મનમોહન સિંહ કોરોના સંક્રમિત : પૂર્વ વડા પ્રધાનને દિલ્હી AIIMSમાં દાખલ કરાયા - BBC TOP NEWS

ભારતના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનો કોરોના વાઇરસ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેમને દિલ્હીની ઍમ્સ હૉસ્પિટલના ટ્રૉમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

હાલમાં જ તેમણે એક પત્ર લખીને કોરોનાની બીજી લહેર સામે ભારત સરકારે શું પગલાં લેવાં જોઈએ એ અંગે પાંચ સૂચનો કર્યાં હતાં.

તેમના પત્રમાં રસીકરણને વેગ આપવાની સલાહ આપવામાં આવી હતી, એ સિવાય રસીના સંભવિત પુરવઠામાંથી રાજ્યોને કઈ ફૉર્મ્યુલા આધારે વહેંચણી કરાશે, આ અંગે સરકારે સંકેત આપવા જોઈએ.

કેન્દ્ર સરકાર 10 ટકા રસી ઇમર્જન્સી માટે બાજુ પર રાખી શકે છે.

તેમણે ફ્રન્ટલાઇન વર્કર્સની સ્પષ્ટ વ્યાખ્યા કરવા અને રસીનિર્માતાઓને વિશેષ પરવાનો આપવાની વાત પર ભાર મૂક્યો હતો.

જોકે તેમનાં પાંચ સલાહ-સૂચનોનો જવાબ આપતા દેશના આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે પહેલાં કૉંગ્રેસે ડૉ. મનમોહન સિંહના સૂચનોને માનવાની જરૂર છે.

ગુજરાત : કોરોનાની બીજી લહેરમાં ગર્ભવતી મહિલાઓને વધુ ખતરો?

ગુજરાતમાં રવિવારે કોરોનાના નવા 10,340 કેસ મળી આવ્યા. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના દર્દીઓના દૈનિક નવા દર્દીઓ બાબતે આ આંકડો સૌથી મોટો છે.

નિષ્ણાતો અને રાજનેતાઓ ગુજરાત સહિત સમગ્ર દેશમાં વધી રહેલા કોરોનાના વ્યાપને 'વાઇરસની બીજી લહેર' ગણાવી રહ્યા છે.

આ લહેરમાં ભયભીત કરનારી વાત એ બની રહી છે કે આ વખત મોટી સંખ્યામાં યુવાન દર્દીઓને આ વાઇરસનો ચેપ લાગી રહ્યો હોવાનું માલૂમ પડ્યું છે.

પ્રથમ તબક્કાની સરખામણી વધુ સંખ્યામાં યુવાનો આ વાઇરસની ઝપેટમાં આવી રહ્યા છે. તેમાં પણ ગર્ભવતી મહિલાઓ પરના જોખમમાં અગાઉની પરિસ્થિતિની સરખામણીએ ઘણો વધારો થયો હોવાનું માલૂમ પડ્યું છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે રાજ્યના તબીબોને મતે હાલ ગુજરાતમાં મોટી સંખ્યામાં ગર્ભવતી મહિલાઓને આ વાઇરસનો ચેપ લાગી રહ્યો છે.

અહીં માત્ર ચેપગ્રસ્ત થવા સુધી વાત સીમિત નથી રહી, મોટી સંખ્યામાં આવી ચેપગ્રસ્ત મહિલાઓને ICUમાં દાખલ થવું પડી રહ્યું હોવાની વાત સામે આવી છે.

અમદાવાદની SVP હૉસ્પિટલનાં ડૉ. મોનીલા પટેલ આ વિશે અખબાર સાથે વાત કરતાં જણાવે છે, "અગાઉની લહેરમાં સગર્ભા મહિલાઓમાં આ વાઇરસ ઓછો જોખમી હોય તેવું જોવા મળી રહ્યું હતું પરંતુ હાલ એવું નથી."

બેડની સંખ્યા વધારીએ, તેનાથી વધારે નવા દર્દી મળી આવે છે : નીતિન પટેલ

રવિવારે બપોરે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ મેડિસિટીની બહાર પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે રાજ્યમાં દરરોજ કોરોના વાઇરસના નવ હજાર દર્દીઓ મળી આવી રહ્યા છે.

તેમણે કહ્યું, "પહેલી લહેરમાં કેટલાક જિલ્લાઓ અને શહેરોમાં જ કોરોના વાઇરસનું સંક્રમણ જોવા મળતું હતું. જ્યારે આજે એક પણ તાલુકો કે જિલ્લો કોરોના વાઇરસની ઝપેટમાં ન આવ્યો હોય તેવું નથી."

તેમણે આગળ કહ્યું, "સરકાર તરફથી પથારીઓની સંખ્યા વધારવામાં આવી રહી છે. નવું તંત્ર ઊભું કરીએ છીએ, નવી વ્યવસ્થાઓ ઊભી કરીએ છીએ પરંતુ વધારે દર્દીઓ આવતા જાય છે."

નીતિન પટેલે કહ્યું હતું, "અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં 17 અને 18 તારીખના 24 કલાકના ગાળામાં 399 દર્દીઓ આવ્યા છે. ખાનગી હૉસ્પિટલો બેડ ફૂલ હોવાના કારણે અથવા પોતાનું સારું દેખાય તે માટે ગંભીર દર્દીઓની સારવાર કરતી નથી."

