You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના અને કાળાબજાર : 'મને લાગ્યું પિતાજી ગુજરી જશે, કોઈ દીકરા પર આવી ન વીતે'
- લેેખક, વિકાસ પાંડે
- પદ, બીબીસી સંવાદદાતા
ગત ગુરુવારે અખિલેશ મિશ્રાને તાવ અને ઉધરસ આવતાં હતાં, પહેલાં તો તેમને લાગ્યું કે તે સામાન્ય ફ્લુ છે.
બીજા દિવસે તેમની ચિંતાનો પાર ન રહ્યો. તેમના પિતા યોગેન્દ્રમાં પણ સમાન લક્ષણો દેખાવાં લાગ્યાં હતાં. એટલે બંનેએ કોવિડનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું.
તેમણે ઑનલાઇન સ્લૉટ બુક કરાવવાનો વિચાર કર્યો, પરંતુ સૌ પહેલી ઍપૉઇન્ટમૅન્ટ ત્રણ દિવસ પછીની મળે એમ હતી.
છેવટે તેમને રવિવારનો સ્લૉટ મળ્યો. દરમિયાન યોગેન્દ્રનો તાવ પુષ્કળ વધી ગયો અને તબીબે તેમને હૉસ્પિટલમાં પથારીની વ્યવસ્થા કરવા માટે કહ્યું. તેમની મુશ્કેલીઓ શરૂ થઈ.
નોઇડા અને રાજધાની દિલ્હીની અનેક હૉસ્પિટલોમાં પથારી ન હોવાને કારણે તેમને હતાશા સાંપડી. છેવટે જેમ-તેમ કરીને તેમને દિલ્હીની એક ખાનગી હૉસ્પિટલમાં બેડ મળી ગયો અને હવે તેમની સ્થિતિમાં સુધારો છે.
પિતા, પુત્ર અને પીડા
એક તબક્કે અખિલેશને લાગ્યું કે તેઓ પોતાના પિતાને ગુમાવી દેશે. તેમના કહેવા પ્રમાણે, "હું ખૂબ જ હતાશ થઈ ગયો હતો."
"મને ડર લાગ્યો કે સારવાર વગર તેઓ મૃત્યુ પામશે. મારે જે ભોગવવું પડ્યું તે કોઈ દીકરા ઉપર ન વીતે. દરેકને સમાનપણે આરોગ્યસેવાઓનો લાભ મળવો જોઈએ."
જોકે તેમના પરિવારની કહાણી અલગ નથી. હૉસ્પિટલમાં પથારી, જીવજરૂરી દવા કે ઓક્સિજનના સિલિન્ડર માટે વલખા મારતા પરિવારોની કહાણી દેશભરમાંથી સાંભળવા મળી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતનાં સુરત સહિતનાં અનેક શહેરોમાં સ્મશાનગૃહોમાં લાંબું વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે.
દિલ્હી સહિત અનેક શહેરોની કોવિડ-19 લૅબોરેટરીમાં ટેસ્ટ કરાવવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે અને તેનાં પરિણામો 48 કે 72 કલાક પછી મળી રહ્યાં છે.
નૉઇડામાં એક લૅબોટરેટરીની બહાર 35 વર્ષીય શખ્સે કહ્યું, "બે-ત્રણ દિવસથી મારામાં લક્ષણ દેખાતાં હતાં. હવે રિપોર્ટ માટે બે-ત્રણ દિવસ રાહ જોવી પડશે તે બાબત બને ચિંતાતુર કરી રહી છે."
દવાઓની કાળાબજારી
છેલ્લા કેટલાક દિવસથી ભારતના સોશિયલ મીડિયા ઉપર રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ જેવી દવાઓ માટે વિનંતી કરતી ટહેલો સોશિયલ મીડિયા ઉપર જોઈ શકાય છે.
આ બંને દવાની અસરકારકતા અંગે વિશ્વભરમાં ચર્ચા ચાલુ છે, પરંતુ ભારત સહિત અનેક દેશોએ બંને દવાના આપાતકાલીન ઉપયોગ અંગે મંજૂરી આપી છે.
દેશભરમાં તબીબો દ્વારા ઍન્ટિવાઇરલ ઇન્જેકશન રેમડેસિવિર ઇન્જેકશન લખવામાં આવી રહ્યું છે એટલે તે ખૂબ જ ડિમાન્ડમાં આવી ગયું છે. ભારતે તેના નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે, છતાં વધતી જતી માગને પહોંચી વળવામાં ઉત્પાદકોને ફાંફાં પડી રહ્યાં છે.
ભારતમાં છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી દૈનિક સરેરાશ બે લાખ કરતાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ભારતમાં રેમડેસિવિરનું ઉત્પાદન કરતી કંપનીમાંથી એક હેટરો ફાર્માના કહેવા પ્રમાણે, તે ઉત્પાદન વધારવા માટે પ્રયત્નશીલ છે.
બીબીસીની તપાસમાં બહાર આવ્યું છે કે દિલ્હી તથા અન્ય શહેરોમાં આ દવાની અછતને કારણે કાળાબજારી થઈ રહી છે.
બીબીસીએ ત્રણ દલાલોનો સંપર્ક સાધ્યો અને તેમને રેમડેસિવિરના 100એમજીના ઇન્જેકશન રૂપિયા 24 હજારમાં આપવાની તૈયારી દાખવી - જે સત્તાવાર કિંમત કરતાં પાંચગણી રકમ છે.
ભારતનું આરોગ્ય મંત્રાલય એક પેશન્ટને 100એમજીના છ ડોઝ આપવાની ભલામણ કરે છે, પરંતુ તબીબોનું કહેવું છે કે અમુક કિસ્સામાં આઠ ડોઝની પણ જરૂર પડે છે.
મધ્યમવર્ગીય પરિવાર માટે આ બહુ મોટી રકમ છે.
અતુલ ગર્ગના કહેવા પ્રમાણે, "મારાં માતા દિલ્હીની ખાનગી હૉસ્પિટલમાં દાખલ થયેલાં છે. આ દવાને શોધવા માટે મારે પુષ્કળ રૂપિયા ખર્ચવા પડ્યા, સેંકડો કૉલ કરવા પડ્યા અને ચિંતામાં કલાકો વિતાવવી પડી."
સામાન્ય રીતે આર્થરાઇટિઝની સારવારમાં વપરાતું ટોસિલિઝુમેબ ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન જીવનરક્ષક હોવાનું પુરવાર થયું છે, પરંતુ ભારતની બજારમાંથી તે જાણે અદૃશ્ય જ થઈ ગઈ છે.
ઑલ ઇન્ડિયા કૅમિસ્ટ ઍન્ડ ડ્રગિસ્ટ ઍસોસિયેશનના મહાસચિવ રાજીવ સિંઘલના કહેવા પ્રમાણે, તેમનો ફોન આખો દિવસ રણક્યા કરે છે અને લોકો તેમને દવાઓ મેળવી આપવા માટે વિનંતી કરે છે.
તેમણે જણાવ્યું, "સ્થિતિ એટલી ખરાબ છે કે મને મારા પરિવારજનો માટે પણ દવા નથી મળતી."
સાથે જ ઉમેર્યું, "જે લોકો કાળાબજારી કરી રહ્યા છે, તેની સામે પગલાં લેવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ મારે સ્વીકારવું રહ્યું કે વ્યવસ્થામાં ક્યાંક છીંડાં છે."
ઓક્સિજન, ઍક્સ-રે અને આરટી-પીસીઆર
દેશનાં અનેક રાજ્યોમાં તબીબી ગુણવત્તાના ઓક્સિજનની માગ રાતોરાત વધી જવા પામી છે. ઓક્સિજનના ઓછા સપ્લાયને કારણે અનેક હૉસ્પિટલો પેશન્ટ લેવાનો ઇન્કાર કરી રહી છે.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર સમક્ષ માગ કરી છે કે સેનાના વિમાનો દ્વારા ઓક્સિજન મોકલવામાં આવે, કારણ કે જમીનમાર્ગે હૉસ્પિટલો સુધી પહોંચાડવામાં ખૂબ જ વધુ સમય લાગી રહ્યો છે.
નાનાં શહેરો અને નગરોમાં સ્થિતિ વધુ ખરાબ છે. જ્યારે પેશન્ટને કોઈ હૉસ્પિટલમાં બેડ ન મળે ત્યારે તબીબો તેમને ઘરે રહીને જ ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવા માટેની સલાહ આપે છે.
ઉત્તર ભારતના નાનકડા શહેરમાં રહેતા નબીલ અહેમદના પિતાને શુક્રવારે કોરોના હોવાનું બહાર આવ્યું હતું. પાંચ દિવસ પછી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી.
તબીબે સલાહ આપી કે નબીલ ઘરે ઓક્સિજન સિલિન્ડર લઈ આવે. ચાર કલાકની મુસાફરી બાદ તેમને બીજા શહેરમાંથી ઓક્સિજન મળ્યો. નબીલના કહેવા પ્રમાણે, મારા પિતાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, ત્યારે મને આઠ કલાક લાગી ગયા હતા.
આ સિવાય નાના શહેરના પેશન્ટને ઍક્સ-રે કે સીટી સ્કૅન કરાવવામાં પણ તકલીફ પડી રહી છે. ખાનગી લૅબોટેરટરી છાતીનો ઍક્સ-રે કે સિટી સ્કૅન કરી આપવાનો ઇન્કાર કરે છે. ઘણી વખત રોગનો ફેલાવો ચકાસવા માટે તબીબો આ પ્રકારના ટેસ્ટ કરાવતા હોય છે.
અલાહાબાદમાં રહેતા યોગેશ કુમારના કહેવા પ્રમાણે, હૉસ્પિટલમાં દાખલ થાય તો અથવા તો સરકારી હૉસ્પિટલમાં જ ટેસ્ટ થાય છે. અને સરકારી હૉસ્પિટલોમાં વેઇટિંગ લિસ્ટ ખૂબ જ લાંબું છે.
અલાહાબાદના ડૉક્ટરે બીબીસીને જણાવ્યું: "હું માની નથી શકતો કે હું મારા પેશન્ટના ઍક્સ-રે નથી કરાવી શકતો. અમારે અમુક કિસ્સામાં માત્ર લોહીના રિપોર્ટ ઉપર જ આધાર રાખવો પડે છે, જે આદર્શ પરિસ્થિતિ નથી."
સ્મશાનમાં સતત સળગતી ચિતાઓ
અમુક શહેરોમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અ ત્યાં સ્મશાન દિવસરાત કામ કરી રહ્યા છે. અનેક કિસ્સામાં પરિવારજનોએ સ્વજનોના અંતિમસંસ્કાર માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે.
તાજેતરના એક અહેવાલ પ્રમાણે, ગુજરાતના સુરતમાં સ્મશાનગૃહની ભઠ્ઠીનું અંદરનું લોખંડ ઓગળવા લાગ્યું, કારણ કે કોઈ પણ જાતના વિરામ વગર તે સતત સળગી રહી હતી.
તાજેતરમાં લખનઉમાં અડધી રાત્રે ડઝનબંધ ચિતા સળગતી હોવાની શોર્ટ વીડિયો ક્લિપ વાઇરલ થઈ હતી.
અનેક સ્મશાનગૃહોના કર્મચારીઓ કોઈ પણ જાતના વિરામ વગર સતત કામ કરી રહ્યા છે, તેઓ થાકી જાય છે. ભારતમાં અનેક લોકોને સવાલ થઈ રહ્યો છે કે શું આ સ્થિતિ ટાળી શકાય તેમ હતી.
ઍપેડિમૉલૉજિસ્ટ ડૉ. લલિત કાન્તના કહેવા પ્રમાણે, "પહેલી લહેરમાંથી આપણે કોઈ બોધપાઠ ન લીધો. આપણને ખબર હતી કે બીજી લહેર આવશે, પરંતુ આપણે કોઈ આયોજન ન કર્યું. દવા, પથારી કે ઓક્સિજનની અછત સર્જાય તે ખરેખર કમનસીબ કહેવાય."
તેઓ કહે છે, "આવી સ્થિતિનો સામનો કરનાર દેશોમાંથી પણ આપણે કોઈ પાઠ ન લીધો."
(વિનંતીના આધારે કેટલાંક નામ બદલવામાં આવ્યાં છે)
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો