રશિયા : પુતિનવિરોધી એલેક્સી નવેલનીની જેલમાં તબિયત લથડી, તાવ છતાં ભૂખ હડતાલ

રશિયાના વિરોધપક્ષના અને પુતિનવિરોધી નેતા એલેક્સી નવેલનીએ પુષ્ટિ કરી છે કે તેઓ ઉઘરસ અને તાવથી પીડાઈ રહ્યા છે. એલેક્સી મુજબ તેમની જેલમાં ક્ષયરોગના કેસ પણ સામે આવ્યાં છે.

એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં નવેલનીએ જણાવ્યું કે હાલમાં તેમની યુનિટમાં રહેતા ત્રણ લોકોને ક્ષય રોગ હોવાનું નિદાન થતાં હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે મને ઉઘરસની સમસ્યા છે અને 100.6 ડિગ્રી તાવ છે.

તેમણે કટાક્ષમાં કહ્યું, ''જો મને ક્ષય રોગ થાય છે તો બની શકે છે કે મારા પીઠનો દુઃખાવો મટી જાય અને મારા પગ જે સુન્ન થઈ ગયા છે, તે પણ સાજા થઈ જાય. એ સારું રહેશે.''

નવેલનીએ જણાવ્યું કે તેઓ ભૂખ હડતાળ ચાલુ રાખશે.

તેમના વકીલે જણાવ્યું કે, ''નવેલની સ્થિતિ બહુ ખરાબ છે અને તેમનું વજન ઘણું ઓછું થઈ ગયું છે.''

વકીલો જેલમાં બંધ નવેલનીની મુલાકાત લેતાં રહે છે. તેઓ સોશિયલ મીડિયામાં મેસેજ પોસ્ટ કરવામાં નવેલીની મદદ પણ કરે છે.

વકીલ ઑલ્ગા મિખેઈલોવાએ એક ખાનગી ટીવી ચેનલને જણાવ્યું કે જેલમાં આવ્યાં બાદ નવેલનીનું વજન 13 કિલોગ્રામ જેટલું ઘટી ગયું છે. પરિસ્થિતિમાં સુધારો આવે તે માટે અધિકારીઓ કોઈ પગલાં નથી લઈ રહ્યાં.

''તેઓ સંપૂર્ણપણે જેલ સર્વિસના તાબા હેઠળ છે. દરરોજ ત્યાં પરિસ્થિતિ વણસી રહી છે. આવું કેમ થઈ રહ્યું છે તે સમજવું મુશ્કેલ છે. જેલ સર્વિસ અમારી એક પણ ફરિયાદ સાંભળતી નથી. જ્યારથી એલેક્સીની તબિયત બગડવા લાગી છે ત્યારથી જેલ સત્તાધીશો મૌન સેવીને બેઠાં છે.''

રશિયન પ્રિઝન સર્વિસના એક નિવેદનને ટાંકતાં સરકાર તરફી અખબાર 'ઇઝવેસ્તીયા' એ કહ્યું કે 44 વર્ષનાં એલેક્સી નવેલનીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાથી મેડિકલ યુનિટમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગયા અઠવાડિએ નવેલનીએ ભૂખ હડતાળ કરવાની જાહેરાત કરી હતી.

એલેક્સી નવેલનીને ઠગાઈના એક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને જેલની સજા પણ થઈ છે.

નવેલીની સામે 2014માં જે ચુકાદો સ્થગિત કરવામાં આવ્યો હતો તે તેમના જર્મનીથી પરત ફર્યા બાદ જેલવાસમાં ફેરવી દેવામાં આવી હતી. જર્મનીમાં ઘાતક નર્વ ઍજન્ટના ઝેરી હુમલાની સારવાર લીધા બાદ નવેલની રશિયા પરત ફર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

કેટલાક લોકો માને છે કે રાજકીય કારણોસર એલેક્સીને સજા ફટકારવામાં આવી છે. નવેલની પોતે પણ સરકાર પર આ જ આરોપ મૂકે છે.

એલેક્સી નવેલની કોણ છે?

સરકારી ભ્રષ્ટાચારને જાહેર કરીને એલેક્સી નવેલની પોતાનું નામ બનાવ્યું છે. તેમણે પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીને ગુનેગારો અને ઠગની પાર્ટી ગણાવી હતી.

ડિસેમ્બર, 2019માં એલેક્સી નવેલની ફાઉન્ડેશન પર રૅઇડ પાડવા માટે મીડિયા કૅપ્શન પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સંસદીય ચૂંટણીઓમાં પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટી દ્વારા થયેલાં ભ્રષ્ટાચારના વિરોધ બાદ 2011માં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને 15 દિવસ માટે જેલમાં રાખવામાં આવ્યા હતા.

એલેક્સી નવેલનીને જુલાઈ 2013માં ઉચાપત કરવાના આરોપમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમણે તે સજાને રાજકીય ગણાવી હતી.

એલેક્સી નવેલનીને જુલાઈ 2019માં ખોટી રીતે વિરોધપ્રદર્શન કરવા બદલ 30 દિવસની જેલની સજા કરાઈ હતી. ત્યારે પણ તેમણે ઝેર આપવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.

એલેક્સી નવેલની પર 2017માં એન્ટિસેપ્ટિક રંગથી હુમલો થયા પછી તેમની જમણી આંખમાં ગંભીર રાસાયણિક બળતરા થઈ હતી.

ગયા વર્ષે તેમના ઍન્ટિ કરપ્શન ફાઉન્ડેશનને સત્તાવાર રીતે "વિદેશી એજન્ટ" જાહેર કરવામાં આવ્યું, જેનાથી અધિકારીઓ તેના પર વધારે તપાસ કરી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો