અમિત શાહની પશ્ચિમ બંગાળની મુલાકાતથી મમતા બેનરજીની મુશ્કેલીઓ કેમ વધી?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં પક્ષની પ્રવૃત્તિઓ પર નજર કરવા માટે શનિવારથી બે દિવસના પ્રવાસે પહોંચ્યા છે. અમિત શાહની મુલાકાતને મહત્ત્વની ગણવામાં આવી રહી છે કારણ કે મુલાકાત પહેલાં જ પશ્વિમ બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કૉંગ્રેસમાંથી રાજીનામાં પડવાની શરૂઆત થઈ ચૂકી હતી.

રાજકીય વિશ્લેષકો અમિત શાહની આ મુલાકાતને મમતા બેનરજી અને તૃણમૂલ કૉંગ્રેસ માટે ઘાતક ગણાવી રહ્યા છે.

નોંધનીય છે કે આગામી અમુક મહિનામાં જ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે શાહની મુલાકાત પહેલાં તૃણમૂલ ત્યાગી ચૂકેલા નેતાઓ ભાજપમાં જોડાય એવી શક્યતાઓ સેવાઈ રહી છે.

તૃણમૂલ અને ભાજપના સમર્થકો વચ્ચે પાછલા કેટલાક સમયથી હિંસક ઘર્ષણની ઘટનાઓ પણ બની છે. જેના કારણે પશ્ચિમ બંગાળનું રાજકારણ અવારનવાર સમાચારોના કેન્દ્રમાં આવ્યું છે.

આ સિવાય ભાજપના નેતાઓ અને પશ્વિમ બંગાળના રાજ્યપાલે પણ અવારનવાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં નિવેદનો આપ્યાં છે.

ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ છાશવારે એકબીજાના કાર્યકરો પર હિંસા આચરવાના આરોપો મૂકતાં રહ્યાં છે. સતત હિંસાના બનાવો અને બે મોટા પક્ષો વચ્ચેની સ્પર્ધાને કારણે પ્રદેશના રાજકારણમાં રાજકીય ગરમાવો છે.

TMCના ધારાસભ્યોનાં રાજીનામાં

એનડીટીવીના અહેવાલ પ્રમાણે TMCનાં ધારાસભ્ય બનશ્રી મૈતીએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. આ પહેલાં મમતા બેનરજીના ખાસ મનાતા સુવેંદુ અધિકારી જેઓ મમતા સરકારમાં મંત્રી પણ હતા, તેમણે બુધવારે ધારાસભ્યના પદેથી રાજીનામું આપીને પક્ષ છોડી દીધો હતો.

આ સિવાય અન્ય ધારાસભ્ય શીલભદ્ર દત્તાએ પણ રાજીનામું આપી દીધું હતું. તેમજ TMCના વધુ એક ધારાસભ્ય જિતેન્દ્ર તિવારીએ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ ફરી પાછા પક્ષમાં જોડાઈ ગયા હતા.

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન સિંહે દાવો કર્યો હતો કે તૃણમૂલ કૉંગ્રેસ અને અન્ય દળોના 10-12 ધારાસભ્યો પોતાના પદ પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાશે.

અહીં નોંધનીય છે કે સુવેંદુ અધિકારી બંગાળના મોટા નેતા પૈકી એક છે. સ્ક્રોલ ડોટ ઇનના એક અહેવાલ અનુસાર તેઓ બે વખત સાંસદ પણ રહી ચૂક્યા છે, તેઓ માલદા, મુર્શિદાબાદ, પુરુલિયા અને બાંકુરા સહિત અનેક જિલ્લાઓમાં TMCના ઇન્ચાર્જ રહી ચૂક્યા છે. પશ્ચિમ બંગાળના રાજકારણમાં તેમની ગણતરી એક મોટા ખેલાડી તરીકે થાય છે.

આ તમામ ધારાસભ્યો ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત દરમિયાન ભાજપમાં સામેલ થશે, તેવા અંદાજ લગાવાઈ રહ્યા છે.

ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર મમતા સરકારના ટ્રાન્સપૉર્ટ મંત્રી રહી ચૂકેલા સુવેંદુ અધિકારી અન્ય કેટલાક નેતાઓ સાથે મિદનાપૂર ખાતે ભાજપમાં જોડાશે. અહીં નોંધનીય છે કે અમિત શાહ મિદનાપૂર ખાતે એક જાહેર રેલી યોજવાના છે.

બીજી તરફ આ રાજીનામાં અંગે મમતા બેનરજીએ પોતાના નિવાસસ્થાને બેઠક કરી. અહેવાલ પ્રમાણે બેઠકમાં પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાની સાથે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ સામેલ હતા.

તેમણે કહ્યું કે બળવાખોરો પક્ષ ત્યાગે એ ચિંતાની વાત નથી. મમતાનું કહેવું હતું કે, “રાજ્યના લોકો TMCની સાથે છે. ચૂંટણીમાં જનતા જ આવા લોકોને સાનુકૂળ જવાબ આપશે.”

તેમણે કહ્યું કે ‘જેઓ જવા માગતા હોય તેઓ જઈ શકે છે. તેનાથી પાર્ટીના સ્વાસ્થ્ય પર કોઈ અસર નહીં થાય.’

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રીએ નેતાઓને સામાન્ય લોકો વચ્ચે એ વાતનો પ્રચાર કરવાનું કહ્યું કે કેટલાક નેતા સત્તાની લાલચમાં પક્ષ છોડી રહ્યા છે.

TMCના પ્રવક્તા સૌગત રાય જણાવે છે, "બળવાખોરો પાર્ટી છોડીને જાય એ સારી વાત છે. TMC જ્યારે વધુ બહુમત મેળવીને સત્તામાં પાછી ફરશે ત્યારે આવા લોકો પાસે કોઈ વિકલ્પ નહીં હોય."

ભાજપની ચૂંટણીલક્ષી રણનીતિ

NDTV ડોટ કૉમના અહેવાલ અનુસાર પશ્ચિમ બંગાળના ભાજપ પ્રદેશાધ્યક્ષ દીલિપ ઘોષે કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે ત્યાં સુધી દર મહિને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે આવશે.

નોંધનીય છે કે ગયા અઠવાડિયે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસે હતા. જ્યારે આ અગાઉ નવેમ્બર માસમાં ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસ પર હતા.

બંગાળમાં ચૂંટણી પહેલાં રાજકીય ઘમસાણ

પશ્ચિમ બંગાળમાં 2021માં વિધાનસભા ચૂંટણી થવાની છે. 294 બેઠકવાળી આ વિધાનસભાની ચૂંટણી પર સૌની નજર રહેશે.

મુખ્ય મંત્રી મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસની સરકારને ભાજપે ટક્કર આપવાનું મન બનાવી લીધું છે.

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં પશ્ચિમ બંગાળની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળની 294 બેઠકોમાંથી 200 સીટ જીતવાનો દાવો કર્યો હતો.

અમિત શાહે બંગાળમાં આદિવાસી બહુમતીવાળા વિસ્તારમાં પહોંચ્યા હતા અને અહીં આદિવાસીના ઘરે જમીન પર બેસીને ભોજન પણ લીધું હતું.

ગયા અઠવાડિયે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા બે દિવસની પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચ્યા હતા.

નડ્ડા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન માટે જતા હતા એ સમયે કેટલાક યુવકોએ કાળા વાવટા ફરકાકાવ્યા હતા અને જે.પી. નડ્ડા મુર્દાબાદના નારા પણ લગાવ્યા હતા. જોકે પોલીસે ત્યારબાદ તેમને ત્યાંથી ખસેડી દીધા હતા.

બીજા દિવસે દક્ષિણ-24 પરગના જિલ્લામાં કથિત તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરોએ તેમનો રસ્તો રોક્યો હતો અને તેમની કાર પર પથ્થરમારો પણ થયો હતો.

આ ઘટના બાદ અમિત શાહના નિર્દેશ પર ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી આ ઘટના અંગે રિપોર્ટ પણ માગ્યો હતો.

બંગાળની ચૂંટણી સમયે સીએએ અને એનઆરસીનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે.

તૃણમૂલ કૉંગ્રેસનાં પ્રમુખ અને મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું કે સરકાર અહીં સીએએ કોઈ પણ કિંમતે લાગુ થવા નહીં દે.

તેમનું કહેવું હતું કે કેન્દ્ર સરકાર એનઆરસી અને સીએએના બહાને લોકોની નાગરિકતા છીનવવાનો પ્રયાસ કરી રહી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો