વિશ્વવેપાર માટે અગત્યની સુએઝ નહેર બંધ રહેવાથી તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે?

વિશ્વ વ્યાપારની કરોડરજ્જુ સમાન પ્રખ્યાત સુએઝ નહેર દુનિયાના મુખ્ય જળમાર્ગ ક્રૉસિંગમાંથી એક છે.

વિશ્વ વેપાર માટે સુએઝ નહેર દુનિયાનો અગત્યનો સમુદ્રીમાર્ગ છે. વિશ્વ વેપારના લગભગ 12 ટકા માલસામાનની હેરફેર આ કૅનાલમાંથી થાય છે.

ચીનથી નૅધરલૅન્ડ જઈ રહેલું માલવાહક જહાજ મંગળવારે નહેરમાં આડું થઈ ગયું અને બીજા જહાજો પસાર ના થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ. હજી સુધી તેને સીધું કરીને નહેરમાં આવનજાવન શરૂ નથી થઈ તેના કારણે દુનિયાના વેપાર પર ગંભીર અસર પડશે તેવી ચિંતા વ્યક્ત થવા લાગી છે.

ડૅન્માર્કની કન્સલ્ટન્સી ફર્મ સી-ઇન્ટેલિજન્સના વાઇસ પ્રેસિડન્ટ નીલ્સ મેડસેનનું કહેવું છે કે આ જહાજ વધારે 48 કલાક ફસાયેલું રહેશે તો સ્થિતિ વધારે ખરાબ થશે.

સમાચાર સંસ્થા રૉઇટર્સ સાથેની વાતચીતમાં મેડસેને કહ્યું કે ત્રણથી પાંચ દિવસ સુધી માલસામાનની હેરફેર અટકી પડે તો તેનાથી વિશ્વ વેપાર પર અસર થઈ શકે છે. માલસામાન મોડો પહોંચે તો મોંઘવારી વધી શકે છે.

સુએઝ નહેરનું મહત્ત્વ

1) પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચે જોડનારી મહત્ત્વની કડી છે

સુએઝ નહેર ઇઝરાયલમાં આવી છે અને 193 કિમી લાંબી છે. તે ભૂમધ્ય સાગરને રાતા સમુદ્ર સાથે જોડે છે. એશિયા અને યુરોપ વચ્ચેનો આ સૌથી ટૂંકો સમુદ્રી માર્ગ છે. ત્રણ વિશાળ કુદરતી સરોવરો વચ્ચે થઈને આ નહેર પસાર થાય છે.

1869થી ખુલેલી આ નહેર એટલા માટે પણ મહત્ત્વની છે કે તેનાથી પૂર્વ અને પશ્ચિમની દુનિયા વચ્ચેનો દરિયાઈ માર્ગ ઘણો ટૂંકો થઈ જાય છે. અગાઉ સમગ્ર આફ્રિકાનું ચક્કર મારીને કેપ ઑફ ગૂડ્સ હોપ થઈને જહાજો યુરોપથી એશિયા પહોંચતા હતા. સ્વેઝ બની તે પછી હવે યુરોપ અને એશિયા વચ્ચે જહાજો અહીંથી જ પસાર થાય છે.

વિશ્વ સમુદ્રી પરિવહન પરિષદના જણાવ્યા અનુસાર આ નહેર બની તે પછી યુરોપ અને એશિયા વચ્ચેનું સમુદ્રી અંતર 9,000 કિમી ઓછું થઈ ગયું. એટલે કે 43 ટકા અંતર ઓછું થયું.

2) રોજ 9.5 અબજના માલસામાનની હેરફેર

કન્સલ્ટન્સી ફર્મ લૉઇડ્સ લિસ્ટના જણાવ્યા અનુસાર બુધવારે 40 માલવાહક જહાજો અને 24 ટેન્કરો નહેરમાં અટકી પડ્યા હતા.

જહાજો પર અનાજ, સીમેન્ટ, વિવિધ ગૂડ્સ લાદેલા છે, જ્યારે ટેન્કરો પેટ્રોલિયમ પદાર્થોથી ભરેલા છે.

સમાચાર સંસ્થા બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર પશુચારો ભરેલા આઠ જહાજ અને પાણી ભરેલા ટેન્કરો પણ ફસાયેલા છે.

સુએઝ નહેરનું ભૌગોલિક સ્થાન અને મહત્ત્વને કારણે તેને 'ચોક પૉઇન્ટ' ગણવામાં આવે છે, કેમ કે ત્યાં આવનજાવન અટકે તો પુરવઠો અટકી પડે. અમેરિકાની એનર્જી એજન્સી સ્વેઝ નહેરને વિશ્વની ઊર્જા તથા બીજી જરૂરિયાતો માટે આવશ્યક માને છે.

એક અંદાજ અનુસાર સુએઝ નહેરમાંથી દર વર્ષે અંદાજે 19 હજાર જહાજો પસાર થાય છે, જેના પર 120 કરોડ ટન માલ લાદેલો હોય છે. લૉઇડ્સ લિસ્ટના અનુમાન અનુસાર નહેરમાંથી રોજ 9.5 અબજ ડૉલરના મૂલ્યના માલસામાનની હેરફેર થાય છે. તેમાંથી પાંચ અબજ ડૉલરનો માલસામાન પશ્ચિમ તરફ જતો હોય છે, જ્યારે 4.5 અબજ ડૉલરનો માલસામાન પૂર્વ તરફ.

3. સપ્લાઈ ચેઇન માટે અગત્યની કડી

જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝમાં સમયસર પુરવઠો પહોંચે તે માટે આ નહરે સૌથી અગત્યની કડી છે. એટલે ત્યાં અવરજવર અટકે તો સપ્લાઈ ચેઇન ખોરવાઈ જાય છે.

સી ઈન્ટેલિજન્સના વિશ્લેષક લાર્સ જેન્સેન કહે છે કે એક સમસ્યા બંદરો પર જહાજોનો ભરાવાનો થવાની પણ થશે. તેઓ કહે છે, "એવું માની લઈએ કે બધા જહાજો ભરેલા છે તો 55 હજાર TEU (કન્ટેનરની ક્ષમતાનું એક માપ)ના હિસાબે બે દિવસમાં 110 હજાર TEU માલ એશિયાથી યુરોપ પહોંચવાનો હતો તે અટકી પડ્યો. બીજું કે અવરજવર શરૂ થશે તે પછી આ બધા જહાજો એક સાથે યુરોપના બંદરો પર પહોંચશે અને ત્યાં પણ લૉડ પીક પર પહોંચી જશે."

જેન્સેનના અનુમાન અનુસાર આવતા અઠવાડિયે યુરોપના બંદરો પર ભારે માલનો ભરાવો થશે. તેના કારણે દુકાનો સુધી માલ પહોંચવાની બાબતમાં પણ અસર થશે. ભાવો પણ વધી શકે છે.

4. ભાવો વધવાની શક્યતા

અમેરિકાની નૉર્થ કેરોલાઇની કેમ્પબેલ યુનિવર્સિટીના સમુદ્રી બાબતોના જાણકાર સાલ્વાટોર મર્કોગ્લિયાનોનું માનવું છે કે આ સમસ્યાને કારણે વિશ્વ વેપાર પર ગંભીર અસરો પડશે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, "નહેર બંધ થઈ જવાથી યુરોપ સુધી અનાજ, ઈંધણ અને તૈયાર વસ્તુઓ પહોંચશે નહીં. તેના કારણે ફાર ઇસ્ટ સુધી યુરોપનો માલસામાન પણ જલદી નહીં પહોંચે."

બીબીસીના આર્થિક બાબતનો સંવાદદાત થિયો લેગટ્ટ કહે છે, "સુએઝ નહેર પેટ્રોલિયમ અને એલપીજીની હેરફેર માટે અગત્યનો માર્ગ છે, કેમ કે આ માર્ગે જ મધ્ય પૂર્વથી તે યુરોપ સુધી પહોંચે છે."

લૉઇડ્સ લિસ્ટના જણાવ્યા અનુસાર ગયા વર્ષે નહેરમાં 5,163 ટેન્કર પસાર થયા હતા અને તે રીતે લગભગ 20 લાખ બેરલ ઑઈલની હેરફેર થઈ હતી.

અમેરિકાની EIEના જણાવ્યા અનુસાર સ્વેઝ નહેર અને સુમેડ (ભૂમધ્ય સાગરથી સ્વેઝની ખાડી સુધીની) પાઇપલાઇનના માધ્યમથી ખનીજ તેલના 9 ટકા અને કુદરતી ગેસના 8 ટકાની હેરફેર થાય છે.

નહેરમાં જહાજોનું આવનજાવન અટક્યું કે તેની અસર હેઠળ બુધવારે જ ખનીજ તેલના ભાવમાં 6 ટકાનો વધારો થઈ ગયો હતો. જોકે ગુરુવારે ભાવ થોડા ઘટ્યા હતા.

આઈએનજી બેન્કનું માનવું છે કે લાંબો સમય સુધી આવનજાવન અટકેલી રહેશે તો ખનીજ તેલ મેળવવા માટે ઘણાએ બીજા સ્રોતો પર નજર દોડાવવી પડશે.

કન્ટેનરોના સંચાલકોએ વિચારવું પડશે કે નહેર ખુલે તેની રાહ જોવી કે પછી કેપ ઑફ ગુડ હોપનું લાંબુ ચક્કર લગાવીને ગંતવ્ય સ્થાને પહોંચવું. જોકે બેમાંથી જે પણ વિકલ્પ અપનાવાઈ, પુરવઠો પહોંચાડવામાં મોડું થવાનું જ છે.

જાણકારો કહે છે કે આ સમસ્યાની શું અસર થશે તેની જાણકારી માટે થોડી રાહ જોવી પડશે.

અન્ય માલસામાન પર અસર

લંડનની ક્લાઇડ ઍન્ડ કંપનીના વકીલ ઇયાન વૂડ્સે એનબીસીને જણાવ્યું કે, "જહાજો પર લાખો ડૉલરની મૂલ્યનો સામાન છે. નહેર જલદી ના ખુલે અને બીજા માર્ગે જહાજોએ જવું પડે તો પણ સમય અને ખર્ચ વધવાનો છે. તેનો બોજ આખરે ગ્રાહકો પર આવશે."

બીબીસીના એક નિષ્ણાત લેગેટ કહે છે કે આ એક દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે.

તેઓ કહે છે, "આ ઘટનાથી ખ્યાલ આવે છે કે એવરગ્રીન જેવા વિશાળકાય જહાજોને સાંકડી નહેરમાંથી પસાર કરવામાં કેટલું જોખમ રહેલું હોય છે."

જોકે નહેરના કેટલાક ભાગને 2015માં આધુનિકીકરણના ભાગરૂપે પહોળો કરવામાં આવ્યો છે. આમ છતાં તેમાં મોટા જહાજો ચલાવવા મુશ્કેલ હોય છે. ભવિષ્યમાં આવી મુશ્કેલીઓ આવતી રહેશે તેને પણ નકારી શકાય નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો