અરવિંદ કેજરીવાલ ‘હિંદુત્વ અને દેશભક્તિ’ ભાજપ પાસેથી આંચકી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે?

    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા

"ઇન્સાન કા ઇન્સાન સે હો ભાઈચારા, યહી પૈગામ હમારા."

2014માં દેશભરમાં પ્રચંડ મોદીલહેર વચ્ચે પણ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એકતરફી વિજય બાદ અરવિંદ કેજરીવાલે મંચ પરથી આ ગીત ગાયું હતું.

2019ની વિધાનસભા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે પોતાની કામગીરીના આધારે મત માગ્યા હતા અને તે સમયે પણ લોકપ્રિયતાનાં મોજાં પર સવાર ભાજપ કેજરીવાલને શાનદાર પ્રદર્શન કરી શકતા અટકાવી શક્યો ન હતો.

પાયાના પ્રશ્નો પર સફળતાપૂર્વક રાજનીતિ કરનારી આમ આદમી પાર્ટી હવે અચાનક દેશભક્તિ અને રામરાજ્યની વાતો કરવા લાગી છે. તેથી સ્વભાવિક રીતે સવાલ પેદા થાય છે કે આની પાછળ આપની યોજના શું છે?

કેજરીવાલ પોતાની જાતને ભગવાન રામ અને હનુમાનના ભક્ત ગણાવી ચુક્યા છે. સાથેસાથે તેમણે કહ્યું છે કે તેમની સરકાર દિલ્હીની સેવા માટે રામરાજ્ય પ્રેરિત 10 સિદ્ધાંતોનું પાલન કરે છે.

દિલ્હીના મુખ્યમંત્રી એટલે સુધી કહી ચુક્યા છે કે અયોધ્યામાં રામમંદિર તૈયાર થઈ જશે ત્યારે તેઓ દિલ્હીના વરિષ્ઠ નાગરિકોને અયોધ્યાની મફત તીર્થયાત્રા કરાવશે.

થોડા દિવસો અગાઉ દિલ્હી સરકારનું બજેટ 'દેશભક્તિ બજેટ' નામે રજુ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગૌરવના ગુણગાન સાથે જાહેરાત કરવામાં આવી કે આખા દિલ્હીમાં પાંચસો વિશાળ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.

કેજરીવાલ સરકાર પહેલાંથી જ દિલ્હીની શાળાઓમાં દેશભક્તિના અભ્યાસક્રમની વાત કરી ચુકી છે. તેનું કહેવું છે કે "આ અભ્યાસક્રમનો હેતુ દેશભક્ત નાગરિકોનો એક વર્ગ તૈયાર કરવાનો છે."

કેજરીવાલની રાજનીતિ સમજી-વિચારીને ઘડાયેલી રાજકીય વ્યૂહરચના?

વરિષ્ઠ વકીલ અને કેજરીવાલ સાથે સંકળાયેલા પ્રશાંત ભૂષણ કહે છે કે આ બધી બાબતો એક "પોલિટિકલ સ્ટ્રેટેજી"નો હિસ્સો છે.

તેઓ કહે છે, "તેમને (કેજરીવાલને) લાગે છે કે આનાથી હિંદુઓના મત મળી શકે છે. એક રીતે આ ભાજપને તેની જ રમતમાં પછાડવાની કોશિશ છે. તેમને લાગે છે કે તેઓ પોતાને એક મોટા રાષ્ટ્રીય વિકલ્પ તરીકે રજુ કરી શકે છે."

"અરવિંદની રાજકીય ગણતરી કદાચ એવી છે કે અત્યારે ભાજપે મતોનું ધ્રુવીકરણ કરી નાખ્યું છે તેથી તેમણે મુખ્યત્વે હિંદુ મતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે."

વરિષ્ઠ પત્રકાર આશુતોષે જણાવ્યું કે ધર્મ અને રાષ્ટ્રવાદની વાતો કરવી એ કેજરીવાલ અને તેમના પક્ષની "ચૂંટણીલક્ષી લાચારી" છે.

આશુતોષ આમ આદમી પાર્ટીના પ્રવક્તા રહી ચુક્યા છે અને હવે તેમણે પક્ષ છોડી દીધો છે.

તેઓ કહે છે, "અરવિંદ કેજરીવાલને એ વાતનો અંદાજ છે કે દિલ્હીમાં એક બહુ મોટો વર્ગ ભાજપને પણ મત આપે છે અને આમ આદમી પાર્ટીને પણ મત આપે છે."

"તમે સંસદની ચૂંટણી જોશો તો ભાજપને 57 ટકા મત મળે છે અને તમામ સાત બેઠકો ભાજપના ફાળે જાય છે. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં આપ જીતી જાય છે. તેનો અર્થ એ થયો કે આમ આદમી પાર્ટીએ પોતાની વોટ-બૅન્કને બચાવી રાખવી હોય તો તેમણે પોતાની જાતને હિંદુ નેતા તરીકે સ્થાપિત કરવા પડશે."

સાથેસાથે પ્રશાંત ભૂષણ એમ પણ કહે છે કે કેજરીવાલની "કોઈ ખાસ વિચારધારા નથી."

તેમને લાગે છે કે "જે ચીજ આપણને મત અપાવી શકે તે ચીજ કરવી જોઈએ." તેઓ એમ પણ કહે છે કે અરવિંદ કેજરીવાલનો ઝૂકાવ અમુક અંશે "સોફ્ટ હિંદુત્વ" તરફ હોઈ શકે છે.

ઘણાં વર્ષો સુધી કેજરીવાલ સાથે કામ કરી ચુકેલા પ્રશાંત ભૂષણ કહે છે કે, "તેઓ એક શુદ્ધ રાજકીય પ્રાણી છે. તેમને લાગે કે આમ કરવાથી વધુ મત મળી શકશે, તો તેઓ દરેક કામ તે હિસાબથી જ કરશે."

આશુતોષનું માનવું છે કે ભાજપની રણનીતિ બે બાબતો પર આધારિત છે. "એક તો દેશભક્તિ અને બીજું, દરેક બાબતમાં ધર્મને વચ્ચે લાવવો."

તેઓ કહે છે, "આ કારણથી જ અરવિંદ કેજરીવાલ હવે ભાજપની જ ભાષા બોલે છે. મનીષ સિસોદિયા કહે છે કે જય શ્રી રામનો નારો ભારતમાં નહીં લાગે, તો શું પાકિસ્તાનમાં લાગશે? અરવિંદ કેજરીવાલ વિધાનસભામાં કહે છે કે ભારતમાં તિરંગો નહીં ફરકાવાય તો શું પાકિસ્તાનમાં લહેરાવવામાં આવશે. આમાંથી મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલનાં નામ કાઢી નાખીએ તો આ વિધાનો સાંભળનારાને લાગશે કે આ તો ભાજપ કે આરએસએસના કોઈ નેતા બોલ્યા હશે."

આશુતોષ કહે છે, "આ ચૂંટણીલક્ષી લાચારી છે. તેમને લાગે છે કે તેઓ આમાં ઢીલ કરશે તો તેમની મતબૅન્ક ખસી જશે."

આમ આદમી પાર્ટીના વિસ્તરણની યોજના?

આશુતોષનું માનવું છે કે દરેક પક્ષ રાષ્ટ્રીય સ્તરે પોતાને ફેલાવવા માંગતો હોય છે પરંતુ આમ આદમી પાર્ટી ધર્મ અને રાષ્ટ્રવાદની દિશામાં ગઈ તે રાષ્ટ્રીય સ્તરે એક મોટો વિકલ્પ બનવાની દિશામાં નથી.

તેઓ કહે છે, "આમ આદમી પાર્ટીએ તાજેતરમાં જેટલી ચૂંટણીઓમાં ભાગ લીધો, ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં, તેમાંથી ક્યારેય પણ તેના વોટની ટકાવારી એક ટકાથી વધુ ન હતી. "

"માત્ર પંજાબ અને ગોવા એવાં રાજ્યો છે જ્યાં તેમને 2015 અને 2017માં સફળતા મળી હતી. ગોવામાં તેમને છ ટકા મત મળ્યા હતા જ્યારે પંજાબમાં 22 ટકાની આસપાસ મત મળ્યા હતા."

"રાજસ્થાનમાં પણ આપનો વોટ શૅર એક ટકાથી ઓછો હતો. તેવી જ રીતે હરિયાણામાં વોટ શૅર નીચો હતો. ગુજરાતમાં આપનો વોટ શૅર એક ટકા કરતા ઓછો હતો."

યોગીના ઉત્તર પ્રદેશ પર આપની નજર?

પ્રશાંત ભૂષણ માને છે કે કેજરીવાલની મહત્ત્વાકાંક્ષા હવે વધી ગઈ છે અને તેઓ ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં પણ પક્ષનો વિસ્તાર ફેલાવવા વિચારે છે. તેથી તેમને લાગે છે કે તેમણે રાષ્ટ્રવાદનો સહારો લેવો પડશે.

તેઓ કહે છે, "અરવિંદ એક ચતુર રાજકીય ખેલાડી છે. તેમને કદાચ લાગતું હશે કે તેમને તેનો ફાયદો થશે."

"દિલ્હી અને પંજાબમાં તેનો ફાયદો નહીં થાય. માત્ર આ બે રાજ્ય એવાં છે જ્યાં તેમનો થોડો ઘણો આધાર હતો. બીજે ક્યાંય તો તેમની હાજરી છે જ નહીં."

"હવે તેઓ યુપીમાં પ્રયાસ કરી રહ્યા છે પરંતુ મને નથી લાગતું કે તેનાથી કોઈ રાજકીય ફાયદો મળે."

આશુતોષ કહે છે, "કૉંગ્રેસ હોય કે બીજો કોઈ પણ વિરોધપક્ષ હોય, ભાજપ તેમને પાકિસ્તાન તરફી અથવા મુસ્લિમ તરફી પાર્ટી જાહેર કરી દે છે. આ રીતે ભાજપ હિંદુ મતદારોને પોતાની તરફ ખેંચી લે છે."

"આ તેમની બહુ સમજદારીપૂર્વકની અને સફળ રણનીતિ છે. અત્યારે અરવિંદ કેજરીવાલ હનુમાન ચાલીસાના પાઠ કરે અથવા મમતા બેનરજી ચંડીપાઠ કરે કે રાહુલ ગાંધી એક પછી એક મંદિરોની મુલાકાત લેતા હોય, તો તે ભાજપના મત કાપવા માટે હોય છે."

ઉદાહરણ તરીકે, તેઓ કહે છે કે કેજરીવાલે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી અગાઉ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો.

ચૂંટણી જીત્યા પછી તેઓ તરત હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. હવે આખો પક્ષ જય શ્રીરામ અને તિરંગાની વાત કરે છે ત્યારે ભાજપના આરોપ ભોંયભેગા થઈ જાય છે.

આશુતોષ કહે છે, "આ બધાથી કેટલા હિંદુ મતદારો તેની તરફ ખેંચાશે તે ચર્ચાનો વિષય છે. પરંતુ જે હિંદુ મતદારો તેમને મુસ્લિમ તરફી માની બેઠા હતા તેઓ કમસે કમ આપથી દૂર નહીં જાય. તેમણે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ફરક કરવાનો આવે તો કામ થોડું મુશ્કેલ હશે."

ભાજપના પ્રવક્તા ગુલરેઝ શેખ કહે છે કે અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રવાદ તરફ જવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે.

"અમે તો કહીએ છીએ કે રાહુલ ગાંધી પણ રાષ્ટ્રવાદી બને."

શેખ કહે છે, "એક વાત સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી જે સમાજવાદની હોડી પર સવાર છે તે હોડી તેને દિલ્હીની બહાર પહોંચાડી શકે તેમ નથી."

"દિલ્હીમાં પણ લોકસભામાં તેમની એક પણ બેઠક નથી. હવે તેઓ ભાજપની પિચ પર રમવાનો પ્રયાસ કરે છે, જે પિચ પર અમે 1952થી રમી રહ્યા છીએ."

"ભારતીય જનસંઘની સ્થાપનાના સમયથી અમે આ કરીએ છીએ. તેથી કોઈ વ્યક્તિએ રાષ્ટ્રવાદી પક્ષની પસંદગી કરવી હોય તો તે અસલી રાષ્ટ્રવાદી પક્ષને ચૂંટશે કે પછી સમાજવાદ છોડીને રાષ્ટ્રવાદની હોડી પર કૂદકો મારનાર પક્ષને પસંદ કરશે, તે વિચારવાની બાબત છે."

બીજી તરફ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય નારાયણ દાસ ગુપ્તા એ વાતને નકારી કાઢે છે કે તેમનો પક્ષ ધર્મ અને રાષ્ટ્રવાદનો ઉપયોગ ચૂંટણીના રાજકારણમાં કરી રહ્યો છે.

તેઓ કહે છે, "અગાઉ પણ તમામ ધર્મોના લોકોની તીર્થયાત્રા કરાવવામાં આવી હતી. આ એવા વૃદ્ધો માટે છે જેઓ યાત્રાનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી, અથવા જેમના પરિવારો તેમને યાત્રાએ મોકલી શકતા નથી. થોડાં વર્ષોમાં અયોધ્યામાં પણ એક યાત્રાધામ બનવાનું છે, તો ત્યાંની યાત્રા પણ કરાવવામાં આવશે."

તેઓ એમ પણ કહે છે કે માત્ર હિંદુઓને તીર્થયાત્રાએ મોકલવામાં આવે છે એવું નથી.

દેશભક્તિનો રાજકીય ઉપયોગ કરવાના આરોપ અંગે તેમણે કહ્યું કે દેશભક્તિનો અર્થ એવો થયો કે લોકોને કહેવામાં આવે કે ખોટું ન બોલો, જવાબદારીથી કામ કરો.

તેઓ કહે છે, "આપણી આગળની પેઢીને સંદેશ આપવો છે કે આ દેશની આઝાદીમાં સ્વતંત્રતાપ્રેમી લોકોએ કેટલું કામ કર્યું હતું."

દિલ્હી વિધાનસભામાં સતત બે વખત આમ આદમી પાર્ટીના પ્રદર્શનને ટાંકીને તેઓ પૂછે છે કે "કેજરીવાલ ક્યારેય કોઈની જાતિનો ઉલ્લેખ નથી કરતા. તેઓ કામની વાત કરે છે. દિલ્હીની સમસ્યાઓની વાત કરે છે."

તેઓ કહે છે, "આજે દિલ્હીની સરકારી હૉસ્પિટલોમાં મફતમાં સારવાર થાય છે. તેમાં કોઈ ચોક્કસ ધર્મના લોકોને સારવાર મળે છે એવું નથી. ત્યાં જતી કોઈ વ્યક્તિને તેનો ધર્મ કે જ્ઞાતિ પૂછવામાં આવતી નથી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો