You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં કોરોના વાઇરસ : વધુ જોખમ ધરાવતા યુવાનો કોવિડની રસી માગે છે
- લેેખક, વિકાસ પાંડે
- પદ, બીબીસી ન્યૂઝ, નવી દિલ્હી
37 વર્ષનાં શિખા ગોએલને જ્યારે ત્રણ મહિના અગાઉ બ્રેસ્ટ કૅન્સર હોવાનું નિદાન થયું ત્યારે તેમનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
દિલ્હીસ્થિત ફૅશન લેબલ 'ઇલ્ક'નાં સ્થાપક શિખાએ તેમના જીવનની દરેક ચીજમાં ફેરફાર કરવા પડ્યા હતા. તેમનું કામ, તેમના મિત્રો અને તેમની ભાવિ યોજનાઓ થોડા સમય માટે એક બાજુ ધકેલાઈ ગઈ હતી.
તેમના માટે પ્રારંભિક આંચકો સહન કરવો બહુ મુશ્કેલ હતો. છતાં તેમણે હાર ન માની અને પોતાના પરિવાર અને મિત્રોની મદદથી આ રોગનો સામનો કરવાનો નિર્ણય લીધો.
વધુને વધુ મહિલાઓ બ્રેસ્ટ કૅન્સરનું રૂટિન સ્ક્રિનિંગ કરાવે તે માટે મહિલાઓને પ્રોત્સાહિત કરવા તેમણે એક સોશિયલ મીડિયા અભિયાન શરૂ કર્યું. ત્યારબાદ તેમણે તાત્કાલિક એક સર્જરી કરાવવી પડી અને કિમોથૅરપીના અનેક રાઉન્ડમાંથી પસાર થવું પડ્યું.
તેમણે પ્રથમ મહિનામાં જ હૉસ્પિટલોની વારંવાર મુલાકાત લીધી. તેમના માટે "બધું બરાબર ચાલી રહ્યું હતું." પરંતુ તેવામાં દિલ્હી સહિત જુદાં જુદાં રાજ્યોમાં કોવિડ-19ના કેસ અચાનક વધવા લાગ્યા.
તેઓ ગભરાઈ ગયાં અને ઇન્ટરનેટ પરથી કોવિડ-19 અને કૅન્સર વિશે માહિતી શોધવા લાગ્યાં.
થોડા જ સમયમાં તેમને સમજાઈ ગયું કે કૅન્સરગ્રસ્ત હોવાના કારણે તેમને ચેપ લાગવાનું જોખમ વધારે છે. તેમને કોરોના વાઇરસનો ચેપ લાગે તો તેમના માટે ગંભીર પરિણામો આવી શકે છે.
"બેવડો ફટકો" લાગવાની શક્યતાએ જ તેમને ગભરાવી દીધાં. પરંતુ તેમણે હૉસ્પિટલની મુલાકાત વખતે અગમચેતીનાં પગલાં વધારી દીધાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે કોવિડને દૂર રાખવામાં રસીકરણ એ વધુ "સુરક્ષિત રસ્તો" છે. પરંતુ તેઓ આ માટે પાત્ર ન હોવાના કારણે તેમને રસી નથી મળી.
ઘણી યુવાન વયની બીમાર વ્યક્તિઓને છે રસીની જરૂર
આવી સ્થિતિમાં તેઓ એકલાં નથી. ભારતમાં હજારો યુવાનો હાઇ-રિસ્ક કૅટેગરીમાં આવે છે અને તેમને તાત્કાલિક વૅક્સિનેશનની જરૂર છે.
જોકે, ભારતમાં 45 વર્ષથી ઓછી વયના લોકોને જીવલેણ બીમારીનું નિદાન થયું હોય તો પણ તેમને રસી લેવાની છૂટ નથી. તેના કારણે તેમને કોવિડનો ચેપ લાગવાનું જોખમ વધી જાય છે.
શિખા માટે આ "હૃદયભગ્ન" કરનારી બાબત હતી. તેમણે રસી મુકાવવા માટે વિવિધ હૉસ્પિટલોનો સંપર્ક કર્યો, પરંતુ તેઓ તેમાં સફળ ન રહ્યાં.
તેઓ કહે છે કે "તેમને રસ્તો ન મળે ત્યાં સુધી તેઓ જુદી જુદી હૉસ્પિટલોનો સંપર્ક" ચાલુ રાખશે.
તેઓ કહે છે, "ખતરનાક કૅન્સરને પરાસ્ત કરવામાં હું સારો દેખાવ કરી રહી છું અને મારી સ્થિતિ સુધરી રહી છે. પરંતુ કોવિડના જોખમે મારી ઊંઘ ઉડાવી દીધી છે."
તેમણે હજુ કિમોથેરેપીના કેટલાક રાઉન્ડ કરાવવાના છે. આ સારવાર માટે હૉસ્પિટલમાં જ જવું પડે છે જ્યાં કોવિડનો ચેપ લાગવાનું જોખમ વધારે હોય છે.
તેમના જેવા કૅન્સરના તમામ દર્દીઓ પર ખાસ જોખમ રહેલું છે.
યુરોપિયન સોસાયટી ફૉર મેડિકલ ઓન્કોલૉજીએ વિશ્વભરની સરકારોને ભલામણ કરી છે કે કૅન્સરના દર્દીઓની ઉંમર જોયા વગર તેમને રસીકરણમાં પ્રાથમિકતા આપવી જોઈએ.
નેચરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં પણ ચોક્કસ પ્રકારના કૅન્સર ધરાવતા લોકોને રસીકરણમાં પ્રાથમિકતા આપવા દેશોને ભલામણ કરવામાં આવી છે.
યુકે જેવા દેશોમાં ચોક્કસ કૅન્સર ધરાવતા દર્દીઓને રસીકરણમાં પ્રાથમિકતા અપાઈ રહી છે.
યુએસ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શને તબીબી તકલીફો ધરાવતા 16થી 64 વર્ષના લોકોને રસીકરણની ભલામણ કરી છે. અમુક તબીબી મુશ્કેલીઓથી કોવિડ-19માં ગંભીર, જીવલેણ તકલીફો થવાનું જોખમ વધી જાય છે.
'કૅન્સરના યુવા દર્દીઓને રસી ન મળવી ચિંતાજનક'
કૅન્સરના સેંકડો દર્દીઓની સારવાર કરનાર ભારતીય ઓન્કોલૉજિસ્ટ ડૉ. ગણપથિ ભટ જણાવે છે કે સરકારે હજુ કૅન્સરના યુવાન દર્દીઓને રસીકરણની મંજૂરી નથી આપી તે ચિંતાજનક બાબત છે.
તેઓ કહે છે કે "કૅન્સરના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોય છે. તેમને કોવિડ-19નો ગંભીર ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે. તેમને રિકવર થવામાં વાર લાગે છે અને તેમનામાં મૃત્યુદર ઊંચો હોય છે."
તેઓ કહે છે, "તેથી તેમના આરોગ્યનું રક્ષણ કરવું એ ટોચની પ્રાથમિકતા હોવી જોઈએ, જેથી તેઓ કોઈ પણ વિક્ષેપ વગર પોતાની સારવાર ચાલુ રખાવી શકે."
કેટલાક લોકોએ દલીલ કરી છે કે કૅન્સરના તમામ દર્દીઓને કોવિડની રસીનું ઇન્જેક્શન આપવાની મંજૂરી આપવી શક્ય નથી.
ડૉ. ભટ કહે છે કે ગંભીર લ્યુકેમિયા ધરાવતા તથા સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી રહેલા દર્દીઓને કોવિડની રસી આપતા પહેલાં નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.
પરંતુ ડૉક્ટરોને હાલમાં આ અંગે નિર્ણય લેવાની છૂટ નથી. ડૉ. ભટ કહે છે કે ક્લિનિકલ મૂલ્યાંકન પછી યુવાન દર્દીને કોવિડની રસી આપવી કે નહીં તે નક્કી કરવાનો અધિકાર સારવાર કરનારા ઓન્કોલૉજિસ્ટને આપવો જોઈએ.
કૅન્સરના દર્દીઓને કોરોનાનો ચેપ લાગવાનું જોખમ વધુ
શિખા કહે છે કે તેમના ડૉક્ટરે તેમને "શક્ય એટલી વહેલી તકે રસી મુકાવવાની સલાહ આપી છે, કારણ કે તેઓ ખરેખર ચિંતિત છે."
તેઓ કહે છે, "રસી મેળવવાના પ્રયાસ થકવી નાખનારા હોય છે." કૅન્સરનું નિદાન થવાના કારણે "અકલ્પનીય મનોવૈજ્ઞાનિક દબાણ સર્જાય છે."
તેઓ ઉમેરે છે, "પરંતુ રસી ન મળવાના કારણે તે સ્ટ્રેસમાં હજાર ગણો વધારો થયો છે. અમને વધુ સારી સારસંભાળની જરૂર છે."
ભારત સરકારે મંગળવારે 45થી 59 વર્ષના લોકો માટે રસીકરણની શરૂઆત કરી હતી. પરંતુ 45 વર્ષથી ઓછી વયના હાઇ-રિસ્ક કૅટેગરીના લોકો વિશે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.
તેમણે કહ્યું કે રસીકરણ અભિયાનનો હાલનો તબક્કો પૂરો થશે ત્યારપછી વધુ રાહતની જાહેરાત કરવામાં આવશે.
ડૉક્ટરો એ બાબતે સહમત છે કે હૉસ્પિટલે જવાથી કોવિડનો ચેપ લાગે તે શક્યતા હવે વાસ્તવિકતા છે. તેથી કૅન્સરના દર્દીઓને વધારે જોખમ હોય છે.
ચેપી રોગોના નિષ્ણાત ડૉ. ઓમ શ્રીવાસ્તવ જણાવે છે કે જીવલેણ બીમારીથી પીડાતા ઘણા દર્દીઓએ કિમોથૅરપી જેવી પ્રોસિઝર માટે હૉસ્પિટલોની મુલાકાત લેવી પડે છે.
તેઓ કહે છે, "હૉસ્પિટલોમાં તેમને કોવિડનો ચેપ લાગવાનું હંમેશાં જોખમ રહે છે. તેમના માટે ઝડપથી રસીકરણ શરૂ કરવું જોઈએ."
પરંતુ તેઓ એમ પણ જણાવે છે કે સરકારે રસીકરણના પ્રથમ રાઉન્ડમાં કોમોર્બિડિટી ધરાવતા યુવાનોને શા માટે સામેલ ન કર્યા તેને તેઓ સમજી શકે છે.
"શરૂઆતમાં રસીનો પુરવઠો મર્યાદિત હતો. તેથી તેમણે ધીમે ધીમે આગળ વધવું પડ્યું."
અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાની રસીના 5.5 કરોડથી વધારે ડોઝ અપાઈ ગયા છે.
લગભગ ચાર કરોડ લોકોને પ્રથમ ડોઝ અપાઈ ગયો છે જ્યારે 80 લાખથી વધારે લોકો રસીકરણના બંને ડોઝ લઈ ચૂક્યા છે.
'45 વર્ષથી ઓછી ઉંમરના લોકો પર પણ ધ્યાન આપવાનો સમય પાકી ગયો છે'
ડૉ. શ્રીવાસ્તવ માને છે, "હવે 45 વર્ષથી ઓછી વયના લોકો પર ધ્યાન આપવાનો સમય પાકી ગયો છે."
ડૉ. ભટ આ વાત સાથે સહમત છે. તેમણે કહ્યું કે કૅન્સરના દર્દીઓ માટે એક અલગ નીતિ ઘડવી જોઈએ, જેમાં રસીના બે ડોઝ વચ્ચે યોગ્ય સમયગાળો નક્કી કરવા જેવા મહત્ત્વના મુદ્દા પર ધ્યાન આપવામાં આવે. ભારતમાં કોવિશિલ્ડ (એસ્ટ્રાઝેનેકા) અને સ્વદેશી રસી કોવૅક્સિનના ઉપયોગની મંજૂરી મળી છે.
કિંગ્સ કૉલેજ લંડન અને ફ્રાન્સિસ ક્રિક ઇન્સ્ટિટ્યૂટના તાજેતરના અહેવાલ પ્રમાણે (ફાઇઝર-બાયોએન્ટેક) રસીના પ્રથમ ડોઝ પછી ત્રીજા સપ્તાહમાં સોલિડ અને હેમેટોલૉજિકલ કૅન્સરગ્રસ્ત લોકો માટે એન્ટિબોડીનો પ્રતિભાવ અનુક્રમે માત્ર 39 ટકા અને 13 ટકા હતો. જ્યારે કૅન્સર વગરના દર્દીઓમાં આ પ્રતિભાવ 97 ટકા હતો.
પરંતુ અભ્યાસમાં જાણવા મળ્યું કે આ જ દર્દીઓને પ્રથમ ડોઝના ત્રણ મહિના પછી બીજો ડોઝ આપ્યા બાદ તેમનામાં રોગપ્રતિકારક શક્તિમાં ભારે વધારો થયો હતો.
સોલિડ કૅન્સરના દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિ વધી હતી અને 95 ટકા દર્દીઓએ માત્ર બે સપ્તાહમાં ડિટેક્ટ કરી શકાય તેવા એન્ટિબોડી વિકસાવ્યા હતા.
તેઓ જણાવે છે, "તેની સરખામણીમાં જેમણે ત્રણ સપ્તાહ પછી બૂસ્ટર રસી નહોતી મેળવી તેમનામાં કોઈ વાસ્તવિક સુધારો થયો ન હતો."
ભારતે તાજેતરમાં રસીના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 4-6 સપ્તાહથી વધારીને 4-8 સપ્તાહ કર્યો છે. પરંતુ હાલમાં કોઈ પણ વયજૂથના હાઇ-રિસ્ક લોકો માટે કોઈ અલગ નીતિ નથી.
કિડનીની સમસ્યાવાળા લોકો પણ વધુ જોખમમાં
ભારતમાં માત્ર કૅન્સરના યુવા દર્દીઓને ઝડપી રસીકરણની જરૂર છે એવું નથી. ભારતમાં કિડનીની ગંભીર બીમારી ધરાવતા હજારો દર્દીઓ છે જેમને ડાયાલિસીસ માટે વારંવાર હૉસ્પિટલે જવું પડે છે.
કેરળની અર્નાકુલમ મેડિકલ કૉલેજ ખાતે પલ્મોલૉજી ડિપાર્ટમેન્ટના વડા પ્રોફેસર એ. ફતાહુદ્દીન જણાવે છે કે, "જૂનમાં મહામારીની પ્રથમ વેવ આવી ત્યારે આવા દર્દીઓને હૉસ્પિટલમાંથી કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા કિસ્સા વધ્યા હતા."
તેઓ કહે છે, "આવા દર્દીઓ (45 વર્ષથી ઓછી વયના)ને તાત્કાલિક પ્રાથમિકતા આપવાની જરૂર છે. ઘરે ડાયાલિસીસ કરવાનું બહુ ઓછા લોકોને પોસાય છે. આપણે તેમને તેમના નસીબ પર છોડી દેવા ન જોઈએ. તેમને આપણી મદદની જરૂર છે."
"મારી દલીલ છે કે 30 વર્ષના કૅન્સરના દર્દી કે ક્રોનિક કિડનીની બીમારીના દર્દીને એટલું જ જોખમ છે જેટલું જોખમ 50 વર્ષના મૅનેજેબલ ડાયાબિટીસના દર્દીને હોય."
33 વર્ષના સરથ કે.બી. આવા એક દર્દી છે. તેમને દર અઠવાડિયે ડાયાલિસીસ કરાવવું પડે છે અને તેમને કોવિડનો ચેપ લાગવાની ચિંતા છે.
તેઓ કહે છે, "હું ઇચ્છું છું કે સરકાર વયજૂથના બંધન રાખ્યા વગર હાઇ-રિસ્ક દર્દીઓ માટે રસીકરણ શરૂ કરે." તેમની વાત સાથે શિખા સહમત છે.
તેઓ કહે છે, "આપણે એક સમયે માત્ર એક ચીજ પર ધ્યાન આપી શકીએ છીએ. અમને કોવિડ સામે લડવા માટે તક આપો."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.