ભારતમાં કોરોનાના 68 હજાર નવા કેસ, ગુજરાત સહિત આઠ રાજ્યોમાં 84 ટકા મામલા - BBC TOP NEWS

ગુજરાતમાં સોમવારે કોરોના સંક્રમણના નવા કેસની સંખ્યા બે હજારને પાર પહોંચી ગઈ છે.

આરોગ્યવિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં સોમવારે કોરોનાના સંક્રમણના 2,252 નવા કેસ નોંધાયા હતા.

એ સિવાય કોરોના સંક્રમણમાંથી 1731 દર્દીઓ સાજા થયા છે. ગુજરાત સરકાર મુજબ રાજ્યમાં સાજા થવાનો દર 94.54 ટકા છે.

કોરોના સંક્રમણને કારણે છેલ્લા 24 કલાકમાં આઠ લોકોના મૃત્યુ થયાં છે જેમાંથી અમદાવાદ અને સુરત મહાનગરપાલિકામાં ત્રણ-ત્રણ મૃત્યુ નોંધાયા છે. પંચમહાલ અને રાજકોટ કૉર્પોરેશનમાં એક-એક મૃત્યુ નોંધાયું છે.

રાજ્યમાં સૌથી વધારે સંક્રમણ સુરત અને અમદાવાદમાં ફેલાયું છે.

સુરત મહાનગરપાલિકામાં 603 અને અમદાવાદમાં 602 નવા કેસ સોમવારે નોંધાયા, જ્યારે વડોદરામાં 201 અને રાજકોટ મહાનગરપાલિકામાં 198 નવા કેસ નોંધાયા છે.

એક દિવસમાં સુરત જિલ્લામાં 74 નવા કેસ નોંધાયા છે. પોરબંદર સિવાય રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કોરોના સંક્રમણના કેસ છે.

હોળી અને શબ-એ-બારાતને લઈને સરકારે લોકોને કોવિડ ગાઇડલાઇન્સને ધ્યાને રાખીને ઉજવણી કરવાના નિર્દેશ કર્યા હતા.

હોળીની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભેગા ન થવા અને શબ-એ-બારાતમાં મસ્જિદમાં મોટી સંખ્યામાં ભેગા ન થવા વિનંતી કરી હતી.

એ સિવાય રાજ્યનાં ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લાગૂ છે છતાં દિવસેને દિવસે રાજ્યમાં કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યા વધી રહી છે.

રાજ્યમાં કોરોનાની રસી મૂકવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને રાજ્ય સરકાર મુજબ 45,66,141 લોકોને સોમવાર સુધી રસીનો પ્રથમ ડોઝ મૂકી દેવામાં આવ્યો છે. જ્યારે 6,29,222 લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

ભારત સરકારના નિર્દેશ મુજબ રાજ્યમાં એક એપ્રિલથી 45 વર્ષથી મોટી ઉંમરના બધા લોકોને રસી આપવામાં આવશે.

ભારતમાં કોરોનાના 68 હજાર નવા કેસ, ગુજરાત સહિત આઠ રાજ્યોમાં 84 ટકા મામલા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું છે કે દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાઇરસના 68,020 નવા કેસ નોંધાયા. જેમાંથી 84.5 કેસ માત્ર આઠ રાજ્યોમાં નોંધાયા છે.

આ આઠ રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, મધ્યપ્રદેશ, કેરળ, તામિલનાડુ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે.

બીજી તરફ મંત્રાલયે એ જાણકારી પણ આપી કે આ વચ્ચે દેશમાં અત્યાર સુધી છ કરોડ લોકોને કોરોના વાઇરસની રસી આપવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં સંક્રમણના નવા કેસ સૌથી વધુ નોંધાયા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત આ રાજ્યમાં ગત 24 કલાકમાં 40,414 નવા કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્ર બાદ કર્ણાટકમાં 3082, પંજાબમાં 2870, મધ્યપ્રદેશમાં 2276, ગુજરાતમાં 2270, કેરળમાં 2216, તામિલનાડુમાં 2194 અને છત્તીસગઢમાં 2153 નવા કેસ રિપોર્ટ થયા છે.

કોરોના સંક્રમણના કુલ 68,020 નવા કેસમાંથી 84.5 ટકા કેસ આ આઠ રાજ્યોમાં જ નોંધાયા છે.

દેશમાં અત્યારે કોરોનાના 521,808 સક્રીય કેસ છે અને કોરોના વાઇરસના કુલ કેસના આ 4.33 ટકા છે.

જમ્મુ-કાશ્મીર : ઉગ્રવાદી હુમલામાં કૉર્પોરેટર અને સુરક્ષાકર્મીની હત્યા

જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં સોમવારે થયેલા એક ઉગ્રવાદી હુમલામાં બ્લૉક ડેવલપમૅન્ટ કાઉન્સિલના એક સભ્ય અને તેના સુરક્ષાકર્મીનાં મૃત્યુ થયાં.

સોપોરમાં નગરપાલિકાના કાર્યાલયની બહાર આ હુમલો થયો. આ હુમલામાં એક સ્થાનિકને પણ ઈજા પહોંચી છે.

સમાચાર સંસ્થા પીટીઆઈએ એક પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્યું છે કે ઉગ્રવાદીઓએ બીડીસીના સભ્ય રેયાઝ અહમદ અને તેમના બૉડીગાર્ડ શફાત અહમદ પર ગોળીબાર કર્યો હતો.

જેને પગલે રેયાઝ અને શફાતનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. પોલીસે હુમલાખોરોને પકડવા માટે વિસ્તારમાં નાકાબંધી કરી છે.

અમદાવાદમાં અમિત શાહ અને શરદ પવારની ગુપ્ત મુલાકાતનું રહસ્ય ઘેરું બન્યું

નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવાર અને પ્રફુલ્લ પટેલે અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે કરેલી ગુપ્ત બેઠક પર રહસ્ય ઘેરું બન્યું છે.

એક તરફ આ સમાચારથી મહારાષ્ટ્રની રાજનીતિમાં હલચલ મચી છે, તો બીજી તરફ અલગ-અલગ નિવેદનો આવી રહ્યાં છે.

અમિત શાહના નિવેદન અને એનસીપી નેતાના નિવેદન બાદ આ બેઠક થઈ હતી કે નહીં, તે મામલે અનેક તર્ક થઈ રહ્યા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલ મુજબ અમિત શાહે અમદાવાદમાં શરદ પવાર સાથે બેઠક કરી હતી તેવો અંદાજ લગાવવામાં આવ્યો હતો.

એ પછી રવિવારે અમિત શાહે મીડિયા સમક્ષ કહ્યું કે, "બધી વાતો કરવી જરૂરી નથી."

અમિત શાહના નિવેદન બાદ ત્રણેય નેતાઓની મુલાકાતના સમાચાર પ્રસરવા લાગ્યા. જોકે, રવિવારે સાંજે એનસીપીએ આવી કોઈ બેઠક થઈ હોવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે "આવી કોઈ બેઠક નથી થઈ, આ ભાજપનું કાવતરું છે."

એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું, "શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ અમદાવાદમાં છે એ હકીકત છે, પણ એમની અમિત શાહ સાથે કોઈ મુલાકાત થઈ નથી. મુખ્ય મુદ્દાઓથી ધ્યાન હઠાવવા માટે જાણીને આ ખબર ફેલાવવામાં આવી રહી છે."

ભાજપનાં સૂત્રોના હવાલાથી અખબારે લખ્યું કે ચૂંટણીપ્રચારમાંથી સમય કાઢીને અમિત શાહ પોતાની પૌત્રીઓને મળવા અમદાવાદ પહોંચ્યા હતા.

અમદાવાદમાં બિઝનેસ સર્કલના સૂત્રોને ટાંકીને અખબારે લખ્યું કે જયપુરથી મુંબઈ જઈ રહેલા શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ અમદાવાદમાં બિઝનેસમૅન ગૌતમ અદાણીને મળવા રોકાયા હતા.

જોકે, અખબારે પણ અમદાવાદમાં ત્રણેય નેતાઓની મુલાકાતની ખરાઈ કરી નથી.

ગુજરાતમાં કોરોનાના કેસ ત્રણ લાખને પાર; સુરતમાં સૌથી વધારે કેસ

દેશભરમાં ફરી એક વખત વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે ગુજરાતમાં રવિવારે 2,270 કેસ નોંધાયા હતા.

ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે આ સાથે જ ગુજરાતમાં કોરોના સંક્રમણના મામલાઓનો કુલ આંક ત્રણ લાખને વટાવી ચૂક્યો છે.

ગુજરાતમાં કોરોના સંક્રમિત આઠ દર્દીઓનાં મૃત્યુ થતાં, ગુજરાતમાં કોરોનાથી મોતનો આંક 4,492એ પહોંચ્યો છે.

અહેવાલમાં લખ્યું છે કે 1,605 સંક્રમિતોને રિકવરી બાદ રજા આપવામાં આવી હતી. આ સાથે ગુજરાતમાં રિકવરીનો દર 94.68 ટકા છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે સુરતમાં સૌથી વધારે 775 કેસ નોંધાયા હતા, આ ઉપરાંત અમદાવાદમાં 615, વડોદરામાં 232 અને રાજકોટમાં 197 કેસ નોંધાયા છે.

ઋષભ પંત આમ જ રમશે તો ધોનીને પાછળ છોડી દેશે - ઇન્ઝમામ ઉલ હક

રવિવારની મૅચમાં ભારતીય બૅટ્સમૅન અને વિકેટકીપર ઋષભ પંતે 40 બૉલમાં 77 રન ફટકારીને તેમની આંતરરાષ્ટ્રીય વન-ડે કારકિર્દીનો શ્રેષ્ઠ સ્કોર કર્યો.

ધ હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે ઋષભ પંતના પ્રદર્શનની નોંધ લેતાં પાકિસ્તાનના પૂર્વ કપ્તાન ઇન્ઝમામ ઉલ હકે કહ્યું, "જો ઋષભ પંત આ રીતે જ રમશે તો મહેન્દ્રસિંહ ધોની અને એડમ ગિલક્રિસ્ટને પણ પાછળ છોડી દેશે."

ઉલ્લેખનીય છે કે ઇંગ્લૅન્ડની ટીમના ભારત પ્રવાસ દરમિયાન ઋષભ પંતનું પ્રદર્શન સતત ચર્ચામાં રહ્યું છે.

આ અગાઉ ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ દરમિયાન પણ તેમણે ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.

મોદી સરકારનું દિલ્હી બિલ કાયદો બન્યું, અરવિંદ કેજરીવાલ કરતાં LGને વધારે સત્તા?

એનડીટીવી ઇંડિયાના અહેવાલ પ્રમાણે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન (સંશોધન) ખરડો સ્પષ્ટ કરે છે કે દિલ્હીમાં સરકારનો મતલબ ઉપરાજ્યપાલ છે.

આ બિલને લીલી ઝંડી મળી ગઈ છે ત્યારે હવે દિલ્હી સરકારે કોઈ પણ કારોબારી નિર્ણય લેતા પહેલાં ઉપરાજ્યપાલનો મત લેવો પડશે.

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ઘમસાણ વચ્ચે રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ ખરડાને મંજૂરી આપી દીધી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો