કુંભ મેળો અને કોરોના : હરિદ્વારથી ગુજરાત આવેલા લોકો કોરોનાના 'સુપર સ્પ્રેડર' બની શકે છે?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં ત્રણ દિવસમાં કુંભ મેળામાંથી પરત આવેલા 64થી વધારે લોકો કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે. નોંધનીય છે કે ગુજરાતમાં પહેલાંથી જ કોરોનાના કેસોમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.

ત્યારે કુંભ મેળામાંથી લાખો લોકોની વચ્ચેથી, હજારો કિલોમિટરનું અંતર કાપીને પરત ફરેલા લોકો ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ વધુ ગંભીર બનાવશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.

એક તરફ જ્યાં ગુજરાત સહિત ભારતમાં કોરોનાના નવા કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો હતો, તે દરમિયાન જ હરિદ્વાર ખાતે આયોજિત કુંભ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગંગાસ્નાન માટે પહોંચ્યા હતા.

અખબારોમાં દરરોજ કુંભ મેળામાં ગંગાકિનારે જામી રહેલી ભીડ અંગેના અહેવાલો જોવા મળી રહ્યા હતા. સરકારી અધિકારીઓએ જાહેરમાં કુંભમાં ગંગાસ્નાન વખતે ઊમટેલી ભીડમાં કોરોના અંગેના પ્રોટોકોલ અને નિયમોનું પાલન કરાવવું અશક્ય હોવાની વાત પણ સ્વીકારી હતી.

અંતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વિટર મારફતે કુંભની ઉજવણી પ્રતીકાત્મક રાખવા માટે જૂના અખાડાના સ્વામી અવધેશાનંદ ગિરિને અપીલ કરી હતી.

વડા પ્રધાનની અપીલને પગલે સ્વામી અવધેશાનંદ ગિરિએ લોકોને ગંગાસ્નાન માટે મોટી સંખ્યામાં ન આવવા અને નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી હતી.

કુંભમાંથી પરત આવેલા લોકો મુશ્કેલી વધારે તેવી ચિંતા કેમ?

નોંધનીય છે કે કુંભ મેળામાં શાહી સ્નાન નિમિત્તે જોવા મળેલી ભીડની તસવીરો સમગ્ર દેશમાં ભારે ચર્ચાનો મુદ્દો બની હતી.

તેમજ કુંભ મેળાના આયોજનસ્થળની આસપાસ મુલાકાતીઓના ટેસ્ટિંગ માટે હાથ ધરાયેલી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કોરોના પૉઝિટિવ મળી આવ્યા હતા.

શ્રદ્ધાળુઓ સિવાય ઘણા સાધુ-સંતો પણ કોરોનાગ્રસ્ત થયા હોવાના અહેવાલો જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા પર લોકોએ કુંભમાં એકઠી થયેલી ભીડને સરખામણી તબલીઘી જમાત પ્રકરણ સાથે કરી દીધી હતી.

ઘણા નિષ્ણાતોએ કુંભ મેળામાં સ્નાન માટે જામેલી ભીડને જોઈને એ વાતની ચિંતા વ્યક્ત કરી હતી કે કુંભમાંથી પાછા ફરેલા શ્રદ્ધાળુઓ દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં કોરોનાની સ્થિતિ વધુ વિકટ બનાવી શકે છે.

હવે જ્યારે લોકો કુંભ મેળામાંથી પાછા પોતાના વતને પહોંચી રહ્યા છે ત્યારે ઘણી રાજ્ય સરકારોએ રાજ્ય બહારથી આવતી વ્યક્તિઓ માટે RTPCR ટેસ્ટ ફરજિયાતપણે કરાવવાનો નિયમ ઘડ્યો છે.

આમ, સરકારી તંત્ર પોતાના તરફથી તમામ તકેદારીનાં પગલાં લેવાઈ રહ્યાં હોવાની વાત કરી રહ્યું છે પરંતુ ઘણાનું માનવું છે કે હજુ પણ રાજ્યમાં RTPCR ટેસ્ટનાં પરિણામ વગર જ લોકો પોતાના ઘરે પહોંચી રહ્યા છે.

જેમાંથી કુંભમાંથી પાછા ફરેલા યાત્રીઓ પણ બાકાત નથી.

લોકો ટેસ્ટિં ટાળી રહ્યા છે?

ગુજરાત સરકારે કુંભ મેળામાંથી પરત ફરેલા લોકો જે લોકો પૉઝિટિવ મળી આવે તેમને 14 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવાની ફરજ પાડવાનો નિયમ ઘડ્યો છે.

પરંતુ જાણકારો માની રહ્યા છે કે લોકો કુંભ સહિત રાજ્ય બહારથી પ્રવાસ કરી આવીને RTPCR ટેસ્ટ કરાવ્યા વગર જ રાજ્યની સરહદમાં પ્રવેશી રહ્યા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે રવિવારે વડોદરા રેલવેસ્ટેશન ખાતે આવેલ દહેરાદૂન એક્સપ્રેસમાં કુંભમાંથી પરત ફરેલ લોકોના ટેસ્ટિંગ માટે સ્થાનિક તંત્ર દ્વારા સુવિધા કરાઈહતી.

જોકે આખી ટ્રેનમાં સવાર મુસાફરો પૈકી માત્ર એક જ વ્યક્તિએ પોતે હરિદ્વારથી પરત ફરી હોવાનું કહી રિપોર્ટ કરાવ્યો હતો. જ્યારે બાકીના તમામે તેઓ દિલ્હી અને અન્ય સ્થળોએથી પરત આવી રહ્યા હોવાનો દાવો કર્યો હતો.

હવે જ્યારે લોકો ટેસ્ટિંગથી બચવા માટે જાતભાતના રસ્તા અપનાવી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે કુંભમાંથી પરત ફરેલા લોકો રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ વધુ ગંભીર બનાવશે કે કેમ તે પ્રશ્ન અંગે ઘણી ચર્ચા થઈ રહી છે.

'કુંભમાંથી આવેલા લોકો સુપરસ્પ્રેડર બની શકે છે'

ગુજરાતમાં પ્રવેશવા માટે રાજ્ય બહારથી આવતા લોકોએ નૅગેટિવ RTPCR રિપોર્ટ રજૂ કરવાની જોગવાઈછે છતાં ઘણા લોકો તે કરાવ્યા વગર જ રાજ્યમાં પ્રવેશી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો મળી રહી છે.

આ અંગે વાત કરતાં ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના સુરત ચૅપ્ટરના પ્રમુખ હિરલ શાહ જણાવે છે, "રાજ્યમાં મોટી સંખ્યામાં લોકો યોગ્ય ટેસ્ટિંગ વગર જ પ્રવેશે તે વાતની શક્યતા નકારી ન શકાય અને આવા લોકોના સુપરસ્પ્રેડર બનવાની પૂરેપૂરી શક્યતા છે."

તેઓ કહે છે, "કુંભમાંથી આવતી વ્યક્તિ સુપરસ્પ્રેડર ન બને તે માટે જરૂરી છે કે તંત્ર કુંભની મુલાકાતે ગયેલા લોકોની યાદીને કુંભમાંથી પરત ફરી રહેલા લોકોની યાદી સાથે સરખાવી યોગ્ય ઓડિટિંગ જેવું કામ કરે."

"આવું રાજ્યના તમામ પ્રવેશમાર્ગો પર થવું જોઈએ. જેથી રાજ્યમાં પ્રવેશનાર દરેકે-દરેક જણની નોંધ રાખી શકાય."

"રાજ્યમાં પ્રવેશી રહેલા તમામ લોકોને ફરજિયાત ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવે, જો આવું 100 ટકા શક્ય બને તો જ આ વાઇરસના કારણે ગુજરાતની હાલની પરિસ્થિતિને વધુ વણસતી અટકાવી શકાય."

અન્ય એક ડૉક્ટર જિતેન્દ્ર પટેલ માને છે, "રાજ્યમાં કુંભમાંથી પરત ફરી રહેલા લોકોના કારણે સ્થિતિ વધુ બગડવાની શક્યતા છે. પરંતુ આ સમસ્યા હાલમાં સ્થાનિક સ્તરે જે સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેની સરખામણીમાં ખૂબ જ નાની છે."

"હાલ આપણી પ્રાથમિકતા સ્થાનિક સ્તરે જોવા મળી રહેલા સંક્રમણના કેસો ઓળખીને સંક્રમણ અટકાવવાની હોવી જોઈએ."

"જોકે, કુંભમાંથી પરત ફરેલી વ્યક્તિઓએ પણ યોગ્ય ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટની પ્રક્રિયામાંથી પસાર થવું પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તો સંક્રમણ વધુ વકરવાની શક્યતાઓ બિલકુલ નિવારી શકાય તેમ છે."

તંત્રની કેવી છે તૈયારી?

સુરત શહેરના મ્યુનિસિપલ કમિશનર બંચ્છાનિધિ પાનીએ તંત્રની તૈયારીઓ વિશે વાત કરતાં જણાવે છે કે શહેરમાં બહારનાં રાજ્યોમાંથી આવેલા લોકોના ટેસ્ટિંગ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

તેઓ કહે છે, "અમે કુંભ મેળામાંથી અને બહારનાં રાજ્યોમાંથી શહેરમાં આવી રહેલા લોકો પૈકી કોરોના સંક્રમિતોને શોધવા માટે રેલવેસ્ટેશન અને ઍરપૉર્ટ પર ટેસ્ટિંગ ટીમો તહેનાત કરી છે."

બચ્છાનિધિ પાની આગળ કહે છે, "રવિવારે રેલવેસ્ટેશન પર 2000 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી કુલ 63 લોકો પૉઝિટિવ મળી આવ્યા. જે પૈકી આઠ લોકો એવા હતા, જેઓ કુંભ મેળામાંથી પરત ફર્યા હતા."

તેઓ કહે છે કે, "આ કામ માટે અમે રેલવેસ્ટેશન પર દસ, ટોલનાકા પર આઠ અને ઍરપૉર્ટ પર પાંચ ટીમો કામે લગાવાઈ છે."

વડોદરામાં કોરોના મહામારીના નિયંત્રણ માટે નિમાયેલા ઑફિસર ઑન સ્પેશિયલ ડ્યૂટી વિનોદ રાવ જણાવે છે કે, તેઓ પણ અલગ-અલગ ટીમો બનાવીને શહેરમાં બહારનાં રાજ્યોથી આવનારા લોકોને ટ્રેસ કરવાની કામગીરી કરી રહ્યા છે.

તેઓ કહે છે, "જો કોઈ વ્યક્તિ ઍન્ટ્રી પૉઇન્ટે થયેલી તપાસમાં પૉઝિટિવ મળી આવે તો તેને તરત ક્વોરૅન્ટીન સેન્ટરમાં મોકલી આપવામાં આવે છે. આ સિવાય અમે જે વ્યક્તિઓ પૉઝિટિવ નથી મળી આવતા તેમને પણ 14 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવાનું જણાવીએ છીએ."

સુરતના મ્યુનિસિપલ કમિશનર બંચ્છાનિધિ પાની જણાવે છે કે સુરત શહેરમાં કુંભ કે અન્ય રાજ્યોમાંથી આવી રહેલી કોઈ પણ વ્યક્તિની ટેસ્ટિંગ કરવામાં આવતું ન હોય તેવું નથી બનતું.

તેઓ કહે છે, "કોઈ પણ વ્યક્તિ આ પ્રક્રિયા બાયપાસ કરીને શહેરમાં પ્રવેશી શકતી નથી."

"કોઈ પણ વ્યક્તિ ટેસ્ટિંગમાં બાકી ન રહે તે માટે અમે ત્રણ તબક્કામાં ટ્રૅકિંગની કાર્યવાહી કરીએ છીએ. એક બોર્ડિંગ વખતે, બીજું જે તે વ્યક્તિ ઘરે પહોંચ્યા બાદ તેમની સાથે મુલાકાત કરવામાં આવે છે."

"અંતે સોસાયટીના પ્રમુખને સૂચના આપવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ અન્ય રાજ્યમાંથી તેમની સોસાયટીમાં પરત ફરે તો તેની જાણ તરત કૉર્પોરેશનને કરવામાં આવે. આવું ન કરનાર વ્યક્તિ પર કાર્યવાહી પણ કરવામાં આવે છે."

રાજકોટ શહેર મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર ઉદિત અગ્રવાલ જણાવે છે, "બસ થકી શહેરમાં પ્રવેશી રહેલા લોકો માટે અમે દરેક પ્રવેશ પૉઇન્ટે સૂચના લખી છે કે જે લોકો કુંભથી આવ્યા છે તેઓ ટેસ્ટ કરાવે."

"આ સિવાય જે લોકો અન્ય સ્થળેથી આવી રહ્યા છે, તેમના તાપમાનની ટેસ્ટિંગની પ્રક્રિયા અમે કરી રહ્યા છીએ. જેથી સિમ્પ્ટોમેટિક દર્દીઓને અલગ તારવી શકાય અને તેમને રોગના પ્રસારક બનતા અટકાવી શકાય."

જોકે તેઓ એ વાત માને છે કે કોરોના ટેસ્ટિંગ બાબતે તંત્ર લોકોની પ્રામાણિકતા પર આધાર રાખી રહ્યું છે.

જો લોકો ખરેખર ક્યાંથી આવ્યા છે તે અંગે સાચું નહીં બોલે તો તેવી પરિસ્થિતિમાં કોરોના સંક્રમિત લોકોને શોધવાનું કામ મુશ્કેલ બની શકે તેવું તેઓ સ્વીકારે છે.

'નૅગેટિવ આવે તેમને પણ હોમ આઇસોલેશનમાં રખાય છે'

રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ જણાવે છે, "સોમવારે સવારે રાજકોટ રેલવેસ્ટેશને આવેલી ટ્રેનમાં સવાર 147 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 13 લોકો પૉઝિટિવ મળી આવ્યા."

"આ મુસાફરો પૈકી જે લોકો નૅગેટિવ આવ્યા છે, તેમને પણ અમે ફરજિયાત હોમ ક્વોરૅન્ટીન રહેવા જણાવ્યું છે. જેથી પાછળથી જોલક્ષણો દેખાય તો અન્યો સુધી આ ચેપનો પ્રસાર ન થાય."

આ અંગે જ્યારે અમે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર મુકેશ કુમાર સાથે વાત કરી ત્યારે તેમણે ટેક્સ્ટ મૅસેજ થકી જણાવ્યું કે "અમદાવાદમાં બહારનાં રાજ્યોમાંથી આવનારા તમામ મુસાફરો પૈકી જેઓ પૉઝિટિવ મળી આવે છે તેમને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના આઇસોલેશન સેન્ટરમાં મૂકવામાં આવે છે."

તંત્ર દ્વારા અપનાવાઈ રહેલી વ્યૂહરચના અંગે વાત કરતાં કહે છે, "આવા મુસાફરોમાંથી જે લોકોના રિપોર્ટ નૅગેટિવ આવે છે, તેમને 14 દિવસ માટે કડક હોમ આઇસોલેશનમાં રહેવાની સૂચના અપાય છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો