દિલ્હી સરહદે 'ખેડૂતની આત્મહત્યા', 'અહીં જ મારા અંતિમસંસ્કાર કરજો' - BBC Top News

પત્રકાર સમીરાત્મજ મિશ્ર જણાવે છે કે 60 વર્ષીય કશ્મીરસિંહ રામપુરના બિલાસપુરના રહેવાસી હતા અને છેલ્લા અનેક દિવસોથી ગાઝીપુર સરહદે કૃષિ કાયદા સામે ધરણાં કરી રહ્યા હતા.

આ પહેલાં, આ જ જગ્યાએ એક ખેડૂતનું ઠંડી લાગવાથી મૃત્યુ થઈ ગયું હતું.

કહેવાય છે કે ખેડૂત કશ્મીરસિંહે શનિવારે સવારે નગર નિગમ દ્વારા લગાવાયેલા મોબાઇલ શૌચાલયમાં આત્મહત્યા કરી લીધી હતી.

કશ્મીરસિંહ પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી છે, જેમાં ધરણાંના સ્થળે જ અંતિમસંસ્કાર કરવાની અને ખેડૂતોના બલિદાનને બેકાર ન જવા દેવાની અપીલ કરી છે.

કશ્મીર સિંહે પોતાની આત્મહત્યા માટે સરકારને જવાબદાર ઠેરવી છે અને લખ્યું છે 'અમે ક્યાર સુધી ઠંડીમાં અહીં બેસી રહીએ.'

ઘટના બાદ મૃતક ખેડૂતના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે રામપુરની જિલ્લા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂતનેતાઓ હાજર છે.

સૌરવ ગાંગુલી હૉસ્પિટલમાં દાખલ, છાતીમાં દુખાવા બાદ તબિયત લથડી

બીસીસીઆઈના અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ કલકત્તાની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે, જિમમાં વર્જિશ કરતી વખતે ગાંગુલીની તબિયત અચાનક બગડી હતી, જે બાદ તેમને વુડલૅન્ડ્સ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ગાંગુલી જલદીથી સાજા થાય એવી કામના કરી છે.

તેમણે ટ્વિટર પર લખ્યું, "સૌરવની તબિયત અંગે જાણીને દુખ થયું. જાણવા મળ્યું કે તેમને માઇલ્ડ કાર્ડિએક અરેસ્ટની સમસ્યા થઈ છે, જેના કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે."

"તેઓ જલદીથી સાજા થઈ જાય એવી કામના કરું છું. મારી પ્રાર્થના તેમની અને પરિવારની સાથે છે."

ભારતીય ક્રિકેટર શિખર ધવને પણ સૌરવ ગાંગુલી જલદી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી છે, તેમણે પણ 'દાદા' માટે સંદેશ ટ્વીટ કર્યો હતો.

રિલાયન્સ અને મુકેશ અંબાણીને સેબી દ્વારા 40 કરોડનો દંડ ફટકારાયો

શેરબજાર નિયામક સેબી(સિક્યૉરિટી ઍન્ડ એક્સચેન્જ બોર્ડ) દ્વારા રિલાયન્સ અને તેના ચૅરમૅન મુકેશ અંબાણીને 40 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ન્યૂઝ વેબસાઇટ 'મિંટ'ના રિપોર્ટ અનુસાર શેરોની લેવડદેવડમાં ગેરરીતિ કરવાને કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે.

સેબીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 25 કરોડ રૂપિયા જ્યારે મુકેશ અંબાણીને 15 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે.

આ કેસ રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડના શેર્સના ટ્રેડિંગ સાથે સંકળાયેલો છે.

કેસમાં નવી મુંબઈ એસઈઝેડ પ્રાઇવેટ લિમિટેડને 20 કરોડ રૂપિયા તથા મુંબઈ એસઈઝેડને 10 કરોડ રૂપિયાનો દંડ પણ કરાયો છે.

કેસ અનુસાર શેરના ભાવ પ્રભાવિત કરવા માટે ખરીદ-વેચાણમાં નિયમોનું ઉલ્લંઘન થયો હતો.

જીએસટીનું સર્વાધિક 1.5 લાખ કરોડનું કલેક્શન

નાણાં મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ અનુસાર આ વખતે જીએસટીનું સર્વાધિક 1.5 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે.

જાહેર કરાયેલા આંકડા મુજબ ડિસેમ્બર -2020માં ગુડ્ઝ ઍન્ડ સર્વિસ ટેક્સનું કલેક્શન 1.5 લાખ કરોડનું નોંધાયું છે.

ડિસેમ્બર-૨૦૨૦માં કુલ 1,15,174 કરોડ રૂપિયાની ટેક્સ વસૂલાત થઈ છે.

વળી ડિસેમ્બર-2019માં જીએસટી કલેક્શન 1.13 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું.

આમ ઉપરોક્ત વૃદ્ધિ વાર્ષિક દૃષ્ટિએ 12 ટકા નોંધાઈ છે.

સરકાર માગ નહીં સ્વીકારે તો એક મહિનાનું વ્યાપક આંદોલન કરીશું : ખેડૂતો

ખેડૂત યુનિયનોએ આગામી તબક્કાની વાતચીત પૂર્વે સરકાર પર દબાણ વધારી દીધું છે. યુનિયનોનું કહેવું છે કે જો સરકાર માગ નહીં સ્વીકારે તો તેઓ એક મહિના સુધી વ્યાપક આંદોલન કરશે.

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી છે કે જો 4થી જાન્યુઆરીની બેઠક સફળ નહીં રહે તો તેઓ આંદોલન તીવ્ર બનાવશે. તેમને કાયદો રદ કરવાની અને એમએસપી મુદ્દે સરકાર તરફથી ગૅરંટીની માગ કરી છે.

વિવિધ યુનિયનોએ સરકારને ચેતવણી આપી છે. જેમાં હરિયાણાના ખેડૂત સંગઠનોનું કહેવું છે કે તેઓ રાજ્યમાં મોલ્સ અને પેટ્રોલ પંપ સહિતના સ્થળો સંપૂર્ણ બંધ કરાવી દેશે અને આંદોલન કરશે.

જોકે, બીજી તરફ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંઘ તોમરે આગામી બેઠક મામલે આશા વ્યક્ત કરી છે.

ભારત-પાકિસ્તાને પરમાણુ સવલતોની યાદીની આપ-લે કરી

ભારત અને પાકિસ્તાને એકબીજાની પરમાણુ સવલતોની યાદીની આપ-લે કરી હોવાના સમાચાર છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર 30 વર્ષ જૂની પરંપરા અનુસાર બંને દેશોએ પોતાના ન્યુક્લિયર ઇન્સ્ટોલેશન બાબતેની યાદીની આપલે કરી છે.

દ્વીપક્ષિય સમજૂતી અનુસાર બંને દેશો માટે એકબીજાની પરમાણુ સવલતો પર હુમલો કરવો પ્રતિબંધિત છે.

ટ્રમ્પે એચ1-બી વિઝાનો પ્રતિબંધ ત્રણ મહિના લંબાવ્યો

ડોનાલ્ડ ટ્રમ્પે એચ1-બી વિઝા અને અન્ય વિદેશી કાર્ય માટેના વિઝા પરનો પ્રતિબંધ ત્રણ મહિના માટે લંબાવી દીધો છે.

'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના અહેવાલ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રતિબંધ 31 માર્ચ સુધી લંબાવી દીધો છે.

ટ્રમ્પે કહ્યું કે જે કારણોથી પ્રતિબંધો લગાવ્યા હતા તેની પરિસ્થિતિમાં હજુ કોઈ બદલાવ નથી આવ્યો આથી તેઓ પ્રતિબંધ લંબાવી રહ્યા છે.

આ નિર્ણયને કારણે અનેક ભારતીયોને અસર થઈ શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો