પાકિસ્તાનમાં વિદેશથી આવતું નાણું અચાનક કેવી રીતે વધ્યું?

    • લેેખક, તનવીર મલિક
    • પદ, પત્રકાર, કરાચી

મલિક અલ્લાહ યાર ખાન જેઓ જાપાનમાં વેપાર કરે છે, તેઓ હવાલા અને હૂંડી દ્વારા પાકિસ્તાનમાં તેમના પરિવારને પૈસા મોકલતા હતા.

પરંતુ તેમણે હવાલા અને હૂંડી દ્વારા પૈસા મોકલવાનું બંધ કરી દીધું છે અને હવે તેઓ પાકિસ્તાનમાં રહેતા તેમના પરિવારના ખર્ચ માટે બૅન્કિંગ ચેનલ દ્વારા પૈસા મોકલે છે.

જાપાનસ્થિત એક બિઝનેસ ફર્મ ફાઇનાન્સ ઇન્ટરનેશનલના એમડી મલિક અલ્લાહ યારના જણાવ્યા અનુસાર, બૅન્કો દ્વારા આપવામાં આવતી સુવિધાઓને કારણે તેમના માટે પાકિસ્તાનને નાણાં મોકલવાનું વધુ સરળ બન્યું છે.

તેમણે કહ્યું કે તેમની માહિતી મુજબ હવાલા અને હૂંડી દ્વારા પાકિસ્તાનને નાણાં મોકલવાનું કામ સંપૂર્ણ રીતે બંધ થયું નથી. હવે જાપાનમાં મોટી સંખ્યામાં રહેતા લોકો કાનૂની ચેનલો દ્વારા પાકિસ્તાનમાં નાણાં મોકલે છે.

નોર્વેના પાટનગર ઓસ્લોમાં કરિયાણાની દુકાનમાં કામ કરતા કંવલ અઝીમ પહેલાં હવાલા અને હૂંડી દ્વારા દેશમાં પૈસા મોકલતા હતા.

તેમનું કહેવું છે કે અહીં રહેતા કેટલાક લોકો હવાલા અને હૂંડી દ્વારા પૈસા મોકલવાનું કામ કરે છે. પરંતુ હવે આ માધ્યમથી પાકિસ્તાનમાં નાણાં મોકલવાનું કામ ઓછું થઈ ગયું છે.

તેમણે જણાવ્યું હતું કે તેઓ પોતે હવાલા અને હૂંડી દ્વારા પાકિસ્તાનમાં પૈસા મોકલતા હતા પરંતુ હવે બૅન્કિંગ ચેનલ દ્વારા પૈસા મોકલવાનું શરૂ કર્યું છે.

કૅલિફોર્નિયા (યુએસએ)માં નોકરી કરતા આઝમ શકીલે કહ્યું કે 99 ટકા લોકો પાકિસ્તાનની કાનૂની ચેનલો દ્વારા પાકિસ્તાનમાં નાણાં મોકલી રહ્યા છે અને માત્ર એક ટકા લોકો હવાલા અને હૂંડી દ્વારા પૈસા મોકલે છે.

તેમનું કહેવું છે કે પાકિસ્તાન કરતા અમેરિકન કાયદા આ મામલે વધુ કડક છે, જે ગેરકાયદેસર પૈસા મોકલનારાઓના ઇરાદા ધ્વસ્ત કરી નાખે છે.

જાપાનમાં રહેતા અલ્લાહ યાર ખાન, નોર્વેમાં કામ કરતા કંવલ અઝીમ અને અમેરિકામાં નોકરી કરતા આઝમ શકીલ, પાકિસ્તાનમાં રહેતા તેમના પરિવારોને જે નાણાં મોકલે છે તેને રેમિટન્સ (વિદેશથી મોકલવામાં આવતી કમાણી) કહે છે.

જે પાકિસ્તાનના ચાલુ ખાતામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

પાકિસ્તાનમાં વિદેશથી આવતી આ રકમમાં છેલ્લા ઘણા મહિનાઓથી સતત વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષના પહેલા આઠ મહિનામાં દર મહિને બે અબજ ડૉલર્સ કે તેથી વધુ રકમ પાકિસ્તાન મોકલવામાં આવી છે.

બીજી તરફ, કરાચીમાં રહેતા મહિલા હુમા મુજીબ પોતે વિદેશથી પૈસા મેળવે છે. હુમાના પતિ જર્મનીમાં નોકરી કરે છે અને થોડા સમય પહેલાં જ તેઓ પાકિસ્તાનથી જર્મની ગયા હતા.

હુમા મુઝિબે કહ્યું કે, તેમના પતિ દ્વારા મોકલાયેલાં નાણાં બૅન્ક દ્વારા આવે છે અને બૅન્ક તરફથી મોકલવામાં આવતાં નાણાં મામલેની પ્રક્રિયા સંતોષકારક છે અને તેમને ક્યારેય પણ બૅન્કમાં કોઈ મુશ્કેલી નથી થઈ.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમના પતિ દ્વારા મોકલેલા પૈસા ક્યારેય હવાલા અથવા હૂંડી દ્વારા આવ્યા છે અથવા કોઈએ તેમને આ રીતે પૈસા પ્રાપ્ત કરવાની રજૂઆત કરી હતી કે નહીં.

તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે આવી કોઈ ઑફર તેમને હજી સુધી કરવામાં આવી નથી.

પાકિસ્તાનમાં ચલણ વિનિમય વેપાર અને આર્થિક બાબતો પર નજર રાખનારાઓ અનુસાર, પાકિસ્તાનમાં હવાલા અને હૂંડી દ્વારા વિદેશથી મોકલવામાં આવતાં નાણાંમાં ઘટાડો અને બૅન્કિંગ ચેનલો દ્વારા આવતાં નાણાંમાં થયેલા વધારાને કારણે, રેમિટન્સમાં સતત વધારો થઈ રહ્યો છે.

આર્થિક બાબતો પર નજર રાખનારા લોકો આને સરકારના નિયમોમાં કડકાઈ તરીકે જુએ છે, જેને ફાઇનાન્સિયલ ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની શરતોને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યા છે, જેથી પાકિસ્તાન ગ્રે લીસ્ટમાંથી બહાર આવી શકે.

પાકિસ્તાનમાં આવતી વિદેશી કમાણીમાં કેટલો વધારો થયો?

આ વર્ષની શરૂઆતથી જ વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓ વતી પાકિસ્તાનમાં મોકલવામાં આવતાં નાણાંમાં વૃદ્ધિ જોવા મળી છે.

આરીફ હબીબ લિમિટેડના આર્થિક બાબતોના વિશ્લેષક સના તૌફીકે જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષના આરંભ પૂર્વે જ નાણાં મોકલવામાં વૃદ્ધિ શરૂ થઈ હતી અને છેલ્લા નાણાકીય વર્ષના છેલ્લા મહિનામાં બે અબજ ડૉલર્સ પાકિસ્તાન આવ્યા હતા.

સ્ટેટ બૅન્ક ઑફ પાકિસ્તાનના ડેટા અનુસાર, ફેબ્રુઆરી 2021માં સતત નવમા મહિનામાં નાણાંની રકમ બે અબજ ડૉલર્સને વટાવી ગઈ છે.

ફેબ્રુઆરી 2021માં કામદારોનું રેમિટન્સ 2.266 અબજ ડૉલર્સ છે, જે પાછલા મહિનાના રેમિટન્સ જેટલું છે. જો ફેબ્રુઆરી 2020ની તુલના કરવામાં આવે તો તે તેનાથી 24.2 ટકા વધુ છે.

જુલાઈથી ફેબ્રુઆરીના નાણાંકીય વર્ષ-21 દરમિયાન, કામદારોનું રેમિટન્સ 18.7 અબજ ડૉલર્સ પર પહોંચ્યું છે, જેમાં પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 24.1 ટકાનો વધારો જોવા મળ્યો છે.

જુલાઈથી ફેબ્રુઆરીના નાણાંકીય વર્ષ- 21 દરમિયાન, મોટાભાગનાં નાણાં સાઉદી અરેબિયા (5.0 અબજ ડૉલર્સ), યુનાઇટેડ આરબ અમીરાત (3.9 અબજ ડૉલર્સ), બ્રિટન (2.5 અબજ ડૉલર્સ) અને અમેરિકાથી (1.6 અબજ ડૉલર્સ) આવ્યા હતા.

વિદેશથી મળતી આવકમાં વધારો થવાનાં કારણો

દેશમાં રેમિટન્સના વધારા પર ટિપ્પણી કરતા પાકિસ્તાનની સેન્ટ્રલ બૅન્કે કહ્યું છે કે જેમાં સતત વધારો કરવામાં મદદ મળી છે તે પૈકી સરકાર અને સ્ટેટ બૅન્ક ઑફ પાકિસ્તાની સત્તાવાર ચેનલો દ્વારા નાણાં મોકલવા માટે લેવામાં આવતા નીતિગત પગલાં અને ઉપાય કારણભૂત રહ્યાં છે.

આમાં કોરોનાના મહામારીને કારણે મર્યાદિત ક્રૉસ-બૉર્ડર મુસાફરી, રોગચાળા દરમિયાન પાકિસ્તાનને તબીબી ખર્ચ અને કલ્યાણકારી નાણાંના હસ્તાંતરણ તથા વિનિમય બજારની સ્થિરતા સામેલ છે.

વિશ્લેષક સના તૌફીકે જણાવ્યું કે, ગેરકાયદેસર ચેનલો સામે લેવાયેલાં પગલાંને કારણે કાનૂની ચેનલો દ્વારા નાણાં મોકલવા માટે પ્રોત્સાહન મળ્યું છે.

તેમણે કહ્યું કે કોરોના વાઇરસના કારણે વિશ્વવ્યાપી પર્યટન બંધ થઈ ગયું છે. તેથી, વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓ, જે વિદેશી મુસાફરી અને મનોરંજન પાછળ પૈસા ખર્ચતા હતા, તેમણે પણ તે પૈસા પાકિસ્તાન મોકલ્યા હતા.

સના કહે છે, "શરૂઆતમાં, ધારણા સાચી હતી કે વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓ તેમની બચત અને નોકરીઓથી મુક્ત થઈને તેમની જમા કરેલી મૂડી પાકિસ્તાન મોકલી રહ્યા હતા, જેના કારણે નાણાંની રકમ વધી હતી અને તે બન્યું હતું."

"પણ આમાં સતત વધારો સૂચવે છે કે નાણાં મોકલવામાં અન્ય પગલાં પણ કારણભૂત રહ્યાં છે."

પાકિસ્તાનની ઍક્સચેન્જ કંપની ઍસોસિયેશનના જનરલ સેક્રેટરી, ઝફર પર્ચાએ જણાવ્યું હતું કે સરકાર અને સ્ટેટ બૅન્કની નીતિએ પરિવર્તનની બાબતે સૌથી મોટી ભૂમિકા ભજવી છે, આને કારણે રેમિટન્સ બૅન્કિંગ ચેનલ તરફ વધુ વળ્યું છે.

તેમણે કહ્યું, "જ્યારે કાયદેસર ચેનલ સિવાયની કોઈ પણ ચેનલમાંથી પૈસા આવે અને આપણે તેનો ઉપયોગ કરવા જઈએ, ત્યારે એનો સ્રોત પૂછવામાં આવે છે કે પૈસા ક્યાંથી આવ્યા છે."

"ફાઇનાન્સિયલ મૉનિટરિંગ યુનિટ આ માટે સક્રિય છે, તેના પર કામ કરે છે અને વ્યવહારોનું નિરીક્ષણ કરે છે. તેથી જ લોકો કાનૂની જવાબદારી ટાળવા માટે બૅન્કિંગ ચેનલ મારફતે જવાનું પસંદ કરે છે." 

FATFની શરતોએ કેટલી મદદ કરી?

નાણાં મોકલવામાં સતત વધારો થવાનું એક કારણ એફએટીએફની શરતો છે. પાકિસ્તાન તેને પૂર્ણ કરીને ગ્રે લિસ્ટમાંથી બહાર આવી શકે છે.

આ અંગે સના તૌફીકે કહ્યું હતું કે સરકારે માત્ર આ શરતોને પરિપૂર્ણ કરવા માટે એવાં પગલાં લીધાં છે, જેથી પાકિસ્તાનમાંથી બહાર જતા અને દેશમાં આવતાં નાણાં પર નજર રાખી શકાય.

તેમણે કહ્યું, 'આ પગલાંને લીધે હવાલા અને હૂંડી જેવા ગેરકાયદેસર સ્રોતમાંથી આવતાં નાણાં પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે હવે સરકારી એજન્સીઓની દેખરેખ હેઠળ એ શક્ય નથી રહ્યું.'

તેમણે કહ્યું કે આ શરતો હેઠળ અને મની-લૉન્ડરિંગ અને ગ્રાહક વિશેની વિગતો હેઠળ લોકોને પૂછવામાં આવે છે કે પૈસા ક્યાંથી આવે છે અને કેવી રીતે આવે છે.

સનાએ કહ્યું કે પાકિસ્તાને અત્યાર સુધીમાં જે શરતો પૂરી કરી છે, તેમાં મની-લૉન્ડરિંગ રોકવું પણ સામેલ છે, જેથી રેમિટન્સને કાનૂની ચેનલોમાં સ્થળાંતર કરવામાં મદદ મળી છે.

ઝફર પર્ચાએ આ અંગે જણાવ્યું હતું કે હવાલા અને હૂંડીને 40થી 50 વર્ષ પહેલાં ગેરકાયદેસર માનવામાં આવતું ન હતું. જોકે છેલ્લાં 25 વર્ષોમાં દેખરેખ રાખવામાં આવી હતી અને ગેરકાયદેસર સ્રોત તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, એફએટીએફની શરતોમાં સૂચન આપવામાં આવ્યું હતું કે ભંડોળના સ્રોત ઓળખી શકાય અને પાકિસ્તાને તેનો અમલ કર્યો જેથી પાકિસ્તાનને ગ્રે સૂચિમાંથી બહાર લાવી શકાય.

ઝફર પર્ચાએ કહ્યું કે તેમણે આંતરરાષ્ટ્રીય પરિષદમાં કહ્યું હતું કે લોકોને ખબર નથી કે હવાલા અને હૂંડી દ્વારા પૈસા મોકલવા એ ગુનો છે. જ્યારે આ વિશે જાણ થઈ અને એફએટીએફની શરતોને કારણે કડકાઈ વધી, ત્યારે લોકોએ કાનૂની ચેનલો એટલે કે બૅન્કિંગ ચેનલો દ્વારા વિદેશથી પૈસા મોકલવાનું શરૂ કર્યું છે.

વિદેશથી આવતાં નાણાં અંગે ઝફર પર્ચાએ જણાવ્યું કે શંકાસ્પદ વ્યવહારો પર સરકારી એજન્સીઓના સક્રિય થવા પહેલાં ઍક્સચેન્જ કંપનીઓ પોતે સક્રિય થઈ જાય છે. તેઓ સંબંધિત સરકારી એજન્સીઓને કહે છે કે આ વ્યવહાર શંકાસ્પદ છે.

શું રેમિટન્સમાં વધારો ચાલુ રહેશે?

આગામી મહિનામાં રેમિટન્સમાં થનારા વધારા વિશે વાત કરતાં સના તૌફીકે કહ્યું કે આમાં હજુ વધુ વધારો થશે.

તેમણે કહ્યું કે રમઝાન અને ઈદના કારણે ચાલુ નાણાંકીય વર્ષના બાકીના ચાર મહિનામાં વૃદ્ધિ ચાલુ રહેવાની સંભાવના છે.

તેમણે કહ્યું કે દેશને અત્યાર સુધીમાં 18 અબજ ડૉલર્સથી વધારાની રકમ પ્રાપ્ત થઈ છે અને જો આ વલણ ચાલુ જ રહે, તો તેઓ અપેક્ષા રાખે છે કે રેમિટન્સ આખા વર્ષમાં 28 અબજ ડૉલર્સ થઈ જશે. જે દેશના ચાલુ ખાતા માટે મહત્ત્વનું પુરવાર થશે.

નિકાસ અને આયાત વચ્ચેના તફાવતથી સર્જાયેલી વેપાર ખાધ ચાલુ ખાતાને અસર કરી શકે છે. આથી તેને રેમિટન્સમાં આવતાં નાણાં દ્વારા સરભર કરી સ્થિર કરી શકાય છે.

સનાએ કહ્યું કે તે ડૉલર સામે રૂપિયાના મૂલ્યને પણ સ્થિર બનાવશે. આ સાથે જ આગામી દિવસોમાં ક્રૂડ ઑઇલના વધેલા ભાવને લીધે, આયાત કરવામાં આવનારા પેટ્રૉલિયમ પેદાશોના ભાવને અમુક હદ સુધી નિયંત્રિત કરવામાં પણ મદદ મળશે.

ઝફર પર્ચાએ પણ આશા વ્યક્ત કરી છે કે નાણાં મોકલવામાં થનારો વધારો ચાલુ રહેશે.

તેમણે કહ્યું કે હવે આવી કોઈ સ્થિતિ નથી કે લોકો ગેરકાયદેસર રીતે પાકિસ્તાનને નાણાં મોકલે, જ્યારે નાણાં કાનૂની ચેનલ દ્વારા આવશે, તે પછી તે ચોક્કસપણે રેકૉર્ડનો એક ભાગ હશે, જે વૃદ્ધિનું કારણ બનશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો