You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં લૉકડાઉન અંગે વિજય રૂપાણીએ સુરતમાં શું કહ્યું?
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. મંગળવારે કોરોના વાઇરસના કારણે 13 વર્ષના કિશોરનું મૃત્યુ થયું હતું.
કેસમાં સતત વધારો થતા મુખ્ય મંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ મંગળવારે સુરતની મુલાકાત લીધી હતી.
મુખ્ય મંત્રી રુપાણીએ મંત્રીઓ અને અધિકારીઓ સાથે એક મિટિંગ કરી હતી, જેમાં કોરોના વાઇરસની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં કોરોના વાઇરસનો કેર વધ્યો છે ત્યારે ગુજરાતમાં કોરોના વાઇરસનો વ્યાપ વધ્યો છે. હાલની પરિસ્થિતિને જોતાં લાગે છે કે હજુ પણ કેસ વધી શકે છે.
''ગુજરાતમાં કોરોના વાઇરસના જેટલા પણ કેસ નોંધાય છે તેમાં 60 ટકા કેસ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં નોંધાયા છે. અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છીએ. જે પરિસ્થિતિ છે તેનાથી ભયભીત થવાની જરુર નથી પણ લોકોને સાવચેતી રાખવી પડશે. અમે રસીકરણમાં ઝડપ લાવી રહ્યાં છીએ.''
''હાલમાં રાજ્યમાં દરરોજ 4 લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે અને અત્યાર સુધી 70 લાખ લોકોને રસી અપાઈ ગઈ છે. બીજો રાઉન્ડ પણ 40 દિવસની અંદર પતી જાય તે માટેના અમે પ્રયાસ કરી રહ્યાં છે.''
''પહેલાં અમે દરરોજ 60000 ટેસ્ટિંગ કરતા હતા, જે આજે 1.20 લાખ સુધી પહોંચ્યું છે. કોરોના દરદીઓના સંપર્કોને ઓળખવા માટે અમે ટ્રેસિંગ પણ વધારી દીધું છે. કોરોના પૉઝિટીવ દરદીઓની સારવાર માટે 104ની સુવિધા અમલમાં છે. સંજીવની રથોની સંખ્યામાં વધારો કરવામાં આવશે.''
શું મહત્ત્વની જાહેરાત કરી છે?
- 3 લાખ રેમડેસિવરનો ઓર્ડર આપ્યો છે.
- બે દિવસમાં રાજ્યમાં રેમડેસિવરની અછત દૂર થશે.
- સરકારી હૉસ્પિટલોની સાથે-સાથે ખાનગી હૉસ્પિટલોને પણ રેમડેસિવરનો જથ્થો આપવામાં આવશે, જેથી દરદીઓને દવા માટે ભટકવું ન પડે.
- સુરતમાં ખાનગી હૉસ્પિટલોમાં કોવિડ ટ્રિટમેન્ટ થઈ શકશે.
- સુરતમાં 50 સંજીવની રથ છે અને બીજા 50 રથની વ્યવસ્થા કરવામાં આવી છે.
- સુરતમાં કિડની હૉસ્પિટલમાં 800 બૅડનો વધારો કરવામાં આવશે
- રાજ્ય સરકાર સુરતને 300 નવા વૅન્ટિલેટરો આપશે.
- સરકારી હૉસ્પિટલોમાં દરદીઓને રેમડેસિવર મફતમાં આપવામાં આવશે.
લૉકડાઉન વિશે શું કહ્યું?
ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની બેન્ચએ મંગળવારના રોજ કોરોનાના વધી રહી રહેલા કેસને ધ્યાનમાં લઈ સરકારની તે માટે શું તૈયારી છે, તે જાણ્યાં બાદ કોવિડની ચેઇન તોડવા માટે 3થી 4 દિવસનો કર્ફ્યુ લાદી શકાય તેવું સૂચન કર્યું છે અને સરકાર આ અંગે શું વિચારે છે તેનો જવાબ રજૂ કરવા કહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુરતમાં આ અંગે પૂછતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે હાઇકોર્ટના નિર્ણય અંગે કોર-ગ્રુપ દ્વારા ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. બધા પાસાઓની સમીક્ષા કર્યા બાદ લોકહિતમાં નિર્ણય કરવા માટે વિચારણા કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, ''લોકો ચિંતા ન કરે. સરકારનો સ્પષ્ટ અભિગમ છે કે કોરોના સામેના સંઘર્ષમાં કોઈ પણ પીછેહઠ થશે નહીં. લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે એ અમારો અભિગમ છે અને જવાબદારી છે. લોકોને કોરોના વાઇરસનો ચેપ ન લાગે એ અમારી જવાબદારી છે. લોકોમાં હિતમાં અમે નિર્ણય કરીશું.''
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો