કોણ છે એ મૌલાના, જેમની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ઠેર-ઠેર હિંસક પ્રદર્શનો થયાં

    • લેેખક, શુમાયલા જાફરી
    • પદ, બીબીસી સંવાદદાતા, ઇસ્લામાબાદ

પાકિસ્તાનમાં ધાર્મિક નેતા સાદ હુસૈન રિઝવી અને તેમના સહયોગીની ધરપકડ બાદ દેશના ઘણા ભાગોમાં તણાવ છે. આ દરમિયાન પોલીસે સાદ રિઝવી સહિત તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન પાર્ટી (TLP)ના ઘણા નેતાઓ વિરુદ્ધ 'આતંકવાદવિરોધી કાયદા' હેઠળ ગુનો નોંધ્યો છે.

લાહોર પોલીસે તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાનના વડા સાદ હુસૈન રિઝવી અને બીજા નેતાઓ અને પાર્ટીના કાર્યકર્તાઓ પર પાકિસ્તાન દંડ સંહિતાની અલગ-અલગ કલમો, 'આતંકવાદવિરોધી કાયદા' અને લોકવ્યવસ્થા વટહુકમ હેઠળ મામલો દાખલ કર્યો છે.

પોલીસ તરફથી અપાયેલી ફરિયાદ પર આ કેસ લાહોરના શાહદરા ટાઉન સ્ટેશનમાં નોંધાયો છે.

સાદ રિઝવી સિવાય કાઝી મહમૂદ રિઝવી, પીર સૈયદ ઝહીર અલ હસન શાહ, મેહર મુહમ્મદ કાસિમ, મોહમ્મદ એજાઝ રસૂલ, પીર સૈયદ ઇનાયત અલી શાહ, મોલાના ગુલામ અબ્બાસ ફૈઝી, મૌલાના ગુલામ ગૌસ બગદાદીનું નામ પણ રિપોર્ટમાં નોંધાયેલું છે.

આ સિવાય પાકિસ્તાનની આ ધાર્મિક પાર્ટીના અજ્ઞાત કાર્યકર્તાઓ પર પણ કેસ દાખલ કરાયો છે.

FIRમાં કહેવાયું છે કે આ લોકોએ સમગ્ર પાકિસ્તાનમાં લોકોને હિંસા કરવા અને જામ લગાડવા માટે ઉશ્કેર્યા. આ માટે લાઉડ સ્પીકર દ્વારા જાહેરાત કરવાના અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે પોતાના નેતાઓની ધરપકડનો વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓએ જીવન જોખમમાં મૂકવાના ઇરાદા સાથે પથ્થરમારો કર્યો અને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો. FIR પ્રમાણે પ્રદર્શનકારીઓએ પોલીસકર્મીઓને માર્યા અને સિપાઈ મોહમ્મદ અફઝલનું મૃત્યુ થયું.

સોમવારે પાકિસ્તાની પોલીસે સાદ રિઝવીની ધરપકડ કરી લીધી હતી. ત્યાર બાદથી સમગ્ર દેશમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે, જેથી આ વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે.

સાદ રિઝવીની ધરપકડ બાદ ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં પ્રદર્શનસ્થળોએ ઇન્ટરનેટ પણ બંધ કરી દેવાયું હતું, તેમજ ગુજરાંવાલામાં પ્રદર્શનકારીઓ પર કાબૂ મેળવવા માટે પોલીસની કબડ્ડીની ટીમ પણ ઉતારાઈ હતી.

સાદ રિઝવીની ધરપકડ બાદ શરૂ થયેલાં પ્રદર્શનોથી સૌથી વધુ લાહોર પ્રભાવિત થયું છે.

બીબીસી સંવાદદાતા શહઝાદ મલિક પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી શેખ રાશિદ અહમદના નેતૃત્વમાં ઇસ્લામાબાદમાં થયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં પ્રદર્શનોથી પ્રભાવિત રાષ્ટ્રીય રાજમાર્ગોને શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

આ બેઠકમાં પ્રદર્શનો બાદ પેદા થયેલી સુરક્ષાની પરિસ્થિતિઓ પર પણ ચર્ચા કરાઈ છે. તેમાં પંજાબ પોલીસ પ્રમુખ અને મુખ્ય સચિવ વીડિયો લિંક દ્વારા સામેલ થયા હતા. ધાર્મિક મામલાના મંત્રી નૂર ઉલ હક કાદરી પણ આ બેઠકમાં સામેલ રહ્યા હતા.

આ બેઠક બાદ ગૃહમંત્રીએ કહ્યું કે જેમની ધરપકડ કરાઈ છે તેમને છોડવામાં નહીં આવે. સોશિયલ મીડિયા પર ઘાયલ પોલીસકર્મીઓના પુષ્ટિ કરાયા વગરના વીડિયો પણ શૅર કરાઈ રહ્યા છે. તેમજ પ્રશાસને પ્રભાવિત ક્ષેત્રોમાં ઇન્ટરનેટ પણ બંધ કરી દીધું છે.

પાકિસ્તાનમાં ક્યાં-ક્યાં શું-શું થઈ રહ્યું છે?

ઇસ્લામાબાદ

ઇસ્લામાબાદ અને રાવલપિંડીના ઘણા વિસ્તારોમાં પ્રદર્શન થવાના અહેવાલો છે. સંવાદદાતા શહજાદ મલિક પ્રમાણે ફૈઝાબાદ અને ભારા કાહૂ વિસ્તારોમાં પ્રદર્શન થયાં છે. પોલીસે સામાન્ય લોકોને પરિવર્તિત રૂટો પર મુસાફરી કરવાનું કહ્યું છે.

ટ્રાફિક પોલીસ પ્રમાણે મરી રોડ પર ઘણાં સ્થળોએ પ્રદર્શન થયાં છે, જેમાં જામની સ્થિતિ થઈ છે. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસના જવાનો સિવાય રેન્જર પણ તહેનાત કરાયા છે.

ઇસ્લામાબાદનો અથલ ચોક ભારા કાહૂ વિસ્તાર સંપૂર્ણપણે બંધ રહ્યો. સો કરતાં વધુ કાર્યકર્તા રસ્તા પર અડગ રહ્યા હતા.

ઉગ્ર પ્રદર્શનકારી નારાબાજી કરી રહ્યા હતા અને મંચ પરથી ઉત્તેજક ભાષણ આપી રહ્યા હતા. રિપોર્ટો પ્રમાણે ઘણી જગ્યાઓએ હાથોમાં લાકડી લીધેલા લોકો રસ્તા જામ કર્યા છે.

પેશાવર

શહેરના રિંગ રોડ પર TLPના સમર્થકોએ પ્રદર્શન કર્યા. જોકે, બાદમાં નૅશનલ હાઇવે શરૂ કરી દેવાયો.

ગુજરાંવાલા

અહીં થોડી થોડી વારે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થતાં રહ્યાં. પોલીસે લાઠીચાર્જ બાદ શહેરના ચંદા કિલા ચોકને ખાલી કરાવ્યો.

ઇસ્લામાબાદથી લાહોર જઈ રહેલાં વાહન GT રોડ પર આ જ ચોક પરથી પસાર થાય છે. ગુજરાંવાલા પોલીસ પ્રમાણે પોલીસની કબડ્ડી ટીમના ખેલાડીઓને પણ ભીડ પર કાબૂ મેળવવા માટે બોલાવવામાં આવ્યા હતા.

પ્રદર્શનકારીઓએ કબડ્ડી ખેલાડી પર પણ પથ્થરમારો કર્યો છે. જોકે, પોલીસે દાવો કર્યો છે કે ચંદા કિલા ચોકને ખાલી કરાવી લેવાયો હતો.

લાહોર

અહીં પોલીસે ફ્લૅગ માર્ચ કાઢી હતી. તેમાં લાહોર પોલીસની ડૉલફિન ફૉર્સ અને ઇલીટ ફૉર્સના જવાનોએ પણ ભાગ લીધો. TLP કાર્યકર્તાઓનાં પ્રદર્શનોના કારણે જ શહેરના ઓછામાં ઓછા 17 વિસ્તારો બંધ રહ્યા.

યતીમખાના ચોકથી પ્રદર્શનકારીઓને હઠાવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો.

બીબીસી સંવાદદાતા ઉમર દરાઝ નાંગિયાના પ્રમાણે અહીં પોલીસે ઘણા મદરસા અને TLP નેતાઓનાં ઘરો પર દરોડા પાડ્યા હતા. ધરપકડથી બચવા માટે ઘણા કાર્યકર્તા પોતપોતાનાં ઘરોથી ભાગી ગયા છે.

કરાચી

સંવાદદાતા રિયાઝ સોહેલ પ્રમાણે શહેરના વિસ્તારોમાં TLP કાર્યકર્તા ધરણાં પર બેઠા છે. જોકે, પોલીસ તરફથી લાઠીચાર્જ અને ટિયરગૅસ શેલ છોડાયા બાદ ઘણાં સ્થળોએ પ્રદર્શન ખતમ થઈ ગયાં.

બલોચિસ્તાન

સંવાદદાતા મોહમ્મદ કાઝિમ પ્રમાણે સોમવારથી શરૂ થયેલાં પ્રદર્શનો હજુ સુધી ચાલી રહ્યાં છે. ક્વેટા-કરાચી હાઇવેને ખુઝદાર શહેરમાં બંધ કરી દેવાયો છે. જેના કારણે લોકોને પરેશાની થઈ રહી છે.

કરાચી પાસે હબ વિસ્તારમાં પણ કાર્યકર્તાઓએ ક્વેટા-કરાચી હાઈવેને જામ કર્યો છે. ડેરા જમાલ મુરાદ વિસ્તારમાં ક્વેટા-જૈકબાબાદ રોડને જામ કરી દેવાયો હતો જે પોલીસ બાદમાં ખાલી કરાવ્યો હતો.

કેમ સાદ રિઝવીની ધરપકડ થઈ?

પોલીસે રિઝવીની ધરપકડ કરવાનું કોઈ કારણ રજૂ કર્યું નહોતું. સાદ રિઝવી ઈશનિંદા વિરોધી ફાયરબ્રાન્ડ ધર્મગુરુ ખાદિમ હુસૈન રિઝવીના દીકરા છે.

જોકે, તહરીક-એ-લબ્બૈક પાર્ટીના નેતા પોલીસના આ પગલાને 20 એપ્રિલના રોજ પ્રસ્તાવિત ઇસ્લામાબાદ માર્ચને રોકવાની કોશિશ તરીકે જોઈ રહ્યા છે.

સાદ રિઝવી જ્યારે એક દફનમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમની પોલીસે ધરપકડ કરી લીધી હતી

જેવી જ તેમની ધરપકડ થવાની ખબર ફેલાઈ તહરીક-એ-લબ્બૈક પાર્ટીના કાર્યકર્તાઓએ દેશના અલગ અલગ ભાગોમાં પ્રદર્શન શરૂ કરી દીધાં.

પ્રદર્શનો કેમ થઈ રહ્યાં છે?

પાકિસ્તાનની કેન્દ્રીય સરકારે તહરીક-એ-લબ્બૈકના પૂર્વ પ્રમુખ ખાદિમ હુસૈન રિઝવી સાથે 16 નવેમ્બર 2020ના રોજ ચાર સૂત્રીય સમજૂતી કરી હતી.

ખાદિમ ફ્રાન્સના રાજદૂતને દેશથી કાઢવાની માગ કરી રહ્યા હતા. સરકારે વાયદો કર્યો હતો કે તેઓ આ મુદ્દાને સંસદ સમક્ષ રજૂ કરશે અને સંસદમાં જે નક્કી થશે તે જ કરવામાં આવશે. આ સમજૂતી ખાદિમ હુસૈન રિઝવીને ઇસ્લામાબાદ તરફ માર્ચ કરવાથી રોકવા માટે કરવામાં આવી હતી.

જ્યારે આ સમજૂતીનું પાલન ન થયું તો પાર્ટીએ સરકાર સાથે ફેબ્રુઆરી 2021માં વધુ એક સમજૂતી કરી. જે અંતર્ગત TLPએ પાકિસ્તાન સરકારને ફ્રાંસના રાજદૂતને પાછા મોકલવા માટે 20 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે.

કોણ છે સાદ રિઝવી?

ખાદિમ રિઝવીનું ગયા વર્ષે મૃત્યુ થયું હતું. તેમની પાર્ટીની 18 સભ્યોવાળી સમિતિએ તેમના દીકરા સાદ હુસૈન રિઝવીને નવા પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા હતા.

ખાદિમ રિઝવીના દીકરા સાદ રિઝવીએ પોતાના પિતાના મિશનને આગળ વધારવાનું બીડું ઉઠાવ્યું છે. તેઓ હાલ પોતાના પિતા દ્વારા બનાવાયેલ મદરસામાં દર્સ નિઝામીના અંતિમ વર્ષના છાત્ર છે. ઇસ્લામી શિક્ષામાં આ ડિગ્રી સ્નાતકોત્તર બરોબર હોય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો