1971 : જ્યારે અમેરિકાએ મોકલેલા નૌકાકાફલા સામે ભારત અડગ ઊભું રહ્યું

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

12 ડિસેમ્બર, 1971ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષાપરિષદની બેઠક ફરીથી બોલાવવામાં આવી ત્યારે ઇંદિરા ગાંધીએ પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતા ઝુલ્ફીકારઅલી ભુટ્ટો અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પ્રતિનિધિ જ્યૉર્જ બુશ સિનિયરનો મુકાબલો કરવા માટે વિદેશમંત્રી સ્વર્ણ સિંહને મોકલ્યા.

સ્વર્ણ સિંહે પાકિસ્તાન પર કટાક્ષ કરતાં કહ્યું કે શું શ્રીમાન ભુટ્ટો હજુ પણ ભારત પર વિજય મેળવવાના અને દિલ્હી પહોંચવાનાં સપનાં જોઈ રહ્યાં છે?

ગૅરી બૅસ પોતાના પુસ્તક 'ધ બ્લડ ટેલિગ્રામ'માં લખે છે, "જ્યારે જ્યૉર્જ બુશે નિક્સન અને કિસિન્જરના નિર્દેશ પર યુદ્ધમાં ભારતના ઇરાદા વિશે સવાલ કર્યા ત્યારે સ્વર્ણ સિંહે તેમને જ વળતો સવાલ કર્યો કે વિયેતનામમાં અમેરિકા ઇરાદા કેવા છે?"

સોવિયેટ સંઘે સુરક્ષાપરિષદના યુદ્ધવિરામના પ્રસ્તાવ સામે ત્રીજી અને અંતિમ વખત વીટો વાપરીને ભારતને બચાવ્યું.

તેનાથી કિસિન્જર એટલા નારાજ થયા કે તેમણે નિક્સનને પૂછ્યા વગર જ આગામી દિવસોમાં સોવિયટ સંઘ સાથે થનારી શિખર મંત્રણાને રદ કરવાની ધમકી આપી દીધી. (હૅન્રી કિસિન્જર, વ્હાઈટ હાઉસ યર્સ, પૃષ્ઠ 790)

યૂએસએસ ઍન્ટરપ્રાઇઝને બંગાળની ખાડીમાં મોકલવાનો નિર્ણય

આ દરમિયાન ભારત, પાકિસ્તાન અને અમેરિકાના રાજદ્વારીઓ એકબીજાનું અપમાન કરવા પર ઊતરી આવ્યા હતા. ત્યારે નિક્સન અને કિસિન્જરે નક્કી કર્યું કે પૂર્વ પાકિસ્તાનમાંથી અમેરિકન નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાના બહાને અમેરિકન યુદ્ધજહાજ યુએસએસ ઍન્ટરપ્રાઇઝને તાત્કાલિક બંગાળની ખાડીમાં મોકલવામાં આવે.

રસપ્રદ વાત એ હતી કે એક દિવસ પહેલાં જ તમામ અમેરિકન નાગરિકોને ઢાકામાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. અમેરિકન વિદેશમંત્રાલયની ડિક્લાસિફાઇ થયેલી ટેપમાં જણાવાયું છે કે 'કિસિન્જરે ભુટ્ટોને જણાવ્યું હતું કે અમેરિકાનું યુદ્ધજહાજ થોડા જ સમયમાં મલક્કાની ખાડીમાંથી નીકળીને બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે.'

'નિક્સને એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે ત્યાં સુધી ભારત તરફ આગળ વધવાનું ચાલુ રાખશે જ્યાં સુધી ભારતીય સૈનિકોની વાપસી અંગે કોઈ સહમતી સાધી ન શકાય.' (FRUS VOL E 7).

અણુશક્તિથી સંચાલિત અમેરિકાના સાતમા કાફલા ઍન્ટરપ્રાઇઝમાં સાત વિનાશિકા (ડિસ્ટ્રોયર), એક હેલિકૉપ્ટરવાહક યુએસએસ ટ્રિપોલી અને એક તેલવાહક જહાજ પણ સામેલ હતું.

તેની કમાન ઍડમિરલ જ્હૉન મૅકેન જુનિયરના હાથમાં હતી. તેમના પુત્ર જ્હૉન મૅક્કેન તૃતિય ત્યાર બાદ ઍરિઝોનાના સેનેટર અને 2008માં રાષ્ટ્રપતિપદ માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બન્યા હતા.

'બ્લડ ટેલિગ્રામ'ના લેખક ગૅરી બૅસ લખે છે કે "ભારતીય નૌકાદળના કાફલાની સરખામણીમાં અમેરિકન કાફલો ઘણો મોટો હતો. ઍન્ટરપ્રાઇઝે ક્યુબન મિસાઇલ કટોકટી દરમિયાન ક્યુબાની ઘેરાબંધી કરી હતી."

"તે ભારતના એકમાત્ર વિમાનવાહક આRએનએસ વિક્રાંતની સરખામણીમાં ઓછામાં ઓછું પાંચ ગણું મોટું હતું. એટલું જ નહીં, ઍન્ટરપ્રાઇઝના કાફલામાં સામેલ એક જહાજ ટ્રિપોલી પણ વિક્રાંત કરતા મોટું હતું."

"અણુશક્તિથી સંચાલિત ઍન્ટરપ્રાઇઝ ઈંધણ ભરાવ્યા વગર આખી દુનિયાનું ચક્કર મારી શકે તેમ હતું. બીજી તરફ વિક્રાંતનાં બૉઇલર પણ વ્યવસ્થિત રીતે કામ કરતાં નહોતાં."

મિશન સ્પષ્ટ ન હતું

બીજી તરફ અમેરિકાના આ પગલાંના કારણે સોવિયેટ સંઘ ચુપ રહ્યું નહોતું.

ઍડમિરલ એસ. એમ. નંદા પોતાની આત્મકથા 'ધ મૅન હુ બૉમ્બ્ડ કરાચી'માં લખે છે, "ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં જ સોવિયેટ સંઘનું એક ડિસ્ટ્રોયર અને માઇનસ્વીપર મલક્કાની ખાડીના આ વિસ્તારમાં પહોંચી ગયું હતું."

"સોવિયેટ કાફલાએ અમેરિકન કાફલાનો ત્યાં સુધી પીછો કર્યો જ્યાં સુધી તે જાન્યુઆરી 1972ના પ્રથમ સપ્તાહમાં ત્યાંથી ખસી ન ગયો. ત્યાર પછી ઍન્ટરપ્રાઇઝના કૅપ્ટન ઍડમિરલ જુમવૉલ્ટ નવેમ્બર, 1989માં યુનાઇટેડ સર્વિસ ઇન્સ્ટિટ્યૂટમાં ભાષણ આપવા આવ્યા હતા."

"તેમને પૂછવામાં આવ્યું કે 1971માં સાતમા કાફલાને હિંદ મહાસાગરમાં મોકલવા પાછળ શું ઉદ્દેશ્ય હતો? ત્યારે તેમણે જણાવ્યું કે મિશન સ્પષ્ટ ન હતું. અમેરિકા કદાચ દુનિયાને દેખાડવા માંગતું હતું કે મુશ્કેલીના સમયમાં અમે અમારા મિત્રોની મદદ કરવામાંથી પાછળ નથી ખસતા."

"ઍડમિરલ જુમવૉલ્ટે કિસિન્જરને પણ પૂછ્યું હતું કે તેમનો સામનો ભારતીય નૌકાદળના કોઈ જહાજ સાથે થાય તો શું કરવું? કિસિન્જરે જવાબ આપ્યો કે તે તમારે નક્કી કરવાનું છે."

ઇંદિરા ગાંધીએ ઍડમિરલ નંદાને બોલાવ્યા

ઍડમિરલ જુમવૉલ્ટના ભાષણ પછી ઍડમિરલ નંદાએ તેમને પોતાના ઘરે ડ્રિંક્સ માટે આમંત્રિત કર્યા. ત્યાં જુમવૉલ્ટે તેમને પૂછ્યું કે તમને જ્યારે ખબર પડી કે અમે બંગાળની ખાડીમાં આવી રહ્યા છીએ, ત્યારે તમને કેવું લાગ્યું?

ઍડમિરલ નંદા પોતાની આત્મકથામાં લખે છે, "મેં જુમવૉલ્ટને જણાવ્યું કે આ સમાચાર ફેલાતાની સાથે જ મારા વડા પ્રધાને મને મળવા માટે બોલાવ્યો અને મને પૂછ્યું કે નૌકાદળ આ વિશે શું કરવાનું છે?"

"મેં જવાબ આપ્યો કે શું તમને લાગે છે કે અમેરિકા ભારત સામે યુદ્ધનું એલાન કરશે? તેમણે ફરી પૂછ્યું કે તમે આવું કેમ કહી રહ્યા છો? મેં જવાબ આપ્યો કે તેઓ આપણા યુદ્ધજહાજો પર હુમલો કરશે તો તે યુદ્ધની કાર્યવાહી ગણાશે."

"તેમણે ફરી પૂછ્યું કે તમારા મુજબ આનો કઈ રીતે સામનો કરવો જોઈએ? મેં કહ્યું, મૅડમ તેઓ આપણા પર દબાણ બનાવવાની કોશિશ કરે છે. આપણે મક્કમ રહેવું જોઈએ."

"હું મારા જહાજોના કૅપ્ટનોને આદેશ આપું છું કે તેમનો સામનો અમેરિકન જહાજ સાથે થાય તો તેઓ પરિચયની આપ-લે કરે અને તેમના કૅપ્ટનને પોતાના જહાજ પર ડ્રિંક્સ માટે આમંત્રિત કરે. આ સાંભળીને તેઓ હસી પડ્યાં."

"મેં મારા ડેપ્યુટી ઍડમિરલ કૃષ્ણનને નિર્દેશ આપ્યા કે મારો સંદેશ તમામ કૅપ્ટનો સુધી પહોંચાડવામાં આવે. આ દરમિયાન સોવિયેટ સંઘ પોતાના સેટેલાઇટ દ્વારા અમેરિકન જહાજની હિલચાલ પર નજર રાખતું હતું અને અમને તેની તમામ જાણકારી આપતું હતું."

અમેરિકાનો ભારતીય નૌકાદળ સાથે સંઘર્ષનો ઇરાદો ન હતો

આ દરમિયાન ઇંદિરા ગાંધીએ દિલ્હીના રામલીલામેદાન પર એક વિશાળ જનસભાને સંબોધી. ઇંદિરા ગાંધીનું ભાષણ ચાલુ હતું ત્યારે ભારતીય વાયુસેનાનાં વિમાનો સભાના સ્થળ પર ચક્કર મારતાં હતાં જેથી પાકિસ્તાનનું કોઈ વિમાન તે જનસભાને નિશાન બનાવી ન શકે.

તે સભામાં ઇંદિરા ગાંધીએ અમેરિકા અને ચીનનાં નામ લીધાં વગર કહ્યું કે કેટલીક વિદેશી શક્તિઓ આપણને ધમકાવવાની કોશિશ કરે છે જેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. આ ભાષણ એટલું ઉશ્કેરણીજનક હતું કે ત્યાર પછી પ્રેસ-ઓફિસે તેની લેખિત નકલમાંથી કેટલાક અંશ કાઢી નાખ્યા હતા.

આ દરમિયાન જ્યારે યાહ્યા ખાનને ખબર પડી કે અમેરિકન નૌકાદળનો સાતમો કાફલો બંગાળની ખાડી તરફ જઈ રહ્યો છે, ત્યારે તેમણે નિક્સનને વિનંતી કરી કે આ કાફલાને કરાચીના રક્ષણ માટે મોકલવામાં આવે.

પૅટ્રિક મૉએનિહન પોતાના પુસ્તક 'ઍસ્ટ્રેન્જ્ડ ડેમૉક્રેસિઝ ઇન્ડિયા ઍન્ડ ધ યુનાઇટેડ સ્ટેટ્સ'માં લખે છે, "ભારત સાથે ગમે ત્યારે લડાઈ થઈ શકે છે તેવો વારંવાર આભાસ કરાવવા છતાં નિક્સન ક્યારેય કોઈ નૌકાદળની લડાઇનો ઇરાદો ધરાવતા ન હતા."

"તેઓ ઍન્ટરપ્રાઇઝનો ઉપયોગ માત્ર ભારતને ડરાવવા માટે કરી રહ્યા હતા જેથી સોવિયેટ સંઘ ભારત પર યુદ્ધવિરામ કરવાનું દબાણ પેદા કરી શકે. કિસિન્જર અંગત રીતે કહેતા હતા કે આ યુદ્ધમાં સૈન્ય સ્તરે સામેલ થવાની તેમની કોઈ ઇચ્છા નથી."

વિયેતનામ યુદ્ધના કારણે અમેરિકાના હસ્તક્ષેપની નહીંવત સંભાવના

બીજી તરફ નેવલ ઇન્ટેલિજન્સના નિર્દેશક ઍડમિરલ મિહિર રૉયે ઇંદિરા ગાંધીને આપેલી બ્રિફિંગમાં જણાવ્યું કે સાતમો કાફલો ભારત પર હુમલો કરે તે શક્ય છે, પરંતુ વિયેતનામ યુદ્ધ ચાલુ હોવાથી આવી શક્યતા બહુ ઓછી છે.

તેમણે કહ્યું કે તેઓ ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવેલી પાકિસ્તાનની ઘેરાબંધીને તોડવાની કોશિશ કરે તે પણ શક્ય છે.

ભારતીય નૌકાદળના પૂર્વ કમાન્ડના વડા વાઇસ ઍડમિરલ એન. કૃષ્ણન પોતાના પુસ્તક 'નો વે બટ સરન્ડર'માં લખે છે, "મને બીક હતી કે અમેરિકન ચટગાંવ સુધી આવી શકે છે. અમે ત્યાં સુધી વિચાર્યું હતું કે અમારી એક સબમરીન ઍન્ટરપ્રાઇઝના જહાજને ટોર્પિડો કરી દે જેથી તેની ગતિ થોડી ધીમી પડી જાય."

""ત્યાર પછી અમે તેનો એક જ ઉપાય શોધ્યો કે ચટગાંવ અને કોક્સ બઝાર પર પોતાના નૌસૈન્યના હુમલા આક્રમક કરી દેવામાં આવે."

ભારતીય નેતૃત્વને એ બાબતનો અંદાજ મળી ચૂક્યો હતો કે વિયેતનામમાં ફસાયેલા અમેરિકા માટે ભારત સામેની લડાઈમાં પોતાનું સૈન્ય મોકલવું લગભગ અશક્ય હતું.

ત્યાર બાદ ઇટાલિયન પત્રકાર ઓરિયાના ફ્લાચીને આપેલી મુલાકાતમાં ઇંદિરા ગાંધીએ જણાવ્યું કે, "અમેરિકનોએ એક પણ ગોળી ચલાવી હોત કે અમેરિકનોએ બંગાળની ખાડીમાં બેસી રહેવા સિવાય બીજું કંR પણ કર્યું હોત તો ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શક્યું હોત. પરંતુ હું સાચું કહું તો મારા દિમાગમાં એક પણ વખત આ ડર પેદા થયો ન હતો."

આમ છતાં ભારતે સોવિયેટ સંઘને જણાવ્યું કે તે અમેરિકાને સાવધાન કરે કે તેઓ આવું કરશે તો તેના કેટલા વિનાશક પરિણામ આવી શકે છે.

આ ઉપરાંત પી. એન. હક્સરે ખાસ મૉસ્કો મોકલવામાં આવેલા ભારતીય દૂત ડી. પી. ધરને જણાવ્યું કે તેઓ સોવિયેટ વડા પ્રધાન ઍલેક્સી કૉસીજિનને ભરોસો આપે કે બાંગ્લાદેશ અને પશ્ચિમી પાકિસ્તાનમાં ભારત કોઈ પ્રાદેશિક મહત્ત્વાકાંક્ષા ધરાવતું નથી."

"નેહરુ મૅમોરિયલ લાઇબ્રેરીમાં રખાયેલા હક્સરના દસ્તાવેજોમાં લખ્યું છે, "ભારતમાં સોવિયેટ રાજદૂતે આશ્વાસન આપ્યું કે સોવિયેટ સંઘ અમેરિકાને યુદ્ધમાં હસ્તક્ષેપ કરવા નહીં દે."

અમેરિકાએ પૂર્વ પાકિસ્તાનમાં ઉતરાણની ખબર લીક કરાવી

તેનાથી બિલકુલ વિપરીત અમેરિકાથી એવા સમાચાર લીક કરવામાં આવ્યા કે પૂર્વ પાકિસ્તાનના સમુદ્રકિનારે ઘુસવા માટે એક ટાસ્કફોર્સ બનાવવામાં આવી છે જેમાં ત્રણ મરીન બટાલિયનોને તૈયાર રહેવા માટે જણાવાયું છે.

નિક્સને ઍન્ટરપ્રાઇઝનાં બૉમ્બર વિમાનોને જરૂર પડે તો ભારતીય સેનાના સંદેશાવ્યવહારકેન્દ્રો પર બૉમ્બમારો કરવાની મંજૂરી આપી દીધી.

ભારતીય રાજદૂત લક્ષ્મીકાંત ઝાએ જ્યારે અમેરિકન વિદેશમંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીને સમુદ્રકિનારા મારફત અમેરિકન સૈનિકો દ્વારા પૂર્વ પાકિસ્તાનમાં ઘુસવાની શક્યતા વિશે પૂછ્યું ત્યારે તેમણે તેનો સ્પષ્ટ રદીયો નહોતો આપ્યો.

તેનાથી ભારતીય રાજદૂત એટલા પરેશાન થઈ ગયા કે તેમણે અમેરિકન ટીવી પર જઈને નિક્સન તંત્રના આ ઇરાદાની જોરદાર ટીકા કરી. ત્યાર બાદ ડિક્લાસિફાઇ થયેલી વ્હાઈટ હાઉસ ટેપ્સ પરથી જાણવા મળ્યું કે ભારતને આ રીતે પરેશાન કરવામાં નિક્સન અને કિસિન્જરને બહુ મજા આવતી હતી.

કિસિન્જરે જણાવ્યું, ભારતીય રાજદૂતનું કહેવું છે કે તેમની પાસે એ વાતના પૂરાવા છે કે અમે બંગાળની ખાડીમાં લૅન્ડિંગની યોજના ધરાવીએ છીએ. મારા માટે આ સારી વાત છે. નિક્સને જણાવ્યું, 'હા, તેનાથી તે લોકો ડરી ગયા છે. નૌકાદળનો કાફલો મોકલવાનો નિર્ણય યોગ્ય પગલું છે.'

આમ છતાં અમેરિકન કાફલો ચટગાંવથી લગભગ 1000 કિલોમીટરના અંતરે જ રહ્યો. પૅન્ટાગોને સ્વીકાર્યું કે આ વિસ્તારમાં ચારથી પાંચ સોવિયેટ જહાજ હાજર હતાં. પરંતુ ઍન્ટરપ્રાઇઝનો સામનો કોઈ સોવિયેટ, ભારતીય કે પાકિસ્તાની જહાજ સાથે થયો નહીં.

રશિયાના કાફલામાં એક વિનાશિકા (ડિસ્ટ્રોયર), એક ક્રૂઝર અને બે ઍટેક સબમરીન સામેલ હતી. તેની કમાન ઍડમિરલ વ્લાદીમીર ક્રગલિયાકોવ સંભાળતા હતા.

ત્યાર બાદ સૅબેસ્ટિયન રૉબલિને પોતાના પુસ્તક 'વૉર ઇઝ બૉરિંગ'માં લખ્યું કે 'ક્રગલિયાકોવે રશિયન ટીવીને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે અમેરિકા આગળ વધ્યું હોત તો અમે તેને ઘેરી લેવાનો ઇરાદો ધરાવતા હતા. હું મારી સબમરીનની મિસાઈલ ટ્યૂબ ખોલીને ઍન્ટરપ્રાઇઝ સામે ઊભો રહેવાનો હતો. પરંતુ તેની નોબત જ ન આવી. ત્યાર પછી બીજાં બે જહાજ રશિયન કાફલામાં સામેલ થઈ ગયાં.'

આત્મસમર્પણના કારણે ઍન્ટરપ્રાઇઝની દિશા બદલાઈ

ભારતના પૂર્વ રાજદ્વારી અરુણધતિ ઘોષે બાદમાં જણાવ્યું કે, "તે સમયે કલકત્તામાં એવી અફવા ફેલાઈ હતી કે અમેરિકા ત્યાં બૉમ્બમારો કરશે. અમે લોકો મજાકમાં કહેતા હતા કે તેમને બોંબ ફેંકવા દો. અમને આ બહાને નવેસરથી કલકત્તા બનાવવાની તક મળશે."

"આ વખતે પહેલાં કરતાં પણ વધુ સારું"ઍન્ટરપ્રાઇઝ અટક્યા વગર ચાલ્યું હોત તો 16 ડિસેમ્બરની સવારે તે પૂર્વ પાકિસ્તાનના કિનારે પહોંચી શકે તેમ હતું.

પરંતુ તેનાથી એક દિવસ અગાઉ જ પાકિસ્તાની જનરલ નિયાઝીએ જનરલ માણેકશાને સંદેશ મોકલી દીધો હતો કે તેઓ યુદ્ધવિરામ ઇચ્છે છે.

ભારતમાં તેનું એવું અર્થઘટન કરવામાં આવ્યું કે પાકિસ્તાન આત્મસમર્પણ માટે તૈયાર છે. પાકિસ્તાને જેવું આત્મસમર્પણ કર્યું કે તરત જ ઍન્ટરપ્રાઇઝે પૂર્વ પાકિસ્તાનના બદલે શ્રીલંકા તરફ પોતાની દિશા બદલી નાખી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો