મ્યાનમાર તખતાપલટો : બીબીસીના પત્રકાર આંગ થુરાને મુક્ત કરાયા

મ્યાનમારમાં ત્રણ દિવસ સુધી અટકાયતમાં રાખ્યા બાદ બીબીસીના પત્રકાર આંગ થુરા સોમવારે મુક્ત કરવામાં આવ્યા છે.

19 માર્ચના રોજ બીબીસીની બર્મીઝ સેવાના પત્રકાર આંગ થુરા પાટનગર નેપિડૉસ્થિત એક કોર્ટની બહાર રિપોર્ટીંગ કરી રહ્યા હતા જ્યારે સાદાં કપડાંમાં આવેલા લોકોએ તેમની અટકાયત કરી હતી.

1 ફેબ્રુઆરીએ મ્યાનમારની સેનાએ તખતાપલટ કર્યા બાદ અત્યાર સુધી 40 પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે.

મ્યાનમારની સેનાએ પાંચ મીડિયા કંપનીના લાઇસન્સ પણ રદ કરી નાખ્યાં છે.

શુક્રવારે આંગ થુરાની અન્ય એક પત્રકાર થાન હ્તિકે આંગ સાથે અટકાયત કરવામાં આવી હતી.

થાન હ્તિકે આંગ સ્થાનિક સમાચાર સંસ્થા મિઝિમામાં માટે કામ કરે છે. આ મહિનાની શરુઆતમાં મ્યાનમારની સૈન્યસરકારે મિઝિમાની માન્યતા રદ કરી નાખી હતી.

આંગ થુરા અને થાન હ્તિકે આંગની અટકાયત કરનાર લોકો સ્થાનિક સમય પ્રમાણે બપોરે એક માર્કા વગરની વૅનમાં આવ્યા હતા અને બંનેને મળવાની માગ કરી હતી.

બીબીસીએ આ લોકો સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પરતું તેમાં સફળતા મળી નહોતી.

આંગ થુરા મુક્ત કરવામાં આવ્યા એ વાતની બીબીસીએ પુષ્ટિ કરી પરતું વધુ માહિતી આપી નહોતી.

સયુંક્ત રાષ્ટ્ર મુજબ જાહેર અજ્ઞાભંગ કરવા બદલ અત્યાર સુધી 149 લોકોનાં મૃત્યુ થયાં છે, જોકે વાસ્તવિક આંકડા તેના કરતાં ઘણા વધારે છે. 14 માર્ચ, અત્યાર સુધીનો સૌથી રક્તરંજિત દિવસ છે. એ દિવસે મ્યાનમારમાં 38 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ગયા અઠવાડિયે મ્યાનમારમાં ફરીથી વિરોધપ્રદર્શનો થયાં હતાં, જેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે.

મોન્યાવામાં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જ્યારે મ્યાનમારના બીજા સૌથી મોટા શહેરમાં માંડલેમાં પણ લોકોએ સપ્તાહાંતે મીણબત્તી લઈને રાત્રી વિરોધપ્રદર્શનનું આયોજન કર્યું હતું.

અમુક વિસ્તારોમાં બૌદ્ધ સાધુઓ પણ આ વિરોધપ્રદર્શનોમાં સામેલ થયા હતા.

મ્યાનમારના સૌથી મોટા શહેર યંગુનમાં સોમવારે મોટા પ્રમાણમાં વિરોધપ્રદર્શનોની જાહેરાત કરવામાં આવી છે.

અમેરિકા, યુકે અને યુરોપિયન દૂતાવાસોના એક સંયુક્ત નિવેદન 'સુરક્ષાદળો દ્વારા નિ:શસ્ર નાગિરકો સામે જે ક્રુરતાપૂર્વક હિંસા આચરવામાં આવી, તેની નિંદા કરવામાં આવી છે.'

નિવેદનમાં મ્યાનમારની સેનાને માર્શલ લૉ હઠાવી લેવા, અટકાયત કરવામાં આવેલા લોકોને છોડી મૂકવા, કટોકટીનો અંત લાવવા અને લોકશાહીની ફરીથી સ્થાપના કરવા માટે કહેવામાં આવ્યું છે.

મલેશિયાના વડા પ્રધાન મુહિદ્દીન યાસીને મ્યાનમારની સેના દ્વારા જે ઘાતક બળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેની ટીકા કરી છે અને "શાંતિપૂર્ણ સમાધાન તરફના માર્ગ" માટેની હાકલ કરી છે.

તેમણે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોની વાતને સમર્થન આપ્યું છે.

જોકો વિડોડોએ ઍસોસિયેશન ઑફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સને કહ્યું છે કે તેઓ મ્યાનમારની પરિસ્થિતિ માટે એક બેઠકનું આયોજન કરે.

મ્યાનમારનો ઇતિહાસ

મ્યાનમાર 1948માં બ્રિટનથી આઝાદ થયું. આધુનિક ઇતિહાસનો મોટો ભાગ મ્યાનમાર સૈન્યશાસન હેઠળ રહ્યું છે

દેશમાં 2010થી પ્રતિબંધોમાં છૂટ મળવાની શરુઆત થઈ, જેના પગલે 2015માં મુક્ત ચૂંટણીઓ યોજાઈ હતી અને વરિષ્ઠ વિપક્ષી નેતા આંગ સાન સુ કીની આગેવાની હેઠળની પ્રજાસત્તાક સરકારની સ્થાપના થઈ હતી.

2017માં રોહિંગ્યા ઉગ્રવાદી દ્વારા પોલીસ પર કરાયેલા હુમલાઓનો મ્યાનમારની સેનાએ આકરે હાથે જવાબ આપ્યો હતો, જેમાં 5 લાખથી વધુ રોહિંગ્યા મુસ્લિમો મ્યાનમાર છોડીને બાંગ્લાદેશ આવી ગયા હતા.

આ ઘટનાને સયુંક્ત રાષ્ટ્રે 'વંશીય નરસંહારનું ઉદાહરણ' ગણાવી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો