You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

વિધાનસભા ચૂંટણી : પશ્ચિમ બંગાળમાં 80 ટકા, આસામમાં 75 ટકા મતદાન

મમતા બેનરજીને આશા છે કે તેઓ સળંગ ત્રીજી વખત ચૂંટણી જીતવામાં સફળ રહેશે, જ્યારે ભાજપ અહીં પોતાનો ગઢ સ્થાપિત કરવા માગે છે.

લાઇવ કવરેજ

  1. વિધાનસભા ચૂંટણી : પ. બંગાળ-આસામમાં પ્રથણ ચરણનું મતદાન પૂર્ણ, જાણો કેટલું થયું મતદાન

  2. બ્રેકિંગ, બંગાળ અને આસામમાં પાંચ વાગ્યા સુધીમાં 70 ટકા કરતાં વધુ મતદાન

    આસામ અને બંગાળમાં પાંચ વાગ્યા સુધી પ્રથમ તબક્કામાં અનુક્રમે 71.62 ટકા અને 77.99 ટકા મતદાન નોંધાયું છે. સમાચાર સંસ્થા એએનઆઈએ ભારતના ચૂંટણીપંચને ટાંકીને સંબંધિત માહિતી આપી છે.

  3. બંગાળ-આસામમાં ચાર વાગ્યા સુધીમાં કેટલું મતદાન?

    ભારતના ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર ચાર વાગ્યા સુધીમાં બંગાળમાં 70.17 ટકા જ્યારે આસામમાં 62.36 ટકા મતદાન નોંધાયું છે.

  4. બ્રેકિંગ, મોદીનું બાંગ્લાદેશમાં ભાષણ ચૂંટણીની આચારસંહિતાનો ભંગ : મમતા

    બાંગ્લાદેશના પ્રવાસ પર ગયેલા વડા પ્રધાન મોદી પર મમતાનો આચારસંહિતાના ઉલ્લંઘનનો આરોપ, ચૂંટણીપંચમાં ફરીયાદ કરશે.બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે બાંગ્લાદેશના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ રાજ્યનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ લગાવ્યો છે.સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર ખડગપુરમાં એક ચૂંટણીસભા દરમિયાન મમતાએ કહ્યું, “અહીં (બંગાળમાં) ચૂંટણી થઈ રહી છે અને તેઓ (વડા પ્રધાન) બાંગ્લાદેશ જાય છે અને બંગાળ પર ભાષણો આપે છે. એ ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘન છે.” “ક્યારેક તેઓ કહે છે કે મમતા બાંગ્લાદેશમાંથી માણસો લાવ્યાં છે અને ઘૂસણખોરી કરી છે પણ વોટ માર્કેટિંગ માટે તેઓ (વડા પ્રધાન) ખુદ બાંગ્લાદેશ જાય છે.”

    તેમણે એવું પણ કહ્યું, “2019માં લોકસભાની ચૂંટણીમાં એક બાંગ્લાદેશી ઍક્ટર અમારી રેલીમાં સામેલ થયા તો ભાજપે બાંગ્લાદેશ સાથે વાત કરીને તેમના વિઝા રદ કરાવી દીધા. હવે જ્યારે અહીં ચૂંટણી યોજાઈ રહી છે, તમે (વડા પ્રધાન) એક સમુદાયના મત મેળવવા માટે બાંગ્લાદેશ જાઓ છો તો તમારા વિઝા કેમ રદ ન થવા જોઈએ? અમે ચૂંટણીપંચને ફરિયાદ કરીશું.”

  5. બાંગ્લાદેશને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભેટ, ઓરાકાન્દીમાં પ્રાથમિક શાળા ખોલશે ભારત

    ઓરાકાન્દીમાં બાંગ્લાદેશી મતુઆ સમુયાદને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'ભારત તરફથી ઓરાકાન્દીમાં એક પ્રાથમિક શાળા ખોલવામાં આવશે.'

    સાથે જ તેમણે ભારત તરફથી ઓરાકાન્દીની ગર્લ્સ મિડલ સ્કૂલને અગગ્રૅડ કરવાની વાત પણ કરી.

    તેમણે કહ્યું, "ભારત આજે 'સૌનો સાથ, સૌનો વિકાસ તથા સૌનો વિશ્વાસ'ના મંત્રને લઈને આગળ વધી રહ્યું છે અને બાંગ્લાદેશ આમાં ભારતનું 'શોહો જાત્રી' (સહયોગી) છે."

    પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે'અમે ભારતમાં બનેલી કોવિડ વૅક્સિનને બાંગ્લાદેશના નાગરિકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.'

  6. બ્રેકિંગ, બપોરે બે વાગ્યા સુધી : પશ્ચિમ બંગાળમાં 54.90 ટકા અને આસામમાં 45.24 ટકા મતદાન

    પશ્ચિમ બંગાળ અને આસામમાં છૂટીછવાઈ હિંસાની ઘટનાઓ સિવાય પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.

    બપોરે બે વાગ્યા સુધી પશ્ચિમ બંગાળમાં 54.90 ટકા અને આસામમાં 45.24 ટકા મતદાન થયું છે.

  7. પશ્ચિમ બંગાળમાં નિર્ણાયક મુસ્લિમ મતો કોને ફળશે અને કોને નડશે?

    પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ વોટર કેટલાંક નિશ્ચિત વિસ્તારોમાં કેન્દ્રિત નથી, પરંતુ જગ્યાએ જગ્યાએ ફેલાયેલાં પણ છે.

    બાંગ્લાદેશની સરહદ પાસેના રાજ્યના જિલ્લામાં મુસ્લિમોની વસતિ ઘણી છે. મુર્શિદાબાદ, માલદા અને ઉત્તર દિનાજપુરમાં તો ક્યાંક ક્યાંક વસતિ 50 ટકાથી વધારે છે. આ સિવાય દક્ષિણ અને ઉત્તર 24 પરગણા જિલ્લામાં પણ તેમની ખાસી અસર છે.

    વિધાનસભાની 294 સીટોમાંથી 70 થી 100 સીટ પર આ વર્ગના વોટ નિર્ણાયક છે.

    વર્ષ 2006 સુધી રાજ્યની મુસ્લિમ વોટ બૅન્ક પર સામ્યવાદી પક્ષનો કબજો હતો. પરંતુ આની સાથે જ આ વર્ગના વોટર ધીમે-ધીમે મમતાની તૃણમૂલ કૉંગ્રેસ તરફ આકર્ષિત થયાં અને વર્ષ 2011 અને 2016માં આ વોટ બૅન્કના કારણે મમતા સત્તામાં ટક્યાં.

    કૉંગ્રેસ અને લેફ્ટના ગઠબંધને પહેલાં જ કહ્યું છે કે તેમની સાથે હવે ફુરફુરા શરીફના પીરઝાદા અબ્બાસ સિદ્દીકી પણ છે. રાજકારણમાં સીધી રીતે તેમની પહેલી વખત એન્ટ્રી છે.

    બીજી તરફ ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે.

    ભાજપ મમતા બેનરજી પર તુષ્ટીકરણનો આરોપ મૂકે છે. જોકે, ઇમામોને ભથ્થાં ઉપરાંત દુર્ગાપૂજા મંડલોને આર્થિક મદદનો વ્યૂહ પણ મમતા બેનરજીએ અપનાવેલો છે.

    મમતા બેનરજીએ મમતાએ રાજ્યના અંદાજે 37 હજાર દુર્ગાપૂજા સમિતિઓને 50-50 હજાર રૂપિયાનું દાન આપવાનું એલાન કર્યું છે.

    એટલું જ નહીં કોરોના અને લૉકડાઉનના કારણે આર્થિક તંગી મુદ્દે મુખ્ય મંત્રીએ પૂજા સમિતિઓને વીજળીમાં 50 ટકાની છૂટ આપવાની જાહેરાત કરી હતી.

    ઉપરાંત રાજ્યના આઠ હજારથી વધારે ગરીબ બ્રાહ્મણ પુજારીઓને એક હજાર રૂપિયા માસિક ભથ્થુ અને મફત આવાસ આપવાની જાહેરાત કરી હતી.

    અમુક રાજકીય નિષ્ણાતો ઔવેસીની અને પીરઝાદા અબ્બાસ સિદ્દીકીની એન્ટ્રીથી ટીએમસીને નુકસાન થશે એવો ભય પણ વ્યક્ત કરે છે. વાંચો બીબીસી સંવાદદાતા સરોજ સિંહનો અહેવાલ.

  8. બ્રેકિંગ, તમિલનાડુ ચૂંટણીપ્રચારમાં સ્મૃતિ ઈરાની ગરબા રમ્યાં

    દેશમાં પશ્ચિમ બંગાળ ઉપરાંત આસામ અને તમિલનાડુમાં પણ ચૂંટણી યોજાઈ રહી છે.

    ભાજપનાં સ્ટાર પ્રચારક કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોઇનમ્બતુર દક્ષિણમાં ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે.

    આ દરમિયાન તેમણે ગરબામાં પણ ભાગ લીધો હતો.

    તમિલનાડુ વિધાનસભાનો કાર્યકાળ 2021ની 24, મેએ પૂર્ણ થઈ રહ્યો છે. અહીં કૂલ 234 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી થવાની છે.

    2021ની 6, એપ્રિલે અહીં એક તબક્કામાં મતદાન થશે. ચૂંટણીનું પરિણામ 2021ની 2મેએ જાહેર કરવામાં આવશે.

  9. બ્રેકિંગ, પશ્ચિમ બંગાળમાં બપોરે એક વાગ્યા સુધી 40 ટકા મતદાન

    પશ્ચિમ બંગાળ અને આસામમાં છૂટીછવાઈ હિંસાની ઘટનાઓ સિવાય પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.

    બપોરે એક વાગ્યા સુધી પશ્ચિમ બંગાળમાં 40.73 ટકા અને આસામમાં 37.06 ટકા મતદાન થયું છે.

  10. નરેન્દ્ર મોદી કે મમતા દીદી - કોલકાતામાં વસતા ગુજરાતીઓ કોના પક્ષે?

    કોલકાતામાં વસતા ગુજરાતીઓ મમતા બેનરજીને પસંદ કરે છે કે નરેન્દ્ર મોદીને?

    કોલકાતામાં વસતા ગુજરાતીઓના મુદ્દા શું છે? મતદાનમાં તેઓ કઈ બાબતો પર ભાર મૂકી રહ્યા છે?

    કોલકાતાની જાણીતા ખાણી-પીણી બજાર હંગર ફૂડ કોર્ટથી બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાનો અહેવાલ.

    અહેવાલમાં જુઓ શું છે ગુજરાતીઓનો અભિપ્રાય.

  11. જ્યાંથી નેનો સાણંદ આવી એ સિંગુરમાં શું છે સ્થિતિ?

    સિંગુર, પશ્ચિમ બંગાળનો એ વિધાનસભા વિસ્તાર જ્યાં ટાટા નેનો પ્રોજેક્ટ માટે થયેલા જમીન અધિગ્રહણ બાદ મોટા પાયે દેખાવો થયા હતા. નંદીગ્રામની જેમ સિંગુર પણ મમતા બેનરજીનો ગઢ ગણાય છે.

    નેનો પ્રોજેક્ટ બંધ થયા બાદ અહીંના કેટલાક ખેડૂતો ખુશ છે તો કેટલાક માટેવિકાસ હજી પણ વાયદાઓમાં છે. 10 એપ્રિલના રોજ સિંગુર વિધાનસભા માટે મતદાન થવા જઈ રહ્યું છે.

    બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ એ જમીનની મુલાકાત લીધી, જ્યાં ક્યારેક ટાટા નેનોનો પ્લાન્ટ સ્થાપિત થવાનો હતો અને એ પ્લાન્ટ પછી ગુજરાત આવી ગયો.

    ટાટા નેનોના આ પ્લાન્ટ શિફ્ટ થવાની ઘટનાને પગલે એ વખતના ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીનું 'પીએમ મટીરિયલ' તરીકે બ્રાન્ડિંગ થયું હતું.

    સિંગુરથી સાણંદ આવેલા ટાટાના પ્લાન્ટમાં હાલ કોઈ નેનો કારનું ઉત્પાદન થતું નથી. વિપક્ષે આ પ્રોજેક્ટમાં ગુજરાતને નુકસાન ગયું હોવાનો પણ આરોપ મૂક્યો હતો.જુઓ બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાનો સિંગુરથી ખાસ અહેવાલ.વીડિયો : પવન જયસ્વાલ

  12. બ્રેકિંગ, 11 વાગ્યા સુધી પશ્ચિમ બંગાળ અને આસામમાં 24 ટકા જેટલું મતદાન

    પશ્ચિમ બંગાળ વિધાનસભાની 30 બેઠકો પર મતદાન આજે થઈ રહ્યું છે. ચૂંટણીપંચને ટાંકીને સમાચાર સંસ્થા એએનઆઈ જણાવે છે કે સવારે 11 વાગ્યા સુધી પશ્ચિમ બંગાળમાં 24.61 ટકા મતદાન થયું છે.

    આસામમાં પણ આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને ત્યાં સવારે 11 વાગ્ સુધીમાં 24.48 ટકા મતદાન થયું છે.

  13. બ્રેકિંગ, નરેન્દ્ર મોદીની બાંગ્લાદેશના કાલીમંદિરમાં પૂજા

    પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન આજે થઈ રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે બાંગ્લાદેશના પ્રવાસે છે.

    મુલાકાતના બીજા દિવસે એમણે આજે ઈશ્વરીપુરના જેશોરેશ્વરી કાલીમંદિરમાં પૂજા કરી. આ કાલીમંદિર 51 શક્તિપીઠો પૈકી એક ગણાય છે.

  14. બ્રેકિંગ, પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની આગલી રાત બની લોહિયાળ, બૉમ્બમારો અને હત્યાનો બનાવ

    પશ્ચિમ બંગાળમાં હિંસાની કેટલીક ઘટનાઓ વચ્ચે દસ વાગ્યા સુધી દસ ટકા જેટલું મતદાન થયું છે.

    પશ્ચિમ બંગાળથી બીબીસીના સહયોગી પ્રભાશંકર મણિ તિવારી જણાવે છે કે પ્રથમ તબક્કાની 30 બેઠકોના મતદાનમાં કેટલાંક હિંસક બનાવો બન્યા છે.

    ભગવાનપુરમાં ચૂંટણી અગાઉ ટીએમસી અને ભાજપ વચ્ચે ઝડપ થઈ અને મોડી રાતે બૉમ્બ ફેંકવામાં આવ્યા. આ ઘટનામાં બે પોલીસોને ઈજા થઈ હોવાના અહેવાલ છે. આ મામલે ચાર લોકોની ધરપકડ પણ થઈ છે.

    બીજી તરફ સાલબનીમાં સીપીએમના ઉમેદવાર સુશાંત ઘોષ પર કથિત રીતે ટીએમસીના સમર્થકોએ હુમલો કર્યો હોવાનો અને એમની કારમાં તોડફોડ કરી હોવાના અહેવાલ છે. જોકે, ટીએમસી આ આરોપને નકારે છે.

    કાંથી દક્ષિણ વિધાનસભા ક્ષેત્રના માજના વિસ્તારમાં ઈવીએસમાં ગરબડ હોવાની ફરિયાદ સાથે મતદારોએ વિરોધપ્રદર્શન કર્યું.

    શનિ વારે સવારે એક ભાજપ કાર્યકર્તા મંગલ સોરેનનો મૃતદેહ એમના ઘરેથી મળી આવ્યો છે. ભાજપ આ હત્યા બદલ ટીએમસીને જવાબદાર ઠેરવે છે. જોકે, ટીએમસી કહેવું છે કે આ ભાજપની આંતરિક જૂથબંધીને કારણે થયું છે.

    ઉલ્લેખનીય છે કે ટીએમસી અને ભાજપ બેઉ એકબીજા પર મતદાનમાં ગરબડનો આરોપ લગાવે છે અને આજે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ કરવા જઈ રહ્યા છે.

  15. તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપના પ્રતિનિધિઓ ચૂંટણી અધિકારીને મળશે

    સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસના સાંસદો પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીને બપોરે 12 વાગ્યે મળશે અને 'કેટલીક ગંભીર ચિંતાઓ' અંગે રજૂઆત કરશે.

    તો બીજી તરફ ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયના નેતૃત્વમાં એક પ્રતિનિધમંડળ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને આજે બપોરે બે વાગ્યે રજૂઆત કરશે.

  16. અાસામમાં 10 ટકા અને પશ્ચિમ બંગાળમાં 15 ટકા જેટલું મતદાન

    પશ્ચિમ બંગાળમાં 30 બેઠક પર અને આસામની 47 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે.

    ચૂંટણીપંચે જાહેર કરેલી માહિતી અનુસાર આસામમાં 10 વાગીને 25 મિનિટે 10.21 ટકા મતદાન થયું છે.

    જ્યારે પશ્ચિમ બંગાળમાં 15.30 ટકા મતદાન થયું છે.

  17. શુભેન્દુ અધિકારીના ભાઈનો આક્ષેપ, 'મતદારોને રોકવામાં આવી રહ્યા છે'

    સમાચાર એજન્સી એએનઆઈ જણાવે છે કે શુભેન્દુ અધિકારીના ભાઈ અને ભાજપના નેતા સૌમેન્દુ અધિકારીએ આક્ષેપ કર્યો છે કે મતદારોને રોકવામાં આવી રહ્યા છે.

    તેમનો આક્ષેપ છે, "બૂથ નંબર 149 પર મતદારોને રોકવામાં આવી રહ્યા છે અને મતદાનને પ્રભાવિત કરાઈ રહ્યું છે. આ સિવાય સરવાળે મતદાન શાંતિપૂર્ણ થઈ રહ્યું છે."

    "કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટકાયાં છે પણ એવું બધી ચૂંટણીઓમાં થાય છે."

  18. ગુજરાતી ફૅક્ટરે મમતા બેનરજીને નંદીગ્રામથી લડવા મજબૂર કર્યાં?

  19. વહેલી સવારથી મતદારોની મોટી સંખ્યા

    સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ અનુસાર આસામ અને પશ્ચિમ બંગાળનાં કેટલાંક મથકોમાં મોટી સંખ્યામાં લોકો મતદાન માટે ઉમટ્યા છે.

    મતદાનમથકો પર ભીડ જોવા મળી રહી છે, કેટલાંક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવી રહ્યું છે.

    મતદાન કરવા આવતા લોકોનું પહેલાં તાપમાન મપાય છે અને પછી માસ્ક અને ગ્લવ્સ આપવામાં આવે છે. અાસામના મતદાનકેન્દ્રોની બહાર ખૂબ લાઇનો જોવા મળી રહી છે.

  20. નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે મમતા બેનરજી પોતાની સરકાર બચાવી શકશે?

    પશ્ચિમ બંગાળના ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે.

    આખા દેશની નજર અહીંની નંદીગ્રામ વિધાનસભા પર છે, જ્યાંથી તૃણમૂલ કૉંગ્રેસનાં ઉમેદવાર તરીકે મુખ્ય મંત્રી મમતા બેનરજી છે, તો ભાજપના ઉમેદરવાર તરીકે સુવેન્દુ અધિકારી છે.

    2007ની નંદીગ્રામની હિંસા પછી આ વિસ્તારના લોકોનું કહેવું છે કે અહીં ઘણો વિકાસ થયું છે.

    નંદીગ્રામના ચૂંટણીજંગને નજીકથી જોવા બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાનો ગ્રાઉન્ડ રિપોર્ટ જુઓ.