ગુજરાતના ડૉક્ટરો ગામડાઓની સરકારી નોકરી કેમ ફગાવી દે છે?

    • લેેખક, જીગર ભટ્ટ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કોરોના ગુજરાતમાં ફરીથી વકરી રહ્યો છે અને નાગરિકો આરોગ્ય સેવાઓ તરફ મીટ માંડીને બેઠા છે ત્યારે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ચોંકાવનારી વિગતો મૂકી હતી.

કૉંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નોના જવાબમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું હતું, “સરકારી મેડિકલ કૉલેજમાં પ્રવેશ સમયે બૉન્ડને ધ્યાનમાં રાખીને 2269 ડૉક્ટરોની નિમણૂક રાજ્યની વિવિધ સરકારી હૉસ્પિટલોમાં કરવામાં આવી હતી."

"જોકે આમાંથી 373 ડૉક્ટર નોકરી પર હાજર રહ્યા હતા, જ્યારે બાકીના ડૉક્ટરોએ બૉન્ડની ટર્મને તોડી નાખી હતી.”

નીતિન પટેલે વિધાનસભામાં કહ્યું, “244 ડૉક્ટરો જે વાયદો કર્યો હતો તે પૂર્ણ ન કરતા તેમની પાસેથી 12.8 કરોડ રૂપિયાની રકમ વસૂલવામાં આવી છે, જ્યારે હાલ સુધીમાં 83.6 કરોડની રકમ વસૂલવાની બાકી છે. ઉપરાંત જે લોકોએ બૉન્ડની રકમ આપવાની બાકી છે, તેમને નોટિસ પણ મોકલવામાં આવી છે.”

ગામડાંની સરકારી હૉસ્પિટલમાં સેવા અને બૉન્ડનો મામલો શું છે?

ગુજરાત સરકાર દ્વારા 1972માં એક ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઠરાવ અનુસાર રાજ્યની સરકારી મેડિકલ કૉલેજમાં એમ.બી.બી.એસ.માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી અને કૉલેજના ડીન વચ્ચે બૉન્ડ યાને કે કાયદેસરનો કરાર કરવામાં આવે છે.

જે પ્રમાણે વિદ્યાર્થીએ એમ.બી.બી.એસ. પાસ કર્યા પછી ડૉક્ટર બનીને બે વર્ષ સુધી સરકાર જ્યાં તેમની નિમણૂક કરે ત્યાં સેવા આપવાની હોય છે અને વિદ્યાર્થી આ બૉન્ડની શરતને તોડે તો તેને પાંચ હજાર રૂપિયા દંડ પેટે ભરવા પડે.

ગામડાંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઑફિસર (ક્લાસ -2) તરીકે તેમની નિમણૂક કરવામાં આવતી હોય છે. સમયાંતરે આ બૉન્ડની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

છેલ્લે વર્ષ 2019માં કરવામાં આવેલા ઠરાવ અનુસાર ગામમાં સેવા આપવાની સમયમર્યાદા ઘટાડીને 1 વર્ષ એટલે કે 365 દિવસ કરી દેવામાં આવી છે. અને બૉન્ડ તૂટે તો 20 લાખ રૂપિયા ભરવાની જોગવાઈ કરવામાં આવી છે. જો વિદ્યાર્થી પોસ્ટ ગ્રૅજ્યુએશનમાં પ્રવેશ મેળવે તો તેને એક્સ્ટેન્ડ કરવામાં આવે છે.

જો વિદ્યાર્થી પીજીના અભ્યાસ બાદ બૉન્ડ તોડે તો તેને 40 લાખ રૂપિયા ભરવાના હોય છે.

બૉન્ડનો મુદ્દો વારંવાર કેમ ઉઠે છે?

આ પહેલી વાર નથી કે રાજ્યમાં બૉન્ડેડ ડૉક્ટરોનો મુદ્દો ઊઠ્યો હોય.

2020ના નવેમ્બર માસમાં જ્યારે ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં ઉછાળો નોંધાયો હતો. ત્યારે રાજ્ય સરકારે આ બૉન્ડેડ ડૉક્ટરોને તાત્કાલિક ધોરણે હાજર રહેવા માટે હુકમ કર્યો હતો.

ધ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર તે સમયે ગુજરાત સરકારના હુકમની વિરુદ્ધમાં રાજ્યના 307 બૉન્ડેડ ડૉક્ટર ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા.

જોકે ગુજરાત હાઈકોર્ટે નારાજ થઈને બૉન્ડેડ ડૉક્ટરોની પિટિશનને કાઢી નાખી હતી.

તે સમયે ડૉક્ટરોએ કોર્ટમાં દાદ માગી હતી કે તેમની ‘નીટપીજી’ની પરીક્ષા માર્ચ મહિનામાં આવતી હોવાથી તેમને રાહત આપવામાં આવે.

જોકે ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું, “આ સંકટના સમયે, જ્યારે મહામારી સામેની લડાઈ ચાલુ છે ત્યારે સરકારે તેમને સેવા માટે ફરજ ન પાડવી એમ કહીને ડૉક્ટરોએ નારાજ કર્યા છે.”

આ થઈ બૉન્ડની વાત પરંતુ ગુજરાતની સરકારી હૉસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરવા માટે ખૂબ ઓછા પ્રમાણમાં ડૉક્ટર તૈયાર થાય છે.

રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ રાજ્યના આરોગ્યમંત્રી પણ છે.

અહેવાલ અનુસાર ગુજરાત વિધાનસભામાં જ્યારે રાજ્યની સરકારી હૉસ્પિટલમાં બાળરોગોના ડૉક્ટરોની સંખ્યા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે નીતિન પટેલે કહ્યું હતું, "સરકારી હૉસ્પિટલમાં ખૂબ જ ઓછા ડૉક્ટરોની નિમણૂક થઈ છે."

"કારણકે ગુજરાત ખૂબ જ પ્રગતિશીલ રાજ્ય છે અને તમામ ડૉક્ટરોને ખાનગી પ્રૅક્ટિસ કરવાનો અધિકાર છે. જેથી એમબીબીએસ અથવા પોસ્ટ ગ્રૅજ્યુએશનની ડિગ્રી મેળવીને તેઓ પોતાના બૉન્ડનો સમયગાળો પૂર્ણ કરીને ખાનગી પ્રૅક્ટિસમાં જતા રહે છે."

‘1.5 લાખ રૂપિયા આપવા છતાં ડૉક્ટરો જોડાવા તૈયાર નથી’

નીતિન પટેલ ગુજરાત વિધાનસભામાં 2015માં બાળરોગોના ડૉક્ટરોની જે ભરતી કરવામાં આવી તેનું ઉદ્દાહરણ ટાંકતા કહ્યું હતું, “જીપીએસસી દ્વારા 141 પીડિયાટ્રિશિયનની ભરતી કરવામાં આવી હતી. માત્ર છ લોકો જ આ ભરતી માટે લાયક હતા.”

“ડૉક્ટરો સરકારની કોઈ પણ ફેકલ્ટીમાં જોડાવા માગતા નથી. તમામ લોકો ખાનગી હૉસ્પિટલ અને નર્સિગ હોમમાં પ્રેક્ટિસ કરે છે. માત્ર બાળરોગ નહીં. અમને એ સિવાયના રોગોમાં પણ પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટર મળતા નથી.”

અહેવાલ અનુસાર કોરોના વાઇરસની મહામારીથી શરૂ કરીને જાન્યુઆરી મહિના સુધીમાં ગુજરાત સરકારની મેડિકલ કૉલેજમાં શિક્ષકોની 11 મહિનાના કૉન્ટ્રૅક્ટથી ભરતી કરવા માટે ત્રણ વખત જાહેરાત આપવામાં આવી છે.

પહેલી વખતમાં 215 પોસ્ટની ભરતી સામે 95 ડૉક્ટરો જોડાયા હતા. બીજી વખતમાં તો 40 ડૉક્ટરો જ જોડાયા. ત્રીજી વખતમાં 175 પોસ્ટ માટે ભરતી બહાર પડાઈ છે.

કોરોનાની મહામારી દરમિયાન ડૉક્ટરો હતા નહીં. ત્યારે ડૉક્ટરોની નિમણૂક અંગે નીતિન પટેલે કહ્યું, "જ્યારે કોરોના વાઇરસની મહામારી ફેલાઈ ત્યારે 85 હજાર રૂપિયાના પગારે ડૉક્ટરને હાયર કર્યા હતા. તેમને ખાનગી પ્રેક્ટિસ પણ ચાલુ રાખવા દીધી હતી.”

“જો તે ખાનગી પ્રેક્ટિસ છોડીને આપણા માટે કામ કરવા માગે છે તેમને 1.5 લાખ રૂપિયા આપવા તૈયાર હતા. પરંતુ કોઈ ડૉક્ટર આવવા તૈયાર નથી."

માર્ચ 31, 2018 સુધીના જે આંકડા લોકસભામાં આપવામાં આવ્યા હતા તે મુજબ ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં આવેલાં પ્રાથમિક આરોગ્યકેન્દ્રમાં ડૉક્ટરોની 29 ટકા જેટલી જગ્યા ખાલી હતી ત્યારે ફિઝિશિયન, બાળકોનાં ડૉક્ટર, ગાયનોકૉલૉજિસ્ટ તથા સર્જન જેવા સ્પેશિયાલિસ્ટ્સની 90 ટકા જગ્યા ખાલી પડી હતી.

2018 સુધી જિલ્લા હૉસ્પિટલોમાં 518 જેટલી ભરતીઓને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ તેમાંથી 200 જેટલી જગ્યા ખાલી પડી હતી. 19 જુલાઈ 2019ના રોજ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણના યુનિયન મિનિસ્ટર અશ્વિનીકુમાર ચૌબેએ આ વિગતો લોકસભામાં રજૂ કરી હતી.

આમ ગુજરાતની સરકારી હૉસ્પિટલો અને કૉલેજોમાં છેલ્લાં કેટલાંય સમયથી ડૉક્ટરો અને પ્રોફેસરોની ઘટ જોવા મળી રહી છે. કોરોનાની મહામારી બાદ રાજ્યમાં જીપીએસસી દ્વારા ત્વરિત ભરતીઓ બહાર પાડવામાં આવી હતી.

કેમ ડૉક્ટર સરકારી હૉસ્પિટલમાં કામ કરવા તૈયાર નથી?

ડૉક્ટરો સરકારી હૉસ્પિટલમાં કામ કરવા તૈયાર નથી તેની પાછળ અનેક કારણો જવાબદાર માનવામાં આવે છે.

અમદાવાદ મેડિકલ અસોસિયેશનના પ્રમુખ કિરીટ ગઢવી કહે છે, “જે બોન્ડ આધારિત ડૉક્ટર જવા તૈયાર નથી તેનું એક કારણ તે પી.જી.ની એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરતા હોય છે.”

આ ઉપરાંત તેઓ કહે છે, “એક વર્ષ પછી ડૉક્ટરનું શું? માનો કે તે બૉન્ડના કારણે ત્યાં ગયા પરંતુ પછી શું? ડૉક્ટરોને ભય છે કે તેમનાં ભવિષ્યનું શું થશે?”

ઉપરાંત તેઓ કહે છે કે, ”ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડૉક્ટરની કાયમી ભરતી માટે જ્યારે પરીક્ષા લેવાય છે ત્યારે એવું બને કે જેને ગામડામાં કામ કરવું છે તે પરીક્ષામાં પાસ ન થાય અને જે પાસ કરે તેને નોકરી ન કરવી હોય. આ સ્થિતિમાં યોગ્ય ઉમેદવાર મળતા નથી.”

કૉંગ્રેસના ડૉક્ટર સેલના પ્રમુખ ડૉ. હેમાંગ વસાવડા કહે છે કે ગુજરાતનું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરાબ છે જેના કારણે કોઈ ડૉક્ટર ગામડાંમાં જવા તૈયાર થતો નથી.

તેઓ કહે છે, “પ્રાથમિક સારવાર કેન્દ્ર પર તમે ડૉક્ટર તરીકેની નિમણૂક કરો પરંતુ તેના હાથ નીચે કોઈ સ્ટાફ જ ન હોય, નર્સ ન હોય, વોર્ડ બોય ન હોય, આ સ્થિતિમાં કેવી રીતે ડૉક્ટર કામ કરે?”

ડૉ. કિરીટ ગઢવી પણ આ વાત સાથે સહમત થાય છે.

વહીવટી અધિકારી અને ડૉક્ટરો વચ્ચે ખટપટ?

અમદાવાદમાં ખાનગી પ્રેક્ટિસ કરતા સિનિયર સર્જન ડૉ. રાજેશ શાહ કહે છે, “જે સરકારી માળખું છે તેમાં ડૉક્ટરોને વહીવટી અધિકારીઓ અને રાજકીય નેતાઓની નીચે કામ કરવાનું આવે છે. જ્યારે ડૉક્ટરો ખૂબ જ ભણીને આવતા હોય છે. જેના કારણે તેમની વચ્ચે ખટરાગ ચાલે છે. તેઓ સરકાર સાથે જોડાવાનું યોગ્ય સમજતા નથી.”

અમદાવાદ મેડિકલ અસોસિયેશનના પ્રમુખ ડૉ. કિરીટ ગઢવી ડૉ. રાજેશ શાહ જેવી જ વાત કરતા કહે છે કે, ”બી.એ. બી.કોમ થઈને સરકારી પરીક્ષા પાસ કરીને આવેલા અધિકારીઓ ખૂબ સારા માર્કે પાસ થયેલા ડૉક્ટરના ઉપરી તરીકે આવે છે જેના કારણે તેમની વચ્ચેના અહંનું ઘર્ષણ તો અવશ્ય થાય છે.”

”ઉપરાંત અધિકારીઓ ડૉક્ટર પાસેથી કેટલાં દરદી આવ્યાં, ક્યાં રોગોનાં કેટલાં કેસ છે. આવા પ્રકારના આંકડા માગતાં રહે છે જેના કારણે પણ ડૉક્ટર કંટાળે છે. ડૉક્ટરનું કામ સારવારનું છે આ કરવાનું નથી.”

એક ડૉક્ટરે નામ ન આપવાની શરતે પોતાની સેવાની ટર્મનો અનુભવ જણાવ્યો, “હું જ્યારે ગ્રામીણ સેવામાં હતો ત્યારે મને ગમે તે કાર્યક્રમમાં મોકલવામાં આવતો. આજે મુખ્ય મંત્રી આવવાના છે ત્યાં જાવ, બીજી કોઈ જગ્યાએ આ કાર્યક્રમ છે એમાં જાવ. આમ ડૉક્ટરની પ્રેક્ટિસ તો દૂર પણ બીજા અનેક કામ કરવાના હોય છે”

ડૉ. કિરીટ ગઢવી ડૉક્ટરની જવાબદારી પર વિસ્તારથી વાત કરતા કહે છે કે, ”ડૉક્ટરો 24 કલાક ગામડાંઓમાં રહેતાં હોય છે. જ્યારે તલાટી કે બીજા સરકારી અમલદારો પોતાની નોકરી પૂર્ણ કરીને મોટા સેન્ટરોમાં પરત આવી શકે છે પરંતુ ડૉક્ટર આવી શકતા નથી. ડૉક્ટરોને તો 24 કલાક ગામમાં જ રહેવું પડે માટે તેમના માટે આ નોકરી અઘરી બને છે.”

તેઓ કહે છે, “ડૉક્ટરો પોતાનાં બાળકોનું પણ વિચારે. તેઓ આખી જિંદગી ગામમાં કેવી રીતે રહેશે, તેમને સારું જીવન જીવવા માટે મોટાં શહેરો તરફ જવું જ પડવાનું છે.”

ડૉ. રાજેશ શાહ કહે છે કે, ડૉક્ટર સરકારી નોકરી કરતા નથી તેનું એક મુખ્ય કારણ રૂપિયા પણ છે. જો ડૉક્ટર સરકારી નોકરી કરશે તો તેને દર મહિને ફિક્સ પગાર મળશે. જ્યારે ખાનગી પ્રેક્ટિસમાં તો તે ઇચ્છશે તેટલાં રૂપિયા કમાઈ શકશે. ઉપરાંત ખાનગી હૉસ્પિટલો પણ સરકારી હૉસ્પિટલ કરતાં અનેક ઘણાં વધારે પગાર આપી રહી છે.

તેઓ કહે છે, “સરકાર સિનિયર ડૉક્ટરને પણ લાખ દોઢ પગાર આપશે જ્યારે સિનિયર ડૉક્ટર બહુ ઓછા દિવસોમાં આટલા રૂપિયા કમાઈ લે છે.”

જોકે ડૉ. કિરિટી ગઢવી રાજેશ શાહની વાત સાથે સહમત થતા નથી તેઓ કહે છે કે સરકારી હૉસ્પિટલમાં પણ વિવિધ કમિશન આવ્યા પછી પગાર સુધરી ગયા છે.

ગુજરાતમાં સરકારી હૉસ્પિટલમાં નોકરી કરતા ડૉક્ટર પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકતા નથી. આ અંગે વાત કરતા ડૉ. પ્રવીણ ગર્ગ કહે છે કે સરકારી હૉસ્પિટલમાં કામ કરતા ડૉક્ટર પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા નથી માટે તેમને કોઈ મોટો આર્થિક લાભ થતો નથી. ઉપરાંત સરકારી ડૉક્ટર હોવાના કારણે સરકાર તેમને ક્યાંય પણ મોકલી શકે છે. જેથી ડૉક્ટર સરકારી હૉસ્પિટલમાં નોકરી કરવાનું ટાળે છે.

ડૉ. કિરીટ ગઢવી કહે છે, “સરકાર તરફથી ડૉક્ટરોને અવગણવામાં આવે છે. સરકારને આરોગ્યમાંથી પૈસા મળતાં નથી. તેમને માત્રને માત્ર પૈસા નાખવાના હોય છે અને ડૉક્ટરોએ સરકારની ડિમાન્ડ પૂર્ણ કરવાની હોય છે.”

સિસ્ટમમાં પરિવર્તન કેવી રીતે થાય?

કૉંગ્રેસના ડૉક્ટર સેલના પ્રમુખ ડૉ. હેમાંગ વસાવડા કહે છે, “સરકારે આખી સિસ્ટમ બદલવાની જરૂરિયાત છે. સરકારે નીચેના લેવલથી ડૉક્ટરોને ઉપરના લેવલ સુધી લઈ જવાની જરૂરિયાત છે."

"પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી પ્રમોશન આપીને જિલ્લાની મેડિકલ કૉલેજ, ત્યાં પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડીન, જિલ્લાના આરોગ્ય અધિકારી આમ પ્રમોશન આપે તો ડૉક્ટરોને કામ કરવું પણ ગમશે.”

ડૉ. રાજેશ શાહ પણ કહે છે, “એક સરકારી કૉલેજમાં ટ્યુટર તરીકે જોડાયેલો ડૉક્ટર વર્ષો વર્ષ સુધી માંડ બે ત્રણ પ્રમોશન લઈ શકતો નથી."

"પ્રમોશનની પ્રક્રિયા યોગ્ય બનાવવી જોઈએ ઉપરાંત તેમને સરકારી કામમાંથી રાહત આપવી જોઈએ. સરકારી કાર્યક્મમાંથી ડૉક્ટરોને બાકાત કરી સારવારના કામ પર ભાર આપવો જોઈ”

અમદાવાદ મેડિકલ અસૉસિયેશનના પ્રમુખ ડૉ. કિરીટ ગઢવી કહે છે, “ડૉક્ટરોએ જે 24 કલાક કામ કરવું પડે છે. તેમાં સુધારો કરવો જોઈએ આ કામ ઘટાડવું જોઈએ. તેમને આ વહીવટી બાબતોમાંથી મુક્ત કરવા જોઈએ."

"તેમને યોગ્ય સ્ટાફ ઉપરાંત જે વસ્તુની જરૂર છે તે આપી યોગ્ય પગલાં ભરવા જોઈએ. ઉપરાંત જે વહીવટી અધિકારીઓ અને ડૉક્ટરો વચ્ચેનો જે સંઘર્ષ છે તેને તાત્કાલિક ધોરણે અટકાવવો જોઈએ.”

બૉન્ડની રકમ વધારવાથી સારા ડૉક્ટર સરકારી હૉસ્પિટલને મળ્યા?

ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે આંકડા આપતી વખતે જણાવ્યું હતું કે "આ પહેલાં બૉન્ડની રકમ માત્ર 10 હજાર રૂપિયા હતી. હું સત્તામાં આવ્યો પછી, અમે લોકો કડક થઈ ગયા અને 20 લાખ રૂપિયા એમબીબીએસ અને 40 લાખ રૂપિયા પોસ્ટગ્રેજ્યુએશન માટે કર્યા. આના કારણે પ્રાથમિક સારવાર કેન્દ્ર અને સિવિલ હૉસ્પિટલમાં સારા ડૉક્ટર મળતા થયા."

નિમણૂક પામેલા ડૉક્ટરો હાજર ન થાય તો સરકારે બૉન્ડ સિવાય શું પગલાં ભરી શકે છે આ અંગે વાત કરતાં નીતિન પટેલે કહ્યું, “બૉન્ડની વસૂલાત કર્યા ઉપરાંત કાયદા મુજબ અને કોર્ટના હુકમ મુજબ કોઈ પગલાં લઈ શકાય એમ નથી.”

તેમણે વધુમાં કહ્યું હતું કે “જો બૉન્ડ ન ભરે તો તેમને રાજ્યમાં પ્રેક્ટિસ કરવાની પણ પરવાનગી ન આપીએ. પરંતુ નિયમો અને ચુકાદા કારણે ઑથોરિટી દ્વારા રજિસ્ટ્રેશન કરી દેવાય તો પ્રેક્ટિસ કરતા રોકી શકાય નહીં.”

“બૉન્ડ વસૂલ કરવાની રાજ્ય સરકાર પાસે સત્તા છે. અગાઉની જોગવાઈ કરોડનાં બૉન્ડ વસૂલવાના બાકી હતા. હાલ અમે કડકાઈથી કામ લેવાનું શરૂ કર્યું છે અને 19 કરોડ વસૂલ કર્યા.”

નીતિન પટેલે વિધાનસભામાં ડૉક્ટરોની ભરતીઓ અંગે કહ્યું હતું કે જેમને નોકરી કરવી છે એમને અમે સીધી ભરતી દ્વારા પણ નોકરી પર રાખી રહ્યા છીએ.

નીતિન ભાઈએ એવો પણ દાવો કર્યો કે કૉંગ્રેસની સરકારમાં રાજ્યમાં મેડિકલની સીટો ખૂબ ઓછી હતી. વિદ્યાર્થીઓને લાખો રૂપિયાનું ડોનેશન ભરીને બહાર જવું પડતું હતું. નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં મેડિકલની 1 હજારથી 5500 સીટ કરી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો