ગુજરાતમાં લૉકડાઉન અંગે હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ સામે વિજય રૂપાણી સરકારે શું દલીલ કરી?

    • લેેખક, રૉકસી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની બેન્ચએ મંગળવારના રોજ કોરોનાના વધી રહી રહેલા કેસને ધ્યાનમાં લઈ સરકારની તે માટે શું તૈયારી છે, તે જાણ્યાં બાદ કોવિડની ચેઇન તોડવા માટે 3થી 4 દિવસનો કર્ફ્યુ લાદી શકાય તેવું સૂચન કર્યું છે અને સરકાર આ અંગે શું વિચારે છે તેનો જવાબ રજૂ કરવા કહ્યું છે.

આ મામલે મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ તથા જસ્ટિસ ભાર્ગવ કારિયાની ખંડપીઠે કોરોનાના કેસોની વધતી જતી સંખ્યા ઉપર ચિંતા પ્રગટ કરી હતી.

અત્રે એ નોંધવું ઘટે કે લૉકડાઉન અંગે ખંડપીઠનું 'અવલોકન' માત્ર છે, તે 'આદેશ' કે 'નિર્દેશ' નથી. માટે તે રાજ્યની વિજય રૂપાણીની સરકાર માટે બંધનકર્તા નથી.

ઉલ્લેખનીય છે કે અગાઉથી જ ગુજરાતનાં ચાર મહાનગરો (અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત)માં રાત્રે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો કર્ફ્યુ લાગુ છે.

સુરતમાં પત્રકારો સાથે વાત કરતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે "ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુનાવણી અંગે અમને મીડિયા દ્વારા માહિતી મળી છે. ઍડ્વોકેટ (જનરલ) કમલભાઈ ત્રિવેદી સાથે વાત થઈ છે.""સાંજે ગાંધીનગર પહોંચીશું એટલે સમગ્ર રિપોર્ટ મળશે.તેના ઉપર સરકાર ચર્ચાવિચારણા કરીશું અને હાઈકોર્ટની લાગણીને ધ્યાને લઈને યોગ્ય નિર્ણય કરીશું."લોકોને તકલીફ ન પડે કે ઓછામાં ઓછી તકલીફ પડે અને કોરોનાનો ફેલાવો પણ ન થાય, તે રીતે નિર્ણય લેવાની વાત રૂપાણીએ કહી હતી

મંગળવારે સવારે હાઈકોર્ટે કોવિડના વધતા જતા કેસ વિશે ચિંતા વ્યક્ત કરી સરકાર તે માટે શું કરી રહી છે, તે જાણવા માટે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને મુખ્ય સરકારી વકીલ મનીષા લવકુમારને બોલાવ્યાં હતાં.

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને ચીફ જસ્ટિસ વચ્ચે શું દલીલો થઈ?

એડવોકેટ ત્રિવેદીએ કહ્યું હતું, હવેનો સંઘર્ષ ખરેખર લોકો અને કોવિડ વચ્ચે છે અને લોકોએ જ સમજીને બહાર જવાનું કે લોકોને મળવાનું બંધ કરવું પડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોવિડનું સંક્રમણ વધારે છે, પરંતુ તેનાથી મરનાર લોકોની સંખ્યા વધારે નથી અને જે લોકો મરી રહ્યાં છે તે અન્ય બીમારીઓને કારણે મરી રહ્યાં છે.

જોકે, જસ્ટીસ ભાર્ગવ કારિયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોના મૃત્યુદર હાલમાં 4.5 ટકા છે ખૂબ વધારે છે.

જસ્ટિસ વિક્રમનાથે એડવોકેટ ત્રિવેદીને કહ્યું હતું કે, હવેથી ગુજરાતમાં કોઈ પણ રાજકીય મેળાઓ, લગ્ન પ્રસંગો વગેરે ન થવાં જોઈએ. લગ્ન પ્રસંગોમાં લોકોની સંખ્યા 200થી ઘટાડી 20-25 જ કરી દેવી જોઈએ.

તેમણે એમ પણ કહ્યું હતું કે ગત વર્ષ માર્ચ મહિનામાં જે પ્રકારનું લૉકડાઉન હતું, તે પ્રકારનું લૉકડાઉન, જેમ કે એક-બે દિવસનો કર્ફયું, વીકઍન્ડ કર્ફ્યુ વગેરે જેવા પ્રયાસો કરીને સરકારે વાઇરસની ચેઇન તોડવી જોઇએ.

તેમણે એમ પણ કહ્યું કે, જો સરકારને તે માટે હાઈકોર્ટની કોઈ મદદ જોઈતી હોય તો તે ફરીથી તેમની પાસે આવી શકે.

જોકે, એડવોકેટ કમલ ત્રિવેદીએ કહ્યું કે, લૉકડાઉન પછી બીજી સમસ્યાઓ ઊભી થાય છે, પરંતુ સરકારે હાલમાં હૉસ્પિટલોની સંખ્યા વધારી છે, કૉન્ટૅક્ટ ટ્રેસિંગ માટે મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ ઘરે-ઘરે જઈ સર્વે કરી રહ્યાં છે.

કમલ ત્રિવેદીએ ક્હ્યું, કે સરકારના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓએ રવિવારે બેઠક કરી લૉકડાઉન લાદવા અંગે ચર્ચા કરી હતી, પરંતુ તે અંગે કોઈ નિર્ણય નહોતો લીધો કારણ કે લૉકડાઉન બીજી અનેક સમસ્યાઓ લઈને આવે છે.

જસ્ટિસ વિક્રમનાથે કહ્યું કે, અમદાવાદ શહેરનો એક દિવસનો આંકડો 700 કેસ સુધી પહોંચી ચૂક્યો છે, શહેરમાં 3000 જેટલી પથારીઓ ઉપલબ્ધ છે, જે ઝડપથી ભરાઈ રહી છે, અને બીજી તરફ કેસ વધી રહ્યાં છે માટે સરકારે હવે પછી શું કરવું જોઇએ તે અંગે વિચારવું જોઈએ.

ગુજરાતમાં વકરી રહેલો કોરોના

ભારતમાં ફરી કોરોના વાઇરસના કેસની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. છ એપ્રિલે કોરોના વાઇરસના નવા 97 હજાર કેસ નોંધાયા બાદ દેશમાં કુલ ચેપગ્રસ્તનો આંકડો 1.26 કરોડ થઈ ગયો છે.

દેશમાં કોરના થકી થનારા મૃત્યુનો આંક નવેમ્બર-ડિસેમ્બર 2020ના સ્તરે પહોંચી ગયો છે. એ વખતે દેશમાં દૈનિક ધોરણે 500થી વધુ લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં હતાં.

ભારતમાં ત્યાર સુધી કોરોનાના સંક્રમણને લીધે 64 હજાર 110 લોકોનાં મૃત્યુ થયાં છે.

કોરોના વાઇરસના સંક્રમણના કુલ કેસને જોતાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.

ગુજરાતમાં હાલમાં 16000થી વધુ ઍક્ટિ0વ કેસ છે. સૌથી વધારે અસરગ્રસ્ત સુરતમાં આશરે 4000 જેટલા ઍક્ટિવ કેસ છે, તે પછી અમદાવાદમાં 2500 જેટલા ઍક્ટિવ કેસ છે.

ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના કુલ 3160 નવા કેસ નોંધાયા છે.

તેમજ રાજ્યમાં કોરોનાને લીધે 15 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

તો છેલ્લા 24 કલાકમાં કુલ 2028 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.52 ટકા છે.

રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4581 પર પહોંચ્યો છે અને હાલમાં કેસ 16252 સક્રિય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો