થૂને તાબૂતમાં રાખવામાં આવ્યાં હતાં. તેમના મૃતદેહ સાથે થોડાં રમકડાં, ફૂલ અને હૅલો કિટીની એક ડ્રૉઇંગ પણ રાખવામાં આવી હતી. મીડિયા અનુસાર દક્ષિણ-પૂર્વમાં આવેલા શહેર માવલામઇનમાં વિરોધપ્રદર્શન પર થયેલી કાર્યવાહીમાં ગોળી મારીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી.
ત્યાં મધ્ય મ્યાનમારના મિકટીલા શહેરમાં માર્યાં ગયેલાં 14 વર્ષનાં પાન ઈ ફિયૂનાં માતાએ બીબીસી બર્મીઝ સેવાને જણાવ્યું, ' મેં જ્યારે સેનાને અમારી શેરીમાં આવતાં જોઈ તો મેં બધાં બારણાં બંધ કરવાનું શરૂ કરી દીધું પરંતુ હું બધાં બારણાં બંધ નહોતી કરી શકી.'
તેમણે કહ્યું, ''મેં તેને પડતાં જોઈ. શરૂઆતમાં મને લાગ્યું કે તે બસ લપસીને પડી ગઈ છે. પાછું વળીને જોયું તો ખબર પડી કે તેની છાતીમાંથી લોહી નીકળી રહ્યું હતું. ''
કેટલાક રિપોર્ટ પ્રમાણે મ્યાનમારના સૌથી મોટા શહેર યંગૂનમાં એક 13 વર્ષના સાઈ વાઈ યાનને બહાર રમતી વખતે મારી દેવાઈ. રવિવારે તાબૂત પાસે બેઠેલા તેમના પરિવારજનો શોકમાં ડૂબેલા હતા. તેમનાં માતા રડતાં હતાં, તેમણે કહ્યું, ‘હું તારી વગર કેવી રીતે રહીશ, બેટા?’
'મારો દીકરો શહીદ છે'
યંગૂનમાં પણ લોકોએ કહ્યું કે 19 વર્ષના હતિ સાન વાન ફીનું મૃત્યુ પ્રદર્શન દરમિયાન ગાલમાં ગોળી વાગવાથી થઈ ગયું હતું. રૉયટર્સ અનુસાર પાડોશીઓએ જણાવ્યું કે ‘તે બહુ હસમુખ છોકરો હતો.’
તેમનાં માતાપિતાએ પોતાના મિત્રોને કહ્યું કે તેઓ હતિ સાન વાનના મૃત્યુ પર નહીં રડે. તેમનું કહેવું હતું, ‘મારો દીકરો શહીદ થઈ ગયો.’
ત્યારે મ્યાનમારમાં રવિવારે પણ હિંસા ચાલુ હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર 37 વર્ષીય એક મહિલા અધિકાર કાર્યકર્તા મા આ ખૂની દેશના પશ્ચિમી શહેર કાલેમાં છાતીમાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.
તેઓ સિવિલ સોસાયટી સંસ્થા વીમેન ફૉર જસ્ટિસના નિર્દેશક હતાં. ધ વૂમન લીગ ઑફ બર્માએ તેમને એક સમર્પિત અને આશાવાદી વિચારો ધરાવતાં મહિલા ગણાવ્યાં હતાં.
સંસ્થાએ કહ્યું, "અમે તેમના સાહસ, તેમની પ્રતિબદ્ધતા અને તેમની ચિંતાને સલામ કરીએ છીએ. "
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.