"આવા ગંભીર દર્દીઓની સારવાર સરકાર કરવાની ના પાડી ન શકે, માટે હૉસ્પિટલની બહાર લાંબી લાઇન લાગ્યાના સમાચાર છપાતા હોય પણ અમે તમામ લોકોને સારવાર આપી રહ્યા છીએ."

પટેલે કહ્યું, "108 કોરોના વાઇરસના દર્દીઓને હૉસ્પિટલ પહોંચાડવાનું કામ કરે છે, જ્યારે બીજી બાજુ તેમને અકસ્માત, હાર્ટ ઍટેક તેમજ અન્ય ઇમર્જન્સીમાં દર્દીઓને હૉસ્પિટલે પહોંચાડવાનું કામ કરવાનું હોય છે. આમ 108 પર ખૂબ ભારણ છે."

"108ની ટેલિફોન લાઇન પર 132 ઑપરેટરને બેસાડ્યા છે. છતાં અનેક વ્યક્તિઓના ફોન ફૉલૉઅપ માટે આવે છે માટે લાઇન વ્યસ્ત આવે છે."

ઓક્સિજનના વધતા જતા ઉપયોગ અંગે કહ્યું, "અમદાવાદ મેડિસિટિમાં જ 1200 બેડની કોવિડ હૉસ્પિટલમાં દરરોજનો 50 ટન ઓક્સિજન વપરાય છે."

"જે દર્દીઓ ઍમ્બ્યુલન્સમાં આવી રહ્યા છે, તેમને ઍમ્બ્યુલન્સમાં જ સારવાર આપીએ છીએ. આ ઉપરાંત આસપાસ બીજી હૉસ્પિટલમાં પણ દસથી 15 ટન ઓક્સિજન વપરાય છે."

પહેલી લહેર અને બીજી લહેરની સરખામણી કરતાં કહ્યું, "ગત વર્ષે સામાન્ય રીતે દર્દીઓને આટલા મોટા પ્રમાણમાં ઓક્સિજનની જરૂર પડતી ન હતી. ખુલ્લી હવામાં દરદીઓને રાખતા હતા તો પણ તેઓ સ્વસ્થ થઈ જતા હતા."

અમદાવાદ : ડ્રાઇવ-થ્રૂ ટેસ્ટિંગ સુવિધા બધા માટે ખુલ્લી મુકાઈ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને શનિવારે જાહેરાત કરી હતી કે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે શરૂ કરાયેલ RTPCR ડ્રાઇવ-થ્રૂ ટેસ્ટ સુવિધાનો લાભ હવે ફોર-વ્હીલર ન ધરાવતા લોકો પણ લઈ શકશે.

આ જાહેરાત પ્રમાણે હવે દ્વિ-ચક્રી વાહનચાલકો, સાઇકલસવારો અને કોઈ પણ વાહન વગર પગપાળા આવેલી વ્યક્તિઓ પણ કોરોના ટેસ્ટિંગ કરાવી શકશે.

AMCએ એક સોશિયલ મીડિયા પોસ્ટ થકી આ અંગે માહિતી આપી હતી.

ટેસ્ટિંગની કામગીરી સવારના આઠ વાગ્યાથી લઈને રાતના આઠ વાગ્યા સુધી ચાલુ રહેશે.

નોંધનીય છે કે AMC દ્વારા ન્યૂબર્ગ સુપ્રાટૅક લૅબોરેટરીના સહયોગથી હેલ્મેટ ચાર રસ્તા પાસે, GMDC ગ્રાઉન્ડમાં કોરોના માટે ટેસ્ટ કરવવા ઇચ્છુક લોકો માટે ડ્રાઇવ-થ્રૂ ટેસ્ટિંગ સુવિધા શરૂ કરાઈ હતી.

ચેક રિપલબ્લિકના રાજદ્વારીઓને રશિયા આપશે દેશનિકાલ

રશિયાએ જાહેરાત કરી છે કે ચેક રિપલબ્લિકના 20 રાજદ્વારીઓેને દેશમાંથી નિષ્કાસિત કરી દેવાશે. ચેક રિપબ્લિકે શનિવારે 18 રશિયન રાજદ્વારીઓને દેશનિકાલ આપ્યો હતો.

ચેકના સ્થાનિક ગુપ્ત એજન્ટોનો દાવો છે કે 18 રશિયન રાજદ્વારીઓ ખરેખર ગુપ્ત સંચાલક છે.

શંકા છે વર્ષ 2014માં હથિયારોના એક ડેપોમાં થયેલા બ્લાસ્ટમાં તેઓ સામેલ રહ્યા હતા.

મૉસ્કોએ ચેક રાજદ્વારીઓને દેશ છોડવા માટે એક દિવસનો સમય આપ્યો છે, જ્યારે ચેક રિપબ્લિકે રશિયાના રાજદ્વારીઓને 72 કલાકનો સમય આપ્યો છે. રશિયાના વિદેશમંત્રીએ ચેકના નિર્ણયને શત્રુતાપૂર્ણ કામ ગણાવ્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો