મોહન ભાગવતે કહ્યું, હિંદુ ક્યારેય ભારત વિરોધી ન હોઈ શકે

આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે એક કાર્યક્રમમાં ભાષણ વેળા કહ્યું કે હિંદુ ક્યારેય ભારતવિરોધી હોઈ ન શકે.

એમણે કહ્યું કે જો કોઈ હિંદુ છે તો તેણે દેશભક્ત થવું પડશે કેમ કે એ જ તેનું મૂળ ચરિત્ર અને સ્વભાવ છે.

મોહન ભાગવતે ગાંધીજી પરના પુસ્તકનું વિમોચન કરતા કહ્યું કે ગાંધીજીએ ધર્મમાંથી દેશભક્તિ શીખી. ''જો તમે હિંદુ છો તો તમે ઑટોમૅટિક દેશભક્ત છો, તમે કદાચ અજાગૃત હિંદુ હોઈ શકો, તમને જાગૃતિની જરૂર હોય એમ બને પણ હિંદુ ક્યારેય ભારત વિરોધી ન હોઈ શકે.''

તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે તેમની દેશભક્તિ ધર્મમાંથી નીકળી છે.

બીજી તરફ ભાગવતના આ નિવેદન પછી એઆઈએમઆઈએમ પ્રમુખ અને હૈદરાબાદથી લોકસભાના સાંસદ અસદુદ્દીન ઔવેસીએ ટ્વીટ કરીને પલટવાર પણ કર્યો.

તેમણે ટ્વીટમાં લખ્યું, "શું ભાગવત જવાબ આપશે : ગાંધીના હત્યારા ગોડસે વિશે શું કહેવું છે? નેલ્લી નરસંહાર, 1984 શીખ વિરોધી રમખાણો અને 2002 ગુજરાત રમખાણો માટે જવાબદાર લોકો માટે શું કહેવું છે?"

તેમણે એક બીજા ટ્વીટમાં લખ્યું, "એક ધર્મના અનુયાયીને પોતાની જાતે જ દેશભક્તિનું પ્રમાણ આપવામાં આવી રહ્યું છે અને બીજાને પોતાની આખી જિંદગી એ સાબિત કરવામાં વિતાવવી પડે છે કે તેને અહીં રહેવા અને ખુદને ભારતીય કહેવાનો અધિકાર છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો