નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં જેમનો ઉલ્લેખ કર્યો એ 'મતુઆ' સમુદાય અને 'બોરો મા' કોણ છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

આઠ તબક્કામાં યોજાઈ રહેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું એ સમયે બાંગ્લાદેશના પ્રવાસે ગયેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મતુઆ સમુદાય અને 'બોરો મા'ને યાદ કર્યાં.

બાંગ્લાદેશ આ વર્ષે પોતાની આઝાદીનો પચાસમો જન્મદિન મનાવી રહ્યું છે. 26 માર્ચ 1971ના રોજ પાકિસ્તાનમાંથી અલગ બાંગ્લાદેશનો જન્મ થયો હતો.

વર્ષ 2021 બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજિબઉર રહમાનનું પણ જન્મ શતાબ્દી વર્ષ છે. આ પ્રસંગે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે બાંગ્લાદેશની મુલાકાતે છે. કોરોના મહામારી પછી આ એમની પહેલી વિદેશયાત્રા છે અને તેને અનેક લોકો પશ્ચિમ બંગાળની ચૂંટણી સાથે પણ સાંકળે છે.

નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં શું કહ્યું?

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન આજે થઈ રહ્યું છે ત્યારે 27 માર્ચે આજે ઈશ્વરીપુરના જેશોરેશ્વરી કાલીમંદિરમાં મોદીએ પૂજા કરી. આ કાલીમંદિર 51 શક્તિપીઠો પૈકી એક ગણાય છે.

મોદીએ એમ પણ કહ્યું કે, મા કાલી દુનિયાને કોરોનાથી મુક્ત કરાવે એવી પ્રાર્થના છે.

આ ઉપરાંત ઓરોકાન્દીમાં મતુઆ સમુદાયને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે, 'ભારત તરફથી ઓરાકાન્દીમાં એક પ્રાથમિક શાળા ખોલવામાં આવશે.'

એમણે એ સાથે ભારત તરફથી ઓરાકાન્દીમાં આવેલી કન્યાઓની મિડલ સ્કૂલને અપગ્રેડ કરવાની વાત પણ કરી.

એમણે કહ્યું કે, "ભારત આજે 'સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ'ના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે અને બાંગ્લાદેશ એમાં શોહો જાત્રી (સહયાત્રી) છે."

એમણે કહ્યું, "મને યાદ છે કે પશ્ચિમ બંગાળના ઠાકુરનગરમાં જ્યારે હું ગયો હતો ત્યારે ત્યાં મારા મતુઆ ભાઈઓ-બહેનોએ મને પરિવારના સભ્યની જેમ પ્રેમ આપ્યો હતો. ખાસ કરીને 'બોરો માં'નું પોતીકાપણું, માની જેવો એમનો આશીર્વાદ મારા જીવનની અણમોલ પળ છે."

એમણે કહ્યું, "મતુઆ સંપ્રદાયના આપણા ભાઈ-બહેન શ્રી શ્રી હરિચંદ્ર ઠાકુરજીની જયંતીના પુણ્ય અવસરે દર વર્ષે 'બારોની સ્નાન ઉત્સવ' મનાવે છે. ભારતથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમાં સામેલ થવા ઓરાકાન્દી આવે છે. ભારતના મારા ભાઈ-બહેનોની તીર્થયાત્રા વધારે સરળ બને તે માટે ભારત સરકાર તરફથી પ્રયાસો વધારવામાં આવશે. ઠાકુરનગરમાં મતુઆ સંપ્રદાયના ગૌરવશાળી ઇતિહાસને પ્રતિબિંબિત કરે એવા ભવ્ય આયોજનો અને વિભિન્ન કાર્યો માટે ભારત સંકલ્પબદ્ધ છે."

મોદીની મુલાકાત અને મતુઆનું પશ્ચિમ બંગાળનું જોડાણ

વડા પ્રધાન મોદીની આ બે દિવસની મુલાકાતની જેટલી ચર્ચા બાંગ્લાદેશમાં થઈ એટલી જ પશ્ચિમ બંગાળમાં પણ થઈ છે અને એનું કારણ એ છે કે બે દિવસની મુલાકાતમાં નરેન્દ્ર મોદીએ મતુઆ મહાસંઘના સંસ્થાપક હરિચંદ્ર ઠાકુરના ઓરાકાન્દી મંદિરની મુલાકાત લીધી.

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પ્રથમ તબક્કાને સમાંતર આ મુલાકાતને લઈને અનેક સવાલો પણ કરવામાં આવ્યા. બીબીસી હિંદીના એક અહેવાલમાં સંવાદદાતા સરોજ સિંહને બંગાળના વરિષ્ઠ પત્રકાર અરુંધતી મુખરજીએ કહ્યું હતું કે, જો વડા પ્રધાને રાજકીય કારણસર આ મુલાકાતનો નિર્ણય નથી કર્યો તો 2015માં એમની બાંગ્લાદેશ મુલાકાતમાં એકે જગ્યા કેમ સામેલ નહોતી? ભારતનો આ સ્થળો સાથેનો સંબંધ તો પહેલાં પણ હતો.

સંવાદદાતા સરોજ સિંહ સાથે વાત કરતાં ટીએમસીનાં સાંસદ મહુઆ મોઇત્રાએ પણ કહ્યું કે બંગાળ ચૂંટણીને કારણે જ મોદીએ પોતાના કાર્યક્રમોમાં આ સ્થળોને સામેલ કર્યા છે. બાંગ્લાદેશના વિદેશમંત્રીને પણ આ સવાલનો જવાબ આપવો પડ્યો હતો.

કોણ છે મતુઆ અને બંગાળની ચૂંટણી સાથે એમનો શું સંબંધ?

વાત જાણે એમ છે કે પશ્ચિમ બંગાળમાં મતુઆ સમુદાયની વસતી ઘણી મોટી છે. આ રાજ્યની અનુસૂચિત જાતિનો પાંચમો હિસ્સો છે. વર્ષ 2011ની વસતીગણતરી મુજબ પશ્ચિમ બંગાળમાં 23.51 ટકા અનુસૂચિત જાતિની વસતી છે.

મતુઆ સમુદાય મૂળ રીતે પૂર્વ પાકિસ્તાન (હાલ બાંગ્લાદેશ)નો રહેનારો માનવામાં આવે છે.

સમાજમાં વ્યાપ્ત વર્ણ વ્યવસ્થાને સમાપ્ત કરવા માટે લોકોને એક કરવાનું કામ સૌપ્રથમ 1860ના દાયકામાં સમાજ સુધારક હરિચંદ્ર ઠાકુરે કર્યું હતું. બંગાળમાં મતુઆ સમુદાયના લોકો હરિચંદ્ર ઠાકુરને ભગવાનનો અવતાર માને છે.

એમનો જન્મ હાલના બાંગ્લાદેશના એક ગરબી અને અછૂત નમોશુદ્ર પરિવારમાં થયો હતો. એવું માનવામાં આવે છે કે આ પરિવારના અનેક લોકો વિભાજન બાદ ધાર્મિક શોષણથી તંગ આવી જઈને 1950ની શરૂઆતમાં બંગાળમાં આવી ગયા હતા.

પશ્ચિમ બંગાળમાં એમની વસતી બે કરોડથી પણ વધારે આંકવામાં આવે છે. નદિયા, ઉત્તર અને દક્ષિણ 24 પરગણાં જિલ્લામાં તેઓ કમ સે કમ સાત લોકસભા બેઠક પર નિર્ણાયક સમુદાય છે.

આ જ કારણ છે કે નરેન્દ્ર મોદીએ ગત લોકસભાની ચૂંટણી અગાઉ રેલી દરમિયાન આ સમુદાયનાં માતા ગણાતાં બીનાપાણિ દેવીની મુલાકાત લઈને એમનાં આશીર્વાદ લીધા હતા.

બીનાપાણિ દેવી હરિચંદ્ર ઠાકુરના પરિવારથી આવે છે અને એમને બંગાળમાં બોરો માં યાને કે મોટી મા કહીને સંબોધવાંમાં આવે છે.

27 માર્ચે જ્યારે બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું હતું ત્યારે નરેન્દ્ર મોદીએ ઓરાકાન્દીમાં હરિચંદ્ર ઠાકુરજી અને બોરો માને યાદ કર્યાં અને એ સાથે મતુઆ સમુદાયના તીર્થયાત્રીઓની વધારે કાળજી લેવાનો સંકલ્પ પણ જાહેર કરી દીધો.

મતુઆ કોના પક્ષમાં?

બીબીસી સંવાદદાતા સરોજ સિંહે બીબીસી હિંદી માટે લખેલો એક અહેવાલ જણાવે છે કે પહેલાં આ સમુદાય લેફ્ટને (ડાબેરીઓને) સમર્થન આપતો હતો પરંતુ બંગાળમાં લેફ્ટ નબળો પડતાં જ તે મમતા બેનરજીનાં સમર્થનમાં આવી ગયો.

પશ્ચિમ બંગાળની રાજનીતિના જાણકારો માને છે કે ડાબેરીઓની તાકાત વધારવામાં મતુઆ મહાસભાનું મોટું યોગદાન રહ્યું છે પરંતુ ડાબેરીઓના શાસનમાં એમને એ ન મળ્યું જે મમતા બેનરજીની તૃણમૂલ પાર્ટીના રાજમાં મળ્યું.

વરિષ્ઠ પત્રકાર અરુંધતી મુખરજીએ બીબીસી સંવાદદાતા સરોજ સિંહને કહ્યું હતું કે મતુઆના મતો ટીએમસી તરફ વળવા માટે ખુદ મમતા બેનરજી જ કારણ છે. એમણે પહેલી વાર આ સમુદાયને એક વોટ બૅન્ક તરીકે વિકસિત કર્યો અને મમતા બેનરજી જ 'બોરો મા'નાં પરિવારને રાજનીતિમાં લઈ આવ્યાં.

2014માં બીનાપાણિ દેવીનાં મોટાં પુત્ર કપિલ કૃષ્ણ ઠાકુર તૃણમૂલ કૉંગ્રેસની ટિકિટ પર બનગાંવ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને સંસદ પહોંચ્યાં. 2015માં કપિલ કૃષ્ણ ઠાકુરના નિધન બાદ એમના પત્ની મમતા બાલા ઠાકુરે આ બેઠક ટીએમસી તરફથી જીતી હતી.

આ પછી બંગાળમાં વિસ્તારની આશા રાખી રહેલા ભાજપની નજર પણ આ વોટબૅન્ક પર જ હતી.

જોકે, 'બોડો માં' યાને કે મતુઆ માતાનાં નિધન બાદ પરિવારમાં રાજકીય મતભેદો સપાટી પર આવી ગયા અને સમુદાય બે વિભાગોમાં વહેંચાઈ ગયો છે.

ભાજપે આનો ફાયદો ઉઠાવી એમના નાના પુત્ર મંજુલ કૃષ્ણ ઠાકુરને પાર્ટીમાં લીધા અને તેઓ 2019માં લોકસભાની ચૂંટણી જીતી સાંસદ બન્યા.

બંગાળમાં 40 જેટલી વિધાનસભા બેઠકો પર મતુઆ સમુદાયની મજબૂત પકડ છે. આ વિસ્તારમાં રહેનારા પરિવારોનાં કેટલાક સભ્યો બાંગ્લાદેશમાં પણ રહે છે.

આ વિસ્તારમાં ચૂંટણી ચોથા અને પાંચમા તબક્કામાં છે અને નરેન્દ્ર મોદી 26-27 માર્ચે મતુઆ સમુદાયની અને બોરો માની વાત પહેલા તબક્કામાં કરે છે એટલે એ રીતે સીધો સંબંધ તો ન કહી શકાય પણ રાજનીતિમાં દરેક વાતની ગણતરી થતી જ હોય છે.

મમતા બાલા ઠાકુરનો આરોપ છે કે તે નાગરિકતા કાનૂન થકી મતુઆ સમુદાયને સાધવાની કોશિશ કરે છે, આ કાયદો તો કેન્દ્ર સરકારમાં આવે છે વિધાનસભામાં તેનો ઉલ્લેખ કેમ?

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપે સોનાર બાંગ્લા નામે સંકલ્પ પત્ર રજૂ કર્યો છે જેમાં નાગરિકતા સંશોધન કાયદાનો કડક અમલ કરવાની વાત કરવામાં આવી છે.

જોકે, બનગાંવથી ભાજપ સાંસદ શાંતનુ ઠાકુર વડા પ્રધાન મોદીની બાંગ્લાદેશ યાત્રા અને પશ્ચિમ બંગાળની ચૂંટણીનો સંબંધ નકારે છે અને કહે છે રાજનીતિ જોનારને દરેક જગ્યાએ રાજનીતિ જ દેખાય છે પરંતુ અમે એમાં કંઈ ન કરી શકીએ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો