Holi : હોળી માત્ર હિંદુઓનો તહેવાર છે? ઇસ્લામમાં રંગ લગાવવો હરામ છે?

    • લેેખક, રાના સફવી
    • પદ, ઇતિહાસકાર, બીબીસી ગુજરાતી માટે

ઈમાન કો ઈમાન સે મિલાઓ

ઈરફાન કો રફાન સે મિલાઓ

ન્સાન કો ન્સાન સે મિલાઓ

ગીતા કો કુરાન સે મિલાઓ

દૈર-ઓ-હરમ મેં હો ના જંગ

હોલી ખેલો હમારે સંગ

-નઝીર ખૈયામી

રામનગરની યાત્રા દરમિયાન મેં 'બૈઠકી હોળી'માં ભાગ લીધો હતો. એ ઉત્તરાખંડની સંસ્કૃતિ સાથે જોડાયેલી હોળી હતી. તેમાં વસંતપંચમી બાદ મહિલાઓ એકઠી થઈને એકબીજાનાં ઘરે જાય છે અને હોળી સાથે જોડાયેલાં ગીતો ગાય છે. નૃત્ય પણ કરે છે.

એ ગીતો રાગ આધારિત હોય છે. જોકે હવે એ લોકગીતોમાં કેટલીક ફિલ્મી ધૂનો પણ સાંભળવા મળે છે.

રામનગરના ક્યારી ગામમાંના જે રિસોર્ટમાં અમે રોકાયાં હતાં એ રિસોર્ટે ગામની હોળીમાં અમારા સામેલ થવાની વ્યવસ્થા કરી આપી હતી.

ગામમાં પહોંચ્યા ત્યારે અમને રંગોનો સુંદર સમુદ્ર જોવા મળ્યો, મહિલાઓ રંગબેરંગી વસ્ત્રો પહેરીને ઢોલક પર થાપ દઈને લોકગીતો ગાઈ રહી હતી.

એ મહિલાઓએ ઉમળકાભેર અમારું સ્વાગત કર્યું હતું. તેમણે જે ઉમળકાથી અમારું સ્વાગત કર્યું હતું એ જોઈને હું પણ તેમને રંગ લગાવતાં ખુદને રોકી ન શકી.

એ પ્રસંગના ફોટોગ્રાફ્સ મેં સોશિયલ મીડિયા પર શૅર કર્યા ત્યારે કેટલાક લોકોએ મને કહ્યું હતું કે મુસલમાનોએ હોળી રમવી ન જોઈએ, કારણ કે ઇસ્લામમાં રંગને હરામ ગણવામાં આવે છે.

ઇસ્લામમાં રંગ હરામ છે?

જે લોકોએ આ વાત કરી તેમના પાસેથી એ સાચી હોવાના પુરાવા માગવા ઇચ્છતી હતી, પણ મેં એવું કર્યું નહીં, કારણ કે આ પ્રકારની ખોટી ધારણાઓનું કારણ અજ્ઞાન અને પૂર્વગ્રહો હોય છે.

આ પ્રકારના અજ્ઞાન સામે લડવાની એક જ રીત છે અને તે છે એમની અવગણના કરો.

નમાઝ પઢતી વખતે મુસ્લિમો જ્યારે વજૂ કરે છે, ત્યારે તેમની ત્વચા પર એવું કંઈ ન હોવું જોઈએ, જે ત્વચા અને પાણીના સીધા સંપર્કમાં અડચણરૂપ બને.

એ વખતે એટલે કે વજૂ કરતી વખતે શરીર પરનો ગુલાલ ધોઈ નાખવો જોઈએ.

700 વર્ષ પહેલાં હઝરત અમીર ખુસરોએ લખેલી આ કવ્વાલી આજે પણ લોકપ્રિય છે.

આજ રંગ હૈ, માં રંગ હૈ રી

મોરે મહેબૂબ કે ઘર રંગ હૈ રી.

હોળી વખતે દરગાહમાં ભીડ

ગયા વર્ષે હોળીના દિવસે હું ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ગઈ હતી. ત્યાં સંખ્યાબંધ લોકો એકઠા થયા હતા.

લોકોની ભીડ બાબતે મેં સવાલ કર્યો ત્યારે દરગાહના ગાદીનશીન સૈયદ સલમાન ચિશ્તીએ જણાવ્યું હતું કે બધા લોકો ખ્વાજા સાથે હોળી રમવા આવ્યા છે.

દરગાહ પર બધા લોકો દૂરદૂરથી ખ્વાજા ગરીબ નવાઝની દુઆ લેવા આવ્યા હતા.

કોઈ પણ સમયના આચરણ અને સંસ્કૃતિને એ સમયની કળા તથા ચિત્રો મારફત સૌથી સારી રીતે સમજી શકાય છે.

દિલ્હી સલ્તનત અને મુઘલોના શાસન દરમિયાન મુસ્લિમ સૂફી સંતો અને કવિઓએ હોળીની અનેક ઉત્તમ રચનાઓનું સર્જન કર્યું છે.

બાબા બુલ્લેશાહે લખ્યું હતું,

હોરી ખેલુંગી, કહ બિસમિલ્લાહ,

નામ નબી કી રતન ચઢી, બૂંદ પડી અલ્લાહ અલ્લાહ

ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત ઇબ્રાહીમ રસખાને (જન્મ 1548- અવસાન 1603) હોળીને કૃષ્ણ સાથે જોડીને બહુ સુંદર પંક્તિઓ લખી છે,

આજ હોરી રે મોહન હોરી,

કાલ હમારે આંગન ગારી દઈ આયો, સો કોરી,

અબ કે દૂર બૈઠે મૈયા ધિંગ, નિકાસો કુંજ બિહારી

મુઘલકાળની હોળી

મુગલકાળમાં હોળીને ઈદ-એ-ગુલાબી અથવા આબ-એ-પાલશી કહેવામાં આવતી હતી. તેની ઉજવણી ધૂમધામથી કરવામાં આવતી હતી.

તમે ગૂગલ પર મુગલ ચિત્રો અને ઈદ વિશે સર્ચ કરશો તો તમને ઈદની નમાજ અદા કરતા જહાંગીરનું માત્ર એક પેઇન્ટિંગ મળશે.

જોકે, મુગલ અને હોળી વિશે સર્ચ કરશો તો તમને એ સમયનાં રાજા-રાણીઓનાં પેઇન્ટિંગ જોવા મળશે. હોળી રમી રહેલાં નવાબો અને બેગમોનાં ચિત્રો પણ જોવાં મળશે.

આખા મુઘલ શાસનકાળ દરમિયાન હોળીની ઉજવણી હંમેશાં ધામધૂમથી કરવામાં આવતી હતી. હોળી માટે દરબારને ખાસ રીતે સજાવવામાં આવતો હતો.

યમુના નદીના કિનારે લાલકિલ્લામાં મેળાનું આયોજન કરવામાં આવતું હતું. લોકો એકમેકને રંગ લગાવતા હતા.

ગીતકારો સૌનું મનોરંજન કરતા હતા અને રાજકુમારો તથા રાજકુમારીઓ કિલ્લાના ઝરૂખામાં બેસીને ઉજવણીનો આનંદ માણતી હતી.

રાતે લાલકિલ્લાની અંદર દરબારના પ્રસિદ્ધ ગીતકારો અને નૃત્યકારો સાથે હોળીની ઉજવણી કરવામાં આવતી હતી.

લાલકિલ્લાના રંગમહેલમાં હોળી રમી રહેલા નવાબ મોહમ્મદ શાહ રંગીલાનું એક પેઇન્ટિંગ બહુ પ્રસિદ્ધ છે.

દિલ્હીના વિખ્યાત શાયર શેખ ઝહરુદ્દીન હાતિમે લખ્યું છે,

મુહૈયા સબ હૈ, અબ અસબાબ-એ-હોલી,

ઠો યાર, ભરો રંગો સે જાલી.

બહાદુરશાહ ઝફર હોળીની ઉજવણીમાં સામેલ થતા હતા, એટલું જ નહીં તેમણે આ વિશે એક પ્રસિદ્ધ ગીત પણ લખ્યું છેઃ

ક્યોં મોપે મારી રંગ ક્યો પિચકારી,

દેખ કુંવરજી દૂંગી ગારી.

અકબરે આ ગંગા-જમુની તહેઝીબની શરૂઆત કરી હતી, તો અવધના નવાબોએ તેને અલગ મુકામ પર પહોંચાડી હતી.

નવાબો તમામ તહેવારોની ઉજવણી આગવી રીતે કરતા હતા. મીર તકી મીરે (1723-1810) લખ્યું છે.

હોલી ખેલા આસિફ-ઉદ્-દૌલા વઝીર,

રંગ સોહબત સે અજબ હૈ ખુર્દ-ઓ-પીર.

વાજિદ અલી શાહે તેમની એક વિખ્યાત ઠુમરીમાં લખ્યું છે,

મોરે કાન્હા જો આયે પલટ કે,

અબકે હોલી મેં ખેલુંગી ડટ કે.

મને લાગે છે કે નઝીર અકબરાબાદી સિવાયના કોઈ સર્જકે આટલા સુંદર શબ્દોમાં હોળીનું વર્ણન કર્યું નથી.

અબ ફાગુન રંગ ઝમકતે હોં તબ દેખ બહારેં હોલી કી,

ઔર દફ કે શોર ખડકતે હોં તબ દેખ બહારેં હોલી કી.

તારીખ-એ-હિન્દુસ્તાનમાં મુનશી ઝકાઉલ્લાહે પણ લખ્યું છે, "હોળી હિંદુઓનો તહેવાર છે એવું કોણ કહે છે?"

આમ હોળી એક સુંદર તહેવાર છે અને તેનો ઇતિહાસ પણ એટલો જ સુંદર છે.

આવો મસ્તી કરીએ.

કહીં પડે ના મહોબ્બત કી માર હોલી મેં,

અદા સે પ્રેમ કરો, દિલ સે પ્યાર હોલી મેં.

ગલે મેં ડાલ દો બાહોં કે હાર હોલી મેં,

ઉતારો એક બરસ કા ખુમાર હોલી મેં.

-નઝીર બનારસી

(આ અહેવાલ સૌપ્રથમ 2018માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો