You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે ભારતીય વિમાનનું અપહરણ કરી કંદહાર લઈ જવાયું
21 વર્ષ પહેલાંની 24 ડિસેમ્બરની એ સાંજ હતી અને દિવસ હતો શુક્રવારનો. ઘડિયાળમાં ચારના ટકોરાનો રણકાર ઉતાવળ કરી રહ્યો હતો.
એ જ વખતે નેપાળના કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પરથી ઇન્ડિયન ઍરલાઇન્સની ફ્લાઇટ સંખ્યા 418 નવી દિલ્હી માટે ઊડી.
પાંચ વાગ્યા અને વિમાન ભારતીય વાયુ ક્ષેત્રમાં દાખલ થયું.
ભારતીય વાયુક્ષેત્રમાં વિમાન દાખલ થતાંની સાથે જ ફ્લાઇટમાં બેઠેલા અપહરણકારો હરકતમાં આવ્યા અને તેમણે ફ્લાઇટને પાકિસ્તાન લઈ જવાનો આદેશ આપ્યો.
એ સાથે જ વિશ્વને વાવડ મળ્યા કે ભારતીય વિમાનનું અપહરણ કરી લેવાયું છે. છ વાગ્યે વિમાન અમૃતસર માટે થોડા સમય માટે રોકાયું અને ત્યાંથી સીધું જ લાહોર ઊડી નીકળ્યું.
થોડી વારમાં જ વિમાન લાહોર પહોંચ્યું અને પાકિસ્તાની સરકારની મંજૂરી વિના જ રાતે આઠ વાગીને સાત મિનિટે લાહોરની ધરતી પર લૅન્ડ થયું.
વિમાન અહીં પણ ના ટક્યું અને લાહોરથી દુબઈના રસ્તે થતું આગામી દિવસે લગભગ સવારે આઠ વાગ્યે અફઘાનિસ્તાનમાં કંદહારની ધરતી પર ઊતર્યું.
આ એ સમય હતો જ્યારે કંદહાર પર તાલિબાનનો કબજો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિમાનનું અપહરણ કરાયાના ગણતરીની કલાકોમાં જ અંતિમવાદીઓએ રુપન કાત્યાલ નામના પ્રવાસીને મારી નાખ્યો.
25 વર્ષના એ મુસાફરને અપહરકર્તાઓએ ચાકુ હુલાવી દીધું હતું.
180 લોકો સવાર હતા...
એ વિમાનમાં કુલ 180 લોકો સવાર હતા. ઉગ્રવાદીઓ રાતના પોણા બે વાગ્યે વિમાનને દુબઈ લઈ ગયા.
ત્યાં ઇંધણ ભરવાના બદલામાં કેટલાક મુસાફરોને મુક્ત કરવાની સમજૂતી સધાઈ, જેના આધારે 27 મુસાફરોને મુક્ત કરવામાં આવ્યા.
મુક્ત કરાયેલા મોટાભાગના મુસાફરોમાં મહિલાઓ અને બાળકો સામેલ હતાં. આ ઘટનાના એક દિવસ બાદ ડાયાબિટીસથી પીડિત એક વ્યક્તિને પણ મુક્ત કરાઈ.
કંદહારમાં પેટના કૅન્સરથી પીડિત સિમોન બરાર નામની મહિલાને સારવાર માટે વિમાનમાંથી બહાર જવાની મંજૂરી અપાઈ.
જોકે, આ દરમિયાન ભારત સરકારની મુશ્કેલી સતત વધી રહી હતી.
સરકાર પર મીડિયા દબાણ કરી રહ્યું હતું. બંધક મુસાફરોના કુટુંબીજનો વિરોધ પ્રદર્શનો કરી રહ્યા હતા.
અને આ બધા વચ્ચે અપહરણકારીઓ પોતાના 36 ઉગ્રવાદી સાથીઓની મુક્તિ ઉપરાંત 20 કરોડ અમેરિકન ડૉલરની માગ કરી રહ્યા હતા.
તાલિબાનની ભૂમિકા
એટલું જ નહીં, અપહરણ કરનારાઓ એક કાશ્મીરી અલગતાવાદીનો મૃતદેહ પણ માગી રહ્યા હતા.
પેટના કૅન્સરથી પીડાઈ રહેલી મહિલાની તબિયત વિમાનમાં બગડવા લાગી હતી અને તાલિબાને તેની સારવાર માટે અપહરણકારો સાથે વાત શરૂ કરી હતી.
તાલિબાન એક તરફ વિમાનના અપહરકર્તાઓ તો બીજી બાજુ ભારત સરકાર પર જલદી સમજૂતી કરવા દબાણ કરી રહ્યા હતા.
આ દરમિયાન એક એવો સમય પણ આવ્યો કે સૌને લાગવા લાગ્યું કે તાલિબાન કોઈ આકરું પગલું ભરી લેશે.
જોકે, બાદમાં ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું, ''તાલિબાને કંદહારમાં કોઈ ખૂનરેજી ના થઈ જોઈએ એવું કહીને સકારાત્મક વલણ દર્શાવ્યું છે એટલે અપહરણ કરનારા પોતાની માગથી પાછળ હટવા મજબૂર થયા છે."
મુશ્કેલીમાં વાજપેયીની સરકાર
વિમાનમાં મોટાભાગના પ્રવાસીઓ ભારતીય જ હતા.
જોકે, એ ઉપરાંત ઑસ્ટેલિયા, બેલ્જિયમ, કેનેડા, ફ્રાન્સ, ઇટાલી, જાપાન, સ્પેન અને અમેરિકાના નાગરિકો પણ વિમાનમાં સવાર હતા.
એ વખતની એનડીએની સરકારને મુસાફરોની મુક્તિ માટે ત્રણ ઉગ્રવાદીઓને કંદહાર જઈને મુક્ત કરવા પડ્યા હતા.
31મી ડિસેમ્બરે સરકાર અને અપહરણકર્તા વચ્ચે સમજૂતી થયા બાદ દક્ષિણ અફઘાનિસ્તાનમાં આવેલા કંદહાર ઍરપૉર્ટ પર અપહરણ કરીને રખાયેલા તમામ 155 બંધકોને મુકત કરી દેવાયા હતા.
આ નાટકનો અંત ત્યારે આવ્યો જ્યારે વાજપેયીની સરકાર ભારતીય જેલોમાં બંધ કેટલાક ઉગ્રવાદીઓને મુક્ત કરવા તૈયાર થઈ ગઈ.
એ વખતે વાજપેયીની સરકારના વિદેશમંત્રી જસવંતસિહ ખુદ ત્રણ ઉગ્રવાદીઓને પોતાની સાથે લઈને કંદહાર પહોંચ્યા હતા.
છોડી દેવાયેલા ઉગ્રવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસુદ અઝહર, અમહદ ઝરગર અને શેખ અહમદ ઉમર સામેલ હતા.
સુરક્ષાની ગૅરન્ટી
આ પહેલાં ભારત સરકાર અને ઉગ્રવાદીઓ વચ્ચે સમજૂતી થતાં જ તાલિબાને તેમને દસ કલાકની અંદર જ અફઘાનિસ્તાન છોડી દેવા માટેનું અલ્ટીમૅટમ આપી દીધું હતું.
શરતો સ્વીકારી લેવાઈ કે ઉગ્રવાદીઓ હથિયાર સાથે વિમાનમાંથી ઊતર્યા અને ઍરપૉર્ટ પર તેમની રાહ જોઈ રહેલાં વાહનોમાં બેસીને ગાયબ થઈ ગયા.
કહેવાય છે કે ઇન્ડિયન ઍરલાઇન્સના વિમાનનું અપહરણ કરનારા ઉગ્રવાદીઓએ પોતાની સુરક્ષાની ગૅરન્ટી તરીકે તાલિબાનના એક અધિકારીને પણ પોતાના કબજામાં રાખ્યો હતો.
કેટલાક મુસાફરોએ એવું પણ જણાવ્યું કે બંધક સંકટ દરમિયાન અપહરકર્તાઓએ પોતાના જ એક માણસની હત્યા કરી નાખી હતી.
જોકે, આ વાતની કોઈ પુષ્ટી કરી શક્યું નહોતું.
પૂરા આઠ દિવસ બાદ એટલે કે વર્ષના છેલ્લા દિવસે 31 ડિસેમ્બરે સરકારે સમજૂતીની જાહેરાત કરી.
વડા પ્રધાન વાજપેયીએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દેશને જણાવ્યું કે તેમની સરકાર અપહરણ કરનારાઓની માગોને ઘટાડવામાં ઘણા અંશે સફળ નીવડી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો