કોરોના વાઇરસ : ગુજરાતના મુસ્લિમો રસીના સર્વે માટે વિગતો આપવામાં કેમ ડરે છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કોરોના વાઇરસની રસી આપવા માટે તેનો ડેટા તૈયાર કરવા માટે બનાવેલું એક પાનાનું ફૉર્મ ગુજરાત સરકાર માટે માથાના દુઃખાવા સમાન બની ગયું છે.

અમદાવાદના મુસ્લિમ વિસ્તારમાં રહેતા લોકો કોરોના વાઇરસની રસી માટેનો ડેટા આપવા તૈયાર ન હોવાનું જાણવા મળ્યું છે.

એ લોકોને ડર છે કે સર્વેના નામે સરકાર તેમની વિગતો લઈને એન.આર.સી.ના કાયદા હેઠળ દેશમાંથી હાંકી કાઢશે. તો કોઈને એવો ડર સતાવે છે કે કોરોનાની રસીના નામે તેમનો ધર્મ ભ્રષ્ટ કરવાની કોશિશ થઈ રહી છે.

રસીને મંજૂરી મળી જાય પછી રસીકરણ શરૂ કરતાં પહેલાં સરકાર પૂરતું આયોજન કરવા માગે છે.

રસીકરણમાં કેટલો સમય લાગે છે, તેમાં કેવા પડકારો અને મુશ્કેલીઓ નડી શકે છે તે ચકાસવા માટે અમદાવાદ અને રાજકોટમાં તાજેતરમાં જ ડ્રાય રન યોજાઈ ગઈ.

રસીકરણના પ્રારંભિક તબક્કામાં કોરોના વૉરિયર, 50 વર્ષથી ઉપરની વ્યક્તિ અને ડાયાબિટીસ, કૅન્સર, બ્લડપ્રેશર અને ફેફસાંની બીમારી ધરાવતા લોકોને રસી આપવામાં આવશે. આ માટે લોકો પાસેથી ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે.

સરકારી ફૉર્મ ચિંતાનું કારણ?

ડેટા એકત્ર કરનારા કર્મચારીઓ માટે એક પાનાનું સરકારી ફૉર્મ મુસીબત લઈને આવ્યું છે.

અમદાવાદના લઘુમતી વિસ્તારમાં જાહેર આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા અંકિત પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "કોરોના મહામારી શરૂ થઈ ત્યારે લોકો ટેસ્ટ કરાવવા તૈયાર થતા નહોતા. આંગણવાડીની બહેનો, શિક્ષકો અને હેલ્થવર્કરને ઘણી વાર તકલીફ પડતી હતી."

"જોકે ટેસ્ટ કરાવવો જરૂરી છે તેવું સમજાતા તેઓ સહકાર આપવા માંડ્યા હતા પણ હવે નવી મુસીબત આવી છે."

તેઓ વધુમાં કહે છે, "અમને આપવામાં આવેલાં ફૉર્મમાં તેમની ઓળખ માટે આધારકાર્ડ કે બીજા પુરાવા માગીએ તો અમને ધકેલી મૂકે છે. એમને એવું લાગે છે કે અમે તેમની ઓળખનો પુરાવો લઈને એમની સામે સરકાર દ્વારા કોઈ ષડયંત્રમાં સામેલ થઈ ગયા છીએ."

મલ્ટિપર્પઝ હેલ્થવર્કર, શિક્ષકો અને આંગણવાડીનાં બહેનોના ચીફ કો-ઑર્ડિનેટર અક્રમ સૈયદે આ બાબતનું સમર્થન કરતા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમે જ્યારે અમારા કાર્યકરોને ડેટા માગવા લઘુમતી વિસ્તારમાં મોકલીએ છીએ ત્યારે લોકો અમને સહયોગ આપતા નથી."

"તેમનામાં કોઈ છૂપો ડર ઘર કરી ગયો હોય એવું લાગે છે. અમને કોઈ કારણ કહેતા નથી અને બહાર કાઢી મૂકે છે. જે લોકો સ્વેચ્છાએ વિગતો આપે તેમની વિગતો લઈએ છીએ."

મુસ્લિમ લોકોને શેનો ડર છે?

સરકાર માટે મુસીબત બનેલા આ સર્વેનું મુખ્ય કારણ અમદાવાદમાં ફેલાયેલી એક અફવા માનવામાં આવે છે.

બીબીસીએ સર્વેમાં સહકાર નહીં આપી રહેલા અમદાવાદના શાહપુર વિસ્તારના લોકોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો.

પહેલાં તો તેમણે અમને સરકારી કર્મચારી સમજીને વાત કરવાનો જ ઇન્કાર કરી દીધો. પરંતુ ગેરસમજણ દૂર કર્યા પછી લોકોએ વાત કરી.

શાહપુરનાં શબાના શેખે બીબીસીને જણાવ્યું કે, "પહેલાં જ્યારે તેઓ સર્વે કરવા આવતા હતા ત્યારે ઘરના લોકોની બીમારી પૂછતા હતા, પણ હવે તો આધારકાર્ડ માગે છે. કોરોનાના બહાને ભારતની બહાર કાઢવાનો અને એન.આર.સી.નો કાયદો લાગુ પાડવા આ સરકારનું બહાનું છે, અમને અહીંથી કાઢી મૂકવાનું આ કાવતરું છે."

તેમણે વધુમાં જણાવ્યું કે, "સર્વે કરે અને વિગતો લઈ જાય તેની અમે ક્યાં ના પાડીએ છીએ? જવાન લોકોનાં આધારકાર્ડ છે. ઘરડા લોકોનાં નથી એટલે જેમની પાસે આધારકાર્ડ નહીં હોય એવા ઘરડા લોકોનો સર્વે કરી તેમને ઘરબહાર કાઢવાનું કાવતરું છે એટલે અમે વિગતો નથી આપતા."

ખાનપુર વિસ્તારમાં કૃત્રિમ ફૂલ બનાવવાનું કામ કરતા જાવેદ સૈયદે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મેં વૉટ્સઍપ પર જોયું હતું કે કોરોનાની રસીમાં સૂવરની ચરબી મેળવેલી હોય છે. અમે આવી રસી લઈએ તો અમારો ધર્મ ભ્રષ્ટ થાય એટલે અમે કોરોનાની રસીના સર્વેમાં મદદ નથી કરતા."

"બીજું, અમારા જેવા જુવાનો પાસે આધારકાર્ડ છે પણ તેઓ વૃદ્ધોનાં કાર્ડ પણ માગે છે. તેમનાં જન્મનાં દાખલા ન હોવાથી અમે તેમનાં આધારકાર્ડ કઢાવ્યાં નથી. તેઓ 'અમને ભારતીય નથી' એમ કહીને દેશ બહાર કાઢી મૂકે એટલે અમે આ સર્વેમાં મદદ કરતા નથી."

લોકોનો ડર દૂર કરવાનો પ્રયાસ

અમદાવાદના શાહપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે અમે અમારા વિસ્તારના લોકોને સમજાવી રહ્યા છીએ. મૌલાનાની મદદ લઈને પણ સમજાવી રહ્યા છીએ કે આ એમના ફાયદામાં છે અને તેનાથી કોઈ નુકસાન થવાનું નથી.

આ સમસ્યા કેમ સર્જાઈ એ અંગે વાત કરતાં ગ્યાસુદ્દીન શેખ કહે છે, "લઘુમતી વિસ્તારમાં બે અફવાએ મોટું જોર પકડ્યું છે. એક, સરકાર કોરોનાની રસી આપવા ઓળખના પુરાવા લઈ પાછલા બારણેથી એન.આર.સી.નો કાયદો લાવી એમને તગેડી મૂકશે."

"બીજી અફવા એવી ફેલાઈ છે કે કોરોનાની રસી બનાવવામાં સૂવરની ચરબીનો ઉપયોગ થાય છે, જે ધર્મને ભ્રષ્ટ કરી દેશે. આ બે અફવાને કારણે આ તકલીફ ઊભી થઈ છે."

ખાનપુર વિસ્તારના કૉર્પોરેટર અને સ્કૂલ બોર્ડના સભ્ય ઇલિયાસ કુરેશીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "અમે સરકારને તમામ મદદ કરી રહ્યા છીએ, પણ લોકોના મનમાં એક ધારણા ઘૂસી ગઈ છે કે સરકારની નિયત સારી હોય તો કોરોના વૉરિયરનો સર્વે કરી એમને રસી આપે."

"પહેલો વારો લઘુમતીનો કેમ? માટે અમે મિટિંગ પણ કરીએ છીએ અને જરૂર પડે લઘુમતી ટ્રસ્ટના ડૉક્ટરોને હાજર રાખીને સમજણ પણ આપીએ છીએ, જેથી આ કામ સરળ બને."

અમદાવાદની જામા મસ્જિદના મુફ્તી શબ્બીર આલમે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "મારી પાસે પણ આવી વાત આવી છે. કોરોનાની રસીમાં સૂવરની ચરબીનો ઉપયોગ થાય છે અને આધારકાર્ડ જોઈને દેશનિકાલ કરી દેવામાં આવશે એવી વાતો સાવ ખોટી છે."

"મેં જુમ્માની નમાઝમાં લોકોને સમજાવવાનું શરૂ કર્યું છે અને બીજી નાની મસ્જિદોમાં પણ આ સંદેશો આપવાનું શરૂ કર્યું છે. આવનારા દિવસોમાં અમે ધર્મગુરુઓ પણ લોકોને સમજાવીશું કે એમાં કશું ખોટું નથી."

તેઓ કહે છે કે "આ કાર્ય આપણી કોમના ફાયદામાં જ છે. જે લોકો આ કામમાં મદદ કરશે એ એમના વડીલોની મદદ કરશે. લોકો માની જશે એવી અમને આશા છે."

આધારકાર્ડ કેમ માગવામાં આવે છે?

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેલ્થ કમિશનર ભાવિન સોલંકી પણ લઘુમતી વિસ્તારમાં આ સમસ્યા હોવાનો એકરાર કરે છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, "એ સાચું છે કે લોકો પહેલાં અમને સહકાર આપતા હતા, પણ હવે નથી આપી રહ્યા."

"અમુક લઘુમતી વિસ્તારોમાં આ તકલીફ છે, પણ અમે આ વિસ્તારમાં રહેતા લોકો, કોરોના વોર્ડ ધરાવતી ટ્રસ્ટથી ચાલતી હૉસ્પિટલના ડૉક્ટર અને કર્મચારીઓને કોરોનાની રસી, તેનું રીઍક્શન આવે તો શું કરવું અને કેવી કાળજી રાખવી જોઈએ તેની તાલીમ આપીએ છીએ."

તેઓ કહે છે, "ત્યાંના ડૉક્ટરો અમને મદદ કરે છે તે જોતાં આગામી દિવસોમાં કોરોનાની રસીના સર્વેનું કામ ફરી શરૂ થઈ જશે. અત્યારે પરીક્ષાનો સમય છે એટલે કામ સ્થગિત રાખ્યું છે."

"રહી વાત આધારકાર્ડના નંબરની, તો એ ગેરસમજણ પણ દૂર કરવામાં આવશે, કારણ કે અમે ફૉર્મમાં કૅન્સર, થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા, ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ, કિડનીના રોગો, એચઆઈવી, હૃદયરોગ, ડાયાબિટીસ અને બી.પી.ની બીમારીની વિગતો માગી છે. 50 વર્ષથી ઉપરના લોકોમાં આ તકલીફ જોવા મળે છે."

માગવામાં આવતી વિગતો અંગે ભાવિન સોલંકી કહે છે, "આધારકાર્ડ હોય તો જેવી રસી આવે એવો સીધો સંપર્ક થઈ શકે અને વ્યક્તિની આવકને આધારે ગરીબીરેખાની નીચેના લોકોને કેટલી ઝડપથી રસી આપવી એ નક્કી થઈ શકે. આશા રાખીએ કે આ ગેરસમજણો દૂર થાય અને ઝડપથી કામ શરૂ થાય."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો