સુએઝ નહેરમાં અઠવાડિયાથી ફસાયેલું માલવાહક જહાજ આખરે બહાર કઢાયું

અઠવાડિયાથી સુએઝ નહેરમાં ફસાયેલું માલવાહક જહાજ નીકળી ગયું છે અને એને ફરી ચલાવાવનો પ્રયાસ થઈ રહ્યો છે.

સમાચાર સંસ્થા રૉયટર્સ લખે છે કે ઇંચકૅપ શિપિંગ સર્વિસીઝ મુજબ એક અઠવાડિયાથી સુએઝ નહેરમાં ફસાયેલું આ વિશાળ જહાજ હવે ફરી તરતું થયું છે અને તેને ચાલવાલાયક બનાવવા પર કામ કરાઈ રહ્યું છે.

વૈશ્વિક દરિયાઈ સેવા પૂરી પાડતા ઇંચકૅપે ટ્વિટર પર કહ્યું કે સ્થાનિક સમય અનુસાર સવારે 4.30 વાગ્યે જહાજ ફરી તરવા લાગ્યું છે અને તેને પૂરી રીતે સંચાલિત કરવા માટે કામ ચાલુ છે.

એવા સમાચાર પણ આવી રહ્યા છે કે સુએઝ નહેરમાં ફસાયેલા આ વિશાળ જહાજને કાઢી લેવામાં આવ્યું છે. જહાજને ટ્રેક કરતી સેવા વેસલફાઇન્ડરે પોતાની વેબસાઇટ પર જહાજનું સ્ટેટસ બદલી દીધું છે અને કહ્યું છે કે જહાજ રસ્તામાં છે.

વિશ્વ વ્યાપારની કરોડરજ્જુ સમાન પ્રખ્યાત સુએઝ નહેર દુનિયાના મુખ્ય જળમાર્ગ ક્રૉસિંગમાંથી એક છે.

વિશ્વ વેપાર માટે સુએઝ નહેર દુનિયાનો અગત્યનો સમુદ્રી માર્ગ છે. વિશ્વ વેપારના લગભગ 12 ટકા માલસામાનની હેરફેર આ કૅનાલમાંથી થાય છે.

400 મીટરની લંબાઈ ધરાવતું વિશાળ એવર ગિવન જહાજ મંગળવારે ભારે હવા વચ્ચે સુએઝ નહેરમાં ત્રાંસુ થઈને ફસાઈ ગયું હતું. આને કારણે યુરોપ અને એશિયા વચ્ચેના આ સૌથી ટૂંકા દરિયાઈ માર્ગ પર જહાજો માટે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી.

કમસેકમ 369 જહાજ સુએઝ નહેરનો રસ્તો ખૂલે એની રાહ જોઈ રહ્યાં હતાં.

સુએઝ નહેર પ્રાધિકરણના ચૅરમૅન ઓસામા રબીએ ઇજિપ્તના એકસ્ટ્રા ન્યૂઝને રવિવારે કહ્યું હતું કે આમાં અનેક જહાજો તેલ ટૅન્કર, એએનજી અથવા એલપીજી ગૅસ લઈ જઈ રહ્યાં હતાં.

સુએઝમાં ટ્રાન્સિટ સેવા આપનારી ઇજિપ્તની લેથ એજન્સીએ ટ્વીટ કરીને કહ્યું કે જહાજ આંશિક રીતે ફરી તરવાં લાગ્યું છે. જોકે, સુએઝ નહેર પ્રાધિકરણની પુષ્ટિ હજી બાકી છે.

સુએઝ નહેર પ્રાધિકરણે આ અગાઉ એક નિવેદનમાં કહ્યું હતું કે જહાજને ખેંચીને બહાર કાઢવાનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે. રવિવારે જહાજને કાઢવાની કોશિશ કરી રહેલી ટીમે પ્રયાસો વધારી દીધાં હતાં.

રૉયટર્સ મુજબ જહાજે ફરી તરવાંનું શરૂ કરી દીધાના સમાચાર બાદ કાચાં તેલના ભાવમાં ઘટાડો થયો છે.

સુએઝ નહેરનું મહત્ત્વ

સુએઝ નહેર ઇઝરાયલમાં આવી છે અને 193 કિમી લાંબી છે. તે ભૂમધ્ય સાગરને રાતા સમુદ્ર સાથે જોડે છે. એશિયા અને યુરોપ વચ્ચેનો આ સૌથી ટૂંકો સમુદ્રી માર્ગ છે. ત્રણ વિશાળ કુદરતી સરોવરો વચ્ચે થઈને આ નહેર પસાર થાય છે.

1869થી ખુલેલી આ નહેર એટલા માટે પણ મહત્ત્વની છે કે તેનાથી પૂર્વ અને પશ્ચિમની દુનિયા વચ્ચેનો દરિયાઈ માર્ગ ઘણો ટૂંકો થઈ જાય છે. અગાઉ સમગ્ર આફ્રિકાનું ચક્કર મારીને કેપ ઑફ ગૂડ્સ હોપ થઈને જહાજો યુરોપથી એશિયા પહોંચતા હતા. સુએઝ બની તે પછી હવે યુરોપ અને એશિયા વચ્ચે જહાજો અહીંથી જ પસાર થાય છે.

વિશ્વ સમુદ્રી પરિવહન પરિષદના જણાવ્યા અનુસાર આ નહેર બની તે પછી યુરોપ અને એશિયા વચ્ચેનું સમુદ્રી અંતર 9,000 કિમી ઓછું થઈ ગયું. એટલે કે 43 ટકા અંતર ઓછું થયું.

રોજ 9.5 અબજના માલસામાનની હેરફેર

સુએઝ નહેરનું ભૌગોલિક સ્થાન અને મહત્ત્વને કારણે તેને 'ચોક પૉઇન્ટ' ગણવામાં આવે છે, કેમ કે ત્યાં આવનજાવન અટકે તો પુરવઠો અટકી પડે. અમેરિકાની એનર્જી એજન્સી સ્વેઝ નહેરને વિશ્વની ઊર્જા તથા બીજી જરૂરિયાતો માટે આવશ્યક માને છે.

એક અંદાજ અનુસાર સુએઝ નહેરમાંથી દર વર્ષે અંદાજે 19 હજાર જહાજો પસાર થાય છે, જેના પર 120 કરોડ ટન માલ લાદેલો હોય છે. લૉઇડ્સ લિસ્ટના અનુમાન અનુસાર નહેરમાંથી રોજ 9.5 અબજ ડૉલરના મૂલ્યના માલસામાનની હેરફેર થાય છે. તેમાંથી પાંચ અબજ ડૉલરનો માલસામાન પશ્ચિમ તરફ જતો હોય છે, જ્યારે 4.5 અબજ ડૉલરનો માલસામાન પૂર્વ તરફ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.